“વિશાળ વટવૃક્ષની છાયામાં પાંગરેલો ગુલાબનો નાનો છોડ: કમલા નહેરુ”
નવેમ્બર, ૧૯૫૭માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એક લેખ લખ્યો હતો તે લેખમાં તેમણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ઘટના એવી છે કે પંડિત જવાહરલાલ નહેરુના અલ્હાબાદના ઘેર કોઈ મહેમાન આવ્યા હતા. પંડિતજી સામાન્ય રીતે આઝાદીના સંગ્રામની ગતિવિધિઓ સાથે જોડાયેલા રહેતા હતા. આથી તેમની પોતાના ઘેર હાજરી ઘણી ઓછી રહેવા પામતી હતી. આથી આવા પ્રસંગે મહેમાનોને સાચવવાની જવાબદારી નહેરુજીના ધર્મપત્ની કમલા નહેરુની રહેતી હતી. મહેમાને આવ્યા પછી થોડા સમયમાં એક કિંમતી ફ્રોક કાઢીને કમલાજીના હાથમાં આપ્યું. ફ્રોક ખુબ જ સુંદર તથા મૂલ્યવાન હતું. મહેમાને કહ્યું કે તેઓ આ ફ્રોક ઇન્દિરા કે જે નાની બાળકી છે તેના માટે લાવ્યા હતા. કમલાજીએ આદરપૂર્વક આભાર માનીને કહ્યું કે તેમનું કુટુંબ હવે ગાંધીજીની ચળવળમાં પૂર્ણ રીતે જોડાયેલું છે. આથી આ ફ્રોક તેમની પ્રાથમિક શાળામાં ભણતી ઇન્દિરા માટે કામનું નથી.મહેમાનને થોડી નારાજગી થઇ. તેમણે કહ્યું કે બાળકોને આવી સુંદર વસ્તુઓ તો ગમે જ. આપણે વડીલો તેમના વિશે નિર્ણય કરી લઈએ તે ઉચિત નથી. કમલાજીએ કહ્યું કે તમારી એવી જ ઈચ્છા હોય તો આપણે ઈન્દીરાને જ પૂછી લઈએ. પૂછપરછ કર્યા બાદ તેનો જે નિર્ણય હોય તેને માન્ય કરીએ. કમલા નહેરુએ પુત્રી ઈન્દીરાને બોલાવી. માતાએ વાત્સલ્યથી દીકરીને કહ્યું કે આંટી તારા માટે આ વિદેશમાં બનેલું ફ્રોક લાવ્યા છે. ફ્રોક ખુબ જ સુંદર છે. પછી તેમણે પુત્રીને કહ્યું કે તેની ઈચ્છા હોય તો તે ફ્રોક પોતે રાખી શકે છે. માતા એમ પણ કહે છે કે ફ્રોક પસંદ કરતા પહેલા વિચાર કરજે કે આપણે મહાત્મા ગાંધીની હાકલને માન આપીને વિદેશી વસ્ત્રોની હોળી કરેલી છે. છતાં આ બાબતમાં પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપી. માતા જુએ છે કે દીકરીને ફ્રોક તો ગમ્યું છે. આમ છતાં નાની ઇન્દિરા મહેમાનને ફ્રોક પાછું આપે છે. માતાનું મૂંગું સમર્પણ અને ગાંધીજીની અસર બાળ માનસ પર છવાયેલું હોવાથી તેના માટે આ નિર્ણય સહજ હતો. જેમના જીવન વિશે બહુ વાતો નથી તેવા કમલા નહેરુએ કાશ્મીરી હિન્દૂ પરિવારમાં જન્મ લીધો હતો. જુના દિલ્હીમાં ‘બાઝાર સીતારામ’ વિસ્તારની સાંકડી ગલીમાં એક વિશાળ મકાનમાં તેમનું બાળપણ વીત્યું હતું. પિતા કિશનલાલ મુખિયાને સાત પુત્રો હતા. કમલાજીનો જન્મ ૧ ઓગસ્ટ ૧૮૯૯માં થયો હતો. વિશાળ ઘરના ખુલ્લા ફળિયામાં ભાઈઓ સાથે તેઓ મસ્તીથી રમતા હતા. પંડિતો ઘેર આવીને કોઈ દીકરી અભ્યાસ કરવા માગે તો કરાવતા હતા. આવો ભેદભાવ કેમ છે તે વાત કમલાને સમજાતી ન હતી. ભણવા ન જઈ શકાય તેમ શેરીમાં રમવા પણ ન જઈ શકાય. આ બાબતને કમલા ચુપચાપ સહન કરી લેતી ન હતી. આથી અનેક વખત તે છોકરાઓના કપડાં પહેરીને ઘરની બહાર રમવા જતી હતી. આવા નિયંત્રણોનો વિરોધ પણ કરતી હતી. કદાચ આજ કારણ હતું કે કમલા પોતાની પુત્રી ઈન્દીરાને છોકરાઓના કપડાં પહેરવા હંમેશા છૂટ આપતી હતી. અન્યાયી સામાજિક પ્રથાઓ સામે લડવાનો તેનો લડાયક જુસ્સો આજન્મ ટકી રહ્યો હતો. દેશમાં ચાલતી રાજનૈતિક ગતિવિધિઓથી તે પિતાના ઘેર વાકેફ ન હતી. તે સમયની સામાજિક પ્રથા મુજબ માતા-પિતા જ સંતાનોના લગ્નો નક્કી કરતા હતા. કમલાના માતા-પિતા પણ દીકરી માટે યોગ્ય મુરતિયાની શોધમાં હતા. આ દિવસોમાં જ એક દિવસ અલ્હાબાદના સુપ્રસિદ્ધ વકીલ મોતીલાલ નહેરુ દિલ્હી આવ્યા. તેઓ કિશનલાલને ત્યાં ગયા અને યોગાનુયોગ તેમની નજર કિશોરી કમલા પર પડી. વિચક્ષણ વકીલને દીકરીની સુંદરતા અને બુદ્ધિમતા જોઈને પોતાના પુત્ર જવાહરલાલ માટે તે અનુરૂપ પાત્ર જણાયું. મોતીલાલજીએ કમલાનો ફોટો જવાહરલાલને વિલાયતમાં મોકલ્યો. જવાહરલાલ ત્યાં અભ્યાસ કરતા હતા. કમલાને પણ સોળ વર્ષ પુરા થયા હતા. જવાહરલાલજીનાં નાનાબહેન ક્રિષ્નાજી એ લખ્યું કે કમલા ખુબ જ સ્વરૂપવાન છે. ફેબ્રુઆરી-૧૯૧૬માં જવાહરલાલ સાથે કમલા લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નોત્સવ ખુબ ધામધૂમથી ઉજવાયો. કમલાએ સાસરે આવીને એક અલગ જ દુનિયાનો અનુભવ કર્યો. કમલાના માતા-પિતા સુખી હતા પરંતુ મોતીલાલ નેહરુના કુટુંબની સમૃદ્ધિ જોઈને તેમ જ રહેણી કરણી જોઈને તેને આશ્ચર્યભાવ થયો. ‘આનંદ ભવન’માં જોયેલી પશ્ચિમના દેશોની જીવનશૈલીની અસર કમલાએ પિતાના ઘેર જોઈ ન હતી. પતિ જવાહરલાલ તેનાથી દસ વર્ષ મોટા હતા. ઉપરાંત વિલાયતમાં રહેવાથી તેમની જીવનશૈલી પણ અલગ હતી. તેની સામે કમલાની પરવરીશ ભારતીય પરંપરા પ્રમાણે થઇ હતી. આ જીવન પદ્ધતિમાં સાદગીનું વિશેષ મહત્વ હતું. કોઈ ભપકાને જોઈને અંજાઈ જાય તેવી મહિલા તે ન હતી. આથી અનેક સમયે તે એકલતા અનુભવતી હતી. જવાહરલાલે જયારે મહાત્મા ગાંધીને પગલે આઝાદીના સંગ્રામમાં ઝુકાવવાનું શરુ કર્યું ત્યારે પતિના આ નિર્ણયને કમલાનું પૂર્ણ સમર્થન હતું. આટલું પૂરતું ન હતું. કમલાએ પોતે પણ આઝાદીના સંગ્રામમાં જંપલાવ્યું અને જેલવાસ પણ ભોગવ્યો.
ભાગ્યનું નિર્માણ કમલા માટે કઠોર હતું. ખુબ જ નબળું શરીર ટીબીનો સામનો કરવા અસમર્થ હતું. કમલાની આ નબળી તબિયત દરમિયાન પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા ફિરોઝ ગાંધી તેમની સેવા કરવા માટે અનેક વખત આવતા હતા. આ શિક્ષિત પારસી યુવાન સારા પત્રકાર પણ હતા. ઈન્દિરાજી સાથેના ફિરોઝના સંબંધો આ બનાવોને કારણે વિશેષ મજબૂત બન્યા. આખરે બીમારી સામે કમલાનું શરીર ટકી ન શક્યું. ફેબ્રુઆરી ૧૯૩૬માં કમલાજી આ ફાની દુનિયા છોડી ગયા. તેમનું આયુષ્ય માત્ર ૩૭ વર્ષનું રહ્યું. ગાંધીજીએ કમલાના નિધન બાદ અફસોસ કરતા લખ્યું: “મેં આવી સાચી, સાહસી તથા પરમાત્મામાં શ્રદ્ધા રાખવાવાળી મહિલા ભાગ્યે જ જોઈ છે.”
વસંત ગઢવી
તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫
Leave a comment