કાળનો પ્રવાહ નિરંતર તથા વેગવાન છે. કાગધામ(મજાદર)માં પૂ. મોરારીબાપુએ કરેલા માનસગાનને ૧૦ વર્ષ પુરા થયા. રામકથાના આ ઐતિહાસિક પ્રસંગની મધુરી સ્મૃતિ આગામી કાગચોથના તા. ૦૩-૦૩-૨૫ના કાર્યક્રમ સંદર્ભે ફરી થાય તે સ્વાભાવિક છે. કોઈ કવિ માટે આવું વિશાળ તેમજ અર્થપૂર્ણ આયોજન જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. કાગ પરિવારનો અને સમગ્ર મજાદર તથા આસપાસના ગામોનો સહયોગ એ આ પ્રસંગની નોંધપાત્ર ઘટના હતી. વિશાળ માનવ મહેરામણે આ ઐતિહાસિક પ્રસંગનો લાભ લીધો. આપણાં સમાજના મુંબઈ સહિતના ગુજરાત બહારના અનેક સ્થળોએથી પણ લોકો આવ્યા. એક વિશાળ સામાજિક મિલન તરીકે પણ આ પ્રસંગ દીર્ઘકાળ સુધી સ્મૃતિમાં રહેશે. પૂ. આઈ સોનબાઈમા તથા ઋષિ કવિ ભગતબાપુના અસંખ્ય ચાહકો-ઉપાસકો માટેનો આ કુંભમેળા સમાન કાર્યક્રમ હતો. પૂ. બાપુના આશીર્વાદ તથા સ્નેહના તાંતણે આયોજકો તેમજ કથાનો વિશાળ શ્રોતાગણ બંધાયેલો હતો. પૂ. બાપુ જ્યાં જ્યાં તુલસીકૃત રામાયણની જીવન દર્શક તથા જીવન પોષક વાતો કરે છે તે દરેક પ્રસંગ અનન્ય છે. પરંતુ જ્યાં કાગના સાહિત્ય સર્જનની સુગંધ હજુ પણ માટીમાં મહોરે છે-મહેકે છે ત્યાં બેસીને રામકથાનું શ્રવણ કરવું તે માણવા જેવો પ્રસંગ હતો. કાગધામમાં રામકથા કહીને પૂજ્ય બાપુ આ “ફાટેલ પિયાલાના કવિ”ના કાળજયી સાહિત્યને સુવર્ણ તિલક કરતા હોય તેવી લાગણી સહજ રીતે થાય છે. કવિ શ્રી દુલા ભાયા કાગના સાહિત્ય અંગે ગુજરાતના અદ્વિતીય એવા લોક સેવક પૂજ્ય રવિશંકર મહારાજની વાત કાન માંડીને સાંભળવા તથા સમજવા જેવી છે. ૧૯૫૬ના ફેબ્રુઆરી માસમાં પૂ. દાદા લખે છે:
“હું તો તમારા મોઢામાંથી નીકળતી પંક્તિઓનો પ્રવાહ જોઈને દંગ થઇ જાઉં છું. વિચારું છું કે ક્યા અભ્યાસને અંતે આવો પ્રવાહ વહેતો હશે? કઈ સમજાતું નથી. એટલું સમજાય છે કે તમારા જેવા કવિઓ થતા નથી પણ જન્મે છે. ઈશ્વરનો એ આશીર્વાદ છે કે ઢોર ચારતાં, જંગલોમાં ફરતાં ફરતાં કાવ્યો સૂઝે અને પવિત્ર નદીઓનો પ્રવાહ વહે તેમ વહેવા માંડે. આ સામાન્ય વાત ન કહેવાય.”
પૂ. રવિશંકર દાદા ખરા અર્થમાં ઝવેરી હતા. તેમની પરખ તથા સૂઝના નિચોડ સ્વરૂપે અંતરની ઊર્મિથી ભીંજાયેલા આ શબ્દોને ઉજાળે તેવું ધન્યનામ સર્જન ભગતબાપુનું છે. શ્રી હિંગોળભાઈ નરેલા લખે છે તેમ આ કવિ સમગ્ર સમાજ માટે પુષ્પોની ચિરંજીવી સૌરભ પાથરીને વિશાળ લોક સમુદાયમાં હૃદયસ્થ થયા છે.
મધમધતો મૂકી ગયો બાવન ફૂલડાંનો બાગ.
અમ અંતરને આપશે કાયમ સૌરભ કાગ.
કવિ શ્રી કાગ સતત વિકસતા વિચારપુરુષ હતા. કોઈ એક રાજ્યના રાજ્યકવિ થઈને મળી શકતી મબલખ સુવિધાઓ સ્વીકારવાનું તેમણે સમજપૂર્વક ટાળ્યું હતું. લોકના થોકમાં જઈને આ કવિ પ્રગટ્યો છે. પગ મને ધોવાધ્યો રઘુરાય કે આવકારો મીઠો આપજે જેવા ભજનો આજે પણ વિશાળ લોક સમૂહના હૈયામાં જીવે છે અને ધબકતા રહે છે. કાગની કળાના પ્રશંસક તથા સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી વિનુભાઈ મહેતા કાગવાણીને લોકભાષાના ગ્રંથ સાહેબની ઉપમા આપીને નવાજે છે તે થોડામાં ઘણું કહી જાય તેવી સ્નેહાંજલિ છે. કવિને જગદંબાની કૃપાથી શબ્દની અમૂલ્ય સોગાત સાંપડી છે પરંતુ તેમની વાણીમાં ભારોભાર વિવેક તથા વિનયના દર્શન થાય છે.
સતગુરુ ! હું તો વગડાનું ફુલડું રે…
સાધુ ! તમે કેડે ચાલ્યા જાઓ…
વેલેથી ઉતારી મને હૈયે ધરો રે…
વાંચો મારા ભીતર કેરો ભાવ.
અનેક સાધુ પુરુષોના હ્ર્દયમાં સ્નેહનું સ્થાન મેળવનાર આ વગડાનું ફૂલ કદી ઝાંખું-પાંખું થાય તેવું નથી.
કવિ શ્રી દુલા ભાયા કાગ કે જેમને સમાજ ભગતબાપુના વહાલસોયા નામથી ઓળખે છે તેમની અમદાવાદની મુલાકાત બાબતમાં સુવિખ્યાત સર્જક શ્રી જયભિખ્ખુએ (શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ) એક મજાની વાત લખી છે. શ્રી જયભિખ્ખુને ત્યાં કવિશ્રીનો ઉતારો રહેતો અને બંનેને પરસ્પર અનન્ય સ્નેહ હતો. શ્રી જયભિખ્ખુ કહે છે કે કવિ કાગ જેવા સર્જકો સમાજના આભૂષણ સમાન છે. કાગના માળામાંથી કવિતા રેલાવી જનારો આ દાઢીવાળો કવિ કાવ્ય મોહિની પાથરીને ફેબ્રુઆરી-૧૯૭૭માં આ જગતના ચોકમાંથી ઉડાણ ભરી ગયો. કચ્છના મર્મિ કવિ શ્રી દુલેરાય કારાણીએ પણ લગભગ આવા જ ભાવ સાથે કવિ કાગને અંજલીના પુષ્પો સમર્પિત કર્યા.
કાગના દેશમાં આજ આ વેશમાં
માન સરવર તણો હંસ આવ્યો
મધુર ટહુકારથી રાગ રણકારથી
ભલો તે સર્વને મન ભાવ્યો
લોકના થોકમાં લોક સાહિત્યની
મુક્ત મનથી કરી મુક્ત લ્હાણી
શારદા માતનો મધુરો મોરલો
કાગ ટહુકી ગયો કાગવાણી.
ભગતબાપુનું વ્યક્તિત્વ પ્રભાવી હતું. તેમના જીવનકાળના આખરી તબક્કામાં તેમની તબિયતના કારણે તેઓ કેટલોક સમય ભાવનગરની ચારણ બોર્ડિંગમાં રહેતા હતા. તેમની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા તેમજ પ્રોત્સાહક રહેતી હતી. ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈ તેમને મળવા આવ્યા ત્યારે જે વાતો થઇ તે બંને મહાનુભાવોની પીઢતા તથા ઊંડી સમજની સાક્ષી સમાન છે. મોરારજીભાઈએ આપણાં સાહિત્ય તેમજ વિશેષ કરીને લોકસાહિત્યની ઉમદા બાબતો ભાવિ પેઢીઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે બાબતને એક પડકારરૂપ ગણાવી હતી. ભગતબાપુએ કહ્યું કે તેમની ચિંતા સાથે તેઓ પૂર્ણતઃ સંમત છે. માત્ર સરકારના પ્રયાસો પર આધાર ન રાખતા સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પણ આ કાર્ય કરવા સ્વેચ્છાએ આગળ આવે તે બાબત બંને અગ્રણીઓ એકમત હતા. બોર્ડિંગના વિદ્યાર્થીઓને આ વાતચીતના વિષય અંગે કેટલીકવાર ભગતબાપુ પોતે સમજાવતા હતા. આમ છતાં આવી અનેક મહત્વની મુલાકાતોનું અધિકૃત રેકોર્ડ ન રહ્યું તે અફસોસ કરાવે એવી બાબત છે. આવા મહાનુભાવોના વિચારબિંદુનું પણ એક મૂલ્ય રહેતું હોય છે.
કવિ શ્રી દુલેરાય કારાણીએ ઊર્મિની અભિવ્યક્તિ કરતા જે વાત કહી છે તે અનેક સાહિત્ય રસિકોએ નજરોનજર નિહાળી છે અને વધાવી છે. આપણે આપણાં પ્રાચીન ગ્રંથો-શાસ્ત્રો અંગે સકારણ આદર તથા ગૌરવનો ભાવ અનુભવીએ છીએ. કારણે કે આ શાસ્ત્રોમાંથી જે વાણી પ્રગટ થઇ છે તે મહદ્દ અંશે સર્વસમાવેશક તથા સ્વસ્થ સમાજરચના માટે હિતકારી છે. વેદ કે ઉપનિષદની જ્ઞાનવાણીને કોઈ સંપ્રદાય કે ચોક્કસ મતના બંધનથી બાંધી શકાય તેવી નથી. વિનોબાજી કહે છે તેમ સાહિત્યમાં વિશ્વાનુંભૂતિ તથા સકલાનુભૂતિ હોવી જરૂરી છે. આ કસોટીએ આ ગ્રંથો ખરા ઉતરે તેવા છે. પરંતુ શાસ્ત્રોની આ અમૂલ્ય વાતો લોક સુધી પહોંચાડવી તે અઘરું તથા પડકારરૂપ કાર્ય છે. શાસ્ત્રોની સમાજ જીવનને બળવત્તર બનાવતી વાતો જો સમાજ સુધી પહોંચાડી શકાય તો જ તેનો અર્થ તથા ઉપયોગીતા સિદ્ધ થાય છે. આ મુશ્કેલ કાર્ય આપણાં મધ્યયુગના સંતો તથા ભક્ત કવિઓએ ખૂબીપૂર્વક કરેલું છે. મીરાંની કાવ્યધારા હોય કે ત્રિકમ સાહેબની ભજન સરવાણી હોય તો તેના સહારે સમાજ જીવનને ઉપકારક વાતો તથા જ્ઞાનવાણીનો પરિપાક ઘર ઘર સુધી તેમ જ જન જન સુધી પહોંચી શકેલો છે.
કવિ કાગના કાવ્યો પણ મેઘાણીભાઈની રચનાઓની જેમ વ્યાપક લોકસ્વીકૃતિ પામ્યા હતા. સ્વસ્થ માનવ જીવન તથા સ્વસ્થ સમાજ માટે જે મૂલ્યોનું સ્થાપન તથા તેનો આદર થવો જરૂરી છે તેવા મૂલ્યો કે સામાજિક ગુણને કેન્દ્રમાં રાખીને કવિએ અનેક રચનાઓ કરી છે. આપણાં સમાજની એક મોટી ઉણપ એ કુસંપમાં રહેલી છે. અનેક ઐતિહાસિક સંદર્ભમાં પણ આ વાતની પ્રતીતિ અનેક વખત થવા પામી છે. દેશને જે લાંબા ગુલામીકાળમાં સબડવું પડ્યું તેના પાયાના કેટલાક કારણોમાં એક આપણો કુસંપ જવાબદાર બન્યો છે. આથી કવિ “સંપ ત્યાં જંપ”ની અનુભવ ઉક્તિની જેમ સમાજને એકતા જાળવી રાખવા મજાના શબ્દોમાં પ્રેરણા આપે છે.
પ્રેમી તળાવ તણાં હે પાણી !
સાથ મળી સંપી રહેજો…
આફળજો હસતાં હસતાં પણ,
પાળ તણું રક્ષણ કરજો…
બંધન તોડી સ્વચ્છંદી થશો તો,
ક્ષણ ઉછળી ક્ષણ દોડી જશો…
આશ્રિત જીવનો નાશ થશેને,
નાશ તમારો નોતરશો…
કાદવ ઉરમાં સંઘરશો તો,
ડોળા થશો છીછરાં બનશો…
હંસ કિનારા છોડી જશે પછી,
તન ધોળા બકને મળશો…
સ્વસ્થ સમાજ સંપના પાયા ઉપરજ રચી શકાય છે. કવિની આ પ્રતીતિ અનેક પ્રકારના સુયોગ્ય રૂપકથી સરળ ભાષામાં વ્યક્ત થઇ છે. આથી કવિ શ્રી કાગની આ એક લોકપ્રિય રચના છે. સમાજ છે ત્યાં મતભેદ પણ હોઈ શકે પરંતુ મતભેદને કારણે સાંધી ન શકાય તેવું અંતર ઉભું કરી દેવા સામે કવિ લાલબત્તી ધરે છે. વાસણ હોય તો ખખડે એવી એક ઉક્તિ આપણે ત્યાં છે. અહીં પણ કવિ કહે છે કે જેમ વાસણ સહેજે ખખડે તેમ આફળવાના પ્રસંગો પણ ઉભા થઇ શકે છે. પરંતુ આવા પ્રસંગોએ પણ જીવનમાં કડવાશના અંકુર ન ફૂટવા જોઈએ. સમાજ જીવન કેટલાક બંધનો અનિવાર્ય તથા વ્યાપક રીતે સામાજિક હિતની ખેવના કરનારા છે. આવા બંધન કદી અપ્રસ્તુત થતા નથી. સમાજ સ્વચ્છંદી બને તો ક્ષણભરના ઉન્માદ પછી તેની આકરી કિંમત ચૂકવવી પડે છે. ભારતના પવિત્ર બંધારણે આપેલા એક અમૂલ્ય હક્કની સામે નાગરિકો પાસેથી જવાબદારી તથા જાગૃતિ સાથેની ફરજોનું પાલન કરવા પર સરખો જ ભાર મુકવામાં આવેલો છે. મનની નિર્મળતા જાળવી રાખવા પર કવિ ભાર મૂકે છે. એ હકીકત સુવિદિત છે કે તળાવ કે બંધમાં જેટલા કાદવનો ભરાવો થાય તેટલા અંશે પાણી ડોળા અને છીછરાં થતાં જાય છે. સમય પ્રમાણે નવા વિચાર-નવા નીરને સ્થાન આપીને સતત વહેતા રહેવાની વાત પણ ખુબ ધાર્મિક છે. શાસ્ત્રોએ “કૃતેય પ્રતિ કર્તવ્ય, એષ ધર્મ સનાતન”ની વાત કરીને કૃતજ્ઞતાની ભાવના મજબૂત કરવા સમજ આપી છે. ડહોળાયેલા આજના વૈશ્વિક સંદર્ભમાં કવિ શ્રી કાગની આ રચના વધારે પ્રસ્તુત બની છે.
કવિ કાગ આવા એક ધરતી સાથે જોડાયેલા કવિ હતા. પૂ. મોરારીબાપુ યથાર્થ રીતે તેમને ઉંબરથી અંબર સુધીના કવિ તરીકે પૂર્ણ ભાવથી ઓળખાવે છે. અક્ષરજ્ઞાન ઓછું પરંતુ અંતરજ્ઞાનના મહાસાગર જેવું તેમનું પ્રભાવી વ્યક્તિત્વ હતું. રાજસ્થાનમાં સાહિત્યના ઉપાસકો-સર્જકોની મળેલી બેઠકમાં કવિ શ્રી કાગ વિષે બોલાયેલા શબ્દો શ્રી શક્તિદાનજી કવિયા પાસેથી સાંભળવા મળ્યા હતા.
બોલે કોયલ બાગ સું, મીઠપ સું મનડા હરે,
થારી કેવી વાણી કાગ, દુનિયા વશ કી દુલીયા.
વસંત ગઢવી
તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫
Leave a comment