સાહિત્યમાં અધ્યાત્મ-વાટે…ઘાટે

:સાહિત્યમાં અધ્યાત્મ: “સોના ઔર સુગંધ

                         ‘સાહિત્યમાં અધ્યાત્મ’ એ વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ વ્યક્તિ કે સંસ્થા એકાદ પ્રવચનનું આયોજન કરે તે તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ આ ઘટના એ થોડી જુદી છે. અહીં ભોજાઈ(કચ્છ)નું સર્વોદય ટ્રસ્ટ તેમજ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI) સાથે મળીને ‘સાહિત્યમાં અધ્યાત્મ’ પર બે દિવસનો સેમિનાર કરે છે અને તેમાં ૧૫૦થી વધારે રજીસ્ટર્ડ એન્ટ્રી થાય છે. રજીસ્ટ્રેશન માટે ફી પણ ભરવાની થાય છે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન થયું છે તેમાનો મોટો ભાગ કોલેજના યુવાનોનો છે. આજના યુવાનો સાહિત્ય કે વાંચન પ્રતિ દુર્લક્ષ સેવે છે તે વાતમાં તથ્ય હશે. પરંતુ તે માન્યતા એ પૂર્ણ સત્ય નથી. અનેક યુવાનો તક મળે તો સત્વશીલ વાતો સાંભળવા તેમ જ શીખવા આજના સમયમાં પણ તૈયાર છે. સાહિત્યની સારી બાબતો સમજવાની તેમની તાલાવેલી છે. સમાજ કે તેની શેક્ષણિક સંસ્થાઓ આવું કામ કરવામાં ઉણા ઉતાર્યા હોય તેમ પણ લાગે છે. યુવાનોની કે સામાન્ય જનસમૂહનું આ વિષય તરફનું આકર્ષણ છે જ. આ માટેનું આયોજન કરવાની આપણી તૈયારી ઓછી દેખાય છે. જીગર મુરાદાબાદીએ સરસ વાત કરી છે.

ઝમાના તો બડે શૌખસે

સુન રહા થા, હમહી સો ગયે

દાસ્તાં કહતે કહતે.

                    યુવાનોને-કિશોરોને જો ઉત્તમ વસ્તુઓ મળતી હોય તો કચરા તરફનું તેમનું આકર્ષણ ઓછું થાય તે સ્વાભાવિક છે. સોશિયલ મીડિયાના આજના યુગમાં જેમ તક તથા સવલત વધી છે તેમ પડકારો પણ વધ્યા છે. બાળકો તથા કિશોરોનો SCREEN Time સતત વધતો જાય છે. તેની કેટલીક અવળી અસરો પણ હવે દેખાવા લાગી છે. ઘેર માતા-પિતા તેમ જ શાળાઓમાં શિક્ષકો બાળકો સાથે સંવાદ ન કરી શકે તો કિશોરો સ્વાભાવિક રીતે જ મોબાઈલ ફોન તરફ વિશેષ વળતા જાય છે. આવા સંવાદ કિશોરોના વિકાસમાં મોટું યોગદાન આપે છે. તાજેતરમાં ‘લોકભારતી’ સણોસરા ગયો હતો ત્યાં આ વાતનું પ્રમાણ પણ મળ્યું. ત્યાંના વરિષ્ઠ લોકો વાત કરતા હતા કે મનુભાઈ પંચોલી-દર્શક-નો કલાસરૂમ એ સામાન્ય રીતે વૃક્ષની છાંયામાં મળે. કલાકો સુધી ચાલે. સંવાદ અને સાહિત્યના ભરમારની સુગંધ પ્રસરતી રહે. ગુજરાત યુનિવર્સીટીમાં અનુસ્નાતક (PG) કરતા હતા તેઓ કહેતા કે પ્રોફેસર નિરંજન ભગત કે કવિ ઉમાશંકર જોશીને સાંભળવા અન્ય વર્ગો કે વિષયના અધ્યાપકો પણ તેમના વર્ગમાં આવીને બેસતા હતા. ભોજાઈનો આ પ્રયાસ પણ આજ વાતનું સમર્થન કરે છે. આથી એક નાના ગામમાં આવું સુંદર આયોજન કરનાર વ્યક્તિઓ તેમ જ સંસ્થાઓ ધન્યવાદને પાત્ર છે. યુવાન ‘અધા’ અને કર્મઠ ગોરધનભાઈ કવિને ડો. કાંતિભાઈ ગોરનું ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું. આથી સમગ્ર કાર્યક્રમનું માળખું પણ ઉચિત રીતે ગોઠવાયેલું હતું.

                            ‘સાહિત્યમાં અધ્યાત્મ’ એ વિષય પર ચર્ચા થાય તે સૌને ગમે તેવી વાત છે. ‘સાહિત્ય તથા અધ્યાત્મ’ને છુટા પાડી શકાય તેમ નથી. સાહિત્ય તો મેઘધનુષી છે. અનેક ભાતીગળ રંગો સાહિત્યના આ મેઘધનુષને શોભાવે છે. આ ભાતીગળ રંગો પૈકી એક મહત્વનું અંગ તે અધ્યાત્મ છે. જેના જીવનમાં સાહિત્યનું સ્થાન નથી ત્યાં અધ્યાત્મની કૂંપળો ફૂટવી મુશ્કેલ છે. અધ્યાત્મ માર્ગના યાત્રિકોનો સાહિત્ય સાથેનો સંબંધ લીલ્લોછમ હોય છે. આથી તેમાં શુષ્કતાને સ્થાન નથી. આ વાતના સંદર્ભમાં ગાંધીજીનું ઉદાહરણ નજર સમક્ષ આવે. ઝવેરચંદ મેઘાણી ગાંધીજીને મુંબઈમાં મળ્યા. ગાંધીજીને તે મૌનનો દિવસ હતો. મેઘાણીભાઇએ અઝાદીનના સંગ્રામમાં ખુબ ગવાતા ગીતો બાપુને સંભળાવ્યા. આઝાદીના આ ગીતો તત્કાલીન સમયે સાહિત્યના પ્રાણ સમાન હતા. ગાંધીજીને  આ ગીતો સાંભળવામાં ખુબ રસ પડે જે સ્વાભાવિક છે. મેઘાણીભાઇએ બાપુને આ ગીતો સંભળાવ્યા પછી પૂછ્યું કે તેમને અન્ય કોઈ ગીતો સાંભળવા ગમશે કે કેમ? ગાંધીજીનો ત્વરિત જવાબ હતો: ‘લગ્નગીતો સંભળાવો’ અધ્યાત્મ માર્ગી ગાંધી સાહિત્યના માત્ર એક જ રંગમાં રંગાયેલા ન હતા. તેમની દ્રષ્ટિ વિશાળ અને જીવનના તમામ રંગોને સમાવે તેવી સર્વસમાવેશક હતી. દિલીપકુમાર રોય પાસેથી મીરાંનું ભજન સાંભળીને બાપુ ભાવુક થયા હતા તે નોંધાયેલી વાત છે. કબીર-સાહેબ તો અધ્યાત્મના ગુરુશિખરે પહોંચેલા. મર્મી હતા. એમનું અધ્યાત્મ એમના સાહિત્યમાં ભારોભાર પ્રગટતું જોવા મળે છે. ઈશ્વરની સર્વવ્યાપક્તા કબીર સાહેબે સુંદર શબ્દોમાં સમજાવી છે તે જ આધ્યાત્મિકતાની વાત ખીમ સાહેબ પણ કહે છે.

આ કાયામાં પ્રગટ ગંગા

શીદ ફરો પંથપાળા

ગંગાજળમાં નાહીલો અખંડા

મત નાવ નદીયું નાળા…

સંતો ફેરો નામની માળા.

               અધ્યાત્મના સોનેરી લક્ષણોમાં એક સહનશીલતાનો ગુણ છે. સહનશીલતાના ગુણને સરળતાથી સમજાવવા સતી લોયણ ઠોસ ઉદાહરણ આપે છે. પૃથ્વીથી વધારે સહનશીલ કોણ હોઈ શકે? સતી લોયણ લખે છે:

ખૂંદી તો ખમે માતા પૃથ્વી,

વાઢી તો ખમે વનરાઈ.

કઠણ વચન મારા સાધુડા ખમે

નીર તો સાયરમાં સમાય…

જી રે લાખા ! અબળા લોયણ એમ ભણે.

                          સમગ્ર સૃષ્ટિની માતા સમાન પૃથ્વી છે. વેદના ઋષિએ ‘માતા ભૂમિ: પુત્રોંહ પૃથિવ્યા’ કહીને આ વાતને દોહરાવી છે. બાળક પ્રહલાદ પણ અધ્યાત્મના માર્ગે ગતિ કરનારો છે. સહન કરવાની શક્તિ એ તેના વ્યક્તિત્વનો જ એક ભાગ છે.

             અધ્યાત્મ સાથે જ વીરતા જોડાયેલી છે. વીરતા સિવાયનું અધ્યાત્મ એ કાયરતા છે. મહાત્મા ગાંધીનું અધ્યાત્મદર્શન વીરતા સિવાય પૂરું થતું નથી. દાંડીકૂચની શરૂઆતની ક્ષણે જ ‘કાગડા કૂતરાંને મોતે’ મરવાની વાત ધ્યેય માટે તેઓ કરે છે. નરસિંહનું અધ્યાત્મ પણ તેના સ્પષ્ટ ઉચ્ચારણોમાં છલકાય છે. ભક્તિમાર્ગ પર ચાલે તેને ભય કે જગતના મહેણાં-ટોણાંનો ભય શાનો? નરસિંહ બુલંદ કંઠે ગાય છે:

ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો

તો કરશું દામોદરની સેવા રે

એવ રે અમે ! તમે કહો તો વળી તેવારે !

વસંત ગઢવી

તા. ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑