:લોક કલ્યાણના કામોમાં જિંદગીના જોમને સિંચી જનારા પુણ્યશ્લોક લોકો:
જગતમાં સેવાના કાર્યો કરવા માટે સંસાર છોડવાની જરૂર નથી. ભગવા પહેરવાની પણ જરૂર નથી. આ વાત સર્વસ્વીકૃત છે. એવા અનેક દાખલાઓ આપણે ભૂતકાળમાં જોયા છે. જુગતરામ દવેને આદિવાસી ભાઈ-બહેનોની વચ્ચે જ રહીને તેમની સેવા કરતા જોયા છે. બબલભાઈ મહેતાએ ગામડામાં થાણું નાખીને ગ્રામવિકાસની કેડી કંડારી હતી. ભૂકંપ પહેલાના વર્ષોમાં કચ્છમાં પણ વાગડના છેવાડાના વિસ્તારમાં મણીભાઈ સંઘવી ધૂણી ધખાવીને બેઠા હતા. કચ્છનું આવું જ એક બીજું ઉદાહરણ લીલાધરભાઇ ગડાનું છે. તેમને જાન્યુઆરી ૨૦૨૫માં ફરી મળવાનું થયું. લીલાધરભાઈને સૌ ‘અધા’ના નામથી ઓળખે છે. આજથી લગભગ પાંચ દાયકા પહેલા કચ્છમાં જયારે આંખના રોગની સારવારના પૂરતા સાધનો કે માણસો ન હતા. ત્યારે અધાએ આંખની ચકાસણી તેમજ સારવાર માટેના પ્રયાસો શરુ કર્યા. આજે તો છેલ્લા પાંચ દાયકામાં આ વિષયમાં ઘણું કામ થયું છે. અધાએ પણ તેમણે ઉભી કરેલી ભોજાઇની હોસ્પિટલની સુવિધાઓ જનસામાન્ય માટે ખુલ્લી મૂકી છે. સતત કંઈક શુભ કરવાની મહેચ્છા મનમાં અંકબંધ રાખીને લોકહિતના કાર્ય કરતાં લીલાધરભાઇ જેવા લોકો જીવનના કોઈપણ તબક્કે થાકતા નથી. હારતા પણ નથી. આ બધી ગામડાઓમાં રહીને કાર્ય કરતી સંસ્થાઓને સદ્ભાગ્યે કાર્ય કરનારાઓ તથા સહાયભૂત થનારા પણ અનેક લોકો મળી રહે છે. આજની સ્થિતિના સંદર્ભમાં જોઈએ તો જગતમાં ચારે તરફ વ્યક્તિગત કે વ્યક્તિઓના નાના સમૂહના ફાયદાને ધ્યાનમાં રાખીને કોઈ પણ કામગીરી સામાન્ય રીતે શરુ કરીને વિકસાવવામાં આવે છે. આર્થિક બાબતોમાં જાણકારી મેળવીને યેનકેન પ્રકારે સમૃદ્ધિ એકઠી કરવાના પ્રયાસો પણ થતા જોવા મળે છે. પહેલા પણ આમ થતું હતું. આથી કોઈપણ સમય કે સમાજમાં આ બધી બાબતો સ્વાભાવિક ગણાય છે. આ બધાની વચ્ચે લોકના હિત માટે ‘ખોટનો વેપલો’ કરનારા નામશેષ થયા નથી. માનવીય મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવનારા આ લોકો છે. તેમને જયારે મળવાનું થાય ત્યારે માનવીના મનના જીવંત સારાપણામાં ફરી શ્રદ્ધા જાગે છે.
કચ્છના બીજા એક ગામમાં પણ જાન્યુઆરી (૨૦૨૫)માં જવાનું થયું. મોટા ભાડિયા નામનું આ ગામ મુન્દ્રા તાલુકામાં આવેલું છે. થોડા સમય પહેલા જ ત્યાં ગાયો માટેની એક સુવિધાપૂર્ણ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. સવલતો સાથેનું આ ભવન પ્રભાવી લાગે તેવું છે. ગાયોને પૂરતા પ્રમાણમાં ઘાસચારો વગેરે બારે મહિના સુધી નિયમિત રીતે મળતું રહે તેવી આ સુચારુ વ્યવસ્થા છે. ગામના આગેવાનો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ગામે ખેતીવાડીની બાબતમાં પ્રગતિ કરી છે. લોકોનો મહેનતુ સ્વભાવ તો હતો જ. પરંતુ ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધી જરૂરી છે. વરસાદની અનિયમિતતા સામે સ્થાનિક પાણીનો સંગ્રહ પૂરતું રક્ષણ આપે છે. અહીં ગામલોકોની મહેનત તથા અદાણી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી સ્થાનિક તળાવને ઊંડું કરવામાં આવ્યું. પરિણામે પાણીના જથ્થાની સમયસર ઉપલબ્ધી થઇ. આવી સ્થિતિમાં પશુપાલકોને ઘરના સંતાનો જેટલી જ ચિંતા પોતાના પશુઓની રહે છે. આથી આર્થિક સ્થિતિ અનુકૂળ થતાં મોટા ભાડિયાના લોકોએ આવી સુંદર વ્યવસ્થા પશુઓ માટે કરી. વાતચીતનો દોર ચાલતો હતો ત્યારે ગામલોકોએ કહ્યું કે માલિકીના પશુઓની પૂરતી કાળજી રાખવાથી કામ પૂરું થાય છે તેમ તેઓ માનતા ન હતા. આથી જે પશુઓ નધણિયાતાં હોય તેમના માટે પણ ગામના લોકોએ આર્થિક યોગદાન આપીને વ્યવસ્થા કરી. નવી તૈયાર થયેલી ગૌશાળામાં બધા પશુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી. જે ગામના પશુઓ હોય તેમના સમૂહ માટે ‘ગામધણ’ શબ્દ વાપરવામાં આવે છે. પરંતુ જેની કોઈ વ્યક્તિગત માલિકી નથી તેવા પશુઓ માટે ‘રામધણ’ શબ્દનો પ્રયોગ થાય છે. આ પરંપરાથી ચાલતો આવેલો શબ્દ ઘણો મહત્વનો તથા સૂચક છે. રામ શબ્દના જોડાવાથી જ સમગ્ર ઉપક્રમને એક દૈવી સંદર્ભ મળી રહે છે. મુંગા પશુઓ કે જેમની દેખભાળ વ્યક્તિગત રીતે કોઈ ન કરે તો સમગ્ર ગામ સાથે મળીને તે કામ કરે. રામની ઉપાસનાનો આ માર્ગ જ કદાચ શ્રેષ્ઠ માર્ગ છે. આવા ઉપાયો થકી ત્રણે ભુવનના નાથની પ્રસન્નતા મેળવી શકાય છે. અહીં એ વાત મહત્વની છે કે જયારે સમગ્ર ગામ એક સાથે મળીને કોઈ સામુહિક કાર્ય કરવા માંગે તો તેનું ચમત્કારિક પરિણામ આવે છે. અહીં એકબીજાંની હરીફાઈ કરવાની જગાએ એકબીજાને પૂરક થવાના પ્રયાસો ગ્રામજનો કરતા હોય છે. દેશની શાસન વ્યવસ્થાના એક નાના યુનિટ એવા ગામડામાં પણ મોટા પાયે આવી રચનાત્મક કામગીરીનો વ્યાપ વિસ્તૃત થાય તો રાજ્ય કે દેશની શક્તિ તથા સ્વસ્થતા વધે તે સ્વાભાવિક છે. દેશના અન્ય ભાગો કરતાં ગુજરાતમાં પંચાયતોનું માળખું વહેલા વિકસવા પામ્યું છે. અસરકારક તથા મજબૂત પંચાયત માળખા થકી ગામડાઓનો ઝડપી વિકાસ થયો. સદ્ભાગ્યે, અમુલ પેટર્ન પ્રમાણે રચાયેલી દૂધ મંડળીઓને કારણે ગામડાઓનો આર્થિક વિકાસ ઝડપી થયો છે. આથી એ બાબત પણ સરળ થઇ. જો કે નાણાંકીય સાધનો વધે ત્યાં કેટલીક વખત જૂથબંધી કે હુંસાતુંસી પણ વધતી હોય છે. ખર્ચાળ થતી જતી ગ્રામપંચાયતોની ચૂંટણીઓના કારણે કોઈ જગાએ બિનતંદુરસ્ત હરીફાઈ ઉભી થાય છે. સરવાળે તેના કારણે કડવાશ ફેલાતી રહે છે. આમ છતાં અંતે તો ગામના બહુમતી લોકોની સ્વચ્છ તથા સરળ વૃત્તિ હોય તો આવો પ્રશ્ન ઉકેલવો મુશ્કેલ નથી. ગામડાઓમાં આજના વિષમ વાતાવરણમાં પણ માણસાઈના આવા ઝરણાં વહેતા રહે છે તે મનમાં એક શ્રદ્ધા તથા વિશ્વાસનો ભાવ પ્રગટાવી જાય છે. આપણી ભૂમિ એ બહુરત્ના વસુંધરા છે. દેશના અનેક ગામોમાં આજે પણ લીલાધર ગડા હયાત હશે જ. આપણી સામાજિક તથા સામુહિક જવાબદારી છે કે આવી વ્યક્તિઓ તથા તેમના વિચારને હૂંફનું દિવેલ પૂરતા રહીએ. ઘસાઈને ઉજળા થવાનો મંત્ર રવિશંકર મહારાજ આપીને ગયા છે. મહારાજનો આ મંત્ર ઝીલનારા લોકોને ઓળખવાનો તેમ જ વધાવવાનો આપનો નાગરિક ધર્મ છે.
વસંત ગઢવી
તા. ૨૪ જાન્યુઆરી ૨૦૨૫
Leave a comment