જીવવું મર્યા સમાન, ના યદિ સ્વતંત્રતા-વાટે…ઘાટે

જીવવું મર્યા સમાન, ના યદિ સ્વતંત્રતા

                                         દેશની શોષિતો તથા પીડિતોની વેદનાને કદાચ મહાત્મા ગાંધી જેટલી આરપાર દ્રષ્ટિથી કોઈ જોઈ શક્યું નથી. કઈ બાબત લોકને સૌથી વધારે ખુંચે છે કે પજવે છે તે વાત આ મહાત્મા બરાબર સમજી શકતા હતા. પ્રત્યક્ષ દર્શનથી થયેલી આ પ્રતીતિ હતી. આથી ગાંધીનું દ્રષ્ટિબિંદુ તથા તેમનો તર્ક અકાટ્ય હતો. મરીઝે લખ્યું છે તેમ “અંધારી રાતમાં કાળી કીડીની ચાલ જોનારો” વ્યક્તિ તે બાપુ હતા. ૧૯૩૦માં તેમને દેશ જાગૃત કરવો હતો. કઈ બાબત લઈએ તો વિશાલ જનસમૂહ તેમાં જોડાય તેનું નિદાન મહાત્માજીએ જાતે કર્યું. અંગ્રેજ સરકારે મીઠા પર નાખેલો અન્યાયી વેરો દૂર કરવા તેમણે સંગ્રામ આદર્યો. મીઠા પરના આકરા વેરાની અવળી અસર દેશના સામાન્ય લોકો પર વિશેષ હતી. આથી દેખીતા અન્યાયના આવા અવિચારી નિર્ણયનો વિરોધ કરવા બાપુ જનમત જાગૃત કરી શક્યા. જો કે આવી સામાન્ય બાબત માટે આટલી વિશાળ લડત ઉપાડવી તે કોંગ્રેસના ઘણાં નેતાઓના ગળે પણ ઉતરતી ન હતી. આવા નેતાઓમાં મોતીલાલ નહેરુ પણ હતા.

              અલ્હાબાદના સુવિખ્યાત વકીલ તથા દેશના પહેલા પ્રધાનમંત્રીના પિતા મોતીલાલ નહેરુએ બાપુના આ દાંડીકૂચનાં નિર્ણયને બદલે કોઈ મજબૂત તેમજ અસરકારક લડતનો માર્ગ શોધવા માટે એક લાંબો પત્ર ગાંધીજીને લખ્યો. થોડામાં ઘણું કહેનારા બાપુ પોતાના દાંડીકૂચ અંગેના નિર્ણયને યોગ્ય ગણાવતા  થોડા શબ્દોમાં જવાબ લખે છે. બાપુ મોતીલાલ નહેરુને પોતાના દાંડીકૂચનાં નિર્ણય અંગે કહે છે: ” આઝમા કે દેખિયે.” મોતીલાલ નેહરુ મનમાં સમસમી જાય છે. મહેનત કરીને તથા કેટલાયે વિચારો કરીને લખેલા પત્રનો આવો ટૂંકો જવાબ ! પરંતુ બાપુનું નેતૃત્વ દિલથી સ્વીકારેલું છે એટલે મન  મનાવીને રહી જાય છે. કોઈ એક કૂચ કરવાથી બ્રિટિશ સરકારને શું ફરક પડશે. તેમ વિચારનાર વર્ગ પણ બાપુની દીર્ઘદ્રષ્ટિને સમજવામાં ઉણો ઉતર્યો હતો. કૂચ શરુ થયા બાદ સ્થિતિ ધીરે ધીરે બદલાતી ગઈ. જે જે ગામમાં મહાત્માનો મુકામ થતો હતો ત્યાં વિશાળ જનમેદની તેમને સાંભળવા એકઠી થતી હતી. મીઠું માનવી તથા પશુ બંને માટે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે. બાપુ આવી મૂળભૂત ચીજ પરના ખુબ જ અન્યાયી વેરા સામે લોકોમાં જાગૃતિ કેળવતા હતા. લોકજુવાળ ઉભો થઇ રહ્યો હતો. દાંડીકૂચ એ જાણે કે સ્વાતંત્ર્ય મેળવવા માટેની અંતિમ લડાઈ હોય તેવી લોકલાગણી જોઈને બ્રિટિશ અધિકારીઓ ચિંતામાં પડ્યા હતા. લોર્ડ માઉન્ટબેટન જેને ભવિષ્યમાં ‘One Man Army ‘ કહેવાના હતા તેવા મહાત્મા ગાંધીના સંપૂર્ણ પ્રભાવમાં અસામાન્ય ચેતના પ્રગટી હતી. કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીના શબ્દો હવામાં ગુંજતા હતા.

“આવવું ન આશ્રમે ના મળે

સ્વતંત્રતા, જંપવું ના લગીર

જો નહિ સ્વતંત્રતા, જીવવું મર્યા

સમાન જો નહિ સ્વતંત્રતા”

               ‘એકલો જાને રે’ એ અંતરાત્માના અવાજને અનુસરીને ગાંધીજીએ એક મહાન લડતની શરૂઆત કરી. માર્ચ-૧૯૩૦નો આ ઐતિહાસિક સમય હતો. બ્રિટિશ હકૂમતની મજબૂત પક્કડ હિન્દુસ્તાન પર હતી. દેશી રજવાડાંઓમાંથી ઘણાં નામમાત્રની સ્વતંત્રતા ધરાવતા હતા. બ્રિટિશ સરકારના કૃપા દોરને કારણે તેમના પતંગો આભમાં ઉડતા હતા. બીજી બાજુ દેશના સામાન્ય માણસોની સ્થિતિ કફોડી હતી. ગરીબી તથા અન્યાયનો બેવડો માર કારીગરો તેમજ ખેડૂતોને ખાવો પડતો હતો. ભીષણ દુષ્કાળોને કારણે મોટી સંખ્યામાં જાનહાની પણ થતી હતી. એક તરફ ભીષણ ગરીબી તથા બીજી તરફ અનિયંત્રિત અમીરી તરફ આંગળી ચીંધીને મહાત્માએ બ્રિટિશ હિંદના સર્વોચ્ચ શાસકને જણાવ્યું કે શાસનમાં સંવેદનશીલતાનો અભાવ છે. તેથી મીઠા જેવી જીવનજરૂરી વસ્તુ પર ગેરવાજબી હદે ઊંચો કર વસુલવામાં આવે છે. ગાંધીજી લોર્ડ ઇર્વિનને લખે છે કે સરેરાશ ભારતીયની દૈનિક બે આનાની આવક સામે વાઇસરોય બ્રિટિશ હિંદની તિજોરીમાંથી દૈનિક મોટી રકમ મહેનતાણા તરીકે મેળવે છે.આ રીતે આ શાસન ખર્ચાળ તથા શોષણયુક્ત હોવાથી તેનો અંત લાવવાનો નિર્ધાર ગાંધીજી કરે છે. મહાત્મા ગાંધીના વાણીનો પ્રભાવે દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી જંગલમાં લાગેલી આગ જેમ વિરોધનો વંટોળ ફેલાયો હતો.

             દાંડીકૂચનો ઐતિહાસિક પ્રસંગ અનેક ખટમીઠાં સંભારણા છોડીને ગયો. બાપુની અટકાયત પછી ધરાસણાનો સંઘર્ષ વિશ્વના ઇતિહાસમાં અજોડ કહી શકાય તેવો હતો. બ્રિટિશ હકુમતનો જે વ્યવહાર હતો તેની પણ જગતને જાણ થઇ શકી. નિઃશસ્ત્ર સત્યાગ્રહીઓ સહેજ પણ પ્રતિકાર કર્યા સિવાય તીવ્ર શારીરિક દમનનો ભોગ બનતા હતા. દાંડીકૂચનો પ્રસંગ તો ગુજરાત કેન્દ્રિત હતો પરંતુ તેની અસર સમગ્ર દેશ તથા વિશ્વ પર થઇ હતી.

            બ્રિટિશ સરકારને હટાવીને પૂર્ણ આઝાદી મેળવવાનો નિર્ધાર હતો. લોકોના મનમાંથી ભયને દૂર કરવાનો મહાત્માનો પ્રયાસ સફળ થયો હતો. મીઠાના કાયદાને તોડવાના દિવસે (6 APRIL 1930) ઝવેરચંદ મેઘાણીએ જનતા જુવાળ જોઈને ધોલેરામાં બુલંદ સ્વરે ગાયું:

બીક કોની? બીક કોની?

બીક કોની? મા તને

ત્રીસ કોટી બાળકોની ઓ

કરાળી મા તને.

      ગાંધીજીના દરેક સત્યાગ્રહની લડતમાં વ્યાપક જનભાગીદારી ઉભી કરવાની બાબત સામાન્ય હતી. મુઠ્ઠીભર લોકો મહાસત્તા સામે લડે તો પરિણામ ન આવે. બાપુની લડાઈ સામાન્ય જનને જાગૃત કરીને દેશના હિત માટે લડતમાં જોડવાનો હતો. વીરતાના આ સંઘર્ષમાં કાયરતાનું સ્થાન ન હતું. ફૂલચંદભાઈ શાહે લલકાર કર્યો હતો.

ડંકો વાગ્યો લડવૈયા શૂરા

જાગજો રે ! શૂરા જાગજો રે

કાયર ભાગજો રે ! ડંકો વાગ્યો…

       સાબરમતી આશ્રમથી દાંડી ગામને જોડતી ૩૯૦ KMની આ ઐતિહાસિક યાત્રા ૨૪ દિવસની હતી. ૬૧ વર્ષના યુવાન ગાંધી તેનું નેતૃત્વ કરતા હતા.

            વિશાળ જનસમુદાયને જાગૃત કરવામાં દાંડીકૂચે પાયાનું કાર્ય કર્યું હતું. બાપુએ દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો ત્યાર બાદ તેમની અટકાયત કરવામાં આવી. જો કે ગાંધીના ગોવાળોના નેતૃત્વમાં મીઠા સત્યાગ્રહનો દોર સતત ચાલતા હતો.

વસંત ગઢવી

૨૩ જાન્યુઆરી ૨૦૨૫

Leave a comment

Blog at WordPress.com.

Up ↑