સત્સંગના નભોમંડળમાં મહાકવિ બ્રહ્માનંદ સ્વામીનું ઝળાહળા યોગદાન:
એક તો દેવીપુત્ર ઉપરાંત દેશની તે સમયની સૌથી ખ્યાતનામ એવી કચ્છની પાઠશાળાના હોનહાર વિદ્યાર્થી એટલે કવિ લાડુદાનજી. કવિ સ્પષ્ટવક્તા તેમ જ સત્યવક્તા હતા. કોઈ પણ વાત જે તાર્કિક ન હોય તેનો તેઓ કેવી રીતે સ્વીકાર કરી શકે? રાજા-રજવાડાઓ તેમ જ નવાબો પણ આ કવિની વાતને ધ્યાનથી સાંભળતા હતા. કવિ લાડુદાનજી ભુજની પાઠશાળામાંથી કવિત્વશક્તિ પ્રાપ્ત કરીને કચ્છના રાજવીનું બહુમાન મેળવે છે. ત્યાર બાદ તેઓ પોતાની સવારી સાથે અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરે છે. રાજવીઓની પ્રસન્નતા કવિ પોતાની અલોકિક કાવ્યશક્તિથી પ્રાપ્ત કરે છે. આવા સાહિત્યિક પ્રવાસ દરમિયાન તેઓ ભાવનગર રાજ્યના દરબારમાં બેઠા હતા. ભાવનગરના તત્કાલીન મહારાજા વજેસિંહજી તેમના જ્ઞાન તેમ જ ઉદારતા માટે જાણીતા હતા. દરબારમાં વિવિધ વિષયોની ચર્ચા થાય છે. અનેક પ્રકારની વાતો થાય છે. આ રાજવીના દરબારમાં વાત થાય છે કે ભાવનગર રાજ્યના તાબા હેઠળના ગઢડામાં કોઈ તેજસ્વી વ્યક્તિ વિચરણ કરે છે. આ વ્યક્તિ પોતાના જ્ઞાન અને વ્યક્તિત્વના અનોખા પ્રભાવથી સ્થાનિક લોકોનો અપાર આદર તથા સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે. અનેક લોકો આ તેજસ્વી વ્યક્તિને ભગવાન તરીકે પૂજે છે તેમ પણ ભાવનગર રાજવીના દરબારમાં વાત થાય છે. ચર્ચા દરમિયાન કોઈએ તાર્કિક વાત કરી કે કળિયુગમાં વળી ભગવાન ક્યાંથી હોય? ઉપરાંત આ પ્રભાવી વ્યક્તિનું સ્વામિનારાયણ તરીકેનું સંબોધન પણ સૌને અજાણ્યું લાગે છે. આ બધી વાતો સાંભળીને શાણા રાજવીએ લાડુદાનજીને કહ્યું કે તેઓ જ્ઞાની છે. આથી તેઓ જાતે જ ગઢડા જઈને આ બાબતની ખરાઈ કરે. રાજવીના આગ્રહને માન આપીને કવિરાજ ગઢડા જવા તૈયાર થયા. ગઢડામાં એભલ ખાચરની ડેલીએ સહજાનંદ સ્વામી બિરાજમાન હતા. ભક્તમંડળ સાથે બેઠેલા હતા. મહારાજના વ્યક્તિત્વનું આભામંડળ જોતાં જ કવિ લાડુદાનજીની સમગ્ર ચેતનામાં અપૂર્વ આદર તેમ જ ભક્તિભાવ પ્રગટ થયા. ત્યાર પછીની વાતનો ઉજળો અને જાણીતો ઇતિહાસ છે. કવિ લાડુદાનજીનું સમગ્ર જીવન મહારાજના દર્શન સાથે જ તેમને સમર્પિત થઇ ગયું. મહારાજ સાથેના દિવ્ય સખાભાવને કારણે બ્રહ્માનંદ સ્વામીની અજર-અમર રચનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના આભૂષણ સમાન બની રહી.
પોતાના પ્રિય વતન મારવાડ તરફથી મુખ ફેરવી લાડુદાનજી શ્રીજી મહારાજના થઈને રહ્યા. કુટુંબ તથા સમાજના અનેક આગ્રહો હોવા છતાં તમામ સાંસારિક બંધનોમાંથી લાડુદાનજી સ્વેચ્છાએ મુક્ત થયા. સહજાનંદ સ્વામીના પ્રભાવમાં કવિએ પોતાનું સમગ્ર અસ્તિત્વ વિલીન કર્યું.માતા સરસ્વતીની અસીમ કૃપા તો તેમના પર હતી જ. પોતાની અસાધારણ કાવ્યસર્જન શક્તિને કારણે મહારાજના અનેક પદોની રચના કરી. આજે બ્રહ્માનંદ સ્વામી તરીકે ઓળખાતા આ પ્રતાપી સાધુના પદો-કીર્તનો મોટા પ્રમાણમાં ગવાતા અને ઝીલાતા હોય છે. સમગ્ર ગુજરાતી સાહિત્યના સર્જનમાં પણ બ્રહ્માનંદ સ્વામીનું મહત્વનું યોગદાન રહ્યું.
સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સાધુ તથા સાહિત્યના સમર્થ સર્જક બ્રહ્માનંદ સ્વામી તેમની ઉત્ક્ટ ભક્તિ તેમજ ઉત્તમ સર્જનો માટે સદાકાળ જીવંત છે. આજ રીતે આવા મોટા ગજાના કવિને તૈયાર કરનાર કચ્છની વ્રજભાષા પાઠશાળા પણ ઇતિહાસમાં અલગ માન અને સ્થાન ધરાવે છે. આપણે આપણી નાલંદા કે તક્ષશિલા વિદ્યાપીઠનો ગૌરવથી ઉલ્લેખ કરીએ છીએ. વિશ્વમાં નાલંદા કે તક્ષશિલા વિદ્યાપીઠની બરોબરી કરી શકે તેવી તે કાળમાં ઘણી ઓછી સંસ્થાઓ હતી. તેની દેશ-વિદેશના ઇતિહાસકારોએ તેમ જ વિશ્વ પ્રવાસીઓએ નોંધ કરી છે. આવું જ વિદ્યાનું એક ઉત્તમ ધામ એટલે ભુજની વ્રજભાષા પાઠશાળા. બ્રહ્મમુનિ પણ ભુજની આ પાઠશાળાના અમૂલ્ય રત્ન સમાન હતા. કચ્છના વિદ્વાન રાજવી મહારાવ શ્રી લખપતજી તથા તેમના રાજ્યકવિ હમીરજી રત્નુની સાહિત્ય પ્રીતિ તેમ જ ઉદારતા અને દીર્ઘદ્રષ્ટિને કારણે આ સંસ્થાનો ઉદ્ભવ થયો અને ક્રમશઃ વિકાસ થયો. લગભગ બસ્સો વર્ષ સુધી (ઈ.સ. ૧૭૪૯થી ૧૯૪૮) આ પાઠશાળા કાર્યરત રહી. આ પાઠશાળાના અંતિમ આચાર્ય તરીકે રાજ્યકવિ શંભુદાનજી અયાચી રહ્યા. દેશના અનેક ભાગમાંથી સાહિત્ય તેમ જ સર્વગ્રાહી શિક્ષાની દીક્ષા પ્રાપ્ત કરવા માટે વિદ્યાના ઉપાસકો અહીં આવતા હતા. કચ્છના સર્વાંગી ઇતિહાસની નોંધ મુજબ મહારાવ શ્રી લખપતજીએ ઈ.સ. ૧૭૪૨માં કચ્છ રાજ્ય શાસનની બાગડોર સંભાળી. રાજવી લખપતજીનો વિધિસર રાજ્યાભિષેક મહારાવ શ્રી દેશળજીના નિધન બાદ ઈ.સ. ૧૭૫૨માં કરવામાં આવ્યો. લખપતજી સાહિત્ય, સંગીત અને કળાઓના પ્રેમી હતા. રાજવી ઉર્દુ, ફારસી તથા સંસ્કૃતનું પણ જ્ઞાન ધરાવતા હતા. મહારાવ શ્રી પોતે તો જીવનના પાંચ દાયકા પણ પુરા કરી ન શક્યા પરંતુ તેમણે આ ટૂંકા આયખામાં અનેક ચિરંજીવી કાર્યો કર્યા. સુવિખ્યાત સર્જક શ્રી દુલેરાય કારાણીએ લખ્યું છે તેમ કચ્છનો ઇતિહાસ એટલે એક મહાસાગર છે તેમ જ આ મહાસાગરને તળિયે અનેક રત્નો પડેલા છે. મહારાવ શ્રી લખપતજી આવા એક અમૂલ્ય રત્ન સમાન હતા. વ્રજભાષા પાઠશાળાના અંતિમ આચાર્ય કવિ શ્રી શંભુદાનજી અયાચીએ મહારાવ લખપતજીના સંદર્ભમાં ટાંકેલો એક દોહો થોડામાં ઘણું કહે તેવો છે.
ભર્તુહરીને ભોજ રે (રહ્યા) સમય અધૂરા સાર,
સો પુરા કરવા કાજે, (કચ્છ) લખપત આયો લાર.
કચ્છના રાજવી મહારાવ શ્રી લખપતજી તેમ જ તે સમયના રાજ્યકવિ હમીરજી રત્નુની દીર્ઘદ્રષ્ટિ તથા સાહિત્ય પ્રીતિને કારણે આ સંસ્થા સ્થાપવામાં તથા વિકસાવવામાં આવી. આચાર્યપદે બિરાજેલા અનેક જૈન મુનિઓએ પણ પોતાના વિશાળ જ્ઞાનથી આ સંસ્થાનું સંવર્ધન કર્યું હતું. આ ઐતિહાસિક પાઠશાળા એ જ બ્રહ્માનંદ સ્વામીની મૂલ્યવાન ભેટ સમાજને તથા સાહિત્યને આપી છે. કચ્છ તથા સમગ્ર ગુજરાત આ અનોખી પાઠશાળા માટે ગૌરવ લઇ શકે છે. આજે આપણાં સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના અનેક પ્રયાસો થાય છે. પૂરતી નાણાકીય જોગવાઈઓ પણ કરવામાં આવે છે. તેવા સમયે આવા સાહિત્યની જાળવણી તથા તેના સાંપ્રત કાળને અનુરુપ વિકાસ માટે સંસ્થાકીય વ્યવસ્થા ઉભી કરવાની જરૂર જણાય છે.
વસંત ગઢવી
તા.૨ જાન્યુઆરી ૨૦૨૫
Leave a comment