:વિશ્વવિખ્યાત ફકીરને વહીવટકર્તાની વિનમ્ર ભેટ:
પુરા દેશમાં એક ઉત્સુકતા અને કંઈક અંશે રાહતનો પણ માહોલ હતો. બીજા વિશ્વયુઘ્ધના ભયાવહ તથા વિનાશક વાદળો વિખેરાઈ રહ્યા હતા. ૧૯૪૫નું એ વર્ષ અનેક રીતે ઐતિહાસિક હતું. દેશમાં રાહતનો માહોલ હોવાનું મુખ્ય કારણ મહાત્મા ગાંધીની જેલ મુક્તિનું હતું. ૧૯૪૨ના ‘ભારત છોડો’ મહાસંઘર્ષથી ડરી ગયેલી ગોરી સરકારે મહાત્મા ગાંધીને કેદ કર્યા હતા. મહાત્મા ગાંધી તેમ જ અન્ય નેતાઓનો આ જેલવાસ લાંબો હતો. લાંબા જેલવાસ દરમિયાન ગાંધીજીના જીવનમાં મહત્વની એવી બે દુર્ઘટનાઓ પણ બની હતી. આ બંને દુઃખદ પ્રસંગોની ઊંડી અસર બાપુના જીવન પર પડી હતી. બેમાંનો એક પ્રસંગ તે કસ્તુરબાની ચિરવિદાયનો હતો. બીજો પ્રસંગ તે મહાત્માના હાથપગ સમાન નારાયણ દેસાઈની ચિરવિદાયનો હતો. કોઈ પણ સારી કે માઠી ઘટનાને સમાન દ્રષ્ટિએ મુલવીને આગળ ડગ માંડતા બાપુ સમગ્ર જીવનમાં ગતિશીલ રહ્યાં છે. બાપુની જેલમુક્તિના સમયે ગાંધીજીના સાથીઓ માટે એક બીજો પણ પ્રશ્ન હતો. બાપુ જેલમાંથી છૂટવાના છે તે પ્રસંગે તેમના માટે એક વાહનની વ્યવસ્થા કરવાની બાબત વિચારણામાં હતી. હિન્દુસ્તાનના આ વિશ્વવિખ્યાત ફકીર માટે એક વાહનની વ્યવસ્થા કરવી અને યોગ્ય સ્થળેથી કરવી તે ગાંધીજીના કેટલાક અનુયાયીઓ માટે મુંઝવનારો પ્રશ્ન રહેતો હતો. એ પણ ખરું કે જેની પાસેથી સુવિધા લેવામાં આવે તે બાપુના જીવન વ્યવહારના ધારાધોરણમાં ફિટ થાય તેવો વ્યક્તિ હોય તે પણ જરૂરી હતું. એ સાથે જ તે સમયમાં મહાત્મા ગાંધીની સરળતા માટે કોઈ કાર્ય કરનારને બ્રિટિશ સરકારની ખફગી વહોરવાની પણ એક ભીતિ રહેતી હતી. આથી આ રીતે વાહનની વ્યવસ્થા માટેનું કાર્ય કોને સોંપવું તેનો વિચાર બાપુના સાથીઓએ કર્યો. આ સંદર્ભમાં ગુજરાતમાંથી નિવૃત્ત થયેલા આઈ.સી. એસ. અધિકારી લલિતચંદ્ર દલાલને મળવા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા એસ. કે પાટીલ જાય છે. એસ. કે. પાટીલ મહારાષ્ટ્રના તે સમયના મોટા ગજાના અગ્રણી હોવા ઉપરાંત દેશને સ્વાધીનતા મળ્યા પછી ભારત સરકારમાં રેલવે મંત્રી તરીકે પણ તેમણે કામગીરી કરી હતી. શ્રી પાટીલે દલાલ સાહેબને કહ્યું કે બાપુને જેલમાંથી મુક્તિ મળ્યા પછી એક મોટરકારમાં પંચગની રસ્તા માર્ગે લઇ જવાનો નિર્ણય થયો છે આ હેતુ માટે એક કાર્યકરની કાર તો હતી પરંતુ તે કાર માટે પેટ્રોલ મેળવવાની મુશ્કેલી હતી. તે વખતે પેટ્રોલનું રેશનિંગ ચાલતું હોવાથી બજારમાંથી નાણાં ખર્ચીને પણ પેટ્રોલ મેળવી શકાય તેવી સ્થિતિ ન હતી. આજના સંદર્ભમાં આ વાત સાંભળીને નવાઈ લાગે છે. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછીની દુનિયામાં અનેક ચીજોની અછત એ સહજ વાત હતી.આથી એસ. કે. પાટીલે દલાલ સાહેબ પાસેથી પેટ્રોલની માંગણી કરી. દલાલ સાહેબ તે સમયે પુના જિલ્લામાં ફરજ બજાવતા હતા. તેમની સરકારી સેવાની શરૂઆતનો આ સમયગાળો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે તેમને ફરજના ભાગ તરીકે પ્રવાસ કરવો જરૂરી હતો. આથી એક કાળજીવાળા અધિકારીને છાજે તેમ તેઓ પેટ્રોલનો થોડો સ્ટોક પોતાની સરકારી ગાડીમાં રાખતા હતા. ગમે ત્યારે ઇમર્જન્સી આવે તો તેને પહોંચી વળવા માટે તેઓ આમ કરતા હતા. દલાલ સાહેબે ક્ષણના પણ વિલંબ સિવાય પેટ્રોલ આપવાની હા કહી. આ પેટ્રોલના કેટલા પૈસા ચૂકવવાના થાય છે તેવી પૂછપરછ સ્વાભાવિક રીતે જ પાટીલ સાહેબે કરી. દલાલ સાહેબના જવાબમાં એક શાણા ગુજરાતીને છાજે તેવો રણકાર હતો: “એટલા પૈસા મને ગાંધીજી માટે ખર્ચવાની છૂટ આપો. મારે એકપણ પૈસો જોતો નથી.” આમ છતાં એક પ્રકારની કુતુહલવૃત્તિથી દલાલે એસ. કે. પાટીલને પૂછ્યું કે પુનાના કેટલાક શેઠિયાઓ-ઉદ્યોગપતિઓ ગાંધીજીના ભક્ત છે છતાં પણ આ સેવા માટે તેમની (શ્રી દલાલની) પસંદગી કેમ કરવામાં આવી? એસ. કે. પાટીલે કહ્યું કે તેમાના મોટા ભાગના ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાય સંબંધી હિતના કારણે બ્રિટિશ સરકારની સંભવિત ખફગી આવું કામ કરીને વહોરવા માંગતા નથી. દલાલ સાહેબે આથી તરત જ પૂછ્યું કે તેઓ તો આ સરકારના જ અધિકારી હતા. તંત્રના ભાગરૂપ હતા તે હકીકત તેમના (એસ. કે. પાટિલના) ધ્યાને કેમ ન આવી? શ્રી પાટીલનો જવાબ ટૂંકો અને સ્પષ્ટ હતો. તેઓ કહે : “મને તમારી હિંમતમાં પુરી શ્રદ્ધા હતી. ખાતરી પણ હતી કે આવા કાર્ય માટે તમે કોઈની દરકાર કરો તેવા નથી !” જે લોકો વહીવટમાં એક અથવા બીજા સ્થાન પર નાની-મોટી સેવા બજાવે છે તે સૌ ગૌરવ અનુભવી શકે તથા પ્રેરણા લઇ શકે તેવો આ પ્રસંગ છે. “સીર સાટે નટવરને ભજવા”ની હામ જેના હૈયામાં ધરબાયેલી હોય તે જ વ્યક્તિ આવું કાર્ય સભાનતાપૂર્વક કરી શકે. જાહેર સેવામાં પડેલા લોકોની પણ એક અનોખી આકાશગંગા છે. જેના એક મહત્વના મણકા સમાન લલિતચંદ્ર દલાલ હતા. આ ઉપરાંત અનેક ઉજળા નામોનું તેજ આ ક્ષેત્રમાં ઝળહળે છે. આ બધા પુણ્યશ્લોક નામોમાં ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીનું પણ સ્થાન અનોખું છે. બાળ રાજવી અને ભાવનગરના હિતો જાળવીને તેમજ અંગ્રેજ હકુમત સાથે પણ પોતાની આગવી વિચક્ષણતાથી વ્યવહારુ સંબંધો જાળવીને આ મનિષિએ જાહેર સેવાના કે રાજ્યની સેવાના ભવ્ય તથા ભાતીગળ ઉદાહરણો પુરા પાડેલા છે. દેશી રાજ્યોની નબળાઈ અને પ્રજાહિતની બાબતોમાં બ્રિટિશ સરકારના આંખમીંચામણાની સ્થિતિમાં માત્ર પ્રજાહિતને કેન્દ્રમાં રાખીને પટ્ટણી સાહેબે કરેલો ભાવનગરનો વહીવટ અનેક વહીવટકર્તાઓને દરેક કાળમાં દિશા દર્શક બની શકે તેવો છે. સ્થળ તથા સંજોગો કાળના વહેતા પ્રવાહમાં ભલે બદલાયા હોય પરંતુ વ્યાપક લોકહિતની ખેવનાનો મૂળ સિદ્ધાંત આજે પણ તેટલો જ સાંપ્રત અને સંદર્ભયુક્ત છે. ગુજરાત રાજ્યની જાહેર સેવામાં રહેલા અનેક અધિકારીઓમાં દલાલ સાહેબનું એક વિશિષ્ટ સ્થાન તેમ જ યોગદાન છે. લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરીને જાળવવો એ જ વહીવટમાં બેઠેલા લોકોની સાચી મૂડી છે.
વસંત ગઢવી
તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪
Leave a comment