રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ૨૬ મી જાન્યુઆરી – ૨૦૦૧ ના ભયાનક ભૂકંપના દિવસ પછી પાંચમાં દિવસે ભૂજ જવાનું થયું. કેન્દ્રના મંત્રી સુષ્મા સ્વરાજ સાથે જિલ્લાની મુલાકાતે જવાનું આ પ્રયોજન હતું. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સુષ્માજી ભૂજ તેમજ આસપાસના વિસ્તારોની હાલત જાણીને તેમને સહાયભૂત થવા માંગતા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ભૂજ સુધીના ઉડ્ડયન દરમિયાન સુષ્માજીએ કાળજીપૂર્વક હાલની સ્થિતિ વિશેના અહેવાલોની જાણકારી મેળવી. ભુજની સ્થિતિ જોઈને વિશ્વાસ ન આવે તેવી દશા હતી. ભુજની સ્થિતિ કાળજું કંપી ઉઠે તેવી હતી. તમામ પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ હતો. ભુજના તત્કાલીન સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી તેમજ ‘કચ્છમિત્ર’ના તંત્રીશ્રી કીર્તિભાઇ ખત્રી સાથે વાતચીત કરીને સુષ્માજીએ વિશેષ વિગતો મેળવી. કેન્દ્રના મંત્રીશ્રીની આ મુલાકાતના સમયે અમારા જિલ્લા માહિતી અધિકારીના કાર્યરત કર્મચારીઓ સાથે પણ વાત કરવાની થઇ. અનેક કર્મચારીઓ અનેક પ્રકારના વ્યક્તિગત કે કૌટુંબીક પ્રશ્નો છતાં પૂરી કાળજી તેમજ નિસબત સાથે કાર્ય કરતા હતા. આ બધી વાતચીત તથા કામગીરીની સમીક્ષા ચાલતી હતી ત્યારે માહિતી વિભાગના એક કર્મચારીની અસાધારણ માનસિક સ્વસ્થતા તેમજ ફરજ પરસ્તી બાબત કોઈ અધિકારીએ ધ્યાન દોર્યું. આ કર્મચારીનું ઘર સંપૂર્ણત: ધરાશાયી થયું હતું. આ દૂર્ઘટનાનો ભોગ તેના માતા પિતા બન્યા હતા. બન્ને કાટમાળમાં દબાયેલા પડ્યા હતા. હવે તો ભૂકંપના ચાર પાંચ દિવસ બાદ તેમના મૃતદેહ જ મળવાના હતા તે પણ નિશ્ચિત હતું. આ કપરી સ્થિતિમાં પણ આ કર્મચારી પોતાની ફરજ બજાવવા માટે ઓફિસમાં ઉપસ્થિત હતા. તેમની આંખોમાં ખિન્નતા હતી પરંતુ હાથમાં સરકારનું કામ હતું. સાથી કર્મચારીઓએ તેને ઘરે જવા સૂચન કર્યું. પરંતુ આ કર્મચારીએ ધીરજ તેમ જ દ્રઢતા સાથે કહ્યું કે આમ પણ હવે જીવંત માતા પિતાના દર્શન થવાના નથી. આ બાબતનો અફસોસ તો છે જ. પરંતુ હાલમાં જયારે અનેક મુલાકતીઓને કારણે કચેરીમાં મારી હાજરીની ઉપયોગીતા છે ત્યારે હું હાજર હોઉં એ જ મહત્વનું છે. કાળને આધિન નુકશાન વ્યક્તિગત રીતે મને થયું છે તે ખૂબ જ પીડાદાયક છે. મારી જેવી જ સ્થિતિ બીજા અનેકની પણ છે. આમ છતાં જયારે કચેરીને મારા કામની જરૂર છે ત્યારે હું હાજર રહીને કામ કરું એ જ મારે મન મહત્વનું છે. ઉપરાંત તેણે કહ્યું કે મારા માતાપિતાએ આવા જ સંસ્કાર મને આપ્યા છે. ફરજ નિષ્ઠાનું આવું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે. કેટલાક અધિકારીઓએ ભૂજમાં કામ કરતા એક પોલીસ સબ ઇન્સ્પેકટરની વાત કરી. આ અધિકારી ભૂકંપ આવ્યો તે દિવસથી ઘરે ગયા નથી. નાહ્યા ધોયા સિવાય એક જ વર્ધી જે પહેરી છે તે જ પહેરીને પોતાની કામગીરી સ્વેચ્છાએ કરી રહ્યા છે. ભૂખ અને ઉંઘને અવગણીને તેઓ ફરજનું કામ સતત કરી રહ્યા છે. આ રીતે જ ગુજરાત ઇલેકટ્રીસિટી બોર્ડ (G.E.B)ના કર્મચારીઓએ રેકોર્ડ ટાઈમમાં અનેક સ્થળોએ વીજળીના જોડાણ પુનઃ સ્થાપિત કર્યા હતા. વીજળીનું પુનઃ જોડાણ આટલી ઝડપે વિકસિત દેશોમાં પણ થતું હોતું નથી. કેટકેટલા ઉદાહરણો સામે આવ્યા ! મોત જેવા મોતને પડકારનારા આ મૂઠી ઊંચેરા કર્મયોગીઓએ શ્રેષ્ઠ પ્રકારની નિષ્ઠાનું દર્શન કરાવ્યું.
ઉપરના તમામ વાસ્તવિક ઉદાહરણો મનમાંતો હતા જ. પરંતુ ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તા. ૩૦-૧૧-૨૪ ના રોજ યોજવામાં આવેલ ચિંતન શિબિરમાં જવાનું થયું ત્યારે પુનઃ આ પ્રસંગો ફરીથી આંખ સામે તરવા લાગ્યા. કઈ એવી બાબત હશે કે કેટલાયે લોકો કોઈપણ પ્રકારના વિશેષ વળતરની અપેક્ષા સિવાય સામા પૂરે તરવા જેવા કાર્યો સ્વેછાએ કરતા હશે? ફરજના ભાગ તરીકે જે કરવાનું થાય તે તો સૌ કરતા હોય. તે માટે નિયત થયેલું આર્થિક વળતર પણ મળતું હોય. પરંતુ Extra Mile ચાલવાની આ વાત તે કોઈક વિશેષ યોગદાનની એક જૂદી ભૂમિકાએ સમગ્ર તંત્રને લઇ જાય છે. જીવનના ઘણાં વર્ષો સુધી જે તંત્રમાં કામ કર્યું છે તેના અનેક સુખદ સંભારણાઓનું ભાતું બંધાયું છે. સેવા તથા સમર્પણની આ ભાવના માણસમાં છૂપાઇને પડેલી માણસાઈનું ભવ્ય દર્શન કરાવે છે. સરકારી તંત્ર પર દોષારોપણ અનેક સમયે એક અથવા બીજા કારણસર થયા કરે છે. ” બધું જ બગડી ગયું છે. ” તેમ કહેવું કેટલું ઉચિત ગણાય? ખામીઓ જરૂર હશે. કેટલીક અનિચ્છનિય બાબતો પણ હશે. પરંતુ તેના કારણે સમગ્ર તંત્રને સાગમટે નિરર્થક ગણાવવાનો પ્રયાસ ન્યાયી નથી. સમાજે પણ આ નિરક્ષિર દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. આપણા દેશમાં લોકસભા કે વિધાનસભાની ચૂંટણીનું એક અભ્યાસુ તરીકે નિરીક્ષણ કરવા વિદેશથી અનેક નાના – મોટા પ્રતિનિધિઓ તેમ જ હોદ્દેદારો આવ્યા કરે છે. એક ખંડ જેવા દેશમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણીઓ ન્યાયી તેમ જ પારદર્શી રીતે થાય છે. તે સામાન્ય વાત નથી. આપણાં સરકારી તંત્રની અહમ ભૂમિકા આ કાર્યમાં છે તે સુવિદિત છે. લડાખના એક મતદાન મથકની વિગતો અખબારી અહેવાલો પરથી જાણમાં આવી હતી. આ મતદાન મથક પર પહોંચવું એટલું મુશ્કેલ છે કે દેશની આટલી ચૂંટણીઓ થઇ છતાં પણ કોઈ રાજકીય પક્ષના પ્રતિનિધિ ત્યાં ગયા નથી. મતદારોની સંખ્યા પણ સ્વાભાવિક રીતે જ ઓછી હોય. છતાં આપણી પોલ – મશીનરીના લોકો એક જ નિષ્ઠાથી તમામ મતદાન મથકો પર જાય છે. શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવે છે. આ બાબતોની પૂરી જાણકારી ઘણાં ઓછા લોકો સુધી પહોંચતી હશે. સમાચાર માધ્યમો મારફત અવારનવાર નાની – મોટી નબળી બાબતોને હાઈલાઈટ કરવામાં આવે છે. સમાજની જાગૃત સંસ્થાઓએ નબળી બાબતોને ઉજાગર કરવી જોઈએ. તેની સાથે જ તંત્ર તરફથી થતી સારી બાબતોને ‘શાબાશ’ કહેવાની પ્રથા પણ કેળવવી જોઈએ તેમ લાગે છે.
વસંત ગઢવી
તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૪
Leave a comment