ચરોતરના એક નાના ગામમાં દેશના પ્રધાનમંત્રી આવે તે ઘટના અસાધારણ ગણાય. આ ઉપરાંત જયારે પ્રધાનમંત્રી ત્યાં રાત્રિ રોકાણ પણ કરે તે તો લગભગ આજના સંદર્ભમાં માન્યામાં ન આવે તેવી હકીકત છે. આમ છતાં ચરોતર(ખેડા તથા આણંદ જિલ્લાનો ભાગ)માં એક ખેડૂતને ત્યાં પ્રધાનમંત્રીએ રાત્રિ રોકાણ કર્યું તે હકીકત છે. અમૂલની સફળતાની ગાથાનું તે એક જીવંત ઉદાહરણ છે. ત્રિભોવનદાસ પટેલની ઊંડી કોઠાસૂઝ તથા ડૉ. વર્ગીઝ કુરિયનની વહીવટી કાબેલીયત આ જવલંત અમૂલ ગાથાના મૂળમાં છે. સમગ્ર દેશમાં તથા એશીયા ખંડના કેટલાક દેશોમાં ‘અમૂલ પેટર્ન’ ને અનુસરીને દૂધ ઉત્પાદન તથા વિતરણ ક્ષેત્રે મહત્વના પગલાં ભરાયા છે.
આ સમગ્ર માળખું ઊભું કરવાનું સ્વપ્ન સરદાર પટેલે સેવ્યું હતું. ત્રિભોવનદાસ પટેલ જેવા દીર્ઘદ્રષ્ટા તેને વાસ્તવિકતા તરફ દોરી ગયા હતા. એ પણ એક ઐતિહાસિક ઘટના છે કે ભારતના બે પ્રધાનમંત્રીઓ – પંડિત નહેરુજી તથા શાસ્ત્રીજી – એ આ પ્રોજેક્ટને મજબૂત કરવામાં પ્રેરણા તથા બળ આપ્યા હતા. તળ ધરતી સાથે જોડાયેલા વિનમ્ર પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની ખેડા જિલ્લાના એક નાના ગામની મુલાકાત એ પણ એક જવલ્લેજ બને તેવી ઐતિહાસિક ઘટના છે.
અજરપુરા ગામના ખેડૂત તથા દૂધ ઉત્પાદક રમણભાઈ પટેલને એક દિવસ ડૉ. કુરિયને કહ્યું “રમણભાઈ તમારે ત્યાં બે મહેમાન રોકવાના છે. તેમના રહેવા-જમવાની વ્યવસ્થા તમારે કરવાની રહેશે.” જે અજાણ્યા મહેમાન આવવાના છે તેમના માટે જમવાનું શું બનાવવું તે પ્રશ્ન પણ રમણભાઈએ ડૉ. કુરિયનને પૂછ્યો. જવાબ સ્પષ્ટ હતો : “તમે જે ખાતા હો તેવું જ બનાવજો ને ! ” કુરિયન સાહેબના આ જવાબથી રમણભાઈની અડઘી ચિંતા ઓછી થઇ. આમ છતાં આ યજમાનના મનમાં એક વાત સતત ઘૂમરાતી રહી કે ખરેખર મહેમાન કોણ હશે? આમ થવું સ્વાભાવિક પણ હતું. મહેમાન આવવાના હતા તેના થોડા કલાકો પહેલા કુરિયન ફરી રમણભાઈના ઘરે ગયા. રમણભાઈને હવે સ્પષ્ટ જણાવવું જરૂરી હતું. આથી કુરિયન સાહેબે કહ્યું કે ” રમણભાઈ, તમારે ત્યાં દેશના પ્રધાનમંત્રી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મહેમાન થવાના છે.” રમણભાઈ આ અસામન્ય લાગે તેવી વાત સાંભળી મુંઝાઈ ગયા. કુરિયને સાંત્વના આપી અને પુનઃ વિશ્વાસ બંધાવ્યો કે કોઈ મુશ્કેલી નહિ પડે.
સાંજે પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી અજરપુરા ગામમાં ફરતા હતા. (ઓક્ટોબર-૧૯૬૪) સરકારી સૂચનાઓનું પાલન પણ થાય તે રીતે ઓછામાં ઓછી સિક્યૂરિટી સાથે આ ગોઠવાયું હતું. આવા જૂદા પ્રકારની વ્યવસ્થા કરવા અને ગામમાં જ ખેડૂતો સાથે રહેવા શાસ્ત્રીજીનો આગ્રહ હતો. તત્કાલીન મુખ્યમંત્રી બળવંતભાઈ મહેતાએ આથી ગૃહવિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી. શાસ્ત્રીજીએ પૂરો રસ લઈને ગામના દરેક વિસ્તારમાં પગપાળા રાઉન્ડ લીધો. મહિલાઓને મળ્યા. લોકોંને શાસ્ત્રીજીની નમ્રતા તથા સાદગી માટે અહોભાવ થયો. રમણભાઈને ત્યાં તેમના કુટુંબીજનો સાથે બેસીને રોટલા-શાકનું ભોજન કર્યું. રાત્રે મોડે સુધી જાગીને દૂધ સહકારી મંડળીની વ્યવસ્થાનું ઝીણવટથી અધ્યયન કર્યું. બહેનોને તેમની મહેનતના પ્રમાણમાં કેટલું વિશેષ આર્થિક વળતર મળે છે તેની ઝીણીમાં-ઝીણી વિગતો શાસ્ત્રીજી સમજ્યા. તેમને આ વ્યવસ્થાથી સંતોષ પણ થયો. કુરિયન તેમને બીજા દિવસે મળ્યા ત્યારે અમુલ પેટર્ન વિશે ટેકનીકલ તથા નાણાકીય વિગતો સમજ્યા. ‘જય જવાન જય કિસાન’ નો નારો ગુંજતો કરનાર પ્રધાનમંત્રી પશુપાલકને કેન્દ્રમાં રાખી ઉભી થયેલી વ્યવસ્થાને પ્રમાણી શક્યા. ૧૯૬૪ના ડિસેમ્બરમાં પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓને પત્ર લખી આ કિસાનલક્ષી વ્યવસ્થા વિકસાવવા સૂચન કર્યું. નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ(NDDB)ની સ્થાપના કરવાનો શકવર્તી નિર્ણય ખેડા જિલ્લાની શાસ્ત્રીજીની આ મુલાકાત પછી થયો. દેશ તે નિર્ણય માટે શાસ્ત્રીજીનો રુણી રહેશે.
ખેડૂતો તેમજ દૂધ ઉત્પાદકોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને જે વ્યવસ્થા થઇ તેનાથી તેમને ફાયદો થયો. પરંતુ આવી વ્યવસ્થા અન્ય ખેત ઉત્પાદનોના સંદર્ભમાં ન થઇ શકી તેના કારણે આજે પણ ખેડૂતો આ ભાવ વધારા-ઘટાડાના વિષચક્રમાંથી બહાર આવી શકતા નથી. છેલ્લા થોડા દિવસોના સમાચારોમાં શાકભાજી વગેરે જીવનજરૂરી ચીજોના ભાવ વધારા બાબતમાં સમાચારો પ્રસિધ્ધ થયા કરે છે. શાકભાજી કે ફળફળાદિના ભાવોમાં એકાએક જ વધારો થાય અને કેટલાક કિસ્સાઓમાં ઘટાડો પણ થાય તેનું રહસ્ય સામાન્ય ગ્રાહકોને પણ કદી સમજમાં આવતું નથી. માત્ર બડબડાટ કરીને જનસામાન્ય આ સ્થિતિ સહન કરે છે. સીંગતેલમાં ભાવ વધારો થાય તો તેની સામેના દેખાવો ગુજરાતમાં પણ વર્ષો પહેલા થતા સૌએ જોયા છે. પરંતુ આજકાલ તેમ બનતું નથી. સામાજિક સ્તરે આપણે કદાચ એવું માનતા થઇ ગયા છીએ કે આ ભાવવધારાનું આ એક અનિવાર્ય વિષચક્ર છે જેના પરિણામ ગમા કે અણગમા સાથે પણ ભોગવવના રહે છે. શાકભાજી કે ફળફળાદિના ભાવોની વૃધ્ધિનો લાભ મહદઅંશે ઉત્પાદકોને મળતો નથી તે પણ સર્વે સ્વીકૃત હકીકત છે. ઉત્પાદકથી ઉપભોક્તા સુધી આ ચીજવસ્તુઓ પહોંચાડવાની વ્યવસ્થા કરતા વર્ગની એક ઉપયોગીતા તો છે જ. આ ઉપયોગીતાના કારણે તેમની અનિવાર્યતા ક્રમશઃ મજબૂત થતી રહી છે.
ભારતમાં મોટી સંખ્યામાં ખેડૂતો ખેતીના કામ સાથે સંકળાયેલા છે. આજે દેશ આઝાદ થયો તેના ૭૫ વર્ષ પછી પણ ખેડૂતોને ઉત્પાદન વૃધ્ધિ કર્યા બાદ પોષણક્ષમ ભાવ મળતા નથી. ડુંગળી અને બટાટા તેમ જ કપાસ પણ તેના નજર સામેના ઉદાહરણો છે. ટેકાના ભાવે ખરીદીને કારણે ખેડૂતોને રાહત મળે છે. પરંતુ આમ છતાં દૂધમાં જેમ મજબૂત તથા સુગ્રથિત માળખું ઊભું થયું છે તેવી વ્યવસ્થા અન્ય ખેત પેદાશોના સંદર્ભમાં થઇ નથી. જે થવું જરૂરી છે. ઉત્પાદનમાં વૃધ્ધિ થાય તો તેની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવું સુદ્રઢ માળખું તેનો એક માત્ર ઉપાય છે.
વસંત ગઢવી
તા. ૨૮ નવેમ્બર ૨૦૨૪
Leave a comment