ભજનો-લોકવાણીનો મહત્વનો પડાવ-ક્ષણના ચણીબોર

: ભજનો : લોકવાણીનો મહત્વનો પડાવ:

વાગે ભડાકા ભારી ભજનના

વાગે ભડાકા ભારી

બાર બીજના ધણીને સમરું

નકળંક નેજાધારી… ભજનના..

                                     દોહા તથા ભજન એ આપણા સદીઓથી લોકપ્રિય એવા લોકભાગ્ય માધ્યમો છે. સમગ્ર મધ્યયુગના સાહિત્યમાં દુહાનો પ્રભાવ નજર સામે છે. દોહા તેમજ ભજન બંનેના માધ્યમથી જીવનના ઉમદા તત્વો તથા સંતોની વાણીનો નિર્મળ પ્રવાહ લોકસમૂહ સુધી અવિરત પ્રકારે વહેતા રહે છે. જીવનની રોજરોજની ઘટમાળમાં પણ અનેક લોકોને ભજનવાણી એક અનોખી શાંતિ પુરી પાડે છે. આપણાં ગામડાઓને કેટલાક સંસ્કારોએ  એકતાંતણે બાંધી રાખ્યા છે. મનમેળ ઉભો કર્યો છે. આ મહત્વનું કાર્ય ભજન કે સંતવાણીની આ પરંપરાએ સુપેરે કર્યું છે. આથી  ભજન એ આપણાં અસંખ્ય ભાંડુઓ માટે દૂરની કે અપરિચિત વાત નથી. અજવાળી બીજની કોઇ રાત્રીએ કચ્છ- સૌરાષ્ટ્રના કોઇ નાના એવા ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય છે. શબ્દ-સ્વરોના આ તાલબધ્ધ-લયબધ્ધ ભડાકા તબલા-દોકડ અને રામસાગર જેવા સાદા સાધનોની મદદથી કાળીડીબાંગ રાત્રીમાં એક ઉજળી આભામંડળનું સર્જન કરે છે. આમ ગણો તો લોકસાહીત્ય એ તો એક વિશાળ વટ વૃક્ષ સમાન છે. આ વૃક્ષ તેની ડાળે ડાળે બેઠેલા ભિન્ન ભિન્ન પક્ષીઓથી શોભી ઉઠે છે. આ રીતે લોકસાહિતયનું વિશાળ વૃક્ષ ગીતો, છંદો, દોહા, સોરઠાઓ, કથાઓ જેવા તેના વિવિધ સ્વરૂપોથી અનેરી શોભા ધારણ કરીને ઉભું છે. પરંતુ સમર્થ સંશોધક અને લોકકવિ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે તેમ લોકવાણીનો અંતિમ પરિપાક એ  ભજનવાણી છે. એટલું જ નહીં ભજનવાણીએ શાસ્ત્રોની અનેકજ્ઞાનસમૃધ્ધ વાતોનો અમૂલ્ય ખજાનો   સીધી – સોંસરવી અને સરળ ભાષામાં લોકના દરબારમાં રજૂ કર્યો છે. આથી મેઘાણીભાઇએ સંતવાણી કે લોકવાણીના સંદર્ભમાં કરેલું એક ઐતિહાસિક અવલોકન ફરી ફરી સ્મૃતિમાં આવ્યા કરે છે. મેઘાણીએ લખ્યું : .. જો વેદો, ઉપનિષદો તેમજ ભાગવત ઇત્યાદિતમાંથી દોહન કરીને આ લોકવાણી જો જનસમાન્યને સ્પર્શે તેવા તાલ સંગીતના કટોરામાં ન ઉતારત તો એક પ્રથમ કોટિની કરુણતા નીપજી હોત.’’ વિશાળ જનસમુદાયે આ ભજનવાણીને ખોબે અને ધોબે માણી છે. અંતરના ઉમળકાથી આ વાણી અને તેના વાહકોને વધાવ્યા છે. ખુદ ઝવેરચંદ મેઘાણી પણ જીવનના છેલ્લા પડાવે સંતવાણી તરફ વિશેષ ઢળે છે. સંતસાહિત્ય એ તેમના માટે આ સમયે સૌથી અગત્યનો વિષય હતો. તેઓએ ‘સોરઠી સંતવાણી’ની પ્રસ્તાવના પણ લખી. પરંતુ દુર્ભાગ્યે સંતસાહિત્યનું આ પ્રથમ સોપાન પ્રગટ થાય તે પહેલા ઝવેરચંદ મેઘાણીએ સંતોની અમર જમાત સમક્ષ હાજર થવા આ દુનિયામાંથી મહાપ્રયાણ કર્યું. જો કે મહેન્દ્રભાઈ મેઘાણીએ આ મહામૂલ્યવાન ભજનવાણીના પુસ્તક (સોરઠી સંતવાણી)નું પ્રકાશન પોતાની સમર્થ પિતાની પહેલી માસિક પુણ્યતિથિના દિવસે કર્યું. ભજનવાણીને લોકો સુધી પહોંચાડવામાં આપણા ભજનિક સંતોએ મહત્વની ભૂમિકા ભજવી છે. નારાયણ સ્વામી, કનુ બારોટ, યશવંત ત્રિવેદી, હેમંત ચૌહાણ, ઇસ્માઇલ વાલેરા, વેલજીભાઇ ગજ્જર, પ્રાણલાલ વ્યાસ કે મુગટલાલ જોશી જેવા અનેક મીઠા અને મર્મીલા ભજનવાણીના વાહકોને લોકોએ આકંઠ માણ્યાં છે. ગંગાસતી અને પાનબાઈ વચ્ચેનો સંવાદ જે ભજનોની ધારામાં પ્રગટ થયો છે તે લોકવાણીના ઉપનિષદ સમાન છે. કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ના ભજનો પણ ખુબ લોકપ્રિય થયા છે. ‘આવકારો મીઠો આપજે’ કે ‘પગ મને ધોવાધ્યો રઘુરાય’ જેવા ભગતબાપુના ભજનો લોકહૈયામાં સ્થિર થયા છે. આ પરંપરાગત તથા સત્વશીલ સાહિત્ય તેની આંતરશકિતથી જમસામાન્યના હૈયાદ્વારે કાયમી સ્થાન મેળવવામાં સફળ થયેલું છે. આપણી સંતવાણી કાળજયી છે. રાત્રીના પ્રહર પ્રમાણે ભજનો ગવાતા જાય છે. અંધારી રાત્રિઓ પણ ભજનો થકી ઉજળી થાય છે. ભજનોના સ્વર સૂરનું એક જૂદું જ ખેંચાણ છે.

જમીં આસમાન બાવે

મૂળ વિણ રોપ્યાં જી…

થંભ વિણ આભ ઠેરાણાં હોજી

અખંડ ઘણીને હવે ઓળખો હોજી

                    ભારતના દરેક ખુણાના બહોળા લોક સમૂહને આ વાણીએ ભીંજવી છે. ગોરખનાથ – રામાનુજ – કબીર – ભાણસાહેબ – જ્ઞાનેશ્વર –   તુકોબા – નરસિંહ – દાસી જીવણ – મીરાં – ગંગાસતી જેવા તેજસ્વી નામોનું વિરાટઅને વ્યાપક યોગદાન ભજનવાણીના વિષયમાં છે. છેલ્લા પાંચ કે છ સૈકાઓથી ભજનવાણીનો એક અલગ સામાજિક પ્રભાવ જોઇ શકાય છે. ભકિતમાર્ગના ઉપાસકોને ભજનવાણીનો મોટો આધાર તેમના સાધના પથના માર્ગમાં હાથવગો રહેલો છે. મેઘાણીભાઇ ભકિતરસના આ પ્રવાહને ચૌદમી સદીના વિરાટ અને ભારતવ્યાપી ચમત્કાર તરીકે ‘સોરઠી સંતવાણી’માં ઓળખાવે છે. જ્ઞાનની અમૃતધારા આ મધ્યયુગના સંતોએ સરળ ભાષામાં મઠો અને મંદિેરોની બહાર લોકદરબારમાં લાવીને મૂકી હતી. આ એક અસાધારણ ઘટના હતી. પ્રેમલક્ષણા  ભકિતના રંગે લોકહૈયા રંગાયા હતા.

સખી ! સાંભળ કરું એક

વાતડી, સાંભળતા લાગે મીઠી રે,

સખી ! સતગુરુએ શબ્દ સુણાવિયા

આજ તો અચરજ મેં દીઠો રે.

                ગુરુ-શિષ્યના અર્થસભર સંવાદમાંથી પણ ભજનની આ ધારા પ્રગટી છે. યોગેશ્વર કૃષ્ણ તથા મુમુક્ષુ અર્જુન વચ્ચેના સંવાદમાંથી જ ગીતામૃત મળ્યું છે. આ વાત સંતસાહિત્યને પણ લાગુ પડે છે. ગુરુની નિશ્રામાં રહીને સેવાકાર્ય કરતા શિષ્ય વચ્ચેના સંવાદમાં શિષ્યના મનમાં ઉઠતી આશંકાઓનું સમાધાન મળતું હતું. શિષ્યને જ્ઞાનગુટિકા મળતા હતા. અગમના ભેદનો ઉકેલ જાણે કે અહીં જ મળતો હતો. ખીમ સાહેબ રવિ સાહેબને પૂછે છે:

કૈસે સતગુરુ સમરીયે,

કયું કર લીજૈ નામા

કહાં ઉનકું દેખીએ

તો કહાં હૈ આતમરામા.

              રવિસાહેબનો જવાબ અંતરને અજવાળે તેવો છે:

સાંસ ઉસાસમે સમરીએ

અહોનિશ લીજીએ નામા

નુરત સુરત સે નીરખીએ

તો ઘરોઘર હૈ આતમરામા.

                    ભજનો કે સંતવાણીની વ્યાપક લોકસ્વીકૃતિ છે. આમ થવા પાછળનું એક મહત્વનું કારણ એ છે કે તે લોકોની ભાષામાં છે. આથી લોક સાથેનું તેમાં ત્વરિત જોડાણ થાય છે. સંતવાણીના વાહકો એ મહદઅંશે શ્રમજીવી વર્ગમાંથી આવે છે. જેમ કે કબીર વણકર હતા. તે સર્વવિદિત છે. આથી સામાન્ય જન સાથેનો તેમનો વિશેષ ઘરોબો હતો. ઉત્તમ ગૃહસ્થાધર્મમાં રહીને આ સંતો-ભજનિકોએ જીવતર ઉજળું કર્યું છે.

         વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા. ૨૧ ઓક્ટોબર ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑