: સંતવાણી સમીપે : : ગણ્યું જે પ્યારું પ્યારાએ : અતિ પ્યારું ગણી લેજે :

       તુલસીદાસની ચોપાઇ કે નરસિંહના ઝૂલણા છંદમાં રચાયેલા કાવ્યો એ એવા સત્વવાળા સર્જનો છે જે કદી જૂના કે અપ્રસ્તુત થતા નથી. આવી રચનાઓની સરળતા,મધુરતા તથા હેતુપૂર્ણતાની કોઇ expiry date હોતી નથી. આવી રચનાઓ તરફ સામાન્ય માનવીઓનું આકર્ષણ તથા તેના સતત ઉપયોગને કારણે ચલણી સીક્કા જેવી બની રહે છે. હમેશા જીવંત તથા ધબકતી રહે છે. મારી નાડ તમારે હાથ કે મંગલ મંદિર ખોલો જેવી ચિરકાળ યુવાન રચનાઓ આપણા સાહિત્યના આભૂષણ સમાન છે. આવી રચનાઓમાં આપણાં સંત સાહિત્યના સત્વનું દર્શન થાય છે. આદ્ય ગઝલકાર નડિયાદના કવિ શ્રી બાળાશંકર કંથારિયાની ‘‘ગુજારે જે શિરે તારે’’ રચના એ પણ આવીજ એક સદા તરોતાજા લાગે તેવી સુંદર રચના છે. શ્રી બાળાશંકર કંથારિયા (૧૮૫૮-૧૮૯૮) માત્ર ચારેક દસકા જેટલું ટૂંકું જીવન જીવ્યા પરંતુ સાહિત્ય જગત પર પોતાની અમીટ છાપ છોડીને ગયા. વિક્રમ સવંત ૨૦૭૧ ના પ્રારંભના આ દિવસો છે. નૂતન વર્ષના હર્ષોલ્લાસમાં જાત સાથેનો તાર બાંધીને પ્રતિક્રમણ કરવાની સોનેરી સલાહ કવિ સરળ ભાષામાં આપે છે. સ્વ તરફ યાત્રા કરીનેજ સ્વભાવના દોષને પારખી શકાય. વર્તનમાં વિધેયકતા લાવી શકાય. એકવાર આપણુંજ કે આપણાં સ્વભાવનું દોષદર્શન કરીએ તો તેના નિવારણ માટે વિચારવાનો ભાવ કોઇ ક્ષણે તો ચોક્કસ જન્મે. આટલું થાય તો વિક્રમનું આ નવું વર્ષ સ્વઉન્નતિ માટેનો ઉચિત કાળ બની શકે.

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે.
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.
કટુ વાણી સુણે જો કોઇની વાણી મીઠી કહેજે,
પરાઇ મૂર્ખતા કાજે મુખેના ઝેર તુ લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.
કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઇ ?
નિજાનંદે હમેશા ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે.

       જીવન જીવવા માટે હમેશા ઉપયોગી એવી આ રચનામાં કહેવાયેલી વાતો હૈયાવગી રાખવા જેવી છે. શાસ્ત્રોની વાતો કે તેનો સાર સરળ તથા સહજ શબ્દોમાં વ્યક્ત કરવાની આપણાં કવિશ્રીઓની શક્તિનું અહીં સ્પષ્ટ દર્શન થાય છે. અહીં શબ્દોની ચાલાકી કે વિદ્વતાપૂર્ણ અલંકારો સિવાય ઝરણાંના પ્રવાહ જેવી નિર્મળતા કાવ્યના શબ્દ પ્રયોગમાં જોઇ શકાય છે. વાત તો દિલમાં દિવો કરવાનીજ છે. ચિત્તમાં જે નબળાઇ કે ક્ષતિઓ છે તે બાહ્ય રોશનીના ગમે તેવા ઉજાસથી દૂર થતી નથી. આપણી ઉન્નતિમાં બાધારૂપ ક્રોધ, કામ, ઇર્ષા વગેરે જેવી વૃત્તિઓ ચિત્તમાંજ વસેલી છે. તેને તજવાની તંદુરસ્ત શિખ કવિ આપે છે. આપણાં શ્રધ્ધાપૂર્વકના પ્રયાસો તથા ભગવત્ કૃપા હોય તો આ પ્રયાસ વિશેષ સરળ બને છે. આથી કવિ કાગ પણ એક ભજનમાં ચિત્તની અશુધ્ધિઓ સામે લડવા પ્રભુકૃપાની પ્રાર્થના કરે છે.

વાસના એ વેરીછે વસમો અકળાવે અણદાદજી,
સ્મરણ તારું શામળા ! મને રહેવાદે નહિ યાદ…
સરવા ! સાંભળે તું સાદ… જી…

       કવિ પરમતત્વને ‘સરવા’ કહીને સંબોધેછે. તેની કૃપા માગનારને મળે છે. કારણ કે તેની સાંભળવાની શક્તિ સવિશેષ છે. ઉપરાંત તેઓ દીનદયાળુ છે તેથી ફરિયાદ તો તેનેજ કરી શકાય.

બિરદ તારું દીન દયાળુ મારી કેદુની ફરિયાદજી
‘કાગ’ તને સૌ કહે કૃપાળુ દેતો નથી કાં દાદ….
સરવા સાંભળે તુ સાદ… જી…

       શાસ્ત્રોએ તો સત્ય બોલવા તથા પ્રિય બોલવા પર ભાર મૂકેલો છે. (સત્યમ્ બ્રુયાત, પ્રિયમ્ બ્રુયાત) છતાં વ્યવહારના જગતમાં કોઇ અપ્રિય ઘટના બને, કોઇ વાણીનો અવિવેક દર્શાવે તો પણ તેનો પ્રતિસાદ તો પ્રિય શબ્દોથીજ આપવો તેવી શિખ કવિએ આપી છે. ચંડકોશી નામનો મહા વિષધર સર્પ ઝેરનો પ્રવાહ ર૪મા તિર્થંકર તથા સર્વ જીવો પર કૃપા કરવાવાળા મહાવીર સ્વામી તરફ વહેતો કરે તો મહાવીર સ્વામીનો પ્રતિભાવ તો શ્વેત – શુભ્ર દૂધની અમૃતધારા થકીજ મળે છે.

       પ્રારબ્ધ હશે તો જરૂર પ્રાપ્ત થશે પરંતુ તેની રાહ જોઇને બેસી રહેવામાં હતાશા પ્રાપ્ત થવાના સંજોગો વિશેષ છે. રાત્રિનું કાળુ ધાબુ માથે લઇને સૂવાવાળા આપણાં સૌ માટે પંખીના ટહુકા સાથેના સોનેરી પ્રભાતનું કુદરતે આયોજન કરેલુજ છે. આથી બીનજરૂરી અપેક્ષાઓ – મહત્વાકાંક્ષાઓના બદલે શ્રધ્ધા સાથે કર્મમાં વ્યસ્ત રહેવાથીજ ફળપ્રાપ્તિની આસક્તિ મટે છે. આ વાત ગીતાકારે પણ દોહરાવી છે. પૃથ્વી પર અવતાર ધારણ કરનાર દરેક માનવીને ઉર્ધ્વગતિ કરવાની શક્તિતો કુદરતની કૃપાથી મળેલી છે.  આથી સત્કર્મોના સહારે પ્રભુનામની માળાના મણકા પૂરા વિવેક તથા આદર સાથે પરોવીને ‘‘તેરા તુજકો અર્પણ’’ નો ભાવ હૈયામાં ધરવા કવિ સમજાવે છે. અંતે તો ‘ઇશ્વરેચ્છા બલિયસી’ નો સંકેત સમજીને, તેને પચાવીને જીવવાની વાત કાવ્યમાં સુરેખે વણી લેવામાં આવી છે. જગતના તાતને જે પ્રિય લાગ્યું – પ્યારું લાગ્યું તે આપણા માટે હિતકારી હોયજ તેવી મીરા કે નરસિંહની શ્રધ્ધા સ્વમાં રોપવાની આ અમૂલ્ય સલાહ છે. પિતાના વિયોગ તથા ગુરૂબંધુ શ્રી રામના અકારણ વનગમનથી વ્યથિત થયેલા ભરતજીને તુલસીદાસજીની ચોપાઇમાં કહેવામાં આવેલી વાત કહીનેજ મુનિઓ શાંત રહેવા, સ્વસ્થ થવા સમજાવે છે.

સુનહુ ભરત ભાવી પ્રબલ, બિલખી કહત મુનિનાથ,
લાભ, હાનિ, જીવન મરણ, જશ-અપજશ વિધિ હાથ,

નૂતન વર્ષના પ્રારંભે આવી લાગણીઓ કે માનસિક વલણ ધરાવવા તરફની નાની એવી કોશિષ પણ સમજણપૂર્વક કરીએ તો જીવનની વસંત પૂર્ણ રૂપે મહોરી ઉઠે તેવી પૂરી સંભાવના છે.

(વી. એસ. ગઢવી)
ગાંધીનગર.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑