એક નાનો પત્ર અને તેનો ટૂંકો જવાબ તત્કાલીન યુગના અગ્રજનોના વિવેક તથા સંવેદનશીલતાનું દર્શન કરાવી જાય છે. નાનો પત્ર સર પટ્ટણીના સદગુણી ધર્મપત્ની રમાબેન પટ્ટણી તરફથી ગાંધીજીને સંબોધીને તા. ૨૪-૧૧-૧૦૨૪ના રોજ લખવામાં આવ્યો છે. રમાબહેન પટ્ટણી લખે છે:
” પટ્ટણી સાહેબ પાસેથી જાણ્યું કે તેમણે આપને થોડા દિવસ આરામ લેવા જણાવ્યું છે. આપે તે આમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે તે જાણી વિશેષ આનંદ થયો. આથી આપ ત્રાપજ બંગલે એકાંત જગામાં જરૂર પધારો. આપની સેવાનો અમને લાભ મળશે. આપ કામમાં બીજે રોકાઈ જાઓ તેનો ભય છે. આથી આ આગ્રહનો પત્ર લખ્યો છે. એક બહેનની ઈચ્છાને આપ સફળ કરો તેવી નમ્ર વિનંતી છે. આપની રાહ જોઈએ છીએ.”
રમાબહેનના સ્નેહાળ પત્રના સંદર્ભમાં મહાત્મા તા. ૫-૧૨-૧૯૨૪ના રોજ જવાબ લખે છે: “વહાલા બહેન. આપનો હેતભર્યો કાગળ મળ્યો છે. ૮-૯ જાન્યુઆરી(૧૯૨૪) પછી શાંત સ્થળે મને લઇ જજો. ૧૪મી (જાન્યુઆરી) એ તો પાછા ફરવું જ પડશે. ખાદી પ્રચારમાં બહેનોની મદદ મળે તેવી આશાએ ત્યાં (ભાવનગર) આવું છું. ખાદી પ્રચારમાં બહેનોનો સાથ મળશે તો મને શાંત કે એકાંત સ્થળ આપી શકે તેનાથી પણ વધારે શાંતિ મળશે.”
રમાબહેનના શબ્દોમાં નર્યો સ્નેહ નીતરે છે. બાપુના પત્રમાં સ્નેહના સાનુકૂળ પ્રતિસાદ સાથે કર્તવ્યની પણ વાત આવે છે. કાળના તત્કાલીન પ્રવાહમાં ગાંધીજી તથા સર પટ્ટણી વચ્ચેનો પત્ર વ્યવહાર ગુજરાત વિદ્યાસભાના પુસ્તક (૧૯૮૦) મારફત આપણા સુધી પહોંચી શક્યો છે. આ પત્ર વ્યવહારના વિષયો તેમજ તેમાં વ્યક્ત થતી વિચાર પ્રકિયા બંને દિગ્ગજ પુરુષોના વ્યક્તિત્વનો અણસાર આપે છે.
મહાત્મા ગાંધી તથા પ્રભાશંકર પટ્ટણી વચ્ચેના સંવાદો કે ઉપલબ્ધ પત્ર વ્યવહાર પરથી તત્કાલીન કાળની સમગ્ર રાજકીય-સામાજિક સ્થિતિનો ચિતાર આવે છે. આ પત્રવ્યવહારનું ઐતિહાસિક મૂલ્ય છે. તે કાળની સ્થિતિ ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે બ્રિટિશ હિંદના બે વિભાગો હતા. એક તરફ બ્રિટિશ હકુમત હતી. બીજી તરફ અનેક દેશી રજવાડાઓ હતા. નાના-મોટા અનેક રાજ્યો હતા. બ્રિટિશ સરકારનું પોલિટિકલ ડિપાર્ટમેન્ટ રાજ્યોના વહીવટને સંબંધિત નિર્ણયો કરતું હતું. આવો વહીવટ સંભાળવા બ્રિટિશ સરકાર રેસિડેન્ટની નિમણુંક કરતી હતી. જોવાની વાત એ છે કે બ્રિટિશ સત્તા દેશી રાજ્યો માટે પણ સર્વોપરી હતી. ભાવનગર-જામનગર જેવા મોટા રાજ્યો ઓછા હતા. એક બાબતમાં દેશી તથા વિદેશી શાસકો મોટા ભાગના કિસ્સાઓમાં એકમત હતા. બંને સત્તાઓ રાજકીય હિલચાલની વિરુદ્ધ હતી. પોતાની સત્તાને પડકારે તેવા કોઈ પ્રયાસને સાંખી લેવાની તૈયારી શાસકોની ન હતી. જો કે તેમાં કેટલાક સુખદ અપવાદો પણ હતા. દરબાર ગોપાલદાસ કે ભાવનગરના રાજવીઓ અને તેના દીવાન સર પટ્ટણી આવી દમનકારી નીતિની તરફેણમાં ન હતા. આ બાબતમાં ખુલ્લી રીતે છતાં મર્યાદા જાળવીને તેઓ પોતાનો મત વ્યક્ત કરતા હતા. ભાવનગરમાં શહેરના મહાજનો રાજ્યના અમલદારો પાસે જઈને નિઃસંકોચ રીતે પોતાનો મત વ્યક્ત કરતા હતા. ફરિયાદો સંભળાવી શકતા હતા. ગોંડલના ભગવતસિંહજી પણ આવાજ એક ઉદાર તથા પ્રજાપ્રેમી રાજવી હતા. આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ સર પટ્ટણી બાપુને પત્રો લખી પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરતા હતા. બ્રિટિશ હિન્દ સાથેનો સદ્ભાવ જાળવી રાખી મહાત્મા ગાંધીના કાર્યોમાં પણ યોગદાન આપવાનું અઘરું કાર્ય પટ્ટણી સાહેબ કુનેહપૂર્વક કરતા હતા. જરૂર જણાય ત્યાં બાપુના કોઈ વિચાર બાબતમાં પોતાની અસંમતિ પણ સ્પષ્ટ રીતે જણાવતા હતા. બંનેના એકબીજા પરના લખાણોમાં નિખાલસતા, સત્યનિષ્ઠા તેમજ સહહૃદયતાના દર્શન થયા કરે છે. બંનેના પત્રો પરથી બંને મહાનુભાવોની વિચારધારા તેમજ તેમના ઉજ્વળ ચારિત્ર્યનું દર્શન થાય છે. ૧૯૨૦-૨૧માં ગાંધીજીએ અસહકારની લડત ચલાવી તેમાં વિદ્યાર્થીઓને આ ગુલામીના શિક્ષણની સંસ્થાઓમાંથી નીકળી જવા જણાવ્યું હતું. સર પટ્ટણી આ બાબતમાં બાપુને લખે છે કે આપે વિદ્યાર્થીઓને શાળાઓ છોડવા એલાન આપ્યું છે તે યોગ્ય લાગતું નથી. વિચાર સ્વાતંત્ર્યને બદલે વૃત્તિ સ્વાતંત્ર્યની સ્થિતિનું તેમાં નિર્માણ થાય છે તેમ પટ્ટણી સાહેબ માનતા હતા. યુવાનો માટે શિક્ષણ છોડવાનો નિર્ણય ભવિષ્ય માટે ઘાતક પુરવાર થશે. સર પટ્ટણીએ ભાવનગરના તેજસ્વી વિદ્યાર્થીઓને એમ.આઈ. ટી.(યુ.એસ.એ.) જેવી લબ્ધપ્રતિષ્ઠિત શેક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું મળે તે માટે ઉદારતાથી સ્કોલરશીપ આપતા હતા તે જાણીતી વાત છે. એક પત્રમાં સર પટ્ટણી બાપુના સતત કાર્યક્રમોને કારણે તેમના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા વ્યક્ત કરે છે. બાપુનો લાક્ષણિક જવાબ છે:
“મારા સ્વાસ્થ્ય વિષે ચિંતા ન હોય. ઈશ્વરને જ્યાં સુધી મારી પાસેથી કામ લેવું હશે ત્યાં સુધી તેની ગરજે મને ઠીક રાખશે. એ (ઈશ્વર) રૂઠશે ત્યારે હજાર હકીમો પણ કામમાં નથી આવવાના.” બાપુ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જશે કે નહિ તે બાબત ઘણી અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. પટ્ટણી સાહેબ સાથે જવાની તૈયારી કરે છે . મુસાફરી બાબતમાં સર પટ્ટણી મહાદેવભાઈએ પત્ર લખીને પૂછે છે મહાદેવભાઈ લખે છે: “છાપાના અહેવાલો પર ધ્યાન આપશો નહિ. (ઇંગ્લેન્ડ) જવાનું ૯૯% ઉડી ગયેલું સમજજો. અહીં આગ લાગી છે તે બાપુ હોલવે કે વિલાયત જાય? છતાં બાપુને ભગવાન પ્રેરણા કરે તેમ થાય.” જવાબમાં ગાંધીના માનસને પારખનાર પટ્ટણી લખે છે કે “મને લાગે છે ગાંધીજી જશે જ… નહિ જવાય તો અનર્થ થશે.” બાપુ અંતે ગોળમેજી પરિષદમાં જાય છે તથા સર પટ્ટણી બાપુ સાથે જોડાય છે તે જાણીતી વાત છે. મહાત્મા ગાંધીની વિશેષ સ્મૃતિ ઓક્ટોબર માસના આ પર્વના સમયમાં વિશેષ થયા કરે છે.
વસંત ગઢવી
તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨
Leave a comment