વાટે…ઘાટે:આપણું જીવન: ઘડતરની એક નિરંતર પ્રક્રિયા:

માનવ જીવન એ આપણામાંથી દરેકને મળેલી અસાધારણ ભેટ છે. માનવ સિવાય દરેક જીવ થકી જીવાતું જીવન એ પણ એક સર્વ-સત્તાધીશ પરમેશ્વરની ખુબીપૂર્વકની રચના છે. માનવજીવન તથા પશુ પંખીઓનું જીવન પણ આ ધરતીનો શણગાર છે. વનસ્પતિમાં પણ જીવ છે એ વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે. આ સૌનું સાયુજ્ય તથા સહઅસ્તિત્વ એ જ આ ધરતીની ખરી શોભા છે. માનવ એ આ સમગ્ર રચના કે ECOLOGY નો એક ભાગ છે. માનવી અલગ કે અભિન્ન નથી. માનવીનું ભૂમિ સાથેનું જોડાણ સ્પષ્ટ કરવા અથર્વ વેદના ઋષિએ ગયું કે “માતા ભૂમિ: પુત્રોંહં પૃથિવ્યા:” માનવીનું સમગ્ર સૃષ્ટિ સાથેનું જોડાણ આપણી માતૃભાષાના કવિઓએ પણ સુપેરે લલકાર્યું છે. કવિ જયંત પાઠક કહે છે:

થોડો વગડાનો શ્વાસ મારા

શ્વાસમાં, પહાડોના હાડ મારા

પિંડમાં ને નાડીમાં નાનેરી

નદીઓના નીર, 

છાતીમાં બુલબુલનો માળો

ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર,

રોમ મારા ફરકે છે ઘાસમાં….થોડો

વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

                      આ સમગ્ર ગેબી વ્યવસ્થાનું એક અંગ એટલે માનવી. સૃષ્ટિના અન્ય ભાગોથી ઊંચો નહિ પરંતુ તે સમગ્ર વ્યવસ્થાનો એક મહત્વનો ભાગ. આથી તો જીવનના આ સમગ્ર ઉપક્રમમાં માનવી સતત કંઈકને કંઈક શીખતો રહે છે. તેનું ઘડતર થતું રહે છે. સૃષ્ટિના અન્ય ભાગો કરતા માનવીને વિકસવાનો કે ઉન્નત થવાનો એક વિશેષ લાભ કુદરતે કરી આપ્યો છે. આથી મનુષ્ય હોવું એ ગૌરવની ઘટના ગણાય છે. અહીં શરત એટલી જ કે મનુષ્ય તેનું મનુષ્યત્વ શોભાવીને રહે. જીવનમાંથી, સૃષ્ટિમાંથી, નક્ષત્રમાંથી સતત શીખતો રહે અને વિકસતો રહે. આવો વિશેષાધિકાર માનવીને મળેલો છે. તેથી તે blessed છે અને ઉન્નતિની દિશામાં ડગ માંડી શકે છે. આદિ શંકરાચાર્યે કહ્યું હતું કે ‘મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને સત્પુરુષ સંશ્રય:’ એ માનવીને મળેલી અમૂલ્ય ભેટ છે. જીવનને હર્યું ભર્યું કરવાનો એક આયામ સદગુરુ શંકરાચાર્યે આપ્યો છે. નિરંતર શિખતા રહીને, સમજતા રહીને વિકસતા રહીએ તો આ સમગ્ર સૃષ્ટિમાંથી કેટકેટલી અમૂલ્ય ચીજો આપણને વ્યક્તિગત તથા સામુહિક રીતે શીખવા મળી રહે છે. શીખવાનું બંધ કરીએ ત્યારે જ જીવન બંધિયાર બની જાય છે. વહેતુ નીર નિર્મળ રહે છે અને બંધિયાર પાણી દુર્ગંધ ફેલાવે છે તે અનુભવસિદ્ધ ઘટના છે. શીખવાનું છોડીએ ત્યારે જિંદગી એક મુકામે અટકી જાય છે. આ અટકવાની ઘટના એ જ આપણો સૌથી મોટો પડકાર છે. ખલિલ જિબ્રાનના શબ્દોનું મકરંદભાઈના શબ્દોમાં અનુસર્જન આ વાતને સુંદર રીતે રજુ કરે છે.

જે સ્થળે મેં આંગળી

મૂકી કહ્યું મુજને ખબર

તે સ્થળે ત્યાંથી વહી ગઈ

જિંદગી રહી ગઈ કબર.

                  જીવનના અનેક ચઢાવ-ઉતાર થકી જ જિંદગીનું ઘડતર થતું રહે છે. આ ઘડતરની પ્રક્રિયામાં આપણી કુટુંબ વ્યવસ્થાનો એક મોટો આધાર છે. જાણે કે આ વ્યવસ્થા આપણને ટકાવી રાખે છે. જયારે મારા જીવનમાં પાછળના વર્ષો તરફ દ્રષ્ટિ કરું છુ ત્યારે જીવનના એક મહત્વના બોધપાઠ તરફ ધ્યાન જાય છે. અમે ભણતા ત્યારે ધોરણ દસ તેમજ ધોરણ બારમાં બોર્ડની પરીક્ષા હોય તેવી વ્યવસ્થા ન હતી. અગિયારમા ધોરણમાં બોર્ડની પરીક્ષા હતી. તે પરીક્ષામાં અમુક વિષય તમે ઈચ્છો તો છોડી શકતા હતા. મારા મનમાં એ વાત સતત ઘુમરાતી રહી કે ગણિતનો વિષય છોડવો. ગણિત જાય એટલે ગણિતને સંબંધિત માથાકૂટ પણ ન રહે તેવી ધારણા હતી. આ સ્થિતિમાં સ્વાભાવિક હતું કે આ નિર્ણયની મંજૂરી પ્રથમ તો માતા પાસેથી મેળવવી પડે. મા ને વાત કરી ગણિતમાં પડતી તકલીફો સમજાવવાનો પણ પ્રયાસ કર્યો. તેમણે વાત શાંતિથી સાંભળી. તેમના મો પર આ વાતના કારણે કોઈ ગુસ્સાનો ભાવ હું જોઈ શક્યો નહિ. આથી દલીલ સારી થઇ શકી છે તેવો સધિયારો મળ્યો. માત્ર સ્વપ્રયત્નથી અક્ષરજ્ઞાન મેળવનાર મારી મા એ કહ્યું કે દરેક બાબતમાં હું પ્રમાણમાં સારું કરું છું. ગણિતમાં મુશ્કેલી હોય તો શાળાના સમય બાદ કોઈની મદદથી તેને દૂર કરી શકાય. તે સમયમાં ટ્યુશન રાખવું તે થોડી શરમની વાત ગણાતી હતી. મા એ કહ્યું કે નબળાઈ હોય તો તેનું નિવારણ કરવાનો પ્રયાસ કરવો તે કોઈ સંકોચની વાત ન હોવી જોઈએ. આમ છતાં આ સ્થિતિ નિવારવા તેમણે એક શાળાંત પાસ થયેલા તેમજ ગણિતમાં હોશિયાર એવા સ્વમાની તથા સંસ્કારી વિધવા બહેનને મને ગણિતમાં મદદ કરવા માટે મનાવી લીધા. તે સમયમાં સારી કહેવાય તેવી માસિક રકમ પણ ટ્યુશન ફી તરીકે નક્કી કરી. પરિણામ ધારણા કરતા પણ સારું આવ્યું. શાળાના તે મહત્વના વર્ષમાં તથા ત્યારબાદ ગણિતશાસ્ત્ર તરફનો મારો અણગમો દૂર થયો. જીવનમાં થયેલી આ પ્રક્રિયાથી મારામાં એક નવા આત્મવિશ્વાસનો પણ સંચાર થયો. જીવનમાં જે પડકાર આવે તેનાથી સંતાઈ કે ભાગી જવાના બદલે તેનો સામનો કરવાનો પ્રયાસ કરવો જોઈએ તે વાત મનમાં ઠસી ગઈ. જીવન ઘડતરની કોઈ અલગ પ્રક્રિયા હંમેશા હોય તેવું બનતું નથી. આ અવિરત જીવન એ જ જીવન ઘડતરની પ્રક્રિયા સમાન છે. પ્રયાસ કરનાર જીતે છે. પ્રયાસને પડતો મુકનારા પાછળ રહી જાય છે. જીવનમાં સતત કંઈક ઉમેરણ કરવાની પ્રક્રિયા અટકવી જોઈએ નહિ. 

                        લાંબા વર્ષો સરકારના વિવિધ વિભાગોમાં કામ કરવાની તક મળી. અહીં પણ સામુહિક રીતે કામ કરવાની શક્તિનો પરિચય થયો. Team Work ને કારણે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓનું વ્યવસ્થાપન કરવા જેવા અઘરા કાર્ય સંપન્ન થાય છે. Team Work નો કોઈ વિકલ્પ નથી એમ સમજાયું. તંત્રના આવા મજબૂત ઘડતરમાં પણ અનેક લોકોનું વર્ષોનું યોગદાન છે. સામુહિક ઘડતરની આ પ્રકિયા પણ અનિવાર્ય છે. “તું તારા દિલનો દીવો થાને !” એ શબ્દોને જીવનમંત્ર બનાવવા જેવા છે.

વસંત ગઢવી

તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑