નદીના નીર: લીધાથી દીધાં તણો આનંદ એને અપાર:
સિંહ ગિરા મઠ મંદિરા,
નારી, નીર, નરાં
ખ્યાતાં ખાતાં બંદરાં,
સોરઠ સંત સરાં.
૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના ઇતિહાસ તથા સભ્યતા સાથે જોડાયેલી બે જીવંત ધારાઓ છે. આજે દેશ આઝાદ થયો તેને પોણી સદીથી વધારે સમય ગયો. સાંપ્રત કાળમાં પણ નર્મદા તથા નર્મદા આધારિત નહેરોનું માળખું ‘ગુજરાતની જીવાદોરી’ સમાન ગણાય છે. મહીના કોતરોમાં પાંગરેલા પ્રજાજીવનને રવિશંકર મહારાજે પોતાના જીવનકાર્યના ભાગ તરીકે અપનાવ્યું. અહીંના નરનારીઓના જીવન વ્યવહારને નિર્મળ બનાવવા મહારાજે તનતોડ મહેનત કરી. ભાદરના કાંઠે અસંખ્ય તીર્થસ્થાનો વિકાસ પામ્યા. નાવલી નદીના કાંઠે સાવર અને કુંડલા વિકસ્યા. ભાગીરથી ગંગા થકી વારાણસીની શોભા ઝળહળે છે. ઉત્તર ભારતની અનેક નદીઓ સમગ્ર વિસ્તારનું પોષણ કરતી રહી છે. નદીને આપણે લોકમાતા કહી છે. આદિ શંકરાચાર્ય જયારે નર્મદાના બહોળા પાણી ઉછળીને જતા જુએ છે ત્યારે આ માતા સ્વરૂપા સરિતાની ઉપાસના કર્યા સિવાય રહી શક્યા નથી. શંકરાચાર્ય મહારાજનું નર્મદાષ્ટક ખુબ જાણીતું થયું છે.
સબિંદુ સિંધુ, સુસ્ખલત્ત
રંગભંગ રંજીતં, દીવષત્સુ પાપ
જાતજાતકારી વારિસંયુતમ;
કુતાંદદુત કાલભૂત ભીતિહારી
નર્મદે ત્યદીય પાદ પંકજં
નમામિ દેવી નર્મદે.
નર્મદાના અગાધ જળે ગુજરાત-મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અમુક ભાગને સમૃદ્ધિ આપી છે. ગુજરાત માટે તો નર્મદા Lifeline ગણાય છે તે યથાર્થ છે. નદી ખરા અર્થમાં લોકમાતા છે. નદીના ગંગા રૂપે અવતરણની વાત પણ આ સંદર્ભમાં યાદ આવે છે. કવિ ઇકબાલે(આબે-રુદે-ગંગા) ગંગાના પાણીની સાક્ષીએ હિન્દુસ્તાનના નિર્માણની વાત કરી છે.
ઓ આબેરુદે ગંગા
તુજકો તો યાદ હોગા
ઉતરા તેરે કિનારે
જબ કારવાં હમારા…
નદી આપણાં ઉજળા ઇતિહાસની પણ સાક્ષી રૂપ છે. મુળુ માણેક અને જોધા માણેક ભગવાન રણછોડરાયના સ્થાનનું સાર્વભૌમત્વ જાળવવા તે સમયની સૌથી શક્તિશાળી ગણાતી બ્રિટિશ સેના સામે યુદ્ધમાં ઉતર્યા. બ્રિટિશરોની શક્તિ તેમજ આપણાં કેટલાક સ્થાનિક સંસ્થાનોની મદદથી અંગ્રેજો સામેના યુદ્ધમાં મુળુ માણેક વીરગતિને પામ્યા. લોકકવિએ તેમને બિરદાવ્યા. અહીં પણ નદીનો સંદર્ભ મહત્વનો છે. નદી અહીં સ્થૂળ રૂપે નથી. સમગ્ર ચિત્રમાં આ વિરગતિનું ગૌરવ અને મુળુ માણેક જેવા વીરની વિદાય ગોમતી નદીને પણ આકરી લાગે છે.
ગોમતીએ ઘૂંઘટ તાણીયાં
રોયા રણછોડરાય,
મોતી હતું તે રોળાઈ ગયું
માણેક ડુંગરમાંય.
મચ્છુનો મોરબી સાથેનો અનોખો નાતો રહ્યો. અનેક સારા નરસા બનાવોની સાક્ષી થઈને મચ્છુ જળ વહ્યા કરે છે. મોરબીની શોભા મચ્છુ થકી વધી છે. મોરબીની નિર્ભય ગૃહિણી સત્તાધીશને પણ તેની મર્યાદા સહજ રીતે જ દેખાડે છે. લોકગીતોમાં આ લોકલાગણી સ્થાયી થઇ છે.
મનગમતી ધર મોરબી
આદરમાં અચ્છુ
પાંગરતી પનિહારિયું
મોંઘા જળ મચ્છુ.
પણ આ મચ્છુ નદીએ ઓગસ્ટ-૧૯૭૯માં મોરબી શહેરને તણાતું જોયું. જો કે મોરબી પુનઃ ઉભું થયું અને વિકાસ પામ્યું તેના મૂળમાં મોરબીના લોકોની ધીરજ તથા સાહસવૃતિ છે. સમગ્ર રાજ્ય મોરબીની સાથે જ આ મહાઆપત્તિના સમયે ખભેખભો મિલાવીને સહયોગી થયું હતું. ૧૯૭૯ની વિનાશકારી સ્થિતિ અંગે ભારોભાર વસવસો કવિને રહે છે. લોકકવિ મચ્છુ નદીને પૂછે છે:
મચ્છુ બંધના કાંઠડાં
તને કેતાક વરસ થિયાં?
માડુ હતા તે હલી વિયા,
ને પાણા પડ્યા રિયા.
દુષ્કાળના ઓળા ઉતરે અને મેઘરાજા રિસાય ત્યારે નદીના જળ સુકાતાં એક ઉજ્જડ અને વેરાન પટનું દર્શન થાય છે. નદીકાંઠે ગાયો અને ગોવાળોની રળીયામણી હાજરી જોવા મળતી નથી. કવિ બળદેવભાઈ નરેલા લખે છે:
વારી ભરિયલ વીરડા,
ઘનમુલા ઘુના
સરિતાના જળ સુકતા
સો સો ગાઉ સૂના.
દુષ્કાળની સ્થિતિ સૌરાષ્ટ્ર-કચ્છ માટે નવી ન હતી. આમ છતાં ખેડૂતો તેમજ માલધારીઓના મોટા વર્ગ માટે આ સ્થિતિ અકળાવનારી હતી. અછતના કપરા સમયમાં પોતાની માતૃભૂમિને છોડીને ઉચાળા ભરી દૂર જવાની યાતના માલધારીઓને આકરી અને અકળાવનારી લાગે છે. ગામની શોભા સમાન પશુધન સિવાય ગામમાં સુનકાર પ્રવર્તે છે. તેથી આ બિહામણાં દ્રશ્યને જોઈને નદીકિનારે ઉભેલો પાળીયો ઉત્સુકતાથી નદીને પૂછે છે:
પૂછે નદીને પાળીયો,
(આજ) વાતું કરે વૈયાં,
ગાયુંને ગોવાળિયા,
શું ગામતરે ગયા ?
નદી ઊંડો નિસાસો નાખીને જવાબ આપે છે:
ભૂખ તરફ દુઃખ ભોગવી
ગેબી પંથ ગિયા,
પાપ અમારા પાળિયા?
આંસુ ન આંખે રિયા.
નદીઓની પૂજા આપણી સંસ્કૃતિ અને સંસ્કારમાં વણાઈ ગઈ છે. અનેક ભારતીયો સવારના સ્ન્નાન ટાણે ગંગા-યમુના-ગોદાવરી-સરસ્વતીને યાદ કરે છે. મહાભારતના ઋષિએ નદીને “વિશ્વસ્ય માતર” કહીને સન્માની છે.
સૌરાષ્ટ્રની જેમ કચ્છને પણ નદીઓ સાથે અનોખો નાતો રહ્યો. કવિ દુલેરાય કારાણી લખે છે:
કો ભૂખી કો સૂકી
નદીઓ, કોક વહન્તિ બારે
માસ કો મીઠી કો ભાંભળ
ખારી, કો વિચરે રણને રણવાસ.
કો પામે સાગરમાં અંત
ગરવી કચ્છ ધરા ગુણવંત.
નદીના અનેક સ્વરૂપો છે. જ્યારે આ નદી વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે તેનો ભોગ અનેક લોકો બને છે. કવિ કાગની એક સુંદર રચના નદીના આ ભયાવહ સ્વરૂપના સંદર્ભમાં છે.
નદીએ આવ્યા માઝા પૂર
નદીઓ બની છે ચકચૂર…
પાણી પીવાની ધારણા પણ
ખોદી નાખ્યા મૂળ… સૌરાષ્ટ્રની નદીઓ વિશેના અનેક વિદ્વાન લોકો તથા કવિઓના લેખો ‘ઊર્મિ-નવરચના’માં પ્રકાશિત થતા હતા. જયમલ્લભાઇ પરમારની સુઝને કારણે આ સાહિત્યનું ‘ઊર્મિ’ના માધ્યમથી દસ્તાવેજીકરણ પણ થઇ શક્યું. નદીઓની હાલની સ્થિતિ કોઈ પણ જાગૃત નાગરિકને અકળાવે તેવી છે. નદીઓને નિર્મળ રાખવામાં આપણે ઉણાં ઉતર્યા છીએ. નદીઓ આપણાં સાંસ્કૃતિક ઇતિહાસનો એક અભિન્ન ભાગ છે. તેથી નદીઓની સ્વચ્છતા જાળવવામાં સરકાર સાથે જ નાગરિક સમાજે સક્રિયતા દેખાડવી પડશે.
વસંત ગઢવી
તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪
Leave a comment