સાંયાજીનો શબદ: લખ્ખ કોટિનો લાભ

ઇડર કહાં…મરધર કહાં,

ઝૂલા બારઠ ફેર,

ઇસર ઈક સાંયો દુજો

પથ ઈક ચલે સુપેર.

                         આજના શુભ દિવસે કુવાવામાં હોવું તે એક લ્હાવો છે. ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પાવન સ્મૃતિ તો છે જ. સાથે સાથે ‘અંગદ-વિષ્ટિ’ પુસ્તકનું વિમોચન પણ છે. તેથી તે ઇસરદાસજી કહે છે તેમ ‘સોનો ઓર સુગંધ’ જેવો રૂડો યોગ થયો છે. સંત કવિ સાંયાજી ઝૂલાનું પુસ્તક ‘નાગદમણ’ આપણાં સુધી પહોંચાડવામાં આવડદાનભાઈ તેમજ દિલીપભાઈ ઝુલાએ સફળ પ્રયાસો કર્યા હતા. આપણાં વિદ્વાન કવિરાજ જીતુદાન ટાપરીયાએ એમના અભ્યાસુ સ્વભાવ મુજબ આ સુંદર ગ્રંથનું સંપાદન કર્યું હતું. આજનો પ્રસંગ બે રીતે વિશિષ્ટ છે. એક તો અંગદ-વિષ્ટિ નામના સાંયાજીના અપ્રાપ્ય પુસ્તકનું વિમોચન થાય છે. ઉપરાંત આ કાર્યક્રમ સાંયાજી ઝૂલાની ભૂમિ પર થાય છે. આ ગ્રંથની વિગતો એકલવીર પ્રવીણ મધુડાએ તૈયાર કરી. તદુપરાંત અનેક પ્રકારે તેમાં વિગતો-ભાવાર્થ-શબ્દાર્થ વગેરેનું મૂલ્યવર્ધન પુરા ખંત સાથે પ્રવિણભાઈએ કર્યું. આપણી જાગૃત સંસ્થા સીજીઆઇએફના સમયસરના સહયોગથી આ દુર્લભ ગણાય તેવા પુસ્તકનું આજે વિમોચન થાય છે. આથી આ પ્રસંગ એક સંભારણામાં રહે તેવો થયો છે. સમગ્ર આયોજન માટે કુવાવાના સૌ સ્નેહી ભાઈઓ આપણાં અભિનંદનના અધિકારી છે. ગાંધીનગરના અમારા ઓછું બોલીને વિશેષ કામ કરનારા, પ્રભુદાનજી બાટીના નિમંત્રણથી એક બેઠક થઇ હતી. ભાઈ આવડદાનજી ઝૂલા, દિલીપભાઈ ઝૂલા તથા અભેસિંહ ઝૂલા તેમજ રાજાભાઈ રૂડાચ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના ભાઈઓમાં પણ સમર્થદાનજી ઝૂલા, મનહરભાઈ ઝીલા, રવિદાનજી મોડ, નિરંજનભાઈ દેથા ઉપસ્થિત હતા. સીજીઆઇએફના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રભુદાનજીભાઈની સાંયાજી ઝુલાકૃત અંગદ-વિષ્ટિનું પ્રકાશન કરવાની દરખાસ્ત હતી. હાજર રહેલા સૌએ તેને ઉત્સાહથી વધાવી હતી. આ રીતે આ ઉત્તમ પુસ્તકનું પ્રકાશન થયું તેનો આનંદ છે. પ્રવીણભાઈ સાથે જ નીલમબહેન રાજાણીના સહયોગની પણ નોંધ લેતા આનંદ થાય છે.

                 સાંયાજી ઝૂલાની કૃતિ ‘નાગદમણ”નું શ્રદ્ધાળુઓને મન અનોખું મહત્વ છે. ઉપરાંત સાહિત્યની દ્રષ્ટિએ પણ તે રચના ટોચ પર રહે તેવી જાનદાર તથા અસરકારક છે. પૂજ્ય મોરારીબાપુએ લખ્યું છે કે “નાગદમણ” એ આપણાં સંસ્કૃત સાહિત્યનું સીધુ, સરળ અને સારધાર દર્શન છે. સદીઓ પછી પણ જે ટકી રહે તેવું આ પ્રાણવાન સાહિત્ય છે. સાંયાજી ઝૂલા સાથે જ અહીં માવલ વરસડાની સ્મૃતિ પણ થાય છે.

માવલ વરસડો મૂળ મુહિમ

ઘર આલો અખિયાત,

લિલ છે ઝૂલો લભિયો

સાંયાજી ભલ્લભાત.

                     રામાયણમાં હનુમાનજી અને અંગદ સાથે જોડાયેલા પ્રસંગો તેના સ્વરૂપ તથા વર્ણન એ બંને દ્રષ્ટિએ અદભુત છે. ભાગવતે વિષ્ટિકાર તરીકે યોગેશ્વર કૃષ્ણનું દર્શન કરાવ્યું છે. રામાયણમાં વિષ્ટિકાર તરીકે અંગદ ઝળહળી ઉઠ્યા છે. હનુમાનજી, સુગ્રીવ તથા જાંબુવાન જેવા વીરો વિષ્ટિકાર તરીકે અંગદને સૌથી સુયોગ્ય ગણાવે છે. મર્યાદા પુરુષોત્તમ રામજી સ્વયં પૂછે છે કે લંકા વિષ્ટિ માટે કોને મોકલીએ. આવો સુયોગ્ય ‘વકીલ’ કોણ છે? આ વાત સાંયાજીના શબ્દોમાં શોભી ઉઠે છે

સણી હનુમાન સુગ્રીવ સણી,

સણી જાંબુવન નીલ,

લક્ષ્મણ લંક ચલાવીએ વેગે હેક વકીલ.

                     બધા મોવડીઓની પસંદગી અંગદ પર હતી. રામજી જાતે અંગદને વિષ્ટિ માટે શિખામણના બે શબ્દો કહે છે:

અંગદ રાવણ આંગણે,

કથણી ઘણી મ કથે,

સર દસ રોળુ એક સર,

તો જાયો દશરથ.

                     પ્રભુ અંગદને કહે છે કે રાવણ પાસે લાંબી વાત માંડવાની જરૂર નથી. રામજી પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડતા કહે છે કે દસ મસ્તકોને એક જ બાણથી રોળી નાખું તો જ મને દશરથનો પુત્ર જાણજો. વીર અંગદ પણ પ્રતાપી વાલીનો પુત્ર હોવાથી તેની શક્તિ પર વિશ્વાસ રાખવા પ્રભુને પ્રાર્થના કરે છે. રાવણ તથા અંગદનો વાર્તાલાપ એ રામાયણનો ખુબ રોચક ભાગ છે. વિવેક સાથે જ સ્વમાની અંગદને સ્વબળમાં તેમજ રામજીની કૃપામાં ઊંડો વિશ્વાસ છે. અંગદ-વિષ્ટિની અનેક પંક્તિઓ પુનઃ યાદ કરવી ગમે તેવી છે. આ બધામાં રાવણના મુખેથી મંદોદરીને કહેવાયેલી વાતમાં રાવણની પણ દ્રષ્ટિ તથા મહત્તાનું સુપેરે દર્શન થાય છે. મંદોદરી રાવણનું ધ્યાન દોરીને કહે છે કે તમે રામજી સાથે સુલેહ કેમ કરી લેતા નથી? રાવણનો ઉત્તર સાંભળવા જેવો છે.

રહસે પાંચ મંદોદરી,

સસીઅર ને સુરજ,

રામ પ્રાક્રમ મુઝ હઠ,

વળે વભીષણ રાજ

                    રાવણ મંદોદરીને કહે છે કે રામના પ્રતાપથી હું અજાણ નથી. આ કાર્ય મેં અજાણતા પણ કર્યું નથી. હે મંદોદરી ! રામજી સાથેના મહાસંઘર્ષનું પરિણામ તો નક્કી જ છે પરંતુ જગતના ઇતિહાસમાં પાંચ વાતો અમર રહેવા સર્જાયેલી છે. આ પાંચ ચીજોમાં ચંદ્ર, સૂર્ય, રામનું પરાક્રમ, મારી હઠ અને વિભીષણનું લંકા પરનું રાજ એ કાળાન્તરે પણ સ્મૃતિમાંથી લોપાશે નહિ. સાંયાજીની આધ્યાત્મિક ઊંચાઈ અને વૈચારિક સજ્જતા અંગદ વિષ્ટિના દરેક છંદમાં સુંદર રીતે ઝીલાઈ છે.

                 પોતાના પૂર્વજોના ભવ્ય ઇતિહાસ તથા સમૃદ્ધ સર્જનોની વાતો હવે પછીની પેઢીઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે આપણાં સૌની ચિંતાનો વિષય છે. આથી જ આપણાં કોઈ મહાન સર્જકની અલભ્ય કૃતિનું પ્રકાશન થાય તે આપણાં સામુહિક ગૌરવની વાત છે. લીલછા-કુવાવાનું તો આ ગૌરવ ખરું જ પરંતુ સમગ્ર સમાજ માટે આ ગૌરવપ્રદ ઘટના છે. આ સાહિત્યમાં સત્વ તથા શુચિતા છે. આથી જ આપણું સાહિત્ય આજે પણ ઝળહળી રહેલું છે. ભક્ત કવિ સાંયાજી ઝૂલા એ આપણાં સદાકાળ જીવંત સર્જક છે.

વસંત ગઢવી

તા. ૩ સપ્ટેમ્બર ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑