સંતોની મરમી જ્ઞાનગોષ્ઠિ: ગંગોત્રીનો પાવનકારી પ્રવાહ:
જોતાં રે જોતાં અમને જડીયા રે
સાચા સાગરના મોતી.
‘જોતાં રે જોતાં’ મળે તેવું તેનું વિશેષ મૂલ્ય છે. ખોજ કરી છે, શ્રદ્ધા ધરીને પ્રયાસ કર્યા છે ત્યારે મોતી મળ્યા છે. મોતી ગોત્યા છે અને તેથી જડ્યા છે.
જ્ઞાનસંવાદમાં કહેવાયેલા આવા એક એક શબ્દનું મૂલ્ય છે. અગમના ભેદ ઉકેલવાનો આ સાત્વિક પ્રયાસ છે. અહીં જ્ઞાનનું પ્રદર્શન નથી. જ્ઞાનનું-સાચી સમજનું સ્નેહથી થયેલું આ વિતરણ છે. ખીમસાહેબની જ્ઞાન પિપાસા સાથે આપણે પણ થોડા ડગલા ભરવાની સજ્જતા કેળવવા જેવું છે. આ જ્ઞાન સૌને ઉપલબ્ધ છે.
જી રે સંતો ભેદ અગમરા બુજો
ખીમ સાહેબ પૂછે છે:
કેસે સંતગુરુ સમરીએ
કયું કર લીજૈ નામા,
કહાં ઉનકું દેખીએ
તો કહાં હૈ આતમરામા
રવિસાહેબનો જવાબ સાંભળવા જેવો તેમજ સમજવા જેવો છે. સમજી શકાય તેવો સરળ છે. આથી તે ભાવ જીવનમાં ઉતારવા જેવો છે. રવિસાહેબ કહે છે:
સાસ ઉસાસમેં સમરીએં
અહોનિશ લીજૈ નામા
નુરત સુરત સે નીરખીએ
તો ઘટોઘર હૈ, આતમરામા.
શ્વાસ ઉચ્છવાસમાં જ જેમનો વાસ છે તેને રવિસાહેબ કહે છે કે બહાર શોધવા જવાની ક્યાં જરૂર છે? આવો જ એક બીજો નિરંતર પૂછતો પ્રશ્ન છે. માણસ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનો છે તેનો કોઈ પ્રતિતિકર ઉત્તર મળતો નથી. અહીં ખીમ સાહેબના મનમાં પણ આજ પ્રશ્ન રમ્યા કરે છે. આથી રવિસાહેબનું માર્ગદર્શન પ્રાર્થે છે:
કહાંસે આયા કિધર જાયેગા
કૌન તુમ્હારા ધામા,
આ કાયા પલમેં પડી જાવે
ફેર બતાવો ઠામાં.
રવિસાહેબે આ મૂંઝવણના સંદર્ભમાં કરેલી સ્પષ્ટતા મનમાં ઊંડી પ્રસન્નતાનો ભાવ પ્રગટાવી શકે તેવો અર્થસભર છે.
હમ હી આયા નૂરસે
અમરાપુર મેરા ધામા
સુરતા ચડી અસમને ઠેરાણી
બ્રહ્મ હમેરા ઠામાં.
એક રીતે જોઈએ તો આ શ્રીમદ ભગવત ગીતાના સંવાદ જેવું છે. જવાબ મેળવવાની ઉત્કંઠા અર્જુનને છે પરંતુ યોગેશ્વરે આ સંદર્ભમાં કહેલી વાતો આજે પણ સમગ્ર માનવજાત માટે ઉપયોગી છે. અનેક સાધકોના મનમાં ઉઠે તેવા પ્રશ્નોનું અહીં સ્વસ્થ સમાધાન મળે છે. સંવાદનું આ માધ્યમ ઉત્તમ છે. ‘અથાતો જ્ઞાનજીજ્ઞાસા’ જેવો ભાવ જેના મનમાં હોય તેવું સુપાત્ર તેને જાણીને પચાવી શકે છે.
રવિ સાહેબ તેમજ ખીમસાહેબની જેમ જ જેરામદાસ તથા જુઠીબાઈના માર્મિક સંવાદો કે જ્ઞાનગોષ્ઠિનો પરિચય પણ કરવા જેવો છે. જેરામદાસ કે જુઠીબાઈના જીવન વિષયક કોઈ માહિતી મળતી નથી. બંને વચ્ચે ગુરુ-શિષ્યનો ભાવ લાગે છે. પરંતુ ખરો મર્મ કે આનંદ આ સંવાદમાંથી જે ભાવ પ્રગટ થયા છે તેનો છે. એક સંવાદમાં જુઠીબાઈ કહે છે:
હદ બે હદ કોને કહીએ રે
તે તો મુને બતાવી દીઓ,
તેવી રમત લાવો રે
શિખામણ તમે મને દિયો.
જેરામદાસની અનુભવી સૂઝમાંથી જવાબ મળે છે. આપણે સૌએ તે જાણી અને માણી શકીએ છીએ.
હદ એ તો દેહ છે રે
આત્માને બેહદ કહીએ
વીરલ કોક જાણે રે
જેને ગુરુ ગમ છે હૈયે.
તિલકદાસજી તેમજ લાડુબાઈની જ્ઞાનગોષ્ઠિ નિત્ય નૂતન લાગે છે. તિલકદાસજીનો જન્મ કચ્છના નખત્રાણા તાલુકામાં વિરાણી ગામે ૧૮૫૯માં થયો હતો. ભક્તિ અને સાધના પ્રત્યે તિલકદાસજીનું વલણ નાનપણથી જ હતું. રવિ -ભાણ સંપ્રદાયના અનેક સ્થળે ઠેકાણા છે. જે આપણી શોભા છે. કચ્છના જ ચિત્રોડની ત્રિકમસાહેબની પરંપરાના બાલકદાસ પાસે તેજો જાય છે. તેજો એ તિલકદાસજીનું સંસારી નામ છે. બાલકદાસજી ઉદાર મનથી તેજાને જ્ઞાનદીક્ષા આપે છે. તેજામાંથી તિલકદાસ બનેલા સાધુની ખ્યાતિ સતત વિસ્તરતી રહે છે. જ્ઞાનને કોઈ જાતિ-પાતી સાથે નિસ્બત નથી. ત્રિકમસાહેબ તેનું જ્વલંત ઉદાહરણ છે. તિલકદાસજી આ પરંપરાના જ વાહક છે. વિરાણી ગામના જ એક લાડુબાઈ નામના જ્ઞાન પિપાસુ મહિલા આધ્યાત્મિક જગતમાં મુંઝવતા પ્રશ્નો તિલકદાસને પૂછે છે.
કહે લાડુબાઈ તિલકદાસકુ
સતગુરુ કહાં સિધાયે
સાર સંદેશો મુજસે બોલો
પડું તમારે પાય.
સતગુરુની આ શોધ જેવી લાડુબાની છે. તેવી જ આપણામાંથી અનેકની હોઈ શકે છે. સતગુરુ મળે છે તે જ સુગરા છે. બાકી બધા નુગરા છે. ભજનવાણી તો નુગરા નર સાથે નેડો(સ્નેહ) કરવાની ના કહે છે. સાંપ્રત સમયમાં સતગુરુની ખોજમાં ફરતા આપણે નીરક્ષીરનો વિવેક દાખવવો જરૂરી બન્યો છે. માર્કેટિંગના આ યુગમાં સાચા ગુરુની શોધ એ અઘરો વિષય બનતો જાય છે. અખો કહે છે તેમ “સાંપને ઘેર પરોણો સાંપ” જેવી સ્થિતિ ન થાય તેની કાળજી હૈયે રાખવા જેવી છે. પરંતુ અહીં તો તિલકદાસજી ઉજળી પરંપરાના વાહક છે. લાડુબા “અથાતો બ્રહ્મ જિજ્ઞાસા” ધરાવતા સાધક છે. આથી આ જ્ઞાન-ગોષ્ઠીમાં આપણે પણ આચમન લઇ પવન થવા જેવું છે. તિલકદસજી લાડુબાઈને કહે છે:
કહે તિલકદાસ સુનો લાડુબાઈ
તુમ સે કહું સમજાય
સતગુરુ અપના લોક સિધાયે
અમર લોક કે માંહ્ય.
હેલી પ્રકારના ભજનોની વાત પણ સર્વાંગ સુંદર છે. ડો. નાથાભાઈ ગોહિલે આ બાબતને લઈને સુંદર વાતો લખી છે. અંતરના આનંદની હેલી આ ભજનોમાં અનરાધાર વરસતી રહે છે. સુરતાની વાણીની આ અનુભૂતિ છે. સૌને સહજ ઉપલબ્ધ છે. ભવાનીદાસના-શબ્દો છે:
અંબર વરસે ને અગાધ ગાજે
દાદુર કરે રે કિલોલ
કંઠ વિનાની એક કોયલ બોલે
મધરા બોલે ઝીણાં મોર
સૂડલા સતબોલ, નહીંતર મત બોલ.
સંત સાહિત્યનું ખેડાણ કરીને જે ધન્યનામ સર્જકો આપણાં સુધી લાવ્યા છે તે સૌ વંદનીય છે. સંત સાહિત્ય એ શાશ્વત સાહિત્ય છે. આ સાહિત્ય હૈયાના ઊંડાણથી ઉલેચાઇને પ્રગટ્યું છે. આથી જ આરપાર પહોંચી શક્યું છે. જીવનના ઉમદા મૂલ્યો સંત સાહિત્યમાં સામાન્ય જન પણ સમજી શકે તે રીતે રજુ થયા છે.
વસંત ગઢવી
તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૪
Leave a comment