સબસે દિયા અનુપ હૈ
દિયા કરો સબ કોઈ
ઘરમેં ઘરાં ન પાઈએ
જો કર દિયા ન હોય.
દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ થકી જ પોતાના ઘરનું અને જગતનું દર્શન થશે. દાન કહે છે કે દીવાના અજવાળા ઉપરાંત “દિયા કરો” એ વાતનો સંબંધ આપવા સાથે પણ જોડી શકાય. દેતા રહો-કોઈકને કંઈક આપતા રહો. જેને દેવાની આદત નથી એને માણસ કેમ કહેવો તેનો પ્રશ્ન ઉઠાવીને દાન પોતાની જ અંતરની ચેતનાનો જાણે વિસ્તાર કરે છે. દેવાવાળો છે એ જ દેવ છે તેવું બાળક વિનોબાને તેમની માતાએ સમજાવ્યું હતું. જગતની જનની-જોગમાયા એવા આઈ શ્રી સોનલમાના દાને તેમજ અગણિત લોકોએ દર્શન કર્યા છે તેમને પણ “દન દન દેવાના” જ અખંડ વ્રત હતા. કવિશ્રી કાગ તે સંદર્ભમાં લખે છે:
વ્રત લીધું વરુડી તણું
દન દન દેવા દાન
લેવાના હેવા નહિ
ધન્ય ધન્ય સોનલ માત
એક મર્મજ્ઞ કવિ દેવાની-આપવાની આ વાતનો તંતુ આગળ ચલાવતા લખે છે કે આ ધરતીના ત્રણ ઘરેણા(આભૂષણો) છે. આ એવા આભૂષણ છે કે જેનાથી ધરતીનો સાચો શણગાર થાય છે.
સબળ ક્ષમી નિગર્વ ધની
કોમળ વિદ્યાવંત
ભૂ ભૂષણ યે તીન હૈ
ઉપજત ખપત અનંત.
જે શક્તિશાળી હોય છતાં ક્ષમા આપવાની વૃત્તિ વાળો હોય. જે અઢળક સંપત્તિનો સ્વામી હોય છતાં ધનનો તલભાર પણ મદ ન ધરાવતો હોય. પંડિત હોય પરંતુ જેને જ્ઞાનનું અભિમાન ન હોય. આવા લોકો જ આ ધરતીનો શણગાર છે તે વાત દાન આ પ્રાચીન દુહાના માધ્યમથી ભાવકો સુધી વહેતી મૂકે છે. આવા આભૂષણ સ્વરૂપી લોકોને જ સમાજ યાદ રાખે છે. બાકી તો કંઈક આવ્યા અને કંઈક ગયા. તેમની ખેવના સમાજને ભાગ્યે જ રહેતી હોય છે. આથી જ સાહિત્યસૃષ્ટિના “દાન અલગારી’ જેવા વિદ્યાના ઉપાસક અને જાણતલ આપણી વચ્ચેથી થોડા વર્ષો પહેલા અચાનક જ લાંબા ગામતરે ગયા તેનો આઘાત અનેક સાહિત્ય પ્રેમીઓએ હાડોહાડ અનુભવ્યો. તખતદાન રોહડિયા નામધારી આ કવિને જગત દાન-અલગારી તરીકે ઓળખે છે અને ચાહે છે. હંમેશા સુઘડ સફેદ વસ્ત્રો અને હેટમાં દાન તેમની અલગ છટાથી દેખાય ત્યારે તરત જ તેમની તરફ કોઈનું પણ ધ્યાન ખેંચાયા વગર રહેતું ન હતું. કવિ આ જગતમાં રહેતા હોવા છતાં જાણે આ દુનિયાના માણસ જ ન હતા. દાનની સ્મૃતિને ભાવવંદના કરવાનો એક સુંદર ઉપક્રમ થયો. રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં તા. ૨૮/૧૨/૨૦૧૭ના રોજ પૂ. મોરારીબાપુની પ્રેરણાથી તથા બાપુની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં દાન-પ્રેમી ભાવકો મળ્યા. દાનને અંતરથી શ્રદ્ધાંજલિ આપતા અનેક આંખો ભીની થઇ. પૂ. બાપુએ દાન અલગારીને ભાવપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. પૂજ્ય બાપુનો દાન તરફનો એક અનોખો જ ભાવ હતો. આપણે અનેક લોકો તેના સાક્ષી છીએ. તદુપરાંત, દાન અલગારી તરફ અનેક સાહિત્યપ્રેમીઓએ દર્શાવેલો સ્નેહ ભાગ્યે જ જોવા મળે તેવી ઘટના છે. જગતે જે અનેક ચીજોને બાતલ ગણી-નિરર્થક ગણી તેવી બાબતોને જીવનમાં સ્વેચ્છાએ સામીલ કરીને દાન થોડું નોખું તથા નિરાળું જીવતર જીવી ગયા. એમના જીવનનું ગણિત જાણે કે જુદું જ હતું. જગતના બંધારણમાં બાંધી શકાય તેવા આ ‘દાન’ ન હતા. કવિ કલાપી કહે છે તેમ આ બધા તો ખાકની મુઠ્ઠી ભરીને હરખી જનારા હતા.
જહાંથી જે થયું બાતલ
અહીં તે છે થયું શામિલ
અમે તો ખાકની મુઠ્ઠી ભરી
રાજી થનારાઓ.
દાન અલગારી જીવનની અનેક વિષમતાઓ વચ્ચે પણ દુષ્કાળમાં યે ડુકે નહિ તેવી અનેરી મોજનું દર્શન કરી-કરાવીને ગયા. જીવન મળ્યું છે તે તો કુદરતની અમૂલ્ય દેન છે. આથી આ જીવતર તો મોજનો-આનંદનો દરિયો છે તેવો સંદેશ કવિ દાન અલગારીની નીચેની અમર થવા સર્જાયેલી રચનામાં ધબકતો દેખાય છે. અલખ ધણીની ખોજનું મૂળ એ તો મોજમાં-મસ્તીમાં રહેલું છે તેવી કવિની વાત અનેક લોકોએ ખોબે અને ધોબે વધાવી લીધી છે.
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે
ગોતવા જાવ તો મળે નહિ ગોત્યો ગહન ગોવિંદો રે
ઈ હરિભક્તિના હાથ વગો છે પ્રેમ પરબંદો રે
આવા દેવને દીવો કે ધૂપ શું દેવા
દિલ દઈ દેવું રે… મોજમાં રેવું…
રામકૃપા એને રોજ દિવાળીને રંગના ટાણાં રે
કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણાં રે
કહે અલગારી કે આળસું થઇ નથી
આયખું ખોવું રે… મોજમાં રેવું…મોજમાં રેવું…
આપણાં લોકસાહિત્યનું આકર્ષણ સમગ્ર સમાજને નિરંતર રહેતું આવેલું છે. તેમાં કદી ઓછપ આવી નથી. નજીકના ભૂતકાળમાં તળ ના આ સાહિત્ય સાથેનો લોકોનો લગાવ વધતો હોય તેમ પણ જણાયું છે. આમ થવાના અનેક કારણો હશે તેમ માની શકાય. આવા કારણો પૈકી એક મહત્વનું કારણ આ સાહિત્યના સમર્થ વાહકો છે. દરેક સમયે લોકસાહિત્યની રસલ્હાણ કરનારા મર્મી કલાકારો આપણે જોયા છે અને તેમની કલાને આકંઠ માણી છે. કવિ શ્રી કાગ અને મેરૂભાબાપુથી માંડીને હેમુ ગઢવી તથા લાખાભાઇ ગઢવી(જાંબુડા) સુધીના સ્વનામધન્ય કલાકારોએ લોક સાહિત્ય-ચારણી સાહિત્યના ધોધમાર પ્રવાહને લોક દરબારમાં વહાવ્યો છે. આવા મીઠા અને માર્મિ સર્જક-સાહિત્યકારોને જગતે ખોબે અને ધોબે વધાવ્યા છે. સૌરાષ્ટ્રની રસધારામાં સમાવવામાં આવેલી તેમજ તે સિવાયની મેઘાણીભાઈની અનેક સંપાદિત તથા સ્વરચિત રચનાઓ હતી. દરેક રચનાઓના સ્વરૂપ તથા સુગંધ અલગ તથા આગવા હતા. આ રચનાઓને હેમુ ગઢવીનો કામણગારો કંઠ મળ્યો અને તેથી સાહિત્ય સરવાણીનો પ્રવાહ ક્યારે પણ ઝાંખો પડ્યો નથી તે નોંધપાત્ર બાબત છે. આ તમામ સાહિત્યને ગામે ગામ તથા ઘર ઘર સુધી પહોંચાડવામાં રાજકોટ રેડિયો સ્ટેશનનો મહત્વનો ફાળો રહેલો છે. નૂતન યુગના અનેક યુવાન કલાકારોએ પણ રજૂઆતના ક્ષેત્રમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ઉભી કરી છે. ભીખુદાનભાઈ(જૂનાગઢ) જેવા અનુભવોથી સમૃદ્ધ તથા સમર્થ સરસ્વતી સાધકની ઉપાસનાનો ઉજળો પ્રતિસાદ ભારત સરકારે પણ આપેલો છે. ભીખુદાનભાઈને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા તે વાત ફરી એક વખત આ સાહિત્યની તથા તેના વાહકોની ગુણવત્તાની તેમજ સંસ્કારિતાની શાખ પુરે છે. આ રીતે જ પ્રકૃતિના પ્રેમી તથા મર્મી કવિ દાદને પણ ‘પદ્મશ્રી’નું બહુમાન મળ્યું તે પણ ગૌરવપ્રદ ઘટના છે. અનેક નવા નવા કલાધરો આ સાહિત્યના ઉજળા પ્રવાહમાં જોડાતા ગયા છે. સ્થાન પામતા ગયા છે. ભાઈ તખતદાન રોહડિયા આ ઉજળી આકાશગંગાના જ એક ઝળહળતા સિતારા સમાન છે. અલગારી દાનની સાહિત્ય સેવા અનોખી છે તથા અલગ મિજાજ ધરાવે છે. દાનની એક વિશિષ્ટ શૈલી હતી. જાહેર કાર્યક્રમોમાં મંચ પર તેઓ જેટલા ખીલતા હતા તેટલી જ અસરકારકતાથી તેઓ સાહિત્ય મર્મીઓના નાના એવા ઘર ડાયરે પણ મહોરી ઉઠતા હતા. અલગારી દાન “મેમાન” થાય તેની રાહ ઘણાં લોકો જોતા હતા. દાન જેવા રંગદર્શિઓના તો તળિયા તપાસીએ તો જ તેમની ભવ્યતાનો ખરો ખ્યાલ આવી શકે. કલા અને કલાકારના મર્મી રામજી વાણીયા લખે છે તેમ જો આવા ચરિત્રોને ઉપરછલ્લી કે બાહ્ય રીતે જોઈને તેમના વિષે અભિપ્રાય બાંધીશુ તો તેવી માન્યતામાં તળના દર્શન-ખરા દર્શન હશે નહિ.
જળ ખારાં જાણી કરી
મરજીવા ફેરવીશ નહિ મોં,
અમારાં તળિયા તપાસી જો
તને કુબેર કંગાળ લાગશે.
દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા રહ્યા. લોકસાહિત્યના જાણતલ તથા માણતલ અને આપણાં એક સુવિખ્યાત સર્જક દોલતભાઈ ભટ્ટનો જાગતો હોંકારો દાનના શબ્દોને તથા દાનની ઉર્મિઓને સદા વધાવતો રહ્યો. અનેક સાહિત્ય પ્રેમીઓને “હમણાં દાન દેખાયા નથી.” તેવી ફરિયાદ કરતા સાંભળ્યા છે. અચાનક દાન અલગારી મળે ત્યારે આવા સ્નેહીઓને અષાઢી મેઘની વાદળીના દર્શન થયા હોય તેવો ભાવ થતો હતો. સંબંધોની આ મૂડી ઉભી કરવી અને તેને જીવન પર્યંત સાચવવી તે કોઈ નાની સુની સિદ્ધિ નથી. આમ થવા પાછળનું એક કારણ કદાચ એવું પણ હોઈ શકે કે દાન અલગારી નામની આ હસ્તીને બરાબર ખબર હતી કે તે શબ્દના સોદાગર છે. એ જે કરે છે તે તો હીરાનો વેપાર છે. આથી જ ભગતબાપુએ લખ્યું છે તેમ દાને કદી “બકાલીને બાર” જઈને શબ્દનો અસબાબ ખુલ્લો કર્યો નથી. હીરાના આ વેપારીને તેના ઝવેરીઓ તરફ આજીવન શ્રદ્ધા રહી હતી. આવા ઝવેરીઓએ તેમની પરખ પણ સુપેરે કરી જાણી છે.
વીરા તારે હીરાનો વેપાર
ભાઈ ! તું તો ઝવેરાતનો જાણનાર…
કંઈક મફતિયા ફરે બજારે
બેસશે રોકીને બારજી
મોઢું જોઈને ખોલજે
તારી તિજોરીના દ્વાર…
આંગણે તારે નાવે કદી જો.
હીરાનો લેનાર જી,
શેરી ઝવેરીની છાંડી
ન જજે બાકલીને બજાર…
હૈયા કેરી હાટડી ખોલીને
બેસી રહેજે તારે બારજી
“કાગ” ઝવેરી કોઈ મળી જશે
તે દી તારો બેડો થશે પાર…
વીરા ! તારે હીરાનો વેપાર.
અલગારી દાને જે ઉજળા આંગણે જઈને પોતાના હૈયાની ઊર્મિ વહાવી છે તેમાં હેતુ વિનાના હેતનું દર્શન થાય છે. દાન મહારાજની પવિત્ર જગા(ચલાળા) તરફ દાન અલગારીની વિશેષ આસ્થા છે. એક અનોખી તથા આગવી પરંપરાને સાચવીને ઝળહળી રહેલી દાન મહારાજની દોઢીએ કવિની દિલની મોજ સહેજે છલકાય છે. કવિને આ જગાના અનેક જ્યોતિર્ધરોની ટુકડો આપીને હારીને ઢુકડો કરવાની પરંપરાનું ભારે ગૌરવ છે. ચલાળાના આંગણે ઉગેલા તથા મહોરેલા આંબાને કવિ વધાવે છે.
ટુકડો આપીને ઢુકડો કીધો
અવિનાશીને એણે રે
અલગારી કહે આંચ ન આવે
નિરખ્યાં દેવળ જેણે રે…
સર્જક ક્યારેક કાળના કપરા પ્રવાહમાં મૂંઝારો પણ અનુભવતો હોય છે. સાધન સગવડ ભલે કદાચ ઓછા હોય તો પણ સર્જકને-કવિને તેનો રંજ નથી. દાન જેવા રંગદર્શી જીવો માણસ ભૂખ્યા હોય છે. વાતને સમજીને તથા માણીને દાદ આપી શકે તેવા લોકો તરફ કલાકારની મીટ મંડાય છે. પરંતુ “વાત માંડવાના ઠેકાણા” જયારે ઓછા થતા જાય ત્યારે કવિની વેદના તેના શબ્દોમાં પ્રગતિ જાય છે.
ખૂટી ગયા છે ખલકમાં
સમજુને શાણા
નબળાને કેવાય નહિ
રીડ રુદિયે રાણા.
પરવારી ગયા પુણ્યને
કરમના કાણાં
એના દલને ઓરતા
રયા રુદિયા રાણા.
મરદ પટાધર નો મળ્યા
ન રળ્યા નાણાં
અલગારીને આટલી
રાવ રુદિયા રાણા.
દાન અલગારીની એક ઓળખ એ તેમનો સ્વમાની સ્વભાવ છે. કવિ કોઈને ઉતાવળે નમી પડે તેવા નથી. સામા પુરે તરવાની હામ હૈયામાં સાચવીને તેઓ ઉન્નત શિરે જીવ્યા છે. આમ છતાં નમન કરવાના ઠેકાણા પણ કવિએ હૈયા ઉકલતથી તથા અંતરની શ્રદ્ધાથી બરાબર પારખ્યા છે. આથી જ કવિ સાળંગપુરના દેવને સહેજમાં જ નમી પડે છે.
સાળંગપુરના દેવ સત્ય છો
સાંભળજો આ વાતલડી
કષ્ટભંજન તમે દુઃખડા કાપો
અરજી છે બસ આટલડી
અમે ગુણ શું ગાઈ તમારા
જીભ અમારી પાતલડી
દાન અલગારી નામ અમારું
કવિ અમારી જાતલડી.
દાન અલગારી સદેહે આપણી વચ્ચે રહ્યા નથી તે ગમે નહિ તેવી વાસ્તવિકતા છે. છતાં એ વાતનો વિશ્વાસ પણ છે કે દાન તેમના મોંઘામૂલા સર્જનો થકી આપણી વચ્ચે કાયમ જીવતાં અને ધબકતા રહેવાના છે. કાળના વહેતા પ્રવાહમાં તેમનું વ્યક્તિત્વ ઝાંખું પડે તેવું નથી. ભર્તુહરિ મહારાજે કહેલું છે તેમ કવિઓ-સર્જકો જરા-મરણના ભયને પરાજિત કરીને ગયેલા છે.
જયંતિ તે સુકૃતિનો
રસસિદ્ધા: કવિશ્વરા:
નાસ્તિ યેશાં યશ: કાયે
જરા મરણજં ભયમ.
દાનને મળવાના અનેક પ્રસંગો થયા છે. તેમના વ્યક્તિત્વમાં જ અનોખું આકર્ષણ હતું. એક વખત કોઈ તેમને મળે તો મળનારની ઈચ્છા દાનને ફરી મળવાની રહેજ. દાન અલગ મિજાજના માનવી હતા. મેઘાણીએ ચારણ કવિઓને મળવા બાબતે લખ્યું હતું. તેમણે આ સંદર્ભ અડીખમ વ્યક્તિત્વ ધરાવતા ઠારણબાપુને કેન્દ્રમાં રાખી આપ્યો હતો. ઝવેરચંદ મેઘાણી કહે છે કે આવા ભાથી કવિઓને અલગ પ્રકારના વિવેક તથા આદર સાથે મળવું જોઈએ. મોટરોના ધુમાડા ઉડાડવાથી એટલે કે બાહ્ય દેખાવથી કે ઠઠારાથી અંજાય તેવા આ લોકો નથી. અંતરના સ્નેહથી આ મર્મીઓના દિલ જીતવા જોઈએ. તેમ થાય તો જ અનોખી વાતોનો ધોધ તેઓ વહાવે છે. મેઘાણી અને દુહાગીર પાલરવભા પાલીયાની રાણપુરની મુલાકાત પણ આ બાબતની યાદ અપાવે છે. ભગતબાપુ(કવિ દુલા ભાયા કાગ) તેમજ મેરૂભાની પ્રતિભા સાહિત્યપ્રેમીઓના વર્તુળમાં વ્યાપક હતી. તેમની વિદાય પછી જે કલામર્મજ્ઞોએ લોકસાહિત્યની તેમજ ચારણી સાહિત્યની મશાલ પકડી તેમાં ઘણાં ઉજળા નામ હતા. તેમણે ભગતબાપુ તેમજ મેરૂભાનો વારસો જાળવ્યો તેમજ દીપાવ્યો હતો. દાન અલગારી આ પેઢીના એક મહત્વના મણકા સમાન હતા.
દાન અપાર સંઘર્ષ વચ્ચે જીવ્યા અને ઝળહળતા રહ્યા. સંઘર્ષ એ તેમના જીવનક્રમનો જ એક સહજ ભાગ હતો. દરેક સ્થિતિમાં તેમના મનની મોજ બળુકા શબ્દોમાં ઉતરતી રહી છે. આજે પણ તેમના પદો વખતોવખત મંચ પરથી રજુ થતા રહે છે. તેમના માતૃશ્રી કરણી બા સાથે તેમનો નાતો જીવનભર લીલો છમ્મ રહ્યો. કદાચ મા તેમનું પ્રેરણાસ્થાન હતા. દરબાર પુંજાવાળા જેવા અનેક સાહિત્યપ્રેમીઓ તેમના વાત માંડવાના ઠેકાણા સમાન હતા. દાનનું સાહિત્ય “અલગારીની ઓળખ” પુસ્તકમાં સચવાયું છે. તેના પ્રકાશક શ્રી અભેસિંહ રાઠોડ છે. આ પુસ્તકનું સુંદર સંકલન તથા સંપાદન દોલત ભટ્ટ, ભરત કવિ, ડો. નિરંજન રાજ્યગુરુ તથા ડો. અંબાદાન રોહડિયાએ સુંદર રીતે કરેલું છે. દાન અલગારી આપણાં લોક સાહિત્યના ક્ષેત્રમાં હંમેશા ઝળહળતું રહે તેવું નામ છે.
વસંત ગઢવી
તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૪
Leave a comment