“મારું જીવન એ જ મારી વાણી:” ગાંધીનું ગધ્ય:
મારું જીવન એ જ મારી વાણી,
બીજું તે તો ઝાકળ પાણી.
કવિ ઉમાશંકર જોશીએ થોડા શબ્દોમાં ગાંધીજીના જીવન, વાણી તથા તેમના અવિરત કર્મયોગના ઘટકોનો સુંદર સુયોગ કર્યો છે. વાણી-વિચાર તથા કાર્યની એકરૂપતા એ જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. બાપુના જીવનમાં આવા ક્રમનું આબેહૂબ દર્શન થાય છે. બાપુની વાણી પણ તેમણે જેમ કહ્યું હતું તેમ ‘કોશિયા’ને પણ સમજાય તેવી સરળ હતી. દ્વિઅર્થી કે અસ્પષ્ટ વાત ગાંધીની જીભે કે કલમે વહેતી કરી નથી. પોતાની માતાના જીવન વ્યવહારનું ચિત્ર પણ ગાંધીજીની કલમથી કેવું સરળ લાગે છે:
“મારી માં સાધ્વી સ્ત્રી હતી. પૂજાપાઠ વિના કદી જમે નહિ… હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડ્યા નથી. ચાતુર્માસમાં સૂર્યનારાયણના દર્શન કરીને જ જમે. અમે છોકરા ચોમાસામાં વાદળો સામું જોયા કરીએ…સૂર્યને અમે જોઈએ…બાને બોલાવીએ…બા ઉતાવળે આવે ત્યાં તો સૂર્ય ભાગી જાય(વાદળામાં છુપાઈ જાય)…બા સ્વસ્થતા સાથે કહે: આજે નસીબમાં ખાવાનું નહિ હોય…ફરી તે પોતાના કામમાં ગુંથાઈ જાય.” આત્મકથામાં ગાંધીએ લખેલા આ શબ્દો થકી માતાના જીવનના અનેક ઉજળા પાસાનું સાંગોપાંગ દર્શન થાય છે. જીવનમાં વ્રત લીધું તે પાળવું. ‘રઘુકુલ રીત’વાળી રામાયણની હજારો વર્ષ જૂની વાત તો ખરી જ. પરંતુ અહીં તો રામાયણના કાળના સંદર્ભે જોઈએ તો ગઈકાલે જ પોરબંદરની એક ઘરરખ્ખુ ગૃહિણીની મૂંગી અને મક્કમ દ્રઢતાનું દર્શન થાય છે. આવી માતાનો પુત્ર જ સાબરમતીની સાક્ષીએ બુલંદ સ્વરે જાહેર કરી શકે કે “કાગડા કુતરાના મોતે મરીશ પરંતુ આઝાદી મેળવ્યા સિવાય આશ્રમે પાછો નહિ આવું.” માતાની વાત અને વર્તન બંનેમાં સહજતા છે. મનની સ્વસ્થતા તેમજ નિર્મળતા છે. જે વિચાર કે માન્યતા છે તેણે અનુરૂપ જ જીવવું છે. પરિણામ જે આવે તે ભોગવવાની તૈયારી છે. માતાના આવા આકરા ઉપવાસ અને ગાંધીનું વલણ પણ આવું જ મક્કમ છે તે જગજાહેર છે. “ગાંધીજીએ અનેક પ્રવૃતિઓ વચ્ચે કેટલું બધું લખ્યું તે જોઈને અચંબો થાય છે. “ગાંધીજીના અક્ષરદેહના સો ગ્રંથો તો ખરાં જ. ઉપરાંત મહાદેવભાઈની ડાયરીમાં બાપુના શબ્દોના ૨૫થી વધારે ભાગ છે. ગાંધીજીએ પોતે સ્વીકારેલા સંઘર્ષના મોટા કામ માટે ‘નવજીવન’ શરુ કર્યું. એટલું જ નહિ તેનું તંત્રીપદ પણ પોતે સ્વીકાર્યું. માત્ર રાજકીય બાબતો જ નહિ પરંતુ સાહિત્યની અનેક બાબતો ‘નવજીવન’માં છલકવા લાગી. ભાષાકર્મનો આવો ઉજળો આયામ ગાંધીજીના બહુરૂપી વ્યક્તિત્વનો પરિચય કરાવી જાય છે. નવજીવનના અંકો થકી બાપુ ઝળક્યા અને સાંપ્રત કાળના સમાજ પર અસર કરી ગયા. શબ્દોનો સીમિત પણ અસરકારક ઉપયોગ એ ગાંધીજીના લખાણોનાં બેન્ચમાર્ક છે. નવજીવન પહેલા અંકમાં (સપ્ટેમ્બર-૧૯૧૯) લખે છે:
“સત્યાગ્રહ એ મારા માટે પોથીનું રિંગણું નથી. એ તો મારું જીવન છે…આ સત્યની શોધ કરતા મને અનેક રત્નો મળ્યા છે…તેના ફળ સ્વરૂપ આ નવજીવન છે.”
સામાન્ય રીતે એ સમયમાં સાક્ષરોનાં લખાણો પર અંગ્રેજીનું પ્રભુત્વ હતું. રાજ્યના વહીવટકર્તાઓની ભાષા અંગ્રેજી અને તેનો જ સમાજજીવન પર પ્રભાવ હતો. દેશના કે ગુજરાતના વિદ્વાનજનો પત્રવ્યવહાર કે પ્રવચનો પણ મહદંશે ઇંગ્લીશમાં જ કરતા હતા. અહીં પણ ગાંધીએ ચીલો ચાતર્યો છે. આ બાબતમાં પોતે નવજીવનના પ્રારંભ સમયે જ સ્પષ્ટતા કરે છે:
“હું અંગ્રેજી ભાષામાં મારો આત્મા કેમ ન રેડુ તેવો કોઈ પ્રશ્ન ઉઠાવી શકે…આ બાબતમાં હું કહેવા ઈચ્છું છુ કે જન્મ અને કર્મથી ગુજરાતી હોવાથી હું ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થઈને હિંદની સેવા કરી શકું. અંગ્રેજીનો મોહ મિથ્યા છે.” જો કે વિચાર અને વાણીનો વિવેક ધરાવતા બાપુ ભાષાના આ સંદર્ભમાં જ લખે છે: “આપણાં જીવનમાં કે અભ્યાસક્રમમાં અંગ્રેજીને સ્થાન નથી તેમ કહેવાનો આશય નથી.” વિશ્વપ્રવાસી તથા વિશ્વનિવાસી કોઈ પણ ગુજરાતીને છાજે તેવો મહાત્માનો ભાષા અંગે અભિગમ રહ્યો છે. ગાંધીજીનું જીવન તથા તેમના શબ્દો માત્ર વિધિસર શિક્ષણ પામેલા લોકો માટે જ નથી. તેમની દીર્ઘદ્રષ્ટિ દેશના શ્રમજીવીઓ તરફ છે. બહેનો તથા સમાજના છેવાડાના વર્ગો તરફ છે. આ પ્રકારના લખાણો સાદા અને સચોટ હોય તો જ વિશાળ જનસમુદાય સુધી પહોંચી શકે છે. ભાષા એ ગાંધીને મન માત્ર સાહિત્ય વૈભવ નથી પરંતુ તેમના જીવનની સઘળી નિષ્ઠા તેમની વાણીમાં ઉતરી છે.
‘નવજીવન’, ‘ઇન્ડિયન ઓપોનીયન’ તથા ‘યંગ ઇન્ડિયા’ મારફત એક જાગૃત પત્રકારત્વ અને ઉચિત ભાષાનો પ્રયોગ તેમણે કર્યો. સ્વામી આનંદ જેવા ‘સંઘેડા ઉતાર’ શૈલીના સર્જકને તેમણે ‘નવજીવન’ના કામમાં જોડ્યા. કાકાસાહેબ તથા નરસિંહરાવ દિવેટીઆ જેવા સાક્ષરોને તેમણે પોતાના ભાષા યજ્ઞના કાર્યમાં જોતર્યા. ૧૯૩૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ પસંદ થયા. ગાંધીજીના ગધ્યનું એક ઉત્તમ સ્વરૂપ એ તેમની આત્મકથા છે. આત્મકથામાં પ્રસંગોની વિવિધતાને ઉત્કૃષ્ટ શબ્દદેહ આપીને ગાંધીનું આ ગધ્ય ચિરંજીવી બન્યું છે. ‘સત્યના પ્રયોગો’ એવું આત્મકથાને નામ આપ્યું. બાપુને પોતાના જીવનના અનેક આયામો તો છે પરંતુ તેના તળિયે સત્ય છે. જાત પર કોઈ પણ પ્રકારનો ઢાંકપિછોડો કર્યો નથી. ‘જ્યું કી ત્યું ધરીદીની’ વાળી આ કબીરની ચાદર સમાન છે. ગાંધીના ગધ્યની યુગપ્રભાવક અસર છે.
દરેક વર્ષની બીજી ઓક્ટોબરે આ સદીના મહાન પુરુષને યાદ કરીએ તે ઉચિત છે. પરંતુ ગાંધી કોઈ તારીખમાં બંધાયા નથી. કોઈ પણ ગાંધીકૃત્ય કોઈ પણ સમયે કરીએ તો એ દિવસ ગાંધી જયંતિ જ છે. કવિ ઉમાશંકર જોશીએ આ સંદર્ભને વિશેષ સ્પષ્ટ કર્યો છે.
માર્ગમાં કંટક પડ્યા, સહુને નડ્યા.
બાજુ મુક્યા ઉંચકીને.
તે દી નક્કી જન્મ ગાંધીબાપુનો
સત્યના અમોઘ મોંઘા જાદુનો.
વસંત ગઢવી
તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૪
Leave a comment