આભને થોભ દેનારા મોવડીઓની આકરી વિદાય

    સંસાર છોડીને જવાની પ્રક્રિયા તો શાશ્વત છે. સૌએ નિયત સમયે જવાનું હોય તે સ્વાભાવિક હોવા છતાં આકરું લાગે છે. વિશેષ કરીને સમાજ માટે કંઈક કરી છૂટનાર વ્યક્તિની વિદાય સમગ્ર સમાજને આંચકો આપી જાય છે.

                    છેલ્લા થોડા મહિનાઓમાં સમાજના અડીખમ અગ્રણી વાલજીબાપા(સીંઘોડી કચ્છ), સેવાભાવી લાભુભા લાખાભા જામંગ તથા નાગરદાસભાઈ બુધશિ(મુંબઈ)ની ચીર વિદાય આઘાત સમાન હતી. આભને થોભ દેનાર આ અગ્રણીઓ જગદંબા સ્વરૂપા પૂજ્ય આઈ શ્રી સોનબાઈમાના પ્રીતિપાત્ર હતા. ઉપરના ત્રણે લોકોએ જીવનમાં પુરુષાર્થના બળે ઘણું મેળવ્યું હતું તે ચોક્કસ છે. આમ છતાં પૂજ્ય આઈમાનો સ્નેહ એ તેમના જીવનની મોટી તથા મોંઘી મૂડી સમાન હતા. માતાજીને ગમે તેવા આ મહાનુભાવો હતા. ભગતબાપુના શબ્દોને તેઓ જીવી ગયા હતા.

“ધીર ગંભીરા ધારણવંતા

પાપમાં જેના ન પાવ,

ઉજળા હૈયા વાતના વેધુ

દિલજેના દરિયાવ…

છોરુને માત સમજાવે

એવા કોઈ ચારણો આવે.

                 વાલજીબાપાની વાત કરીએ તો એ યુગપ્રભાવી ચારણ હતા. તેમના સમયની ઘટનાઓ, પ્રસંગો કે અનેક વ્યક્તિઓ પર તેમનો પ્રભાવ પથરાયેલો હતો. કચ્છમાં અનેક નામી ચારણો થઇ ગયા. એ સૌનું ખુબ યોગદાન પણ રહ્યું. એ રીતે પણ જોઈએ તો આવા અનેક અગ્રગણ્ય મહાનુભાવોમાં વાલજીબાપા તથા રાજ્યકવિ શંભુદાનજી અયાચી તે નજીકના ભૂતકાળના તેજસ્વી સિતારાઓ હતા. નિષ્ઠા અને વિવેકના થાણા સમાન તેમના વ્યક્તિત્વ હતા. વાલજીબાપા એ કચ્છના છેલ્લા છ-સાત દાયકાના પરિવર્તનના સાક્ષી હતા. આ સમગ્ર સામાજિક પરિવર્તનના સક્રિય હિસ્સેદાર હતા. આ પરિવર્તનને પૂજ્ય સોનબાઈમાના આદેશ મુજબ દોરવણી આપનાર તેઓ મજબૂત માધ્યમ સમાન હતા. તેઓએ બદલાવ પહેલાના સમાજનું તથા બદલાવ પછીના સમયનું મૂલ્યાંકન કર્યું હતું. નીરક્ષીરનો વિવેક જાળવીને પરિવર્તનની સારી કે નબળી બાજુઓ સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. કચ્છના ચારણ સમાજના ઉત્થાનમાં પૂજ્ય આઈ શ્રી સોનબાઈમાનો સિંહફાળો હતો. વાલજીબાપા પૂ. માતાજીના દ્રષ્ટિકોણ તેમજ તેમની યોજનાઓના વાસ્તવિક અમલના મજબૂત વાહક હતા. સમાજ સુધારણા અને સામુહિક ઉન્નતિના માતાજીના સ્વપ્નને તેમણે વાસ્તવિક સ્વરૂપ આપવા જીવનભર નિષ્ઠા અને અપાર શ્રદ્ધાથી પ્રયાસ કર્યા. પૂ. આઈમાના શતાબ્દી મહોત્સવમાં નાદુરસ્ત તબિયત હોવા છતાં મઢડા સોનલધામમાં ઉપસ્થિત રહ્યા. કચ્છની દરેક સંસ્થાના નિર્માણમાં તેમનો ફાળો છે. પૂજ્ય હાંસબાઈ માતાજી તરફ પણ તેમની અડગ શ્રદ્ધા હતી. સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના બહોળા સમુદાયમાં વાલજીબાપાની ઊંચી પ્રતિષ્ઠા હતી. વાલજીબાપાની ખોટ માત્ર તેમના કુટુંબ માટે જ નહિ પરંતુ સમગ્ર સમાજ માટે પુરી ન શકાય તેવી છે. કચ્છના અબડાસા તાલુકાનું સીંઘોડી ગામ જુઓ તો જિલ્લાના વડા મથક ભુજથી ઘણું દૂરનું આ સ્થળ છે. જિલ્લાના અન્ય ભાગોની સરખામણીએ ત્યાંનો વિકાસ પણ ઓછો છે. આવા નાના સ્થળેથી આત્મબળ તથા આત્મસૂઝથી વાલજીબાપા જેવા લોકો આગળ આવતા હોય છે. તેમની સાથે વ્યક્તિગત પરિચય પણ લાંબો હતો. આથી પણ તેમને વિશેષ સમજી શકવાની તક મળી. જે જમાનામાં તેઓ જીવતા હતા તેનાથી આગળના ઘણા વર્ષોનું વિચારનારા હતા. તેમના નેતૃત્વમાં ઉભી થયેલી સંસ્થાઓ આજે પણ મહોરી રહી છે.

                             બુધશિ પરિવારના મોભી નાગરદાસભાઈ બુધશિ એ પણ એક આપણાં સમાજનું ભામાશા સમાન વ્યક્તિત્વ હતું. તેમની વિદાય (તા. ૨૬.૦૫.૨૪) એ આપણી પુરી ન શકાય તેવી ખોટ છે. સમાજહિતના કોઈ પણ કાર્યમાં બુધશિ પરિવારનો હોંકારો હંમેશા રહ્યો છે. રાજકોટમાં જરુતિયાતમંદ પરિવારો માટે આજે નમૂનારૂપ કાર્ય થઇ રહ્યું છે. આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટ તથા શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટના સૌ મોવડીઓ કાળજી તથા નિષ્ઠાથી આ કાર્યનું અમલીકરણ કરે છે. આ કામના મૂળમાં પણ બુધશિ પરિવાર છે. નાગરદાસભાઈ ઉપરાંત કરશનભાઇ જાળફવા તથા ભનુભાઇ મોદીનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. જૂનાગઢ બોર્ડિંગ કે રાજકોટની વાડીના નિર્માણમાં પણ બુધશિ પરિવારનો સહયોગ વિસ્મૃત ન થાય તેવો છે. મુંબઈમાં સ્વબળે પોતાના વાણિજ્યનો વિસ્તાર કરનાર નાગરદાસભાઈ પર આઈમાની કૃપા રહેલી છે. સમાજનો પણ પારાવાર પ્રેમ તેમને મળેલો છે. વિદેશ જતાં આપણાં અનેક ભાઈઓનો ઉતારો બુધશિ પરિવારને ત્યાં હંમેશા રહ્યો છે.

                        આ રીતે આ પરિવાર મુંબઈમાં સમાજનો વિસામો છે એમ કહી શકાય. જ્ઞાતિના સમૂહ લગ્નોની એક મજબૂત પ્રથા રાજકોટમાં ઉભી થઇ છે. આ ઉજળા ઉપક્રમને પોતાના આર્થિક સહયોગથી બુધશિ પરિવારે સ્થાયી બનાવ્યો છે. દીકરીઓના કન્યાદાનનો આ સામુહિક અવસર અનન્ય હોય છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મને પણ મળેલો છે. બહારથી ભવ્ય અને ભભકાદાર લાગતા પ્રસંગોની સરખામણીમાં આ પ્રસંગ વિશેષ ગરિમાયુક્ત લાગે છે.                  

           લાભુભાઈ જામંગ એ એક પાયાના કાર્યકર હતા. ઓછો દેખાવ તથા વિશેષ કાર્ય એ તેમનો જીવનમંત્ર હતો. પંચમહાલના અનેક ચારણ કુટુંબોને લાભુભાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળેલો છે. આ વિસ્તારના સમુહલગ્નની પ્રથાને તેમણે પોતાનો લોહી-પરસેવો સીંચીને વિકસાવી છે. પૂજ્ય કંકુ કેશરમાનો આ વિસ્તાર પર તથા નિમાડ વિસ્તાર પર વિશેષ સ્નેહ છે. માતાજીની ઈચ્છાને પુરી કરવામાં લાભુભાઈએ રાતદિવસ દોડધામ કરી છે. નજીકના ભૂતકાળમાં સમાજે કેટલાક એવા લોકોને જોયા કે જેમણે આધુનિક સમય સાથે સમાજના લોકો તાલમેલ મેળવીને આગળ વધે તેવા પ્રયાસો કર્યા. લાભુભાઈનું આ જીવનકાર્ય રહ્યું. આ સંદર્ભમાં સોરઠ-જૂનાગઢના આપણાં મોભી લખુભાઈ લીલા પણ સ્મૃતિમાં આવે. તેમણે દીકરીઓના વિકાસની ચિંતા કરી અને સારી સંસ્થા ઉભી કરીને તેને સારી રીતે ચલાવવાની વ્યવસ્થા કરી. કચ્છમાં અમારા ભાવનગર બોર્ડિંગના સાથી જબરદાન અયાચી પણ આજ બાબતમાં ઠોસ કાર્યની ધૂણી ધખાવીને બેઠા છે. લાભુભાઈ જામંગે ૧૯૯૧૨માં આઈ સોનલ ચારણ સમાજની સ્થાપના કરી તથા તેની આજીવન જવાબદારી પણ નિભાવી. કપરા સમય છતાં પણ પોતે ભણ્યાં હતા. શિક્ષણ અને સંસ્કારના સુયોગ સમાન તેમનું જીવન હતું. સમાજમાં ફેલાયેલા કેટલાક કુરિવાજો અને દુષણો સામે તેમણે ઝુંબેશ ઉપાડી. આઈ શ્રી કંકુ કેશરમાના તેમાં આશીર્વાદ મળ્યાં. પંચમહાલના વાવડી ગામના રામજી મંદિરના વિકાસમાં તેમની લાંબી દ્રષ્ટિનું દર્શન થાય છે. દાદુભાઇ જેશળ અને ભાઈ ગોવિંદ નાંદણ લાભુભાઈની વિદાયને “ભીતરના ભેરુ”ની ચીર વિદાય સમાન ગણાવે છે. તે ઉચિત છે.

                            સમાજના આ ત્રણે આગેવાનોમાં સમગ્ર સમાજને સાથે રાખીને ચાલવાની શક્તિ હતી. કોઈ નાના મોટા વાડા કે પ્રદેશમાં બંધાયેલી માનસિકતા તેમની સહેજ પણ ન હતી. શિક્ષણ તો ખરું જ પરંતુ શિક્ષણની સાથો સાથ સંસ્કાર ઘડતર અને સંસ્કારની જાળવણી તરફ તેમની દ્રષ્ટિ હતી. સામાજિક સંસ્થાઓના વહીવટમાં પુરેપુરી ચોકસાઈ જાળવવામાં આવે તેવો તેમનો આગ્રહ હતો. સમાજમાં જ્યાં પણ કુરિવાજો જણાય તો તેમના ધ્યાન પર તે બાબત રહેતી હતી. આ બાબતને અગ્રતા આપી તેઓ સમાજની નબળાઈઓ દૂર કરવાના પ્રયાસો નિરંતર કરતા રહેતા હતા. માતાજી સાથેના પ્રવાસોમાં તેઓ ચારણોના વિશાળ વર્ગના પરિચયમાં આવ્યા હતા. સંપર્કની આ મજબૂત કડી તેમને તેમના કામમાં વિશેષ સફળતા અપાવતી હતી. વ્યક્તિગત ગમા અણગમાને ઓળંગીને તેઓ અનુકરણીય જીવન જીવી ગયા.

                         ચારણો સામાન્ય રીતે લોક સમૂહથી અળગા કે અતડા રહ્યા નથી. સમાજમાં તેમના સંબંધ વ્યાપક અને ઉષ્માપૂર્ણ રહેલા છે. અનેક ચારણેતર વર્ગના લોકો આપણાં શુભચિંતકો રહ્યાં છે. આવા જ આપણાં એક શુભચિંતક તથા મિત્ર દોલતભાઈ ભટ્ટ(ગાંધીનગર) પણ તાજેતરમાં જ આપણી વચ્ચેથી વિદાય થયા. આપણાં સમાજના અનેક કાર્યક્રમોમાં અને ગાંધીનગરના તો લગભગ તમામ મિલન સમારંભોમાં સ્નેહ તથા આદર સાથે દોલતભાઈને બોલાવવામાં આવતા હતા. તેઓ તેમાં રાજીખુશી સાથે ઉપસ્થિત પણ રહેતા હતા. વિધ્વતા અને વિવેક આ ભુદેવના લોહીના સંસ્કાર હતા. જામનગર જિલ્લામાં તેમની શરૂઆતની કારકિર્દીમાં તેઓએ વ્યાપક લોકસંપર્ક કર્યો હતો. અમરેલી જિલ્લાનું દેરડી(જાનબાઈ) તેમનું મૂળ ગામ હતું. શિક્ષણ સાથે જ જનસમૂહને પારખવાની ઊંડી સૂઝ તેમનામાં હતી. વીસથી વધારે નવલકથાઓ તથા અનેક ટૂંકી વાર્તાઓનું તેમણે સર્જન કર્યું. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં ભાષાની એક નવી લઢણ અપનાવી. તળની આ ભાષાને કારણે અનેક લોકો કૃતિ કે સર્જન સાથે જોડાઈ શક્યા. કેટલાંક લોકસાહિત્યના ચારણેતર મર્મજ્ઞો આ સાહિત્યની આજીવન ઉપાસના કરતા રહ્યાં. મેઘાણી ઉપરાંત તેમાં પુષ્કર ચંદરવાકર, જયમલ્લ પરમાર તથા દોલત ભટ્ટ જેવા સંશોધકો સ્મૃતિમાં આવે છે. તેમનો ચારણો તરફ સ્નેહાદર રહ્યો છે. સામી બાજુથી ચારણોએ પણ તેમને ખુબ સ્નેહ તેમજ આદરભાવ આપ્યો છે. દોલતભાઈની ‘કૈકઈ’ નવલકથા ખુબ જ વંચાઈ તથા વખણાઈ છે. અનેક એવોર્ડ તેમને મળ્યા છે. અનેક નવોદિત લેખકોને તેમનું માર્ગદર્શન મળ્યું છે. ઉપરના ચારેય મહાનુભાવોની સ્મૃતિ તેમના કાર્યોથી હંમેશા જીવંત રહેશે. તેમના કાર્યોની કૃતિનો અજવાસ સૂર્ય નારાયણ દેવની જેમ જ પ્રકાશિત રહેશે. દુહો સ્મૃતિમાં આવે છે જે આ મહાનુભાવોને સમર્પિત છે. તેઓ ખરા અર્થમાં જશનામી હતા.

જીવતાં જગ જશ નહિ

જશ વિણ કો જીવંત?

જે જગ જશ લઇ આથમ્યા ,

એ તો રવિ પહેલા ઉગંત

વસંત ગઢવી

તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑