ક્ષણના ચણીબોર:દેશનીમુક્તિમાટેઅણનમવીરત્વ: નિરંજનવર્મા:

બિરાદર નૌજવા ! અમ રાહથી

છો દૂર રહેજે, અમોને પંથ

ભૂલેલા ભલે તું માની લેજે

કદી જો હમદીલી આવે ભલે

નાદાન કહેજે, બિચારા કૈશના

લાખો ભલે ધિક્કાર દે જે.

         ઝવેરચંદ મેઘાણીના ઉપરના શબ્દોમાં વતન માટે ફના થનાર લોકોની અસાધારણ ખુદારીનું દર્શન થાય છે. તેમને કોઈ પંથ ભૂલેલા કહે તો મંજુર છે. છતાં એ પંથે ચાલવા તેઓ મક્કમ છે. પરંતુ કોઈ તેમને બિચારા કહીને દયા ખાય તે વાત આ જવાંમર્દોને સહેજ પણ મંજુર નથી. દેશની મુક્તિ માટે જે કંઈ કર્યું તે સ્વેચ્છાએ અને ખુશી ખુશી કર્યું છે. આવા કેટકેટલા વીરો આ સ્વાતંત્ર્ય પર્વના માસમાં સ્મૃતિમાં આવે છે. ઘર આંગણે વીર વિનોદ કિનારીવાલાનું ઉદાહરણ આજે પણ અનેકની સ્મૃતિમાં જીવંત છે. 

                        સમગ્ર દેશ જયારે આ અમૃતકાળમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે માત્ર ચોત્રીસ વર્ષની વયે શહીદી વહોરનાર એક સ્વાતંત્ર્ય સેનાની નિરંજન વર્માની પાવન સ્મૃતિ થાય છે. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નાના એવા ગામ રાજડામાં તેમનો જન્મ થયો. ચારણોના આ ગામમાં બાદાણી શાખામાં તેમણે અવતાર લઈને તેને ઉજળો કર્યો. તેમને નાનભા તેમજ નિરુભાઈ તરીકે પણ સંબોધવામાં આવતા હતા. આ દેવીપુત્ર દિવ્યતા લઈને જનમ્યો હતો. તેનું મૃત્યુ પણ દિવ્ય હતું. નિરંજન વર્માના જીવન પર ‘અણનમ વીરત્વ’ નામે પુસ્તક પ્રગટ થયું છે. (પ્રકાશક: પ્રવીણ પ્રકાશન, રાજકોટ). ભાઈ રાજુલ દવેએ આ પુસ્તકનું સંપાદન કર્યું છે. નિસર્ગને ખોળે ઉછરેલા નિરુભાઈ પ્રકૃતિના ખોળે વિકસ્યા હતા. ૧૧ વર્ષની વયે સાધુ થવા માટે ઘર છોડી નીકળ્યા હતા. માતાના સ્નેહ તથા વલોપાતને જોતાં ફરી ઘેર આવ્યા. પરંતુ તેમના જીવનમાં સંપૂર્ણ સાધુતા રહી. 

                     મહાત્મા ગાંધીની હાકલના પગલે અનેક યુવાનોએ ઘરબાર તેમજ શાળા કોલેજો છોડ્યા હતા. નિરુભાઈ પણ તેમાંના એક હતા. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં તેઓ જયમલ્લ પરમાર તેમજ અન્ય સાથીઓ સાથે ગયા. ઝવેરચંદ મેઘાણીના આગ્રહથી ૧૯૩૯માં તેઓ ‘ફૂલછાબ’માં જોડાયા. રાણપુર ખાતે ‘સૌરાષ્ટ્ર’ પત્રથી થયેલી યાત્રા વિસ્તરતી રહી હતી. ‘ફૂલછાબ’ આ ઉજળી યાત્રાના એક મહત્વના પડાવ સમાન હતું. મેઘાણી કહેતાં કે તેમણે સમાચારપત્રના બળુકા માધ્યમથી જે સંસ્કારના વિસ્તારને વિસ્તારવાનો સંકલ્પ કર્યો હતો તેમાં જયમલ્લ પરમાર તથા નિરંજન વર્માનો મોટો સહયોગ રહ્યો હતો. ‘ફૂલછાબ’ એ નિરંજન વર્માના જીવનનો એક મહત્વનો ભાગ હતો. ૧૯૪૧માં તેઓ હિન્દુસ્તાનના સિંધ પ્રાંતના પ્રવાસે ગયા. કરાંચીમાં અનેક ગુજરાતી સાહસવીરોનો આર્થિક ક્ષેત્રમાં પ્રભાવ હતો. નિરુભાઈએ કરાંચી તથા અન્ય સ્થળોએ રાષ્ટ્રગીતો લલકાર્યા અને જન ચેતનાને જાગૃત કરી. કરાંચીથી આવ્યા બાદ આપણાં દેશમાં પણ ભૂગર્ભમાં રહીને સ્વાતંત્ર્ય માટેની લડત ચલાવી. બ્રિટિશ પોલીસ તેમની પાછળ પડેલી હતી. જે લોકો તેમને આશરો આપે તેમની પણ ધરપકડ કરવામાં આવતી હતી. ૧૯૪૨ની દેશની મુક્તિ માટેની લડતમાં ભાગ લેવા મેઘાણીની આનાકાની છતાં નિરુભાઈ તથા જયમલ્લભાઇએ ફૂલછાબને અલવિદા કરી. નિરુભાઈ માટે દેશસેવા એ જીવનની પ્રથમ અગ્રતા હતી.

                         નિરુભાઈને કોઈ પહેલી વખત જુએ તો પણ તેમને વિશેષતાનું દર્શન થાય તેવું નિરુભાઈનું વ્યક્તિત્વ હતું. કવિ ઉમાશંકર જોશી રાણપુર ‘ફૂલછાબ’ કાર્યાલયમાં આવ્યા અને રોકાયા ત્યારે તેમને નિરુભાઈનું પ્રથમ દર્શન થયું. કવિ નિરુભાઈ માટે લખે છે:

                     ‘એકવડિયા બાંધાનો, ગૌરવર્ણ, ઊંચો, તરવરીયો યુવાન-નિરંજન વર્મા, એનામાં ચેતન એવું નિરંતર હલમલ થતું કે જોઈને એમ લાગે કે આવો જીવ આપણી વચ્ચે શે ટકે? જયમલ્લ તથા નિરંજને મેઘાણીભાઈની છાયામાં ‘ફૂલછાબ’ શાળારૂપ બનાવી દીધું હતું…બાળ સાહિત્ય, પક્ષીઓ, તારાઓ બધામાં તેમનો જીવંત રસ. તેના પુસ્તકો પણ ખરા.” પન્નાલાલ પટેલ લખે છે કે ‘મળેલા જીવ’ના મારા ગરબડિયા લખાણને પુસ્તક આકારે મુકવામાં ભાઈ નિરંજન વર્મા અને જયમલ્લે કાળજી લીધી અને મહેનત કરી.” ‘ફૂલછાબ’ના ભેટ પુસ્તક તરીકે ‘મળેલા જીવ’નું પ્રકાશન કરવાનું હતું. માત્ર ૨૨ વર્ષની વયે ફૂલછાબ જેવા પ્રતિષ્ઠિત પત્રના સહતંત્રી થવાની ઘટના એ સામાન્ય વાત નથી. નિરંજન વર્માની એ વિધ્વતા સરસ્વતી સાધનાને આભારી હતી. 

                    જીવનના લગભગ એક દાયકાના માંદગી સાથેના એ સમયના સંભારણા મર્દાનગીની કથા જેવા લાગે છે. કઠિન સમય હતો. સરકારની સતત વોચ તેમની તમામ ગતિવિધિ પર રહેતી હતી. સરકારના વોરંટથી બચવા માટે છાના છપના મુંબઈના ખાર વિસ્તારમાં જયમલ્લભાઇ તથા નિરુભાઈનો અસ્થાયી નિવાસ હતો. જાણીતા કવિ અને નાટ્યકાર ચંદ્રવદન મહેતા(ચંચી મહેતા) પણ ખારમાં રહેતા. તેઓ જોખમ લઈને પણ નિરુભાઈ-જયમલ્લભાઇને મળવા જાય. ચંચી મહેતા તે સમયે ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્રના વડા હતા. ગુજરાતી વિભાગ તેઓ સંભાળતા હતા. ચંચી મહેતા આવે ત્યારે નિરુભાઈને બાળકો સાથે કિલ્લોલ કરતા જુએ અને આશ્ચર્ય પણ પામે. ખગોળની રસિક વાતો નિરુભાઈ કરતા. ચંચી મહેતાને બંને મિત્રોની આ વાતમાં રસ પડ્યો. તેમણે મુંબઈ રેડિયો કેન્દ્ર પરથી ખગોળ વિષય પરના વાર્તાલાપો આપવા સૂચન કર્યું. પરંતુ સરકાર સામે બહારવટે ચડેલા તથા છુપાતા ફરતા વ્યક્તિ કેવી રીતે રેડિયો પરથી વાર્તાલાપ આપી શકે? ચંચી મહેતા તથા તેમના જાંબાઝ રેડિયો નિયામક સાથી ઝુલ્ફીકાર અલી બુખારીએ સાહસભર્યું પગલું ભરવાનું બીડું ઝડપ્યું. વાર્તાલાપ જયમલ્લભાઇ આપે. સરકારના ધ્યાનમાં આવે તો જયમલ્લભાઇ તથા નિરુભાઈને તો પકડવામાં આવે પરંતુ બુખારી અને મહેતાને પણ નોકરી ગુમાવવાનું આવે. છતાં આ ચારે લોકોની બહાદુરીથી પાંચ વાર્તાલાપો જયમલ્લભાઇએ ઈન્દુપ્રસાદ ત્રિવેદીના ભળતા નામે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી આપ્યા. તે વાર્તાલાપો પરથી ‘આકાશપોથી’ પુસ્તક પણ થયું. માંદગી સાથે રઝળવાના આ આકરા સમયે ‘ફૂલછાબ’ અને મેઘાણી આર્થિક સહયોગ સતત કરતા રહ્યા. ટીબીના રોગથી પીડાતા નિરંજન વર્માએ લોહીના એક એક બુંદ વડે સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું.       

વસંત ગઢવી

તા. ૬ ઓગસ્ટ ૨૦૨૪  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑