સંસ્કૃતિ:સર્જકતાનીસરવાણીથીમહેકતુંઅનેમહોરતુંજીવન:

   પુસ્તકોનું પ્રકાશન તથા તેના સમારંભો ખુબ જાણીતા તથા પ્રચલિત થયા છે. આમ થવું તે એક સારી બાબત પણ છે. મિત્રો-સ્નેહીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ એકઠા થઈને પુસ્તક તેમજ સર્જક વિશે વાત કરે તે સ્વસ્થ સમાજની નિશાની છે. આવા સમારંભો જેવો જ એક સમારંભ અમદાવાદમાં થોડા સમય પૂર્વે થયો તેના ઉલ્લેખ સાથે જ તેના સર્જક વિશે વાત કરવી ગમે તેવી છે. જીવનના અનેક ઉતાર-ચઢાવને ઓળંગીને કોઈ સર્જક સ્વસ્થતા જાળવે અને મૌલિક સર્જન કરે તો તે એક વિશિષ્ટ બાબત બની જાય છે. આવા જ એક સર્જક બહેન જાગૃતિ ત્રિવેદીની આત્મકથા બાદ બીજું એક પુસ્તક (એક મીઠી વંચના: પ્રકાશક: ગુર્જર સાહિત્ય પ્રકાશન) પણ થયું તે જોઈને મનમાં આનંદ થયો. પડકારોને પહોંચી વળીને જીવન તથા સર્જન બંનેને ન્યાય આપવા માટે જાગૃતિ આપણા અભિનંદનના અધિકારી બને છે. 

                સાહિત્ય સર્જન શૂન્યમાંથી થતું નથી. સમાજ-કુટુંબીજનો-મિત્રો અને અનેક વખત ટીકાકારો પણ આ સર્જનના બીજ વાવે છે અથવા તેમને સાચવે તથા સંકોરે છે. આ સર્વ વ્યવસ્થામાં કુટુંબપ્રથાનું ઘણું મોટું મહત્વ છે. વિશ્વપ્રસિદ્ધ કલાકાર ચાર્લી ચેપ્લિન લખે છે કે તેમના જીવન તરફના વિધેયાત્મક અભિગમને ગતિ તથા દિશા આપવામાં તેમના માતા કારણભૂત બન્યા છે. અભાવની ધરતી પરથી પણ ગગનગામી ઉડ્યન તરફ મીટ માંડી શકાય છે તે વાતનો સધિયારો ચાર્લીને માતા સિવાય કોણ આપી શક્યું હોત? કુટુંબપ્રથા તથા સ્વજનોનું સાયુજ્ય એ આપણી મહામૂલી મૂડી છે. સાચવવા જેવી છે. બહેન જાગૃતિનો ઉછેર એ આ કુટુંબપ્રથા તેમજ કવિ અને ન્યાયધીશ પિતાના વહાલસોયા સાનિધ્યમાં થયો. ઉછેરમાં જ સાહિત્ય સાથેનો પરિચય થયો. આ પરિચય જ ગાઢ મૈત્રીમાં પરિણમ્યો અને  એક સ્વસ્થ લગ્નજીવનનો પ્રારંભ થયો. આપણાં સુધી જાગરૂક તથા જીવંત જાગૃતિ ટૂંકાગાળામાં બે-બે સર્જનો લઈને આવી. જાગૃતિને હું Blessed Person કહું તો તેમાં અતિશયોક્તિ નથી. જાગૃતિના એ સદ્ભાગ્ય છે અને તેની પાત્રતા પણ છે કે તેને આ સ્વજનોનો  સંગાથ જીવનના દરેક તબક્કે મળતો ગયો અને સ્નેહથી આગળને આગળ ધકેલતો રહ્યો. આ પ્રકારના વાત્સલ્યના પરિણામે જીવનમાં પડેલી મોટી તથા અણધારી ખોટની વ્યથા પણ હળવી બની સ્નેહાળ સર્જક પિતા પછી પણ અભિલાષભાઈ તેમજ જીવનસાથી પંકજભાઈ તેમજ દીકરી શીખાનો જીવતો હોંકારો જાગૃતિને સતત દોરતો રહે છે. જીવનના અનેક આરોહ અવરોહ વચ્ચે જાગૃતિના અંતરના તળ ડૂક્યા નથી. એક બીજી મહત્વની બાબત પણ ધ્યાનમાં આવે તેવી છે. જાગૃતિના પિતા ન્યાયધીશ તરીકે સેવા બજાવે. આપણે ત્યાં ન્યાયિક સેવા કે વહીવટીસેવાના એક અભિન્ન ભાગ તરીકે એક જગાએથી બીજી જગાએ સ્થળાંતર થતું રહે. આપણે આ બાબતને બદલી પ્રથા તરીકે જાણીએ છીએ. મને સ્વાનુભવને આધારે પણ એમ લાગે છે કે આ સ્થળાંતરની પ્રક્રિયા કોઈ પણ જાગૃત વ્યક્તિને ભિન્ન ભિન્ન સમાજને ભિન્ન સ્થિતિમાં જોવાની કે અભ્યાસ કરવાની તક આપે છે. કોઈના પણ વ્યક્તિગત જીવનના વિકાસમાં આવું સ્થળાંતર ઉપકારક બને છે. લોકનું દર્શન જે કરી શકે છે તેના જીવનમાં સર્જકતા પાંગરવાની વિશેષ શક્યતાઓ રહેલી છે. બહેન જાગૃતિને પણ પિતાની નોકરીના કારણે અનેક સ્થળો-વિભિન્ન લોકોને નીરખવાની-સમજવાની તક મળી છે. શ્રાવણની ભીનાશ લઈને જન્મેલા અને જીવેલા સર્જક ઝવેરચંદ મેઘાણીએ આજ વાતને તેમના જીવનના ઘડતર સંબંધમાં વિસ્તૃત રીતે આલેખી છે. અંતરિયાળ વિસ્તારોના બ્રિટિશ હકુમતના જુદા જુદા પોલીસથાણાંઓએ મેઘાણીને પ્રકૃતિના એક ભયાવહ છતાં ભવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું. જાગરૂક આંખોના માધ્યમથી મેઘાણીએ આ સૌંદર્ય આત્મસાત કર્યું જે તેમના વિવિધ સર્જનોમાં એક અથવા બીજા સ્વરૂપે પ્રગટ થયું. જાગૃતિને પણ આ તક પિતાની બદલીઓ થવાના કારણે મળી. તે પણ એક મહત્વનું કારણ તેના સાહિત્ય તરફના લગાવ પર છે. સૌંદર્ય નીરખવાની દ્રષ્ટિ જ સૌંદર્ય પ્રગટાવી શકે છે. આ સંદર્ભમાં કવિ ઉમાશંકર જોશીની જાણીતી પંક્તિઓ યાદ આવે છે.

                                          સૌંદર્યો પી.

                               ઉરઝરણ ગાશે આપમેળે.

                       આપણે ત્યાં સાહિત્યમાં અનેક પ્રકારના લખાણો થાય છે. નવલકથા લખવી એ સર્જકતાનો એક ઉત્કૃષ્ટ પ્રકાર છે. પ્રશંસાને પાત્ર છે. પરંતુ આત્મકથા લખવી એ હંમેશા પડકારરૂપ કાર્ય રહ્યું છે. આત્મકથા એ જીવાયેલા જીવનનું વાસ્તવિક પ્રતિબીંબ છે. એ હંમેશા રમણીય જ હોય તેવું સહેજ પણ જરૂરી નથી. ‘અતિ વિચિત્ર ગતિ ભગવંત’ એમ તુલસીદાસે કહ્યું તે વાત આપણાં સૌના જીવાતા જીવનને લાગુ પડે છે. જીવનના આ વિચિત્ર તેમજ અનિયંત્રિત આરોહ-અવરોહને અને તેની સાથે જોડાયેલી વિચાર પ્રક્રિયાને કાગળ પર ઉતારવી મુશ્કેલ છે. પડકારરૂપ છે. મૈત્રેયીદેવી કે અમૃતા પ્રીતમ જેવી આંતરિક શક્તિ અનેક લોકોમાં જોવા ન મળે તે સ્વાભાવિક છે. લુઇ ફિશરે કહ્યું તેમ મહાત્મા ગાંધીની જેમ છાપરે ચડીને કોઈ પોતાની ક્ષતિની વાત જાહેર કરતા નથી. આંતરિક પરિપક્વતા અને માનસિક દ્રઢતા હોય તો જ અંતરંગ વાતો શબ્દદેહે ઉતારી શકાય. રૂઢિઓની સાંકળો ખખડાવતો અને અનેક પ્રસંગે ડરાવતો સમાજ સત્ય સામે શીંગડા ભરાવવાનું કામ પણ કરી શકે છે. અનેક કિસ્સાઓમાં કર્યું પણ છે. આ આકરી કસોટીએ પણ જાગૃતિ ખરી ઉતરી છે. જીવનના અંતરંગ પ્રવાહો નિર્ભયતા તેમજ નિખાલસતાથી તેણે આત્મકથામાં ઉતાર્યા છે. નવલકથામાં કદાચ વિચારોની પ્રક્રિયાએ જ એક ભાતીગળ નવલકથાનું સર્જન કર્યું છે. સાહિત્યના મર્મજ્ઞો તેનું કેવું મૂલ્યાંકન કરશે તેની ખબર નથી. એ જે થાય તે પરંતુ જાગૃતિની મૌલિકતા અને વિચારોની વૈવિધ્યતાનું સન્માન અચૂક થશે જ તેવી શ્રદ્ધા છે. જીવનના આકરા પ્રવાહો સામે મક્કમ રીતે ઉભા રહીને વર્ષોમાં જીવન ઉમેરનાર આ સર્જક આપણાં અભિનંદનને પાત્ર છે. 

વસંત ગઢવી

તા. ૧૭ જુલાઈ ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑