નેલ્સન મંડેલા-ક્ષણના ચણીબોર

જાતિભેદ અને રંગભેદ સામેની ઐતિહાસિક લડાઈ અને નેલ્સન મંડેલા:

             નેલ્સન મંડેલા પોતાના બાળપણને યાદ કરતા સરસ વાત કહે છે. :”બચપણથી જ મને સ્વાભિમાનના પાઠ શીખવવામાં આવ્યા હતા. સ્વાભિમાનના ભોગે કંઈ સ્વીકારવું નહિ તેની ગાંઠ બાળપણથી જ મનમાં વાળી હતી. સાંજના સમયે ખુલ્લા તથા તારાઓથી મઢેલા આકાશ નીચે અમે બાળકો બેસતા હતા. પિતાજી ઉત્તમ વીરોની વાર્તાઓ કરીને તેમના ગુણોનું વર્ણન કરતા હતા. માતા દંતકથાઓનો આધાર લઇ બોધપાઠ આપતી હતી. આ વાતોએ અમારામાં જોમ તથા જુસ્સાને પ્રદીપ્ત કર્યા. ઉપરાંત ઉદારતા, સહિષ્ણુતા તેમજ સહનશીલતાના ગુણોનો પણ અમારામાં વિકાસ થયો. “આ ગુણો જ યુવાનવયે લાંબાગાળાના જેલવાસ દરમિયાન ટકી રહેવામાં કામ લાગ્યા હતા.” એક ઉજળી પરંપરાનું અહીં દર્શન થાય છે. બાળકોનું એકબીજા સાથેનું જોડાણ તો થાય છે જ ઉપરાંત માં-બાપ પાસેથી મળેલી વાતોનો ખજાનો જીવતરમાં એક અમૂલ્ય ભાથા સમાન બની રહે છે. પિતાના સંસ્કાર પણ તેમના જીવનમાં દિવેલ સીંચવાનું કાર્ય કરે છે. પિતા ધર્મના બાહ્ય આચારોમાં માનનારા ન હતા. પરંતુ સભ્યતાના આગ્રહી હતા. મુખિયા હતા. તેથી સરકારી કચેરીઓમાં આવવા જવાનું બનતું રહેતું હતું. પહેરવેશની સભ્યતા પણ જાણતા હતા અને જાળવવા આગ્રહી હતા. સ્કૂલમાં દાખલ થયા ત્યારે પિતાએ સલાહ આપી: “સ્કૂલે જા ત્યારે સરખા કપડા પહેરીને જજે.” સભ્યતાના આગ્રહી પિતાએ જીવન જીવવાના ઉમદા તત્વો વિકસાવવામાં મદદ કરી. વિદેશી રાજ્ય સત્તા પોતાનો પ્રભાવ ટકાવી રાખવા તેમજ વિસ્તારવા કેવા પ્રયત્નો કરે છે તેનો પણ નેલ્સન મંડેલાની બાળપણની કથા સાંભળતા ખ્યાલ આવે છે. મંડેલા કહે છે કે તેમના પર રાજ્ય કરનાર બ્રિટિશ સત્તા ભણતરના અભ્યાસક્રમમાં વિચારોમાં તથા સંસ્કૃતિમાં સ્થાનિક પ્રણાલીઓને સ્વીકારવાને બદલે બ્રિટિશ પ્રથાને જ સર્વોપરી ગણતી હતી. એક વિચિત્ર પ્રથા એવી કે મૂળ આફ્રિકન નામની જગાએ અંગ્રેજી નામ આપવામાં આવે તેવી પ્રથા હતી. ગોરા શાસકો આફ્રિકન નામ બોલવા તૈયાર ન હતા. શીખવાનો પ્રયાસ પણ કરતા ન હતા. આથી મૂળ આફ્રિકન નામ ‘રોલી હલા હલા’ ધરાવતા આ બાળકને ‘નેલ્સન’ નામ મળ્યું. હોઝા ભાષાનું રોલી હલા હલા નામ ગોરા શાસકોને કેમ યાદ રહે? હોઝા ભાષામાં આ નામનો અર્થ ‘ઉપદ્રવી’ તેવો થાય છે. બ્રિટિશરોએ નામ ભલે બદલ્યું પરંતુ મૂળ આફ્રિકન નામના ગુણો આ બાળકમાં હતા તે વિકસ્યા. આ ‘ઉપદ્રવી’ બાળક બ્રિટિશ સત્તાધિશો સામે ઉપદ્રવ બનીને ઉન્નત શિરે ઉભો રહ્યો. ૧૮ જુલાઈ ૧૯૧૮થી ૫ ડિસેમ્બર ૨૦૧૩ સુધી અર્થપૂર્ણ જીવન વ્યતીત કરનાર નેલ્સન મંડેલા એક આઇકોનિક વ્યક્તિત્વ છે. ૧૯૯૪થી ૧૯૯૯ સુધી તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રમુખપદે રહ્યા.

              નેલ્સન મંડેલાનું જીવન દક્ષિણ આફ્રિકાના પોતાના ભાંડુઓને આઝાદી અપાવવા માટેના પ્રયાસોમાં ગયું. કમકમાટી છૂટે તેવા અત્યાચારો થવા છતાં મુક્તિના મહાસંગ્રામને ઠંડો પડવા દેવાયો ન હતો. પોતાની યુવાનીના દિવસોના ૨૯ વર્ષ જેટલો લાંબો સમય કારાગારમાં વ્યતીત કરનાર આ મહામાનવ દ્રઢતા, ધીરતા તેમજ વીરતાની પ્રતિકૃતિ સમાન છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોમાં જેલની આકરી સજા લાંબા સમય સુધી ભોગવનારાઓમાં વીર સાવરકરનું નામ મોખરે છે. આવી આકરી સજા મંડેલાએ પણ ભોગવી. નેલસન મંડેલાને રાજકીય કેદી ગણીને ‘ડી’ કેટેગરીમાં રાખવામાં આવતા હતા. છ મહિનાના લાંબા ગાળા પછી માત્ર એક પત્ર મેળવવાની તથા વાંચવાની તેમને છૂટ હતી. પત્ર આવે ત્યારે ‘સેન્સર’ થતો કોઈ બાબત જેલના તંત્રને યોગ્ય ન જણાય તો કાળી શાહીથી તેટલું લખાણ દૂર કરવામાં આવતું હતું. મંડેલા લખે છે કે તેમના પત્ની વિની તથા બાળકોની તેમને સતત ચિંતા રહેતી હતી. પોતાના વૃદ્ધ ‘મા’ની પણ તેમને સતત ચિંતા રહેતી હતી. રોબેન નામના આઇલેન્ડમાં તેઓ જેલવાસ ભોગવતા હતા. એક વખત  નેલ્સનને સમાચાર મળ્યા કે તેમને મળવા કોઈક આવવાનું છે. મનમાં ખુબ ઇંતેજારી હતી. તેમના પત્ની વિની મળવા આવશે તેવી ધારણા પણ હતી. બંધ કાચમાંથી થોડા છિદ્રો કરીને મુલાકાતી સાથે વાત કરવાની વ્યવસ્થા હતી. આ પહેલી મુલાકાત હતી. ઘરના સૌને અહીં જેલમાં થતા શારીરિક સીતમોની ચિંતા હતી.  નેલ્સન મંડેલાએ આ બાબતમાં હૈયાધારણ આપી તથા પોતે મજામાં છે તેમ જણાવ્યું. મંડેલાનું વજન ઉતરેલું હતું. કાચના અવરોધને કારણે સ્પષ્ટ દર્શન તથા સ્પષ્ટ અવાજ આવવો મુશ્કેલ હતો. ઓચિંતો જ ‘ટાઈમ અપ’નો અવાજ આવ્યો. આટલા થોડા સમયમાં જ જાણે કે સમય દોડી ગયો હોય તેવી અફસોસજનક પ્રતીતિ થઇ. જેલવાસના દિવસોમાં એકવાર એકાએક કેદીઓના ખોરાકમાં સુધારો થવા લાગ્યો. થોડા દિવસોમાં સમાચાર મળ્યા કે આંતરરાષ્ટ્રીય રેડક્રોસના પ્રતિનિધિઓ કેદીઓની હાલત જાણવા માટે આવવાના હતા. આથી આ વ્યવસ્થા જેલતંત્રની નબળી બાજુઓને ઢાંકી દેવા માટે હતી. જે ફરિયાદો કરવાની હોય તેની નકલ ચીફ વોર્ડનને અગાઉથી આપવી પડે. પરંતુ જેલના કેટલાક સાથીઓ સાથે રહીને  નેલ્સન મંડેલાએ વિશેષ ફરિયાદો રેડક્રોસ સંસ્થાને સીધી આપવાનો સફળ પ્રયાસ કર્યો. જો કે કેટલીક નાની જરૂરિયાતોને સંતોષવા સિવાય આવી મુલાકાતોનો કોઈ મોટો ફાયદો ન હતો. પોતાની નાની દીકરીઓને તેમણે ત્રણ વર્ષની હતી ત્યારે છેલ્લે જોઈ હતી. બાર વર્ષ બાદ એક મુલાકાતમાં દીકરીઓને જોઈને તેમનું હૈયું ભરાઈ આવ્યું. વર્ષો પછી ૧૯૮૪માં ખુલ્લા રૂમમાં પત્ની તથા દીકરીને મળીને ૨૧ વર્ષ પછી તેઓ તેમનો સ્પર્શ કરી શક્યા. જાતિભેદ તથા રંગભેદ નાબૂદ કરવાની  નેલ્સન મંડેલાની લડાઈ જગતના ઇતિહાસમાં એક જુદી જ ભાત પાડનારી છે. ‘Long walk to freedom ‘ એ  નેલ્સન મંડેલાનું સુવિખ્યાત થયેલું પુસ્તક છે. લડતનો અંત આવ્યા પછી ગોરા શાસકો સામે કડવાશનો ભાવ ન રાખીને તેઓએ ઉદારતા દાખવી હતી. મહાત્મા ગાંધીના વિચારોની આ અસર હતી.

વસંત ગઢવી

તા. ૨૮ જૂન ૨૦૨૪ 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑