માનવજાતના મહાન સેવક: લોકનાયક જયપ્રકાશ નારાયણ:
પહેલી ઓક્ટોબર-૧૯૭૧ના દિવસે પટણાના જયપ્રકાશ નારાયણના નિવાસસ્થાનમાં એક અસાધારણ ઘટના બને છે. એક શસક્ત યુવાન જે.પી.ને મળે છે. જેપીનું નામ તથા કામ સાંભળીને આવેલો આ યુવાન જે.પી.ને કહે છે તે જંગલમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીને રોજી-રોટી મેળવે છે. જે.પી. ઉત્સુકતાથી આ અજાણ્યા યુવકને પોતાના નિવાસસ્થાને આવવાનું કારણ પૂછે છે. આવનાર યુવાન કહે છે કે તે જે જંગલમાં કામ કરે છે ત્યાંના કેટલાક ડાકુઓ આત્મ-સમર્પણ કરવા માંગે છે. એ બાબત સુવિદિત છે કે આચાર્ય વિનોબા ભાવે પાસે આવીને અનેક ડાકુઓએ આત્મસમર્પણ કર્યું હતું. જયપ્રકાશે આ યુવાનને જવાબ આપતાં કહ્યું કે તેણે આ કામ માટે વિનોબાજીને મળવું જોઈએ. આવનાર યુવાને વિનંતીના સૂરમાં ભારપૂર્વક કહ્યું કે જે.પી.એ તેની વિનંતીનો સ્વીકાર કરવો જોઈએ. તે મોટી આશા લઈને મળવા માટે આવ્યો છે. આગંતુક યુવાને ઉમેર્યું કે જે.પી. સન્માન થશે તો તે આ વિસ્તારના ઘણાં ડાકુઓ સ્વેચ્છાએ કાયદાને આધીન થવા પોતાની જાતને સોંપી દેવા માંગે છે. આમ થાય તો તે વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા લોકોના જાનમાલની સલામતી પણ સુધરી જશે તે વાત જેપીને મળવા આવનાર યુવાને ફરી ફરી દોહરાવી. જેપીએ વિનોબાજીનું નામ કહ્યું હતું તેથી તે યુવાને સ્પષ્ટતા કરી કે વિનોબાજીએ પણ જેપીને મળવા કહ્યું હતું. આ સંવાદને અંતિમ પરિણામ આપવા માટે તે યુવાને પોતાની ઓળખાણ આપતાં કહ્યું;
“બાબુજી, હું પોતે જ માધોસિંહ છું.” આ વાત સાંભળીને જેપીને આશ્ચર્ય થયું. માધોસિંહને પકડવા સરકારનું સમગ્ર તંત્ર રાતદિવસ મહેનત કરે છે. માધોસિંહની ઉપસ્થિતિની કોઈ જાણકારી આપે તો પણ દોઢ લાખ રૂપિયાનું મોટું ઇનામ સરકારે જાહેર કર્યું હતું. જેપીએ માધોસિંહને પૂછ્યું કે અહીં એમના નિવાસ્થાને આવવાનું જોખમ તેણે શા માટે લીધું છે. તેનો જવાબ પુરા આદર સાથે આપતા યુવાને કહ્યું:
“બાબુજી, આપના ઉપર મને તથા મારા સાથીઓને સંપૂર્ણ વિશ્વાસ છે.”
જેપી ઊંડા વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે એક મોટી જવાબદારીનો બોજ તેમના પર આવી પડ્યો છે. તબિયતના કારણે કોઈ મોટું કામ હાથ પર લેવાની તેમની ઈચ્છા પણ ન હતી. આમ છતાં જેપીએ આ કામમાં ઉપયોગી થવા તૈયારી બતાવી. જેપી એ જો કે માધોસિંહને જણાવ્યું કે વિનોબાજી તો સંત છે. પોતે એમની કક્ષામાં ન આવી શકે છતાં તેમણે ગાંધી-વિનોબાના પગલે આ કાર્યની જવાબદારી પોતાના શિરે લીધી. બાગીઓના પ્રતિનિધિઓની રજૂઆત હતી કે તેમને કેસ ચલાવીને જે સજા કાનૂન મુજબ થતી હોય તે થાય. જો કે ફાંસીની સજા ન આપવામાં આવે તેવી તેમની લાગણી હતી. પોતાના કેસો અદાલતમાં ચલાવવામાં બહુ વિલંબ ન થાય તેવી પણ તેમની વિનંતી હતી. જેપીએ આ બાબતમાં કેન્દ્રના ગ્રહપ્રધાન તેમજ સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓને વિગતવાર પત્રો લખ્યા. આ બાબતમાં ઉપયોગી થવા વિનંતી કરી. જયપ્રકાશ નારાયણને સાનુકૂળ પ્રત્યુત્તરો પણ મળ્યાં. જેપીનો એક દ્રષ્ટિકોણ હતો જે વિશાળ તથા સર્વસમાવેશક હતો. અનેક સામાજિક તથા આર્થિક કારણોસર જે નાના મોટા ગુનાઓ બને છે તેમાંથી જ કોઈ મોટા ડાકુ કે બહારવટિયાનું નિર્માણ થાય છે. આમ થવાના મૂળ કારણો પણ તપાસીએ તો તેના મૂળમાં કોઈ સામાજિક અન્યાય કે બેવડા ધોરણો ધ્યાનમાં આવે છે. નક્સલવાદ શરુ થવાના મૂળ કારણોમાં જુઓ તો જરૂરિયાતમંદ આદિવાસીઓને કોર્ટના હુકમ છતાં ખેતીની જમીનનો વાસ્તવિક કબજો મળ્યો ન હતો. આદિવાસીઓની પોતાની કાયદેસરની ખેતીની જમીનો પરથી તેમને બળજબરીથી દૂર કરવામાં આવે તેનો પ્રતિકાર કરવા માટે આંદોલન શરુ થયું હતું. દેશના ઘણાં વિસ્તારોમાં આવી સામાજિક-આર્થિક અસમાનતાના કારણે આંદોલનો થયા છે. ચંબલના બાગીઓના આત્મસમર્પણમાં જેપીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સમર્પણના દરેક સમારંભમાં માત્ર ગાંધીજી તથા વિનોબાજીના જ ફોટાઓ ગોઠવાય તેવી જેપીની સૂચના હતી. કોઈ પણ જગાએ વ્યક્તિગત મોટાઈ કે મહત્વ મેળવવાની સહેજ પણ ઈચ્છા આ મહામાનવમાં ન હતી. આત્મ-સમર્પણ કરનાર તમામ બાગીને ‘રામાયણ’ તથા વિનોબાજીના ‘ગીતા પ્રવચનો’ના પુસ્તકો ભેટ આપવામાં આવતા હતા. જયપ્રકાશ સ્વેચ્છાએ શરણાગતિ સ્વીકારીને જેલમાં જતાં આ બાગીઓને સલાહ આપતાં:
“જે માર્ગ સ્વીકાર્યો છે તેને છોડશો નહિ. મુશ્કેલીઓ આવે તો ડગશો નહિ. જેલવાસને તમારા નૈતિક તેમજ આંતરિક વિકાસ માટેનો અવસર સમજજો. જેલમાંથી છૂટીને સમાજના સારા સેવક બની રહેજો.” ટાઈમ મેગેઝીને લખ્યું કે ગાંધીનો અહિંસાનો રસ્તો અવ્યવહારુ લાગતો હતો તે માન્યતા બદલવામાં આવા પ્રસંગો કારણભૂત બને છે. કારણ કે અહિંસાના તથા સમજાવટના નૈતિક બળે આ ખૂંખાર ડાકુઓના જીવન પરિવર્તન થયા હતા. તંત્રના કામમાં સરળતા થતી હતી. જયપ્રકાશની સમગ્ર ભાતીગળ જીવનયાત્રામાં બાગી સમર્પણની વાત એક મહત્વનો હિસ્સો છે. ૧૯૦૨ના ઓક્ટોબરની અગિયારમી તારીખે જન્મ લેનાર જયપ્રકાશ નારાયણની સ્મૃતિને વંદન કરવાનો આ સમય છે. યજ્ઞ પ્રકાશન અને કાંતિભાઈ શાહના આપણે આભારી છીએ. તેમણે જેપીના જીવનની યાત્રાના ઉજળા પ્રસંગો આપણાં સુધી પહોંચાડ્યા છે.
સામાજિક વ્યવસ્થાઓ બદલવા માટે માત્ર સરકાર પર આધાર રાખવાથી કામ પૂરું થતું નથી. કદાચ થાય તો પણ ઘણો લાંબો સમય જાય છે. વિનોબાજીએ ભૂદાનની ચળવળ શરૂ કરાવી તેમજ ભૂમિહીનોને ખેતીની જમીન અપાવવાનો સંકલ્પ કર્યો. વિનોબાજીએ આ નિર્ણય કર્યો ત્યારે દેશ તો આઝાદ થઇ ગયો હતો લોકોએ ચૂંટેલી સરકારો જ દેશમાં તથા રાજ્યોમાં કાર્ય કરતી હતી. આમ છતાં વિનોબાજી આ ભૂમિની ન્યાયી વહેંચણીમાં સરકાર પાસે જવાના બદલે લોક દરબારમાં ગયા. જયપ્રકાશ નારાયણ કે આપણાં ઘર આંગણે રવિશંકર મહારાજે લોકજાગૃતિનો આ માર્ગ જ અપનાવ્યો. પ્રચંડ નીર્ધાર અને સમર્પણ થકી જયપ્રકાશ લોકનાયક બની શક્યા. ૧૯૦૨ના ઓક્ટોબરની અગિયારમી તારીખ અને વિજયાદશમીના દિવસે જન્મ લેનાર જયપ્રકાશ નારાયણની સ્મૃતિને વંદન કરવાનો આ સમય છે.
વસંત ગઢવી
તા. ૨૫ જૂન ૨૦૨૪
Leave a comment