સંસ્કૃતિ:ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:

 ૧૯૪૪ના વર્ષમાં મુંબઈમાં ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીને મળે છે. લોકસાહિત્યના અનેક પસંદ કરેલા ગીતો સંભળાવે છે. બાપુ પુરા રસથી મેઘાણીના સાહિત્યનું પાન કરે છે. મુંબઈના જુહુ વિસ્તારમાં મહાત્મા ગાંધીનો ઉતારો હતો. બાપુનો સમય અગાઉથી મેળવીને મેઘાણી તેમને મળે છે. મેઘાણીની સાથે તેમના નવપરિણીત પુત્ર મહેન્દ્રભાઈ તેમજ પુત્રવધુ નિર્મળાબહેન પણ હોય છે. નવપરિણીત યુગલને આશીર્વાદ આપવા મેઘાણી બાપુને વિંનતી કરે છે. બાપુને આ દિવસે મૌનવ્રત હતું. આથી એક લખાયેલા પરબીડીયા પર મળતી થોડી જગાનો ઉપયોગ કરીને આ વ્યવહારુ મહાત્મા મેઘાણીને જણાવે છે.:

                        “મને લાગે છે કે આપણે રાણપુરમાં મળ્યા હતા. ત્યારબાદ મળ્યા નથી. આજે પેટ ભરીને તમારા ગીતો સાંભળ્યા એટલે રાજી થયો. મારું પેટ તો જલ્દી ખાલી થઇ જાય છે. આથી મારું પેટ ભરાઈ જાય તેની ચિંતા ન કરશો.” વધારે ગીતો સાંભળવાની પણ બાપુએ ઈચ્છા વ્યક્ત કરી એટલે મેઘાણીએ પૂછ્યું “બીજું કશું સાંભળવાની ઈચ્છા ખરી?” બાપુનો જવાબ સાંભળવા જેવો છે. બાપુ કહે છે: “લગ્નગીતો સંભળાવો !” મહાત્મા ગાંધીનો વિવિધ બાબતોમાં રસ લેવાનો આ સ્વભાવ એ જ તેમનો જીવનરસ હતો. આ યુગપુરુષ સમાન મહાત્મા વાસ્તવિક જીવનમાં સહેજ પણ શુષ્ક ન હતા. આ બાબતનો ખ્યાલ પણ મેઘાણી તથા બાપુ વચ્ચેના આ સંવાદમાંથી સ્પષ્ટ થાય છે. સાહિત્યની રજૂઆતનો દોર સતત ચાલતો રહે છે. મેઘાણીના સર્જનો તથા સંપાદનોમાં સામાન્ય લોકોની મહત્તા સ્વીકારવામાં તથા પ્રમાણવામાં આવી હતી. મહાત્મા ગાંધીએ પણ આ સામાન્ય હિન્દુસ્તાની નાગરિકને જાગૃત કરી તેને રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવ્યો હતો. સામાન્ય લોકોની અસામાન્યતામાં મોહનદાસ અને મેઘાણીને સરખો જ વિશ્વાસ હતો. પારાવાર શ્રદ્ધા હતી. 

                ૧૯૩૩માં મેઘાણી મુંબઈમાં કવિગુરુ ટાગોરને મળ્યા. શાંતિનિકેતન આવવા માટે કવિગુરુએ ભારપૂર્વક નિમંત્રણ આપ્યું. લોકસાહિત્યના વિવિધ રસોનું પાન મેઘાણીએ કવિગુરુને કરાવ્યું. ત્યારબાદ છેક ૧૯૪૧માં મેઘાણી શાંતિનિકેતન જઈ શક્યા. ગુજરાતના લોકસાહિત્યને અન્ય પ્રાંતમાં જઈને રજુ કરવાની આ એક તક હતી. માર્ચ-૧૯૪૧માં કવિગુરુની કર્મભૂમિ શાંતિનિકેતનમાં મેઘાણીએ પગ મુક્યો. મેઘાણીનો આદર સત્કાર કરીને માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. લોકસાહિત્ય પર અંગ્રેજીમાં ચાર પ્રવચનો તેમણે આપ્યા. પોતાની માતૃભૂમિ ગુજરાતની ભાતીગળ વાતો તેમણે શાંતિનિકેતનના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓને સંભળાવી. પોતાના જ્ઞાન તેમજ વાત્સલ્યથી તેમણે સૌના દિલ જીતી લીધા. શાંતિનિકેતનમાં મેઘાણીનું સન્માન થયું. ત્યારબાદ કવિગુરુને મળવાની વાત થઇ. કવિગુરુનું સ્વાસ્થ્ય સારું ન હતું. આથી નંદબાબુ તેમજ ગુરુદિયાળ મલ્લિકના આગ્રહ છતાં મેઘાણી કવિગુરુને પ્રત્યક્ષ મળવા માટે ન ગયા. કવિગુરુના નિવાસસ્થાન ‘શ્યામલી’ના પગથિયા પર માથું ટેકવીને મેઘાણીએ કવિગુરુ તરફનો પોતાનો આદર વ્યક્ત કર્યો. કવિગુરુના જુના નિમંત્રણથી જ મેઘાણી શાંતિનિકેતન ગયા હતા. આ સંદર્ભમાં મેઘાણી નંદબાબુ વગેરે અગ્રણીઓને વિનંતી કરતા કહે છે: “ગુરુદેવને કહેજો કે કાઠિયાવાડનો કવિ તેનું વચન નિભાવીને ગયો છે.” કવિગુરુ સાથે આ લોકકવિનો નાતો એ છેક સુધી ખુબ આદર તથા સ્નેહથી જોડાયેલો રહ્યો હતો. ગુરુદેવના અનેક કાવ્યો મેઘાણી આપણી માતૃભાષામાં લઇ આવ્યા છે. આ કાવ્યો ખુબ લોકપ્રિય થયા છે. કવિગુરુના કાવ્યોનો મેઘાણીએ કરેલો અનુવાદ ખુબ જ વખણાયો છે. 

             લોકોના વિશાળ સમૂહને પોતાની નજરે જોઈને તેમની સાચી ઓળખ કોઈ ‘ધૂળધોયા’ જ કરી શકે. અશિક્ષિત કે ગામડિયાના પરિવેશમાં પણ ‘ચીંથરે વિટયા રતન’ હોય છે તેની ઓળખ મહાન લેખક અને સંશોધક ઝવેરચંદ મેઘાણીએ સમગ્ર જગતને આપી. મેઘાણીની આંખે લોકનું દર્શન કર્યા પછી કોઈ પણ વ્યકતિ લોક તરફ અણગમા કે સૂગનો ભાવ મનમાં ધરી નહિ શકે તેવી વાત મનુભાઈ પંચોળી ‘દર્શક’ કરે છે તે સર્વથા ઉચિત છે. દર્શકદાદા આ વાત મેઘાણીની પ્લેટિનમ જયંતિના પ્રસંગે ચોટીલામાં મળેલી એક વિશાળ સભામાં કરે છે. મેઘાણીની સ્મૃતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હૈયે હૈયુ દળાય તેટલી વિશાળ જનમેદની હતી. દર્શકે આ લોક્સાગરને સંબોધન કરતાં કહ્યું કે આ ધરતીના સંતાન મેઘાણીએ દુનિયાને તમારી ઓળખ કરાવી. એટલું જ નહિ પરંતુ તમને પણ તમારી સાચી ઓળખ કરાવી તેમ કહેવું વિશેષ યોગ્ય છે. જગતે જેમની સામાન્ય લોકો કહીને ઉપેક્ષા કરી છે તેમનામાં પડેલા હીરને મેઘાણીએ પારખ્યું અને તેમની અનેક વણકથી વાતો જગતના ચોકમાં લાવીને મૂકી. સૌરાષ્ટ્રની રસધાર છેલ્લા સો વર્ષથી વ્યાપક રીતે વંચાય છે. મેઘાણી આજે પણ લોકહૈયે વસેલા સર્જક છે. ઉજળું જીવતર જીવીને જગતને શણગારી જનાર અનેક પાત્રો વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયા હોત. મેઘાણીને કારણે તેઓ જીવંત રહ્યા છે. કવિ દુલા ભાયા કાગે યોગ્ય રીતે આ વાત દુહાના શબ્દો થકી સ્પષ્ટ કરી છે.

સુતા જઈ સ્મશાનમાં

એની સોડયું તે તાણી

વધુ જીવાડ્યા વાણીયા

કંઈક મડદા મેઘાણી.

            ઉપરની વાતના સંદર્ભમાં માણસાઈના દીવાની ભાતીગળ કથાઓ પણ સ્મૃતિમાં આવે છે. વિશ્વસાહિત્યમાં સ્થાન લઇ શકે તેવી આ વાસ્તવિક વાતો છે. સરકારે મહીકાંઠાની કેટલીક જાતિના લોકોને ગુનેગારો તરીકે ઘોષિત કર્યા હતા. તે જાતિમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ કાયદાની કોઈ પ્રક્રિયા સિવાય આપોઆપ ગુનેગાર ગણાય તેવી આ અન્યાયી વ્યવસ્થા હતી. આ લોકોના જીવનના ઉજળા પાસાઓનું દર્શન ગાંધીના ખેપીયા સમાન રવિશંકર મહારાજ જોઈ શક્યા. મહારાજની આ મોંઘેરી વાતો મેઘાણીભાઇ ‘માણસાઈના દિવા’ના સબળ માધ્યમથી આપણાં સુધી લઇ આવ્યા. આ કથાઓ વ્યાપક રીતે વંચાઈ તેમજ વખણાઈ છે. મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયર કહીને બિરદાવ્યા હતા તે ઝવેરચંદ મેઘાણી ગુજરાતના સદાકાળ ગૌરવ સમાન સર્જક છે. મેઘાણીની જન્મજયંતિ તા. ૨૮મી ઓગસ્ટ(જન્મ:૨૮ ઓગસ્ટ-૧૮૯૬)ના રોજ આવે છે ત્યારે તેમની વિશેષ સ્મૃતિ થાય છે.

વસંત ગઢવી

તા. ૪ જુલાઈ ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑