ક્ષણના ચણીબોર:ગુરુદેવ: મૃણાલિનીસારાભાઈઅનેશાંતિનિકેતન:

 ગુજરાતનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે આપણો કવિગુરુ ટાગોર સાથે એક સાતત્યપૂર્ણ સંબંધ રહ્યો છે. મૃણાલિની શાંતિનિકેતનમાં ગયા. તેમણે ત્યાં સૌંદર્યના ભાતીગળ દર્શન કર્યા અને તેઓ પણ છેવટે તો યોગાનુયોગ ગુજરાતમાં જ સ્થાયી થયા. મૃણાલિનીબહેનની ઓળખ દરેક ગુજરાતીને હોવી આવશ્યક છે. ગુરુદેવનું ગુજરાતમાં આવવું પણ ઘણી વખત બન્યું. એક જમાનાના બે દિગ્ગ્જ માનવીઓ-ગાંધીજી અને ટાગોરના સંપર્ક થકી ગુજરાત પણ ઉજળું થયું છે. શાંતિનિકેતન એ દેશની ઉજળી ધરોહર છે. કેટલાક ઉત્તમ જીવનમૂલ્યોને કેન્દ્રમાં રાખીને શરુ થયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ અનેક વખત ચલાવવી અઘરી બને છે. શાંતિનિકેતનને પણ આર્થિક સંકડામણ અનુભવવી પડતી હતી. ગાંધીજીને એ વાત બિલકુલ પસંદ ન હતી કે ગુરુદેવને શાંતિનિકેતન ચલાવવા માટે ભંડોળ એકઠું કરવા ફરવું પડે. મહાત્માએ આ બાબતમાં સક્રિય રહીને ગુરુદેવને નાણાંકીય સહાય મળતી રહે તેવા પ્રયાસો કર્યા. ગુરુદેવ તેમજ શાંતિનિકેતનને ગરિમા સાથે મદદ કરવામાં ગોંડલ નરેશ ભગવતસિંહજી તેમજ પોરબંદરના રાજવી નટવરસિંહજી પણ હતા. એક અથવા બીજી રીતે આમ ગુરુદેવના શાંતિનિકેતન સાથે ગુજરાતનો મીઠો સંબંધ રહ્યો છે. નંદબાબુના આગ્રહથી જ ગુરુદેવ મુંબઈમાં ઝવેરચંદ મેઘાણીને મળ્યાં. સૌરાષ્ટ્રના લોકસાહિત્યની વાતો તથા કાવ્યો સાંભળીને ગુરુદેવ રાજી થયા. થોડા સમય માટે ગોઠવાયેલી આ મુલાકાત લાંબી ચાલી. ગુરુદેવના આગ્રહથી જ મેઘાણી શાંતિનિકેતનમાં ગયા. પોતાના અલગ અલગ પાંચ વક્તવ્યો પરથી આ કાઠિયાવાડી કવિ શાંતિનિકેતનવાસીઓના પ્રીતિપાત્ર બની ગયા. જતા પહેલા મેઘાણી ગુરુદેવના નિવાસ્થાન શ્યામલી સુધી ગયા અને પોતાનું માથું ત્યાં આદરથી નમાવ્યું. બધાનો આગ્રહ હોવા છતાં તેઓ કવિગુરુ નાદુરસ્ત હોવાથી તેમને મળ્યા નહિ. ગુરુદેવના કાવ્ય પરથી ઉતરેલી ‘મન મોર બની થનગાટ કરે’ એ રચનાએ ગુરુદેવનો નાતો ગુજરાત સાથે ચાલુ રાખ્યો. 

               કવિ ઉમાશંકર જોશીનું શાંતિનિકેતનના કુલપતિ તરીકે જવું એ આ સંબંધની ઉજ્વળ સાંકળના એક મણકા સમાન છે. કવિગુરુ જેવા સર્જક એ જગતને વર્ષોના વર્ષો સુધી રાહ જોયા પછી જ મળે છે.

                   શાંતિનિકેતનના આ સંપર્કની જ એક ભાતીગળ કડી એ મૃણાલિની સારાભાઈનું શાંતિનિકેતનનું શિક્ષણ છે. ગુજરાત જેના પર સકારણ ગૌરવ લઇ શકે છે તેવા નૃત્યાંગના મૃણાલિનીબહેન પણ જીવનના થોડા વર્ષો ગુરુદેવના સાનિધ્યમાં શાંતિનિકેતનમાં પસાર કરે છે. નિયતિના બળે મૃણાલિનીબહેનના લગ્ન ડો. વિક્રમ સારાભાઈ સાથે થાય છે ત્યારે ફરી ગુજરાત અને શાંતિનિકેતન વચ્ચેના સંબંધોમાં એક નૂતન પ્રકરણ ઉમેરાય છે. દેશમાં ૧૯૪૨માં મહાત્મા ગાંધીએ ‘કરેંગે ય મરેંગે’નું સૂત્ર આપ્યું. દેશ જાગી ગયો હતો. થોડી ઘણી હિંસાત્મક ઘટનાઓ પણ દેશમાં બનવા પામી હતી. આ વાતાવરણમાં ડો. વિક્રમ સારાભાઈ સાથેનો મૃણાલિનીનો આજીવન નાતો શરુ થયો. બંનેના યોગદાનથી સમગ્ર દેશ લાભાન્વીત થયો છે. 

                મૃણાલિનીબહેનની નજરે શાંતિનિકેતનના દર્શન કરવા તે એક વિશિષ્ટ લ્હાવો છે. ૧૯૩૮માં તેઓ શાંતિનિકેતનમાં અભ્યાસ માટે ગયા. માતાના આગ્રહથી જ આ શક્ય બન્યું. “બાળકોના કલબલાટ અને મોટેરાંઓની ચહલપહલથી જીવંત” શાંતિનિકેતન એક અલગ જ અસ્તિત્વના દર્શન કરાવતું હતું. મૃણાલિનીબહેનની આત્મકથા-The Voice of the heart નો સુંદર ગુજરાતી અનુવાદ-અંતરનાદ બહેન બકુલા ઘાસવાલાએ કર્યો છે. અનુવાદનું આ કાર્ય ખુબ જ સુંદર રીતે થયેલું છે. (પ્રકાશન: ગુર્જર સાહિત્ય ભવન, અમદાવાદ). સામાન્ય રીતે આત્મકથા લખવી એ અઘરું તેમજ પડકારરૂપ કાર્ય છે. જીવનના પ્રતિબિંબને જાહેરમાં મૂકવું તે કેટલીક વખત પડકારરૂપ પણ હોય છે. આ બધાની વચ્ચે મૃણાલિનીએ સ્પષ્ટ છતા આકર્ષક ઢબે પોતાના જીવનના વિવિધ પાસાઓ બાબત વિગતે વાત કરી છે. યુવાનો સુધી આ જીવનકથા પહોંચાડવા જેવી છે. જીવન ઘડતરમાં ઉપયોગી થાય તેવી અનેક વાતો મૃણાલિનીબહેને લખી છે.

                       શાંતિનિકેતન ગયા પછી થોડા દિવસોમાં જ ગુરુદેવને મૃણાલિનીબહેનનું નૃત્ય જોવાની ઈચ્છા થઇ. “મેં સાંભળ્યું છે કે તું નૃત્યાંગના છે. મારે આવતીકાલે તારું નૃત્ય જોવું છે.” ગુરુદેવે મૃણાલિનીને સ્નેહથી કહ્યું. મૃણાલિનીબહેનને મનમાં ચિંતા થાય છે તેઓ લખે છે કે નૃત્ય માટે જરૂરી તેવી વેશભૂષા ન હતા. સંગીતની પણ વ્યવસ્થા ન હતી. આ ઉપરાંત કવિગુરુનો પ્રભાવ એવો હતો કે તેમની સમક્ષ રજૂઆત કરવી તે સહેલું કાર્ય ન હતું. કોઈપણ પ્રકારના વાજીંત્રો વગર ગુરુદેવ સમક્ષ મૃણાલિનીબહેને નૃત્ય રજુ કર્યું. ગુરુદેવના આશીર્વાદ મળ્યાં અને તેમના સ્નેહના પણ અધિકારી થઈને મૃણાલિની કૃતાર્થ થયાં. ત્યારબાદ કવિગુરુના ‘ચાંડાલિકા’ નાટકમાં મૃણાલિનીને મુખ્ય ભૂમિકા આપવામાં આવી. અહીં જ એક ઇતિહાસનું નૂતન પ્રકરણ શરુ થયું. ગુરુદેવના માર્ગદર્શનમાં પ્રથમ વખત જ ભરતનાટ્યમનો સમાવેશ થયો. આ પ્રયોગને ખુબ પ્રશંસા પણ મળી. એક ખરા ગુરુ તેમના વિદ્યાર્થીના જીવનમાં કેવી ચિનગારી પ્રગટાવી શકે છે તેનું અહીં સુડોળ દર્શન થાય છે. મૃણાલિનીબહેનને મુક્ત અભિવ્યક્તિ સાકાર થતી જોવા મળી. સ્વાનુભૂતિનો અહેસાસ સહેજે થયો. કવિગુરુની સ્વીકૃતિ એ મૃણાલિનીબહેનની જીવનમુડી બની રહી. 

              મૃણાલિનીબહેનના શાંતિનિકેતનના અનુભવો તથા અનુભૂતિ એક શિક્ષણ આપતી સંસ્થાની શ્રેષ્ઠ ગરિમા તથા ગૌરવની અનુભૂતિ કરાવે છે. સમગ્ર જીવનને ખંડનાત્મક રીતે જોવાને બદલે જીવનનું સમગ્રતયા વૈવિધ્યપૂર્ણ દર્શન અહીં થાય છે. જીવનના દરેક પાસાને સારા કે નરસા માનીને કોઈ ખંડનાત્મક વિચાર કરવો જોઈએ નહિ. અહીં તૈયાર થતાં દરેક સાધકને અસ્તિત્વની ખોજની દિશામાં વાળવામાં આવતા હતા. શિક્ષણ પણ એક ખંડમાં  હતું. જીવનનું સમગ્ર દર્શન એ શિક્ષણનું અભિન્ન અંગ સમાન હતું. ગાના બજાના-ઉજાણીયો તેમજ ચિત્રકામ સહિતની અનેક બાબતો ત્યાંના વિદ્યાર્થીઓમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા હતા. એક પ્રસંગે ગાંધીજીની હાજરીમાં ‘ચાંડાલિકા’ નાટક ભજવવામાં આવ્યું. આ એક નૃત્યનાટિકા હતી. નાટક પૂરું થયા બાદ ગાંધીજીએ ગુરુદેવને પૂછ્યું: “તમે મને નૃત્ય શીખવશો? ” ગુરુદેવે હસતા હસતા જવાબ આપ્યો: “નૃત્ય શીખવા માટે તમે હવે ખાસ્સા મોટા છે.” મૃણાલિની સારાભાઈની નજરે શાંતિનિકેતનનું દર્શન આકર્ષક છે

વસંત ગઢવી

તા. ૩ જુલાઈ ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑