લોકોના વિશાળ સમૂહને પોતાની નજરે જોઈને તેમની સાચી ઓળખ કોઈ ‘ધૂળધોયા’ જ કરી શકે. અશિક્ષિત કે ગામડિયાના પરિવેશમાં પણ ‘ચીંથરે વિટયા રતન’ હોય છે તેની ઓળખ મહાન લેખક અને સંશોધક ઝવેરચંદ મેઘાણીએ સમગ્ર જગતને આપી. મેઘાણીની આંખે લોકનું દર્શન કર્યા પછી કોઈ પણ વ્યકતિ લોક તરફ અણગમા કે સૂગનો ભાવ મનમાં ધરી નહિ શકે તેવી વાત મનુભાઈ પંચોળી ‘દર્શક’ કરે છે તે સર્વથા ઉચિત છે. દર્શકદાદા આ વાત મેઘાણીની પ્લેટિનમ જયંતિના પ્રસંગે ચોટીલામાં મળેલી એક વિશાળ સભામાં કરે છે. મેઘાણીની સ્મૃતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હૈયે હૈયુ દળાય તેટલી વિશાળ જનમેદની હતી. દર્શકે આ લોક્સાગરને સંબોધન કરતાં કહ્યું કે આ ધરતીના સંતાન મેઘાણીએ દુનિયાને તમારી ઓળખ કરાવી. એટલું જ નહિ પરંતુ તમને પણ તમારી સાચી ઓળખ કરાવી તેમ કહેવું વિશેષ યોગ્ય છે. જગતે જેમની સામાન્ય લોકો કહીને ઉપેક્ષા કરી છે તેમનામાં પડેલા હીરને મેઘાણીએ પારખ્યું અને તેમની અનેક વણકથી વાતો જગતના ચોકમાં લાવીને મૂકી. સૌરાષ્ટ્રની રસધાર છેલ્લા સો વર્ષથી વ્યાપક રીતે વંચાય છે. મેઘાણી આજે પણ લોકહૈયે વસેલા સર્જક છે. ઉજળું જીવતર જીવીને જગતને શણગારી જનાર અનેક પાત્રો વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયા હોત. મેઘાણીને કારણે તેઓ જીવંત રહ્યા છે. કવિ દુલા ભાયા કાગે યોગ્ય રીતે આ વાત દુહાના શબ્દો થકી સ્પષ્ટ કરી છે.
સુતા જઈ સ્મશાનમાં
એની સોડયું તે તાણી
વધુ જીવાડ્યા વાણીયા
કંઈક મડદા મેઘાણી.
ઉપરની વાતના સંદર્ભમાં માણસાઈના દીવાની ભાતીગળ કથાઓ સ્મૃતિમાં આવે છે. વિશ્વસાહિત્યમાં સ્થાન લઇ શકે તેવી આ વાસ્તવિક વાતો છે. મેઘાણીભાઇના શબ્દોમાં મહારાજનું આલેખન અનોખું છે.
સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેવા રવિશંકર વ્યાસ લોક હ્ર્દયના સિંહાસને બિરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઈને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારના જ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડીયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં જુએ છે તેમજ સમજે છે. મહીકાંઠાના આ લોકોની નબળી બાજુને ઉત્તેજન આપનારા આ ગોર મહારાજ નથી. જાગૃત થવાની કે પરિવર્તન કરવાની કોઈ સુફિયાણી સલાહ આપ્યા સિવાય મહારાજ આ સમાજ સાથે એકરૂપ થઈને જીવે છે. આ કોમના તમામ લોકો ગુનેગાર છે તેવી આંધળી સરકારી માન્યતા સાથે તમામ માનવીની જે હાજરી પોલીસ સ્ટેશનમાં લેવાય છે તેની ઊંડી વેદના મહારાજ અનુભવી શકે છે. પોતાની નિષ્ઠાના બળે અન્યાયી હોય તેવી કાનૂની પ્રથાઓ હડિયાપાટી કરીને દૂર કરાવે છે. આથી મેઘાણીના માણસાઈના દીવાની કથાઓ દરેક કાળમાં સંદર્ભયુક્ત બની રહે તેવી છે.
મહાત્મા ગાંધીની ઊંડી અસર મહારાજના દરેક નાના મોટા કામમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બાપુને ૧૯૧૬માં મહારાજે અમદાવાદમાં જોયા. ગાંધીની સ્પષ્ટભાષિતા તેમજ અસાધારણ નિર્ભયતા મહારાજના મનમાં વસી ગઈ અને આજીવન જળવાઈ રહી. ૧૯૧૭માં ગોધરામાં મળેલી રાજકીય પરિષદના અંતે ગાંધીના ભાથામાં સરદાર સાહેબ તેમજ મહામના મહારાજ જેવા ધારદાર શાસ્ત્રોનો ઉમેરો થયો. ‘માણસાઈના દિવા’ની દરેક કથામાં મહારાજની નિર્ભયતા ચોતરફ વિસ્તરેલા ઘનઘોર તિમિરમાં વીજરેખાની જેમ ચમકે છે. જે બહારવટિયાના નામ માત્રથી લોક થરથરે તેમજ સરકારી તંત્ર બેચેન બની જાય તેવા બહારવટિયા નામદારીયાની ટોળી તથા મહારાજનો મેળાપ મેઘાણીભાઇએ આબેહૂબ શબ્દોમાં કંડાર્યો છે. મહારાજની નિર્ભયતાના ભાતીગળ શિખરનું દર્શક દરેક શબ્દમાં પ્રગટ થાય છે. મહીકાંઠાના આ ઉબડ ખાબડ પ્રદેશમાં અવિરત પ્રવાસી મહારાજનો ભેટો નામદારીયા સાથે થાય છે. વાલિયા લુટારા તથા બુદ્ધની મુલાકાત અહીં સ્મૃતિમાં આવે છે. ખુંખાર બહારવટિયાની ટોળી સામે નિર્ભય થઈને ખડકની જેમ ઉભેલા મહારાજને બહારવટિયો પૂછે છે:
‘પેન્સિલનો ટુકડો તમારી પાસે હશે?’
મહારાજ હા કહે છે.
‘અને કાગળ ? “બીજો પ્રશ્ન પુછાય છે.
‘એ પણ છે.’
બહારવટિયો વાતનો દોર લંબાવતા કહે છે: ‘કાગળ તથા પેન્સિલ આપો. તમારા (મહારાજના) ગામના સોમા માથુર પર અમારી ચિઠ્ઠી લખીએ તમને આપીએ. સોમાએ અમને તાત્કાલિક રૂપિયા પાંચસો પહોંચાડવાના છે નહીંતર તેની ખેર નથી. ચિઠ્ઠી તમે પહોંચાડજો.’
હવે ગાંધીના બહારવટિયા મહારાજનો સમથળ રહેલો સ્વર ઊંચો થાય છે.
“એવી ચિઠ્ઠી લખવા મારી પાસે કાગળ નથી. હું તો મારા ગામ જઈને ગામલોકોને સમજાવીશ કે બહારવટિયાના જુલ્મો સામે આપણે લડવાનું છે. બહારવટિયા ગામ પર હુમલો કરે તો સામી છાતીએ સામનો કરી અવસર આવ્યે મર્દાનગીથી મરવાનું છે.”
ગાંધીની ટોળીના આ ધોળી ટોપીવાળા મહારાજનો સ્પષ્ટ તથા નિર્ભય સંદેશ બહારવટિયાઓની ટોળી પર સોંસરવો ઉતર્યો હોવો જોઈએ. નામદારીયાની ટોળીએ મહારાજના ગામ સરસવણીના પાદરે પછી કદી દેખા દીધી ન હતી. મહારાજ જેવા ગતિશીલ વાહકોએ ગાંધી વિચારની ચિનગારી પ્રગટાવી હતી. ‘મુઠી ઉંચેરા’ મહારાજ ગાંધીની આકાશગંગાના તેજસ્વી તારક સમાન હતા. સ્વામી આનંદે રવિશંકર મહારાજ માટે લખેલા શબ્દોમાં મહારાજના વિરાટ વ્યક્તિત્વની ઝલક જોવા મળે છે. સ્વામીદાદા લખે છે:
“હું તો રોજ સવાર-સાંજ માળા- પ્રાર્થના વખતે ‘પુણ્યશ્લોકો નલોરાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિર’ સાથે મહારાજનું નામ વર્ષોથી લેતો હોઉં છું. પુણ્યશ્લોક એટલે પુણ્યનો પહાડ મહારાજ ગુજરાતના સૌથી ઉંચા સેવક તથા સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ છે.”
રવિશંકર મહારાજના મુખમાંથી અમૃત સ્વરૂપે સહજ રીતે સરેલા શબ્દો મેઘાણીભાઇ કાળજીથી નોંધે છે. ‘મુઠી ઉંચેરા’ મહારાજની અનુભવજન્ય વાતો સામાન્ય નથી. સરળ તથા સહજ શબ્દો અને કર્તાભાવનો સદંતર અભાવ એ રવિશંકર મહારાજની વાણીના ભૂષણ સમાન છે. મહારાજની વાણીમાં માનવીય મનની અમીરાત ટપકતી દેખાય છે. આપણે સમાજના જ કેટલાક લોકો તરફનો પૂર્વગ્રહ બાંધી લઈએ છીએ. ત્યારબાદ તે વર્ગ તરફ આવા પૂર્વગ્રહના ચશ્મા પહેરીને જ નજર કરીએ છીએ. મહાસાગરના મથાળે કદાચ કુંડો-કચરો દેખાતા હોય તેમ બને. પરંતુ તેને અતિક્રમીને મહાસાગરના તળિયા તપાસનારને મોંઘામૂલા મોતીની પ્રાપ્તિ થાય છે. મહાસાગરની એ યુગો પર્યંતની વેદના રહી હશે કે લોકો તેનો તોલ તથા મોલ ઉપર દેખાતા કુડા કચરાને જોઈને કરે છે. રામજી વાણીયાએ સાગરના હૈયાની આ વ્યથા સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે. મરજીવાને સાગર કહે છે:
જળ ખારા જાણી કરી
મરજીવા ફેરવીશ નહિ મોં,
અમારા તળિયા તપાસી જો
તને કુબેર કંગાળ લાગશે.
ગાંધી તેમજ વિનોબા અને લોક સેવક રવિશંકર મહારાજ માણસના ભીતરની માણસાઈને તાગનારા તેમજ જગાડનારા હતા. આવા લોકોની તટસ્થ કથનીને કારણે જ મહારાજ કથિત અને મેઘાણી આલેખિત ‘માણસાઈના દિવા’ની કથા જગતના સાહિત્યમાં સ્થાન તથા સન્માન મેળવી શકે તેવી ભવ્ય છે. મહારાજ એક પ્રસંગ ટાંકતા કહે છે કે પાટણવાડિયાની પુત્રી અને જાજરમાન માતા સ્વરૂપ જીબા પોતાના પતિ મથુરના મૃત્યુ નિમિત્તે ગામલોકોને ભેગા કરે છે અને મથુરની સ્મૃતિમાં ગામના હિતમાં હોય તેવું કોઈ કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. સીધા સાદા ગામલોકો કહે છે : “ગામમાં પંખીઓ માટે કાયમી ચણની વ્યવસ્થા થાય તો સારું” લોહી અને પરસેવો એક કરીને બચાવેલી તથા અથાક શ્રમ કરીને જાળવેલી પોતાની સૌથી સારી અને ફળદ્રુપ ચાર વીઘા જમીન પંખીઓના ચણ માટે જૈફ ઉંમરના જીબા બેજિજક અર્પણ કરે છે. આમાં માંગણી કરનાર ગ્રામજનોનું મંગળમય દર્શન તથા આપનારની અસાધારણ ગરવાઈના એવેરેસ્ટનું તેજોમય દર્શન થાય છે. બ્રિટિશ સત્તાધીશોએ ગુનાહિત જાહેર કરેલા સમાજના આ ઉજળા પાત્રોની સારી તથા નબળી વાતો મહારાજ અને મેઘાણી થકી જગત સમક્ષ પહોંચી શકી. સ્નેહયુક્ત સદભાવના આ તમામ ચૈતન્યયુક્ત જીવો માટે હોય તેવો એક અમૂલ્ય અભિગમ માનવતા અને માનવીય મૂલ્યો તરફની આપણી શ્રદ્ધાને ટકાવી રાખે છે તથા દ્રઢ કરે છે. આથી જ કદાચ મહારાજે આ અંધારી રાતના તારલાઓની વાતો કહેવા તેમજ લખવા સર્જક અને સંશોધક મેઘાણીએ સંમતિ આપી હશે. સદભાવના-સહિષ્ણુતા તેમજ નિર્ભયતાનું સિંચન લોકમાનસમાં તથા વિશેષ કરીને બાળમાનસમાં થાય તો એક સ્વસ્થ દ્રષ્ટિકોણ ધરાવતા સમાજનું નિર્માણ કરવું તે અશક્ય કાર્ય નથી.
ખાસ કરીને ‘માણસાઈના દિવા’ જેવી તકલીફોમાં વણાતા માનવગરીમાના તાણાવાણાની કથાઓ બાળમાનસને વિશેષ પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. પોરબંદરના બાળક મોહનને પણ હરિશ્ચંદ્ર તથા શ્રવણની કથાઓ સાંભળીને પોતાનું જીવન પણ તે દિશામાં વાળવાની મહેચ્છા જાગે છે. જેમની જન્મશતાબ્દીનું વર્ષ ચાલે છે તેવા ડો. પી. સી. વૈદ્યનો પણ આવો જ અનુભવ છે. વૈદ્ય સાહેબ કહે છે કે બાળપણમાં તેમણે પિતાને સંભાળવવા વાંચેલી ગાંધીજીની આત્મકથા તેમના જીવનમાં સદાકાળ પ્રેરણારૂપ બની રહી હતી.
ગાંધી-લિંકન-મંડેલા કે મહારાજ જેવા દિગ્ગજ નેતાઓ વિશ્વને મળ્યા તે લોકનું સદ્ભાગ્ય છે. આ બધા વચ્ચે પણ જગતે બે ભીષણ મહાયુદ્ધ જોયા તે માનવમનની અનેક મર્યાદાઓ અને મલિનતાને આભારી છે. વિનોબાજીની દ્રષ્ટિએ સંત તુકારામની હરોળમાં બેસી શકે તેવા મહારાજનો વિચાર વારસો અંધારામાં પણ અજવાળું ફેલાવે તેવો છે. નવી પેઢી સુધી મહામુલા મહારાજની વાતો લઇ જવા જેવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતાં મહારાજની સ્વાનુભવની વાતો મેઘાણીએ આકંઠ પીધી હશે. આ સંવાદને કારણે ‘માણસાઈના દિવા’ની કથાઓએ જગતમાં નૂતન પ્રકાશ પાથર્યો. આ એક ઐતિહાસિક મિલન હતું જેના થકી મહીકાંઠાના જનોની તેજ તિમિર મિશ્રિત વાતોનું સોંસરવું દર્શન જગતને થયું. ‘માણસાઈના દિવા’ કાળની ઝાપટમાં વિલય તેવા નબળા નથી. ‘શબદ’માં જેની શ્રદ્ધા છે તેવી મેઘાણીની ધીંગી કલમ થકી મહારાજની અનુભવી વાણીનું ગંગાવતરણ અહીં થયેલું છે. આ શબદ તણખાનું સત્વ અલગ તરી આવે તેવું છે.
આતમની એરણ પરે
જે દી અનુભવ પછડાય જી
તે દી શબદ તણખાં ઝરે
રગરગ કડાકા થાય…
જી જી શબદના વેપાર.
વસંત ગઢવી
તા. ૨૪ જૂન ૨૦૨૪
Leave a comment