ક્ષણના ચણીબોર:વસંત-રજબ: માનવતાવાદીમિત્રો:

  અમદાવાદમાં તેમજ દેશના અન્ય ભાગોમાં રથયાત્રાના પ્રસંગની તૈયારી થતી હોય ત્યારે બે જીગરજાન મિત્રો-વસંતરાવ તથા રજબઅલીની પાવન સ્મૃતિ થાય છે. તે બંને દોસ્તો સમાજમાં ભાઈચારાની લાગણી કેળવવા જીવ્યા અને છેવટે આજ હેતુ માટે ફના પણ થયા. બે જૂથો વચ્ચેના અણસમજથી ઉભા થયેલા સંઘર્ષમાં વસંત-રજબ જેવા મિત્રોનું બલિદાન આવા સંઘર્ષને ઠારવાનું કાર્ય કરે છે. માનવ-જીવનને ફરી મહેકતું કરવાનું કાર્ય કરે છે. અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાના પ્રસંગે આ બંને મિત્રોએ જુલાઈ-૧૯૪૬માં પોતાનું અમૂલ્ય બલિદાન આપીને માનવતાની મહેક પ્રસરાવી હતી. વિશ્વશાંતિ અંતે તો માનવના મનની શાંતિ અને સદ્ભાવનાવૃત્તિના પરિણામે જ મળે છે અને ટકે છે. માણસમાં માણસાઈને જાગૃત કરવાનો પ્રયાસ આ બંને મિત્રોએ અમદાવામાં જાનફેસાની કરીને કર્યો હતો. જનાબ અનવર સાબરીનો એક જાણીતો શેર સ્મૃતિને આધારે આ વાતના સંદર્ભમાં ટાંકવો ગમે તેવો છે. શાયર કહે છે:

અમને આલમ મુશ્કિલ તો નહિ,

આદમી આદમી હો તો જાયે.

              વસંતરાવે જાહેર જીવનમાં આવવાનો એક પ્રયાસ કર્યો. ચૂંટણીમાં ઉભા પણ રહ્યા. સામાન્ય રીતે એમ બને છે કે આવા લોકો ચૂંટણીમાં ઉભા રહે તો સફળ થતાં નથી. જો કે ઇન્દુચાચા (ઇન્દુલાલ યાજ્ઞિક) અથવા પુરુષોત્તમ માળવંકર જેવા કેટલાક ધન્યનામ લોકો ચૂંટણી લડીને સફળ થયા અને તેનો લાભ જાહેર જીવનને થયો. પરંતુ વસંતરાવ ૧૯૪૬માં નગરપાલિકાના વોર્ડની ચૂંટણી લડ્યા પરંતુ સફળ ન થયા. ચૂંટણીમાં તેઓ હારી ગયા પરંતુ સમાજને એકતાની દિશામાં પ્રેરિત કરવા તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહ્યા. જો કે ચૂંટણી જીતવા તરફ એમનું લક્ષ્ય પણ ન હતું. જાહેર જીવનમાં તેમના પ્રવેશથી જાહેર જીવનની ગરિમા વધી હોત. તેમના જીવનનું અંતિમ લક્ષ કદાચ કુદરતે પ્રથમથી જ નક્કી કરી રાખ્યું હતું. રથયાત્રાના સંદર્ભમાં થયેલા તોફાનોને શાંત કરવા બંને મિત્રોએ ૧૯૪૬માં શહાદત વહોરી. પોતાના જ ભાઈઓને સાચી દિશા પ્રેમ તથા ધીરજથી સમજાવતા આ મિત્રો ઘાતકી હુમલાનો ભોગ બન્યા.

        વસંત-રજબની જોડીના વસંતરાવ અમદાવાદ શહેરના નામાંકિત અખાડિયન હતા. મજબૂત શરીર એ પ્રયાસો કરીને મેળવી તથા ટકાવી શકાય છે તેનું જીવંત ઉદાહરણ સમાન વસંતરાવ હતા. કુસ્તીમાં ખુલ્લો પડકાર કરીને તેમણે અનેક પહેલવાનોને ધૂળ ચાટતા કર્યા હતા. તેઓ પોતાની છાતી પર લગભગ વીસ મણનો પથ્થર રાખી શકતા હતા. આ રીતે જ પટ્ટાબાજીની કળામાં તેઓ કાબેલ હતા. વસંતરાવના મિત્ર રજબઅલી પણ છ ફૂટની ઊંચાઈ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. ઇન્સાનિયત એ બંને મિત્રોનો ધર્મ હતો. તોફાનોના કલુષિત માહોલમાં ખંજર અને ચપ્પુના અણધાર્યા અને આકરા ઘા સામી છાતીએ ઝીલીને બંને મિત્રો સાથે જ પરલોક ગમન કરી ગયા. વીરગતિ પામનાર બંને મિત્રોના નશ્વરદેહને રાષ્ટ્રધ્વજમાં લપેટીને અંતિમ દર્શનાર્થે કોંગ્રેસ હાઉસમાં રાખવામાં આવ્યા. હીબકા ભરતા અસંખ્ય નાગરિકોએ તેમની શહાદતને વંદન કર્યા. જે કાર્ય બ્રિટિશ સરકારની પોલીસનું હતું તે કાર્ય કરતા કરતા આ બંને મિત્રોએ જાનફેસાની કરી. 

          વસંતરાવના જીવન તરફ એક નજર કરીએ તો જણાશે કે તેમનું શરીર નબળું હતું. તેમણે જાતે જ વિચાર કર્યો કે આ સ્થિતિ ઠીક નથી. જે વાત મનમાં નક્કી થાય તેને વાસ્તવિકતામાં બદલવાની તેમની શક્તિ અસાધારણ હતી. મનોબળ મજબૂત હતું. નિયમિત કસરત તેમજ અનુકૂળ આહાર-વિહારના માધ્યમથી શરીર કેળવ્યું. મજબૂત શરીર સિવાય સમાજસેવા ન થઇ શકે તેનો સંદેશ પણ યુવાનોને તેમના જીવનમાંથી મળે છે. સુંવાળું જીવન એ તેમના ધ્યેયને અનુરુપ ન હતું. બંનેના પાત્રો એવા મજબૂત છે કે ઝવેરચંદ મેઘાણીએ જુલાઈ-૧૯૪૬માં લખ્યું:

વીરા ! તે તો રંગ રાખ્યો

પ્રથમ વખત મુક્તિનો સ્વાદ ચાખ્યો,

બી ના બી ના પુકારી

નિજ બંધુત્વને ભવ્ય પૈગામ ભાખ્યો.

                પહેલી જુલાઈ-૧૯૪૬ના દિવસે ઇન્સાનિયતની ભાવનાને ઉજળી કરવા જે શહીદી બંને મિત્રોએ વહોરી તેની ઊંડી વેદના મેઘાણીએ અનુભવી હતી. વીરત્વના આજીવન ઉપાસક મેઘાણીને બંને મિત્રોની શહાદતમાં ઉચ્ચતમ માનવીય મૂલ્યોનું દર્શન થયું હતું.

               રજબઅલી પણ એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનારા હતા. ૧૯૩૦થી ૪૦ના દાયકામાં તેઓ ઉદ્દામવાદી કહી શકાય તેવા હતા. ધાંધલ ધમાલથી ભાગનારા ન હતા. તે કાળના કેટલાક યુવાનો પર સમાજવાદની એક છાયા ઢળેલી હતી. આ સમાજવાદી દોસ્તોને મહાત્મા ગાંધીના વિચારો સાથે મતભેદ પણ હતા. આવા સુવિખ્યાત નેતાઓમાં જયપ્રકાશ નારાયણ કે ડો. રામમનોહર લોહિયાને પણ ગણાવી શકાય. પરંતુ અંતે તો આ બધા નેતાઓના મન ગાંધીજીના વર્તન અને વ્યવહારથી તેમના તરફ ઢળ્યા હતા. રજબઅલીને ગાંધીજીની સૌને સાથે રાખીને ચાલવાની નીતિ તરફ આદર થયો હતો. જાહેર જીવનમાં જક્કીપણાની જગાએ સમાદર તથા સંવાદને સ્થાન આપવાની વાત રજબઅલીને  પસંદ હતી. સ્નેહી હતા તથા સ્નેહની અપેક્ષા સેવનારા એ પ્રેમાળ હૃદયના વ્યક્તિ હતા. ભાનુભાઇ શુક્લએ લખ્યું છે તેમ “નિર્જળ સહારાની પાણી પાણી પોકારતી રેતીની જેમ તેમણે સ્વજનોના સ્નેહની તરસ પોકારી છે.” (વસંત-રજબ સ્મારક ગ્રંથ: સંપાદક ઝવેરચંદ મેઘાણી) 

                      વસંત-રજબની શહાદતને બિરદાવતા મોરારજી દેસાઈએ લખ્યું કે આ બંને મિત્રો તેમના નિકટના પરિચયમાં હતા. બંને મિત્રોની ઉદ્દાત ભાવના તેમજ વીરતા અનુકરણ કરવા યોગ્ય છે તેમ મોરારજીભાઈને લાગ્યું છે. ભારતની લોકસભાના પહેલા સ્પીકર ગણેશ વાસુદેવ માળવંકર પુરા ભાવથી આ શહાદતને બિરદાવે છે. વસંતરાવનો નિકટ પરિચય હોવાથી તેઓ કહે છે કે દાદા ગયા એમ કહેવું બરાબર નથી. “મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી તેમનું દર્શન હું હરહંમેશ કરતો રહેવાનો છું.” ઝવેરચંદ મેઘાણીએ આ સ્મૃતિ ગ્રંથનું સંપાદન જીવનના લગભગ છેલ્લા પડાવે કર્યું તે મહત્વનું છે. દાદા અને રજબ અલીની શહાદતને યાદ કરીને મેઘાણી ઇકબાલની પંક્તિ ટાંકે છે.

“કભી જાં-કભી તસલિમે

જાં હૈ ઝિન્દગી”

              કયારેક પ્રાણ તો ક્યારેક પ્રાણનું અર્પણ એ જ જિંદગી છે.

વસંત ગઢવી

તા. ૧૭ જૂન ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑