કવિરાજ શ્રી પ્રભુદાનજી સુરુ એ આપણાં સાહિત્ય સર્જનની દુનિયામાં એક અનોખું સ્થાન ધરાવે છે. ઉત્તમ સર્જક એ ઉત્તમ માનવી હોવો જોઈએ તેવો વિદ્વાન લોકોનો મત છે. તેમાં ઘણું તથ્ય છે. મનુષ્યના પોતાના આંતરિક સંસ્કારની અભિવ્યક્તિ જ તેના સર્જનમાં દેખાય છે. પ્રભુદાનજી અંદર-બહાર ઊજળાં છે. આથી તેમની કૃતિઓ પણ એવી જ ઉજળી તથા અદકેરી છે. “કવિ ન હું મૈં, ન ચતુર કહાઉ, મતિ અનુરુપ રામ ગુન ગાઉ.” આવો તુલસી-વિવેક એ જ ઉત્તમ સર્જકની શોભા છે. “માડી આ તો નથી ચમેલી, મોગરાના કે વગડાના ફૂલડાં હોજી. માડી ! મને શારદાએ ફૂલડાં દીધાં, એ ફૂલડાંમાં ફોરમ નથી રે…જી…” ભગતબાપુ જ્યારે આવું લખે ત્યારે જ જગતને ઝળાહળા કરે તેવી રચનાઓ જગતને મળે છે. પ્રભુદાનજીને જયારે પણ મળવાનું થાય ત્યારે તેમની વાત અને વ્યવહારમાં ભારોભાર વિવેકનું દર્શન થાય છે. સાહિત્ય જગતમાં ઘણું વ્યાપક ખેડાણ હોવા છતાં રજમાત્ર પણ સ્વપ્રશંસાનો શબ્દ તેમના મુખેથી સાંભળવા મળે નહિ. વાણી વિવેક તથા વ્યવહાર વિવેક તેમની પ્રકૃતિમાં સહજ રીતે જ ધરબાઈને પડેલા છે. ચારણ કવિઓએ આઇમાતાઓની ઉપાસના સાથે જ તેમના ભવ્ય અને ભાતીગળ ઇતિહાસને જીવંત રાખ્યો છે. પ્રભુદાનજી પણ પૂજ્ય આવડમા વિશે લખીને એક પ્રચંડ માતૃશક્તિનું ઉચિત સન્માન કરી રહ્યા છે. આજનો કાળ વિષમ જણાય છે. મૂલ્યો તરફની શ્રદ્ધા જયારે ડગમગે ત્યારે આવડમા સમાન માતાજીઓના ચરિત્ર માનવીને સ્થિર થવામાં મદદરૂપ થાય છે. સૂર્ય પણ જેના કહેણની અવગણના ન કરે તેવી જગતજનનીની કથા ગંગાના જળ સમાન પાવન કરનારી છે. દેવીઓમાં શ્રદ્ધા ધરાવતો એક વિશાળ સમુદાય કવિરાજ પ્રભુદાનજી સુરુના આ પ્રયાસથી લાભાન્વિત થશે તે નિર્વિવાદ છે. કવિના આ પ્રયાસના વધામણાં છે તેમની સર્જન યાત્રા જીવંત તથા વહેતી રહે તેવી જગતજનની પાસે પ્રાર્થના છે.
વસંત ગઢવીતા.
૧૧ જૂન ૨૦૨૪
Leave a comment