સંસ્કૃતિ:”આપણેત્યાંસુધીમાત્રઓર્ડિનરીછીએજ્યાંસુધીતેનીઆગળએક્સ્ટ્રાનલગાડીએ”-અનુપમખેર

સુપ્રસિદ્ધ તેમજ સફળ અભિનેતા અનુપમ ખેરની આત્મકથા-Lessions Life Taught me – રસપ્રદ વાંચન પૂરું પડે તેવી સમૃદ્ધ છે. ગુજરાતીમાં તેનો અનુવાદ જાણીતા લેખક-પત્રકાર તુષાર દવેએ કર્યો છે. (“જાણતા અજાણતા જીવને શીખવેલા પાઠ” પ્રકાશન:નવભારત સાહિત્ય મંદિર) આ રોચક કથા વાંચતા સ્પષ્ટ થાય છે કે જીવનમાં અનેક ચઢાવ તેમજ ઉતારના તબક્કાઓ આવે છે. એ બંનેને પચાવે તે જ વ્યક્તિનું જીવન સાર્થક બને છે. દરેક સમયે પરિસ્થિતિ સાનુકૂળ જ હોય તેવી આશા રાખવી વ્યર્થ છે. આ ઉપરાંત જીવનને મહેકતું રાખવા જીવનના દરેક વળાંકે આપણી અંદર રહેલા બાળકને જીવિત રાખી શકીએ તો વધી રહેલી ઉંમરનો બોજ લાગતો નથી. સપનાઓ લઈને નીકળવાનું સાહસ કરનારા કશુંક મેળવીને તથા કશુંક આપીને જાય છે. મનમાં એક વિરાટ સ્વપ્ત લઈને નીકળેલો કોલંબસ ભલે જવું હતું ત્યાં ન પહોંચ્યો પરંતુ તેના આ સાહસથી સમગ્ર વિશ્વને બે મહાકાય ખંડોનું દર્શન થયું. પરિચય થયો. અનુપમ ખેર પણ જીવનની નિષ્ફળતાઓ કે નિરાશાને પગથિયાં બનાવી નવી ઊંચાઇઓને પ્રાપ્ત કરી શક્યા છે. ટકાઉ સફળતા એ ‘Fly by night ‘ના સિદ્ધાંતથી મળતી નથી.

              અનુપમ ખેર દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રતિભા સંપન્ન એક્ટર-પ્રોડ્યૂસર તથા વક્તા તેમજ બોલીવુડના સફળ થયેલા જાણીતા નામો પૈકીના એક છે. તેમની અલગ અલગ ભાષાની ૫૩૦થી વધારે ફિલ્મો બની છે. ભારત સરકારે ફિલ્મ ઉદ્યોગમાં અનુપમ ખેરના કિંમતી યોગદાનને કારણે તેમને પદમશ્રી તથા પદમવિભૂષણથી સન્માનિત કર્યા છે. 

     “The best thing about you is you ” એ પણ તેમનું જાણીતું પુસ્તક છે. આઇકોનિક ટાલ તથા બેબાક મંતવ્યને કારણે તેઓ જાણીતા છે. લોકપ્રિય છે. આથી આવી કોઈ વ્યક્તિ પોતાની કારકિર્દીમાં સફળતા તથા સમર્થતા પ્રયાસોની હારમાળા થકી પ્રાપ્ત કરે તો તેમના જીવનનો તેમજ ઘડતરનો ભાગ અનેક યુવાનોને પ્રેરણા આપી શકે છે.

          અનુપમ ખેરના મતે જીવનના સમ્યક ઘડતરમાં કુટુંબપ્રથાનો ફાળો ખુબ મહત્વનો છે.  જીવનમાં સફળ થનાર લગભગ દરેક વ્યક્તિનો માવજતથી ઉછેર આપણી કુટુંબપ્રથાએ કર્યો છે. આ પ્રથામાંથી પાંગરેલું જીવન સમયના આકરા સંજોગોનો આંતરિક બળથી સામનો કરી શકે છે. બાળકોને નિષ્ફળતા માટે પણ તૈયાર કરનાર પિતાના સ્વરૂપ વિષે કિશોર અનુપમના જીવનમાં એક સોનેરી સ્મૃતિ રહી જાય છે. જે તેનું પ્રેરણા સ્ત્રોત પણ છે. “ઉગવાના આ દિવસો” જીવન ઘડતરમાં મહત્વના છે. દાદી ઘરના બધા સભ્યોને નાસ્તા માટે બોલાવે તેમજ પરંપરાગત ચૂલા પર બનાવેલો ગરમ અને તાજો નાસ્તો તાંબાના વાટકામાં પીરસે તે જીવનનું કાયમી સંભારણું બને છે. દાદી સહજ રીતે જ નાસ્તો પીરસતા કહે કે ‘જે પરિવાર સાથે જમે તે સાથે જ રહે છે’ તે વાત બાળકોના મનમાં ઊંડે સુધી ઉતરી જાય છે. ‘સ્વીગી’ કરીને નાસ્તો મંગાવવાની પ્રથા સુવિધાજનક છે. આધુનિક પણ છે. આમ છતાં ઘરે બનાવેલા આ નાસ્તામાં માતા કે દાદીનો અણદીઠ્યો સ્નેહ પણ ભળે છે જે જીવનનું કાયમી મીઠું સંભારણું બની રહે છે. “જેમના અન્ન ભેગા તેમના મન પણ ભેગા” એ ગુજરાતી કહેવત આ સંદર્ભમાં યાદ આવે છે.

              શાળા જીવનના મહત્વના તબક્કે આવતી ફાઇનલ પરીક્ષાનું એક વિશેષ મહત્વ છે. આ પરીક્ષામાં કોઈ નિષ્ફળ જાય તો તે વિદ્યાર્થી માટે ઘણી અપમાનજનક સ્થિતિ રહેતી હતી. પોતાના કિશોરવયના એક મહત્વના ક્રમને આલેખતા અનુપમ ખેર કહે છે કે તેમના ધોરણ-૧૦ના ફાઇનલ રિઝલ્ટ પહેલા એકાદ બે દિવસની વાત છે. પિતા અનુપમની સ્કૂલમાં આવે છે . ક્લાસ ટીચરને વિનંતી કરીને અનુપમને બહાર લઇ જાય છે. આવું ખાસ બનતું ન હતું તેથી બાળકના મનમાં એક ઉત્સુકતા ઉભી થાય છે. ખાસ વાતચીત પણ પિતાપુત્ર વચ્ચે થતી ન હતી તેથી પણ આ ઘટના કિશોર અનુપમને નવાઈ પમાડે તેવી હતી. પિતાએ નાસ્તો કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે કિશોરની પ્રથમ પસંદ આલ્ફા રેસ્ટોરન્ટ હતી. પિતાએ તરત જ એ વાતનો સ્વીકાર કર્યો. બાળકના મનમાં સતત પ્રશ્નો ઉઠતા રહે છે. પિતાની આ જવલ્લે જ જોવા મળે તેવી ઉદારતા જોઈને બાળકના મનમાં વિશેષ કુતુહલતા જન્મે છે. અનુપમની પસંદ પ્રમાણે બધો જ નાસ્તો આવ્યો. ખુબ આનંદ થયો પિતાના આ વલણનું કારણ જાણવાની ઇંતેજારી સાથે જ અનુપમે મનગમતો નાસ્તો લીધો. નાસ્તો શાંતિથી પૂરો થયા બાદ પિતાએ સત્ય જણાવતા હળવા સાદે કહ્યું કે મારા કેટલાક જાણીતા લોકોની મદદથી મેં જાણ્યું છે કે “તું મેટ્રિકમાં નિષ્ફળ ગયો છે.” કિશોર અનુપમને આઘાત લાગ્યો પરંતુ પિતાએ સંપૂર્ણ સ્વસ્થતાથી કહ્યું કે “હું ઈચ્છું છું કે તું જીવનમાં ક્યારે પણ નિષ્ફળતાથી ડરે નહિ.” નિષ્ફળતા ભૂલવા કરતા તેમાંથી પાઠ શીખવા પિતાએ સ્નેહથી સમજાવ્યું. બાળકના મનમાં ઊંડે સુધી આ વાતનો ભારે પ્રભાવ ઉભો થયો. “મારાં પિતા પુષ્કરનાથ ખેર જ ૧૬ વર્ષના દીકરા સાથે બેસીને નિષ્ફળતાની ઉજવણી કરી શકે.” અનુપમ કહે છે નિષ્ફળતાની પણ ઉજવણી કરવાની આ પધ્ધતિ તેમના જીવનમાં પિતાના વ્યવહારથી સહેજે ઉતરી ગઈ. જીવન ઘડતરના આવા મૂલ્યવાન અનુભવો કોઈ લેખક રોચક તેમજ પ્રભાવી શૈલીમાં લખે તો તેનું વિશેષ મહત્વ છે. કિશોરોના ઘડતરનો પ્રશ્ન આજે પડકારજનક બન્યો છે. આવા નાજુક સમયે બાળકોના નિષ્ફળતાના સમયે પણ વડીલોના સ્નેહની ઉષ્મા તથા ઉદારતા સાથે પાંગરેલું જીવન ઘણી ઊંચાઇઓને આંબી શકે છે તેનું સુરેખ દર્શન આવા પુસ્તકોના માધ્યમથી થાય છે. શાળા કોલેજોમાં અભ્યાસ કરતા પોતાના સંતાનો સફળતાના કેટલાક લક્ષાંકો સિદ્ધ કરે જ તેવો ઘરના વડીલોનો અતિઆગ્રહ યુવાનોને માનસિક સ્વસ્થતા આપતો નથી. મોટે ભાગે તેમના સર્વાંગી વિકાસમાં બાધારૂપ બને છે.

વસંત ગઢવી

તા. ૪ જૂન ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑