ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ના ભાતીગળ ભૂતકાળના પ્રસંગોની વાતો ભાઈ ભુપેન્દ્રભાઈ દવે તરફથી અવારનવાર મળ્યા કરતા હોય છે. અગાઉ ભુપેન્દ્રભાઈ ઉપરાંત અરવિંદભાઈ આચાર્ય પણ અહોભાવ થાય તેવી સત્ય ઘટનાઓ વિશે વાત કરતા હતા. અરવિંદભાઈના દુઃખદ નિધન બાદ પણ આ ક્રમ ભુપેન્દ્રભાઈએ જાળવ્યો છે. અરવિંદભાઈ તથા ભુપેન્દ્રભાઈએ સહલેખકો તરીકે પણ ઝાલાવાડની અનેક ભાતીગળ કથાઓને શબ્દદેહ આપ્યો છે. ભુપેન્દ્રભાઈ દવે રાજ્યસરકારના માહિતી વિભાગમાં પણ અમારા સાથી હતા. પ્રેરણા આપે તેવી વાતોને શબ્દદેહ આપી લોકો સુધી પહોંચાડવાનું નિસ્વાર્થ કાર્ય અરવિંદભાઈ તેમજ ભુપેન્દ્રભાઈએ હોંશથી કર્યું છે. સમાજ જેમાંથી પ્રેરણા લઇ શકે તેવા પ્રસંગો વ્યાપક રીતે લોકો સુધી પહોંચે તો એ સમાજના સ્વાસ્થ્ય માટે પણ હિતકર છે. ભુપેન્દ્રભાઈએ આથી આવી એક વાત રતિલાલ જીવણલાલ શાહ નામના એક ઉદાર તેમજ સખાવતી જૈન સદ્દગ્રહસ્થ બાબતમાં કરી. તેમનું એક પુસ્તક પણ જીતેન્દ્રભાઈ કાંતિલાલ શાહે કર્યું છે. પુસ્તક જોઈને રતિલાલના અનોખા વ્યક્તિત્વનો પરિચય થયો. સતત બદલાતા રહેતા કાળમાં જૂની પરંપરા પુનર્જીવિત ભલે ન થાય પરંતુ એક પ્રેરણાના સ્ત્રોત તરીકે તેનું મૂલ્ય છે. હવે આવા લોકો મળવા મુશ્કેલ છે.
આપણે જયારે જયારે કોઈ પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વની વાત કરીએ ત્યારે તેમના ઘડતરમાં કુટુંબપ્રથા તેમજ માતાનો ફાળો ખુબ મહત્વનો હોય છે. ગાંધીજી હોય કે વિનોબાજી હોય એ બંનેના જીવન ઉપર તેમની માતાઓની ઊંડી છાપ જોઈ શકાય છે. રતિલાલભાઈ તથા તેમના ભાઈ શાંતીભાઈના ઘડતરમાં જાવલ્યમાન માતા અચિમાનું મહત્વનું યોગદાન છે. માતા જૈન શાસનમાં સંપૂર્ણ નિષ્ઠા ધરાવે છે. સ્વભાવથી જ કર્તવ્યનિષ્ઠ છે. બંને દીકરાઓના સંસ્કાર ઘડતરનું કામ અચિમા એકનિષ્ઠ ભાવથી કરે છે. સાધુ ભગવંતોનો આંગણે સત્કાર એ માતાના સ્વભાવમાં છે. “જમાડીને જમવું” એ સિદ્ધાંતનું વાસ્તવિક જીવનમાં શ્રદ્ધા સાથે પાલન કરનારા છે. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે તેવા તેમના વિચારોના સંદર્ભમાં બનેલી એક વાસ્તવિક ઘટના સાંભળવી ગમે તેવી છે. એક સત્યઘટના હોવા ઉપરાંત તેમાં સદભાવના વ્યાપનો સંદેશ પણ છે. અચિમા એક વખત પોતાના પિયર ધોલેરાથી વઢવાણ જઈ રહ્યા હતા. જમવાનો સમય થયો. બળદગાડા મારફત મુસાફરીનો એ સમય હતો. પ્રસાદ ગ્રહણ કરતા પહેલા આસપાસ કોઈ વટેમાર્ગુ હોય તો નજર કરવા ગાડુ ચલાવતા ભાઈને મા જણાવે છે. એ સમયે જ આ નિર્જન માર્ગ પર ચાર ઘોડેસવારો આવતા દેખાયા. તેમને ઉભા રહેવાનો સંકેત કરીને અચીમાએ સાથે જમવા બેસવાનો આગ્રહ કર્યો. સુખી સંપન્ન કુટુંબના અચીમા સાથે પૂરતા પ્રમાણમાં ભોજન કરાવી શકાય તેટલો જથ્થો હતો. ઘોડેસવારો આ દિલના ભાવથી થયેલા આગ્રહની અવગણના ન કરી શક્યા. સૌએ પ્રેમથી સાથે ભોજન લીધું. ચારે ઘોડેસવારોનાં અગ્રણી દેખાતા પ્રતિભાવાન ઘોડેસવારે અચીમાને પૂછ્યું. “બહેન તમારે ક્યાં જવાનું છે?” વઢવાણ જવું છે એ જાણ્યા પછી તે વીરપુરુષે કહ્યું કે તેઓ નિર્જન માર્ગ હોવાથી અચીમાને વઢવાણ સુધી મૂકી જશે. થોડી ઉત્કંઠા થતાં અચીમાએ ઘોડેસવારના અગ્રણીની ઓળખ માંગી. ઘોડેસવારે કહ્યું કે હું જોગીદાસ ખુમાણ છું. રાજ્ય સાથે ન્યાય માટે લડું છું. (બહારવટું કરું છું) પરંતુ મા-દીકરીઓના સન્માન-સુરક્ષા માટે મક્કમ છું. અચીમાને આ સંસ્કાર સંપન્ન બહારવટિયા માટે માન થયું. વઢવાણ નજીક આવતા જોગીદાસે હાથ જોડીને વિદાય માંગી. ઉપરાંત આગ્રહ કરીને અચીમાને વીરપસલીના આઠ આના(તે સમયનું ચલણ) આપ્યા. બંને ભાઈ બહેનની સદભાવનાનું અહીં દર્શન થાય છે. પોતાના હક્ક માટે રાજ્ય સામે લડતા જોગીદાસ ખુમાણ બહારવટિયા હતા. આમ છતાં માનવતા તેમજ વીરતાના ઉમદા મૂલ્યોમાં મક્કમતાથી માનનારા હતા. સામી તરફ અચિમા પણ ઉદારતા તથા માનવમાત્રને ભેદભાવ સિવાય ભોજન કરાવવાના આગ્રહી હતા. આવા શીલવાન માતાના સંસ્કાર તેમના પુત્ર રતિભાઈમાં ઉતરે તે સ્વાભાવિક છે. વઢવાણની સુવિખ્યાત શાળા દાજીરાજ હાઈસ્કૂલમાં રતિભાઈનું શિક્ષણ થયું. ઇન્દોર (M P )માં રતિભાઈને ઝવેરાતનો મોટો કારોબાર હતો. વ્યાપારના સંસ્કાર તેમના લોહીમાં હતા. સખાવતો કરતા પરંતુ આગ્રહપૂર્વક પ્રસિદ્ધિથી દૂર રહેતા હતા. જીવદયા તથા અહિંસા એ તેમના જીવનના મુખ્ય સિદ્ધાંત હતા.
જૈન આચાર વિચારમાં રાત્રિભોજનનો નિષેધ છે. સૂર્યાસ્ત પછી ભોજન કરવાની વાત રતિભાઈ સ્વીકારે તેમ ન હતા. કોઈ એક પ્રસંગે ઈંદોરના એક મોટા ગજાના સત્તાધીશ સર હુકમચંદ વઢવાણ આવવાના હતા. સાથે મોટો રસાલો હતો. સાંજના સમયે વઢવાણ પહોંચતા હોવાથી રતિભાઈએ ભોજન માટે સર હુકમચંદને નિમંત્રણ આપ્યું. આવા મોટા શેઠ હુકમચંદ સાથેનો સંબંધ વ્યવસાયમાં પણ ફાયદાકારક હતો. પોતે જૈન શાસનમાં માનનારા છે તેથી સૂર્યાસ્ત પહેલા ભોજન પૂરું થાશે તે સ્પષ્ટ વાત રતિભાઈએ મહેમાનને તથા તેમના મોટા રસાલાના વ્યવસ્થાપકોને સ્પષ્ટ રીતે જણાવી હતી. સંજોગોવશાત મહેમાનોનો રસાલો સૂર્યાસ્ત પહેલા વઢવાણ પહોંચી શક્યો નહિ. રતિભાઈ સ્પષ્ટ હતા. અનેક પ્રકારની સ્વાદિષ્ટ રસોઈ તૈયાર હોવા છતાં સૂર્યાસ્ત પછીનો ભોજન સમારંભ તેમણે કર્યો નહિ. કદાચ આ કારણસર હુકમચંદની નારાજગીથી પોતાના વેપારને વિપરીત અસર થાય તો પણ જીવનમાં નક્કી કરેલા ધોરણોનો ભંગ કરવાનું રતિભાઈએ સ્વીકાર્યું નહિ. રાત્રે મહેમાનોનો સન્માન સમારંભ હતો. સૌને હતું કે સર હુકમચંદ ભોજન ન મળ્યું તેને અપમાન ગણી નારાજગી વ્યક્ત કરશે. પરંતુ તેમ ન થયું. રાત્રે યોજાયેલા સમારંભમાં સર હુકમચંદે નારાજગી વ્યક્ત ન કરતા રતિભાઈની સિદ્ધાંત-નિષ્ઠાની ભારોભાર પ્રશંસા કરી હતી. આ સુખદ પરિણામ જીવનમૂલ્યોનું જીવથી પણ અધિક મૂલ્ય આંકનારા રતિલાલની નિષ્ઠાનું હતું. આવા લોકોના જીવન સંબંધમાં પુસ્તક થાય તે આવકાર્ય છે. માત્ર તેમના કુટુંબીજનો માટે નહિ પરંતુ સમગ્ર સમાજે તેમાંથી કંઈક પ્રાપ્ત કરવાનું છે.
વસંત ગઢવી
તા. ૨૭ મે ૨૦૨૪
Leave a comment