વાટે…ઘાટે:પોરબંદરનાસંસ્કારમૂર્તિસમાનરાજવી: નટવરસિંહજી:

  દેશના એકીકરણનું કામ સરદાર સાહેબના ફાળે આવ્યું ત્યારે એક મહત્વનો પડકાર એ દેશી રજવાડાઓના એકીકરણનો હતો. એ પણ યોગાનુયોગ છે કે દેશના લગભગ કુલ દેશી રજવાડાઓમાં ત્રીજા ભાગના રજવાડા સૌરાષ્ટ્રના હતા સૌરાષ્ટ્ર એ ગુજરાત(જુના મુંબઈ રાજ્ય)નો એક ભાગ હતું. સામાન્ય રીતે આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીનું માર્ગદર્શન સૌરાષ્ટ્રને વિશેષ મળતું હતું. બાપુની આગેવાનીમાં રાજકોટના રાજવી સામેનો પ્રસિદ્ધ રાજકોટ સત્યાગ્રહ થયો. કસ્તુરબા પણ તેમાં જોડાયા હતા. રાજકોટ સત્યાગ્રહના અંતિમ પરિણામ બાબતમાં જો કે ગાંધીજી સંતુષ્ટ ન હતા. ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું સમગ્ર રાજ્ય દેશના ચરણોમાં ધરી દીધું હતું. ભાવનગરના રાજવીએ પોતાના આ શકવર્તી નિર્ણયની જાણ પણ ગાંધીજીને કરી હતી. ગાંધીજીએ રાજવીના આ ઐતિહાસિક નિર્ણય અંગે ઊંડી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બાપુએ રાજવીને સરદાર વલ્લભભાઈ પટેલને મળવા જણાવ્યું હતું. આ રીતે જોઈએ તો સૌરાષ્ટ્ર સહિત દેશના સમગ્ર દેશી રજવાડાંઓને એકત્રિત કરવાનું કામ સરદાર સાહેબે સંભાળ્યું હતું. રાજવીઓના આ તમામ ઇતિહાસમાં પોરબંદરના મહારાજાનો ઇતિહાસ ભાતીગળ છે. અનેક બાબતોમાં દીર્ઘદ્રષ્ટિથી રાજ્યનો વહીવટ કરનાર પોરબંદરના છેલ્લા રાજવી નટવરસિંહજીનો વહીવટ તેમજ વ્યક્તિત્વ બંને વિશિષ્ટ હતા. ૩૦ જૂન (૧૯૦૧)ના રોજ તેમની જન્મજયંતિ છે. આથી રાજવીની વિશેષ સ્મૃતિ આ માસમાં થાય છે.

            મહારાણા નટવરસિંહજી એક શાસક તરીકે તથા એક વ્યક્તિ તરીકે અન્યથી જુદા પડનારા હતા. ગામડાઓના લોકોના પ્રશ્નોની જાણકારી મેળવવા માટે તેઓ ગ્રામ્ય વિસ્તારનું સતત પરિભ્રમણ કરતા હતા. આ પ્રથા આપણે વડોદરાના રાજવી ફતેસિંહજી ગાયકવાડના કિસ્સામાં પણ જોઈ છે. આવા પ્રવાસોથી ગામડાઓના વાસ્તવિક પ્રશ્નોની જાણકારી રાજવીને મળે છે. નટવરસિંહજી લોકોને પ્રિય હતા. તેનું એક મહત્વનું કારણ આ પણ છે.

                     પોરબંદરના રાજવી નટવરસિંહજીને જણાવવામાં આવે છે કે મહાકવિ નાનાલાલ પોરબંદરની મુલાકાત માટે આવે છે. આમ તો રાજ્યમાં કોઈ કવિનું આગમન એ શાસક માટે મોટી કે મહત્ત્વની ઘટના સામાન્ય રીતે ગણાતી નથી. પરંતુ અહીંની વાત જુદી હતી. મહારાજા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિ નાનાલાલ ત્યાં અધ્યાપક હતા. આથી મહાકવિ નાનાલાલના આગમનના સમાચાર સાંભળી મહારાજાના કાન ચમકે છે. કવિ ક્યા દિવસે આવે છે તેની વિગત મેળવે છે. મહાકવિના આગમન પ્રસંગે લોકો માટે તથા રાજ્યના અધિકારીઓ માટે એ આશ્ચર્યની ઘટના હતી કે મહારાજા જાતે મહારાણી સહીત મહાકવિને ‘ભલે પધારો’ કહેવા પોરબંદરના રેલવે સ્ટેશન પર હાજર હતા. પોતાના અધ્યાપકનું આવું સન્માન કરીને મહારાજાએ સહજ રીતે જ પોતાના વિદ્યાવ્યાસંગી તથા ગરિમાપૂર્ણ વ્યક્તિત્વના દર્શન કરાવ્યા હતા. સ્વભાવથી જ શાલીન એવા પોરબંદરના આ છેલ્લા રાજવીએ સત્તા ત્યાગ તો કર્યો પરંતુ વ્યાપક લોકસમૂહના દિલોદિમાગ ઉપર આજીવન પ્રેમના હક્કથી શાસન કર્યું હતું. રવીન્દ્રનાથ ટાગોર પણ પોરબંદર આવ્યા ત્યારે તેમનો વિવેકપૂર્ણ સત્કાર કરવા મહારાજા નટવરસિંહજી પોરબંદરના સમુદ્ર તટે આદર ભાવ સાથે હાજર રહ્યા હતા. આ વાતો કદાચ નાની કે ઓછી મહત્વની પણ કોઈને લાગે પરંતુ સાંપ્રત સમયમાં તેનું મૂલ્ય છે. સમાજજીવન કે જાહેરજીવનમાંથી સૌજન્યનો અભાવ એ આજના સંદર્ભમાં મુશ્કેલ લાગતો પ્રશ્ન છે. ત્યારે આ વાતો વિશેષ પ્રસ્તુત છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલના રાજવી ભગવતસિંહજી પણ આવા શીલભદ્ર શાસકોના ઉજળા ઉદાહરણ સમાન છે. સુદામાપુરી કહેવાતા પોરબંદરના જ એક અકિંચન પરંતુ શ્રદ્ધાવાન મિત્ર ભૂદેવને સત્કારવા મહારાજ કૃષ્ણ સામે દોડીને આ દુબળા દોસ્તને મળ્યા હતા. શાસ્ત્રોની આ જાણીતી કથાનું સમયાંતરે પુનરાવર્તન થતું રહે છે. પાત્રો અને સંદર્ભ કાળના ચક્ર અનુસાર બદલાતા રહે છે પરંતુ સૌજન્ય તેમજ શાલીનતાનો મજબૂત ધાગો આવી ઘટનાઓને સાંકળીને ઉભો છે. રાજવીઓના મોટા સમૂહમાં ઓછા રાજવીઓ એવા જોવા મળશે કે જેમને કળા તથા રમતગમત બંને બાબતોનો સમાન શોખ હોય. નટવરસિંહજી પોતે કળાપ્રિય રાજવી હતા. રાજ્યની શાળાઓમાં સંગીત તથા ચિત્રકળાના વિષયોને ખાસ સ્થાન આપવામાં આવ્યું હતું. નટવરસિંહજી જાતે એક સારા વાયોલિનવાદક હતા. કવિ નાનાલાલનું ૧૯૪૬ના જાન્યુઆરી માસમાં અવસાન થયું. મહારાજાએ પોતાના ગુરુ કવિ નાનાલાલની સ્મૃતિમાં પોરબંદરમાં શોકસભા યોજી હતી. આ શોકસભામાં વાયોલિનના સુર છેડીને જાહેરમાં મહારાજાએ કવિ નાનાલાલને સ્વરાંજલિ આપી હતી. મહારાણા નટવરસિંજીના જીવનની અનેક વિગતો આપણે પલાણસાહેબના લેખોમાંથી મેળવી શકીએ છીએ. સમગ્રતયા એમ લાગે કે આ મહારાજાનું બહુવિધ વ્યક્તિત્વ હતું. મહારાજા નટવરસિંહજી એક ઉમદા શાસક, રાજનીતિજ્ઞ, કળાપ્રિય રાજવી તથા સુપ્રસિદ્ધ ક્રિકેટર હતા. દેશ આઝાદ થયો ત્યારબાદ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ દેશના ચરણે પોતાનું સમગ્ર રાજ્ય અર્પણ કર્યું હતું. ભાવનગરના આ પ્રગતિશીલ પગલાંને તરત જ અનુસરનારા નટવરસિંહજી હતા. રાજવી ભવિષ્યને જોઈ શક્યા હતા. ઉપરાંત નટવરસિંહજી એક અચ્છા ક્રિકેટર પણ હતા. પોતાને ક્રિકેટની રમત પ્રિય હતી અને તેથી દેશ આઝાદ થયો તે પહેલા ક્રિકેટ સ્કૂલની સ્થાપના પોરબંદરમાં કરી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટ્ન તરીકે જાણીતા વિજય મર્ચન્ટના હાથે ‘વિજય પેવિલિઅન’નું ઉદ્ઘાટન પણ મહારાણાએ કરાવ્યું. આઝાદ દેશને નટવરસિંહજી તરફથી મળેલી આ અમૂલ્ય ભેટ હતી. રજવાડાઓના એકીકરણ પછી આ ઉમદા રાજવીનો સમય મોટાભાગે વાયોલિનના સૂરો છેડવામાં તથા સુંદર ચિત્રો બનાવવામાં ગયો. વિદ્વાન રાજવી ગુજરાતી તેમજ ઇંગ્લીશમાં છટાદાર વ્યક્તવ્યો આપી શકતા હતા. તેમના કેટલાક વ્યાખ્યાનો છપાયા પણ છે. ઉપરાંત તેઓ રમુજી પ્રસંગો લખતા તથા તેને વખતોવખત કહી સંભળાવતા હતા. આ રાજવી હળવું ફૂલ વ્યક્તિત્વ ધરાવતા હતા. પોરબંદરની ચોપાટી કે સમુદ્રકિનારે આવેલા રળિયામણાં વીલા નટવરસિંહજીની કલાત્મક બાંધકામની સૂઝનું દર્શન કરાવે છે એક ઉમદા તથા સંસ્કારમૂર્તિ રાજવી તરીકે નટવરસિંહજી હંમેશા સ્મૃતિમાં રહેશે.  

વસંત ગઢવી

તા. ૨૦ મે ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑