વાટે…ઘાટે:”દાદા(ધર્માધિકારી) ભારે પ્રેમી છે: સ્નેહમૂર્તિ છે: વિનોબાજી

આજના સંદર્ભમાં દાદા ધર્માધિકારીને યાદ કરવા એ કદાચ કોઈને સાંપ્રત ન પણ લાગે. દાદાનું નામ પણ કદાચ બહુ ઓછા લોકોની સ્મૃતિમાં હોય. આમ છતાં આ મનિષીના જીવનકાર્યોમાં સહેજ નજર કરીએ તો પણ એક પ્રસન્નતાનો ભાવ મનમાં થાય છે. સાદું જીવન અને ઊંચા વિચારો ધરાવતા આવા લોકો એ ગાંધીયુગની ભેટ હતી. વિનોબાજીના કાર્યમાં દાદા સતત સહાયભૂત થતાં રહ્યા. કદાચ અમદાવાદમાં જ કોઈએ એમને પૂછ્યું હતું કે વિનોબા સાથે તેમના કામમાં રહીને કોઈ મોટી સફળતા જીવનમાં હાંસલ ન થઇ હોય તેમ લાગે છે? દાદાના જવાબમાં સ્વસ્થતા, નિષ્ઠા અને દ્રઢતાના દર્શન થાય છે. દાદા કહે છે કે અન્ય લોકો સાથે રહીને સફળ થવા કરતા વિનોબાજીનું કાર્ય કરતા કરતા નિષ્ફળ જવામાંયે વિશેષ સંતોષ તથા સાર્થકતા જણાય છે. જીવનમાં જે મૂલ્યોનું સિંચન કર્યું છે તેને મક્કમતાથી વળગી રહેવાની આ શક્તિ અસાધારણ છે. ગાંધીજીના યુગના તેજસ્વી તારલાઓમાં દાદા ધર્માધિકારીનું એક વિશેષ સ્થાન છે.

            દાદા ધર્માધિકારી તથા તેમનું જીવન ફરી ફરી વાગોળવા જેવું છે. આજના સંદર્ભમાં દાદાનું મૂલ્યનિષ્ઠ જીવન અનેકને પ્રેરણા આપી શકે તેવું છે. વિનોબાજી દાદા માટે કહેતા: “દાદા ભારે પ્રેમી છે, સ્નેહમૂર્તિ છે!” વિમલા ઠકાર દાદા માટે કહેતા કે દાદાએ પોતાની મહાનતાને સામાન્યતાના આવરણમાં ઢાંકી રાખી હતી. વ્યક્તિ પોતે જ હંમેશા કેન્દ્રમાં રહે તેવા પ્રયાસો કરતા અનેક લોકો આજે વિશ્વભરમાં જોવા મળે છે. આ સ્થિતિના સંદર્ભમાં દાદા જેવું નિર્લેપ જીવન જીવનારાની સ્મૃતિ માનવતાના મૂળ ગુણોમાં આપણી શ્રદ્ધા જન્માવે છે. જૂન એ દાદાની જન્મજયંતીનો મહિનો છે. તેમની સ્મૃતિવંદના કરવામાં સાર્થકતા છે.

                     દાદાના સંસ્મરણો વાંચીએ ત્યારે દરેક વખતે તેમના વિરાટ વ્યક્તિત્વની એક વિશેષ ખુબીના દર્શન થાય છે. (મનીષીની સ્નેહગાથા: યજ્ઞ પ્રકાશન) કેટલાક સામાજિક સંદર્ભોનો પણ ખ્યાલ આવે છે. દાદાનું બચપણ મહારાષ્ટ્રમાં તાપી નદીના મૂળ પાસે આવેલા વતનના ગામમાં પસાર થયું. આજની આપણી સ્થિતિના સંદર્ભમાં દાદાનું બાળપણ જે રીતે પસાર થયું તે તદ્દન ભિન્ન લાગે છે. બાળકોને ભણાવવા માટે કે તેમનો સમગ્રપણે વિકાસ થાય તે માટેની એક અલગ વ્યવસ્થા નજરે પડે છે. જેની સામાજિક સ્વીકૃતિ પણ છે. આ સ્થિતિની તુલના કરતા જોઈએ તો આજે બાળકોના ઉછેરના સંદર્ભમાં ઘણી સમસ્યાઓ કે મુંઝવણનો અનુભવ ઘણાં લોકો કરતા હોય છે. બાળપણથી જ બાળક માટે ખર્ચાળ શિક્ષણની વ્યવસ્થા કરવાનો બોજ લઈને અનેક દંપતીઓ જીવે છે. દરેકની સ્થિતિ આ ખર્ચાળ વ્યવસ્થાને પહોંચી શકે તેવી નથી હોતી. પરંતુ દેખાદેખી કે ગતાનુગતિકતાને કારણે બાળકો કુમળી વયે આ ખર્ચાળ તથા યાંત્રિક વ્યવસ્થાનો ભાગ બને છે. આ પ્રકારની વર્તમાન સ્થિતિ સામે દાદાનું બાળપણનું જીવન જોતા તે સમયની સ્વસ્થ તથા બાળકોને સુપોષિત કરે તેવી અલગ વ્યવસ્થાનું ચિત્ર બાળકોના ઉછેરના સંદર્ભમાં જોવા મળે છે. આ સ્થિતિ દેશના મોટા ભાગના વિસ્તારોમાં  પણ મહદંશે અસ્તિત્વમાં હતી. આથી જે બાળકનું ઘડતર થતું હતું તે અલગ જ હતું. બાળકમાં સહિષ્ણુતા તેમજ પ્રકૃતિ સાથેના જોડાણનું તત્વ ઊંડે સુધી ઉતારી જતું હતું. સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ નાગરિક એ પાયાની બાબત છે. પરંતુ સ્વસ્થ નાગરિકનું નિર્માણ એ આવા સંસ્કાર તથા શિક્ષણથી જ થઇ શકે છે.

                           દાદા પોતાની બાળપણની સ્મૃતિને ઢંઢોળતાં કહે છે કે ઘરનો એક ભાગ હોય તે રીતે જ બે વ્યવસ્થા જોવા મળતી. એક અખાડો અને બીજું ગણેશજીનું મંદિર. અખાડા કે નાની વ્યાયામશાળાના કારણે શરીરને ઉપયોગી તેવી પ્રવૃત્તિ કરવામાં પણ બાળકો મોટેરાઓનું સહજ અનુકરણ કરતા. આજના સંદર્ભમાં વિચારીએ તો દુનિયાભરના દેશોમાં શારીરિક સ્થૂળતા(obesity) તથા લાઇફસ્ટાઇલ ડિસીઝનો વિકટ પ્રશ્ન છે. જે રીતે આપણે જીવન જીવીએ છીએ તેની સીધી અસર બાળકો પર પડે છે. ઘરનાં મોટા ભાગના સભ્યો મોડી રાત સુધી ટીવી બોક્સ કે હવે તો મોબાઇલ ફોન સ્ક્રીન સામે જોઈને બેસી રહેતા હોય તો બાળકો પર તેની સીધી અસર થાય છે. મોબાઇલ કે ટીવીની અનિવાર્યતા સ્વીકારીએ તો પણ તેના વપરાશમાં સારાનરસાનો વિવેક લગભગ ચુકી જવાયો છે. આપણે ત્યાં જેવી અખાડાની વ્યવસ્થા હતી તેને આજના સંદર્ભમાં ફરી ન લાવી શકાય તો પણ શારીરિક સુદૃઢતા માટે વિશેષ કરીને બાળકોના સંદર્ભમાં કંઈક કરવાની તાતી જરૂરિયાત છે. વિશ્વયોગ જેવા દિવસની સુંદર ગતિવિધિઓ એક દિવસમાં સમેટાઈ ન જવી જોઈએ. ગણેશજીના મંદિરનો પણ એક વ્યાપક સંદર્ભ છે. જીવનમાં પ્રાર્થના કે અધ્યાત્મના અંકુર બાળકોમાં ઉગવા જોઈએ. તેને કોઈ ધર્મવિશેષ કે પધ્ધતિ સાથે સંબંધ ઓછો છે. પધ્ધતિ કે સ્થળ ભલે ભિન્ન હોય પરંતુ હેતુ તો બાળકના જીવનમાં સંસ્કાર કે અધ્યાત્મભાવનું સિંચન કરવાનો હોવો જોઈએ. આ પણ શિક્ષણનો એક મહત્વનો હિસ્સો છે. ગાંધીજીનો પ્રાર્થનાની અનિવાર્યતાનો નિર્દેશ આ વાતનો ત્વરિત સંદર્ભ છે. ક્રાંતદ્રષ્ટા સ્વામી વિવેકાનંદનો શારીરિક શક્તિ કેળવવાનો આગ્રહ પણ આ વાતની જ પરિપૂર્તિ સમાન છે. એક વાત કિશોર વયના ધર્માધિકારીને પસંદ ન હતી કે કીર્તન ભજનના ગામમાં થતાં કાર્યક્રમોમાં બધી જ કોમના લોકોને ભાગ લેવાની મનાઈ હતી. આજે પણ એક યા બીજા સ્વરૂપે આવો ભેદભાવ દેખીતી રીતે કે કૃત્રિમ આવરણો હેઠળ થતો જોવા મળે છે. આ પ્રકારના ભેદભાવ સાથે સ્વસ્થ સમાજની રચના કદી થઇ શકે નહિ. માત્ર કાયદાથી માનસ પરિવર્તન થઇ જશે તેમ માનવું ઉચિત નથી.

                                          દાદા ધર્માધિકારીનું જીવન એ સામાજિક ક્ષેત્રોમાં સેવાના ભાવથી કાર્ય કરતા તમામ લોકો માટે માર્ગદર્શક છે. ગાંધી વિનોબાના મશાલચી દાદા ૧૯૮૫ના ડિસેમ્બરમાં ચિરવિદાય થયા દાદાની સૂચના મુજબ પવનાર આશ્રમમાં જ તેમના અંતિમ સંસ્કાર થયા. આજે આ સ્થળે કેવળ નારિયેરનું એક ઝાડ ઉન્નત શિરે ઉભું છે. 

વસંત ગઢવી

તા. ૧૫ મે ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑