સંસ્કૃતિ : “સોનાની હોય તો યે જાળ અંતે જાળ છે.”

ઘેર જાય ઓફિસને

ઘેર જાય નોકરું

બળદની ડોકેથી

ઉતરે ના જોતરું

સૂંઘે છે કોણ અહીં

સાહેબ કે સિક્કાને

ચલણ તો ચોખાનું બાકી

બધું ફોતરું, સોનાની હોય

તો યે જાળ અંતે જાળ છે.

માછલીએ મરવાનું મેઁ.

                 કવિ દલપત પઢિયારની આ જાણીતી તેમજ ફરી ફરી સાંભળવી તેમજ માણવી ગમે તેવી પંક્તિઓ છે. ‘સામે કાંઠે કેડા’ નામના કાવ્યસંગ્રહની આ અર્થસભર રચના છે. જીવનના બે કાંઠાનું ચિંતન અહીં સહેજે પ્રગટે છે. દલપત પઢીયાર એ ‘જુદા મલક તથા ખલકના’ કવિ છે તેમ કાવ્યોના પારખુ રમેશ મહેતા કહે છે. દલપતભાઈ અમારા સરકારી સેવાના નજીકના સાથી રહ્યા છે. કવિ દલપત પઢિયારની રચનાઓ અનેક કાર્યક્રમોમાં સંભળાતી રહે છે. ‘પદ્ય સમીક્ષા વિશેષાંક’ જોતાં આવા જ બીજા અનેક સર્જનોના કાવ્યો માણવાની તક મળી. ભાઈ ધ્વનિલ પારેખના સંપાદનમાં તૈયાર થયેલો ‘પદ્ય સમીક્ષા વિશેષાંક’ (ઓક્ટોબર-ડિસેમ્બર-૨૦૨૩) જોતાં અનેક જાણીતા તથા માનીતા કવિઓના કાવ્યપ્રદેશમાંથી પસાર થવાનું થયું. ‘પદ્ય’ એ ત્રિમાસિક પ્રકાશન છે. રવિન્દ્ર પારેખ તેના તંત્રી છે. આજના સમયમાં કાવ્યોનું મેગેઝીન નિયમિત તેમજ રસપ્રદ રીતે ચલાવવું એ મુશ્કેલ કામ છે. આથી આ સમયમાં આ સુંદર કાર્ય કરવા માટે તંત્રીશ્રી તેમજ સંપાદકશ્રી આપણાં વિશેષ અભિનંદનના અધિકારી બને છે. આ સુંદર પ્રકાશનને ‘સાંપ્રત ગુજરાતી કવિતાનો ચહેરો’ કહેવાની વાત ઉચિત છે. ચાલીસ જુદા જુદા કાવ્યસંગ્રહોની સમીક્ષા અહીં વિશેષાંકમાં પ્રસ્તુત થઇ છે. કવિતા વિશે જેની ઊંડી સમજ ન હોય તેવા મારા જેવા ભાવકો માટે પણ આ વિશેષાંક એ માણવા યોગ્ય સામગ્રી લઈને આવ્યો છે. 

              ‘ખડિયાની આરપાર’ એ કવિ નીરવ વ્યાસનું સુંદર સર્જન છે. કવિ ઉર્વીશ વસાવડાએ તેનો સુંદર આસ્વાદ કરાવ્યો છે. “સોસીયલ મીડિયાના સમયમાં કહેવાતી થોકબંધ ગઝલોની વચ્ચે આવું વાંચવાથી આનંદ મળે” તેમ કહેવામાં આવ્યું છે તે સુયોગ્ય વાત છે.

“વિચારોથી વાંધો કે ચહેરાથી વાંધો

સમજ ના પડે કંઈ એ શેનાથી વાંધો

કલાને તમારી છુપાવીને રાખો

ઘણાંને પડે છે પ્રતિભાથી વાંધો”

               શબ્દો તથા તેની ગોઠવણ તેમજ ભાવની એક એવી અભિવ્યક્તિ અહીં છે કે કવિ નીરવ વ્યાસની સર્જક તરીકેની પ્રતિભા સામે વાંધો પાડી શકાય તેવું નથી. ભાવથી વધાવી લેવાને પાત્ર એવા આ સર્જક છે. ગઝલોનું મૂળ ભલે ઉર્દુમાં હોય પરંતુ ગુજરાત અને ગુજરાતી સર્જકોએ ગઝલના ઉત્તરોત્તર વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. ગુજરાતી ગઝલોની વિકાસયાત્રામાં મહત્વનું પ્રદાન કરનાર મરીઝ, ઘાયલ તથા શયદા સાહેબ જેવા દિગ્ગજોને યાદ કરવા ગમે છે. કવિ કલાપીએ પણ કેટલીક વિસ્મૃત ન થાય તેવી ગઝલો લખી છે. સાંપ્રત કવિઓનું પણ તેમાં મહત્વનું યોગદાન છે. આથી આવી કવિતાઓ દીર્ઘકાળ સુધી જીવંત રહે તેવી છે. ઘાયલ સાહેબે લખ્યું હતું તેમ આ સ્વંયપ્રકાશ છે જેને ઠારી શકાતો નથી. જે વિસ્મૃત થતું નથી. ઘાયલ સાહેબની જાણીતી પંક્તિઓ સ્મૃતિમાં આવે છે.

સમજો છો શું અમોને

સ્વંયપ્રકાશ છીએ,

દિપક નથી અમે કે

ઠાર્યા ઠરી જવાના.

                     વિશેષાંકના રસપ્રદ વાચનથાળમાં પસાર થતાં ‘હજી હું ત્યાંજ ઉભો છું’ નામનો ગઝલ સંગ્રહ જોવા મળે છે. કવિ શ્રી દિનેશ ડોંગરે ‘નાદાન’નું આ રૂપાળું સર્જન છે. ગુજરાતી સંગ્રહો ઉપરાંત હિન્દી ગઝલ સંગ્રહ પણ આ કવિની કલમેથી ટપક્યા છે. કવિ લખે છે:    

સ્નાન ઘરમાં હો કે હો ગંગાતટે,

છે શરત એક જ ભીતરથી શુદ્ધ થા.

થઇ જશે થોડા વખતમાં સઘળું

રાબેતા મુજબ, આપણો વિદ્રોહ

ભારોભાર છે થોડો વખત.

             વર્તમાન સંઘર્ષમાં ઉપરના બંને શેર બહુ મહત્વના છે. સાંપ્રત સ્થિતિનું તેમાં પ્રતિબીંબ છે. લોકોનો એક મોટો સમૂહ એક સ્થળેથી બીજા સ્થળે સતત ફર્યા કરે છે. તીર્થયાત્રાઓ કરે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં ભીતરથી શુદ્ધ થવાની વાત મહત્વની છે. તેના પર કવિનું ધ્યાન કેન્દ્રિત થયું છે. અહીં અખાના શબ્દો- પથ્થર એટલા પૂજે દેવ- સ્મૃતિમાં આવે છે. ભક્તિનો માર્ગ ગતાનુગતિક ન બને પરંતુ ચેતનાને જગાડે તેવો થાય તો તેનું વિશેષ મહત્વ છે.

               આ સમગ્ર રસથાળમાં “ઝાકળના મોતી”નો રસાસ્વાદ પણ માણવા જેવો છે. સર્જક વજેસિંહ પારગીના કાવ્યોની રસપ્રદ સમીક્ષા રાજેશ વણકરે કરી છે. આજકાલનો સાંપ્રત સમસ્યાઓનો પડઘો આપણાં કવિઓની રચનાઓમાં પડતો દેખાય છે. એકલતા એ આજકાલ જીવનને પજવતી મહત્વની સમસ્યા છે. એકલતાની આ સમસ્યા એ વિશ્વભરની સામેનો પડકાર છે. કવિ વજેસિંહ પારગી લખે છે:

નહિ છોડે ગળું

આ એકલતા

          એકલતાની ભીંસમાં સમગ્ર માનવજાત બેચેની અનુભવે છે. એકલતા ગળે વળગે એ આધુનિક યુગનો અભિશાપ છે. આ રીતે જ સતત G.D.P.માં વૃદ્ધિ થવાની વાતો વચ્ચે અનેક લોકો જીવનની મૂળભૂત જરૂરિયાતોથી પણ વંચિત રહેતા હોય તેમ નજર સામે દેખાય છે. ઘણાં અજંપાના મૂળમાં આ આર્થિક અસમાનતા છે. કવિ લખે છે: 

શરીર તો

ખાખ થઇ ગયું છે.

છતાં થનગને છે

એક ચિરંજીવ આશા

જીવવું છે એને ધરતી પર

ગરીબોનું રાજ આવે

ત્યાં સુધી.

                   ‘વો સુબહ કભી તો આયેગી’ની સ્મૃતિ કરાવે તેવી આ રચના છે. આશાના તંતુ પર જીવનની અનેક કડવાશને પચાવવાની કોઈક અસાધારણ શક્તિ માનવીને કુદરત તરફથી એક વરદાનની જેમ મળેલી છે.

            પ્રૌઢ તેમજ નવોદિત સમીક્ષકોની કલમે લખાયેલા વિભિન્ન લેખો સાહિત્યના ભાવકોને પસંદ પડે તેવા છે. ભાઈ ધ્વનિલ પારેખે વિશેષાંકના પ્રારંભે જ લખ્યું છે તેમ સાંપ્રત ગુજરાતી કવિતાનો ચહેરો માણવો ગમે તે રીતે પ્રસ્તુત કરવાનો આ રળીયામણો પ્રયાસ છે. આવા અર્થપૂર્ણ પ્રયાસનું સ્વાગત છે. 

વસંત ગઢવી

તા. ૧૫ એપ્રિલ ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑