ભૂતકાળમાં લડાયેલા બંને વિશ્વયુધ્ધોમાં ભારતના અનેક યુવાનો ભિન્ન દેશોની સેવામાં લડતા લડતા ગંભીર રીતે ઘવાયા હતા. અનેકના મૃત્યુ પણ થયા હતા. આ સંદર્ભમાં એક જાણીતી વાત છે. આ વાતનો ઉલ્લેખ ‘પાંદડે પાંદડે રવિ’માં સુપ્રસિદ્ધ સર્જક મહેશ દવેએ કર્યો છે. વાત સાંભળવી ગમે તેવી છે.
પ્રથમ વિશ્વયુઘ્ધની છે. ઇંગ્લેન્ડના પક્ષે રહીને એક ભારતીય સૈનિક લડતો હતો. ઘમાસાણ યુદ્ધમાં આ ભારતીય ફોઝી ગંભીર રીતે ઘવાયો. ઇંગ્લેન્ડની લડાઈ જર્મની સામે હતી. સૈનિક ઘવાયો અને જર્મન સૈન્યના હાથમાં યુદ્ધકેદી તરીકે આવ્યો. જર્મન ડોક્ટરે આ ગંભીર રીત ઘવાયેલા દર્દીની કાળજી સાથે સારવાર શરુ કરી. ડોક્ટરને લાગ્યું કે સૈનિકનો એક પગ જે ગંભીર રીતે ઘવાયો છે તેને કાપી નાખવામાં આવે તો જ સૈનિક બચે તેમ છે. આવું ગંભીર તથા જોખમી ઓપરેશન કરવા માટે ડોક્ટરને દર્દીની સંમતિ લેવી જરૂરી હતી. સૈનિક એક તો દુશ્મન સેનાના હાથમાં ઝડપાયેલો હતો. શારીરિક પીડા અસહ્ય હતી. યુદ્ધમાં પકડાયેલા સૈનિકો પર જર્મન સૈન્યના લોકો ખુબ જ જોર-જુલ્મ કરે છે તેની અનેક કથાઓ આ હિંદના બદનસીબ સૈનિકે સાંભળી હતી. આથી સતત ગભરાયેલો પણ હતો. જર્મન તબીબ કે જેણે ઓપરેશન કરવાનું હતું તેને અંદેશો હતો કે આ ઘવાયેલો સૈનિક સંમતિ નહિ આપે. આ ઘવાયેલા સૈનિકનો વિશ્વાસ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનો વિચાર ડોક્ટર કરતા હતા. ડોક્ટર અંગ્રેજી જાણતો ન હતો. ડોક્ટરને વિશ્વ સાહિત્યના અભ્યાસનો શોખ હોવાથી ભારતના દિગ્ગજ સર્જક રવીન્દ્રનાથ ટાગોરનું નામ તેમણે સાંભળ્યું હતું. આથી ડોક્ટરને ઘવાયેલા દર્દીનો વિશ્વાસ સંપાદન કરવા માટે એક ત્વરિત વિચાર આવ્યો. દર્દીની ઓપરેશન માટે સંમતિ મેળવવા ડોક્ટરે દર્દીના કાનમાં ત્રણ વખત રવીન્દ્રનાથ ટાગોર તેવા શબ્દનું ઉચ્ચારણ કર્યું. સૈનિકના પીડાગ્રસ્ત મુખ પર થોડી ચમક આવી. તેણે ઓપરેશન કરવા માટે સંમતિસૂચક ડોકું હલાવીને તબીબને ઓપરેશન માટે આગળ વધવા જણાવ્યું. વિશ્વના દરેક માનવીને પોતાની ભાષા તેમજ પોતાના મહાપુરુષો માટે કેટલો આદર હશે તેનું આ એક રસપ્રદ ઉદાહરણ છે. ભાષાના બળવાન માધ્યમથી જ વ્યક્તિગત તથા સામુહિક રીતે લોકોના સમૂહને દોરી શકાય છે. લોક જાગૃતિ ઉભી કરવાનું મોટું કામ પણ ભાષાના માધ્યમથી જ શક્ય બને છે. “તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા” એ સૂત્ર વહેતુ કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝે અનેક નવલોહિયા યુવાનોને આઝાદહિંદ સેનામાં જોડ્યા હતા. મહાત્મા ગાંધીએ દાંડીકૂચની શરૂઆતમાં જ ઘોષણા કરી કે કાગડા-કૂતરાને મોતે મરીશ પરંતુ હિંદની આઝાદી સિવાય આશ્રમમાં પાછો આવીશ નહિ. ગાંધીજીની આ એક હાકલ ઉપર સમગ્ર દેશ જાગૃત થયો. લડવા તેમજ સહન કરવા તૈયાર થયો. સરદાર પટેલના બારડોલી સત્યાગ્રહના ભાષણો પણ સમગ્ર કિસાન તથા ગ્રામ્ય પરિવારોને ઢંઢોળનારો બન્યા. તળપદી વાણી તથા રસપ્રદ મુહાવરાના પ્રયોગોથી સમગ્ર બારડોલી પંથક એક બળવાન મહાસત્તા સામે યુદ્ધ કરવા સજ્જ થયો. આ બધા કારણોસર જ મહાત્મા ગાંધી તેમજ ગુરુદેવ ટાગોર માતૃભાષાના તો નિષ્ણાત હતા જ. મહાત્મા ગાંધી આફ્રિકામાં એક સફળ બેરિસ્ટર તરીકે ખુબ કમાયા. રવીન્દ્રનાથે પણ પોતાના જ કાવ્યોનું અંગ્રેજીમાં રૂપાંતર કરી ‘ગીતાંજલિ’ તૈયાર કર્યું. પોતાના એક મિત્રને ત્યાં ઈંગ્લેન્ડમાં કવિગુરુએ અનુવાદિત થયેલા ગીતાંજલિના પાઠોનું ભાવથી પઠન કયું. આ પઠન સાંભળીને એચ.જી.વેલ્સ અને એઝરા પાઉન્ડ જેવા વિદ્વતજનો પણ પ્રભાવિત થયા અને થોડા સમયમાં જ એક એશિયનને સૌ પ્રથમ સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. માતૃભાષા તેમજ વિદેશી ભાષાની પણ સરખી જ પકડને કારણે અનેક વિદ્વાનો જગતના સાહિત્યના ક્ષેત્રમાં પ્રકાશિત થયા. પહેલા જ સાહિત્યસંગ્રહને નોબેલ પુરસ્કાર મળે તે પણ અસાધારણ ઘટના ગણી શકાય. ગઈ સદીના દિગ્ગજ સર્જક કવિગુરુ ટાગોરની જન્મજયંતિ ૯ મે (જન્મ:-૯ મે ૧૮૬૧)ના રોજ આવે છે. અમદાવાદ શહેર સાથે જેમનો કિશોર અવસ્થાથી સંબંધ તથા સંપર્ક રહ્યો તેવા ગુરુદેવની પાવક સ્મૃતિ થવી સ્વાભાવિક છે.શાંતિનિકેતન તેમજ ‘વિશ્વભારતી’ને આર્થિક સહાય મળી રહે તેની સતત ચિંતા ગાંધીજીએ કરી હતી. કવિગુરુ જેવું મહાન વ્યક્તિત્વ નાણાંની ટહેલ લઈને નીકળે તે મહાત્મા ગાંધીને અયોગ્ય લાગતું ન હતું.
રવિન્દ્ર સંગીત એ પણ કવિગુરુની મોટી દેણગી છે. પોતાના ઘરના વાતાવરણમાંથી જ ગુરુદેવ ટાગોરને સંગીતનો જીવંત વારસો મળ્યો હતો. સંગીતને શીખવાની તેમજ જાણવાની આ કુટુંબપ્રથા બાળકો માટે સહજ શિક્ષણ જેવી હતી. કવિગુરુ ટાગોર પર બાઉલગાનની ઊંડી અસર હતી. ગામડાઓમાં ગવાતા બાઉલના ભજનો તેમને પસંદ પડતા હતા. નાવિકોની દૂર દૂરથી સંભળાતી ધૂનોએ તેમના મનોજગત પર કબ્જો કર્યો હતો. શાસ્ત્રીય સંગીત તેમજ લોકસંગીતનું મિશ્રણ કરીને ‘રવીન્દ્રસંગીત’નું નિર્માણ થયું. આપણાં સુગમ સંગીતની જેમ લોકોને રવિન્દ્ર સંગીતનું ઘણું આકર્ષણ હતું. વિશ્વ-વિખ્યાત ફિલ્મ સર્જક સત્યજિત રાયે પોતાની અનેક ફિલ્મોમાં રવિન્દ્ર સંગીતનો ઉપયોગ કર્યો. ગુજરાતમાં પણ આ રીતે જ લોકસંગીત તથા સુગમ સંગીતની ઘણી રચનાઓ લોક આદર પામી છે. રવીન્દ્રસંગીતની સફળતા તેની લોકભોગ્યતામાં છે. સામાન્ય રીતે મોટા ગજાના સર્જકો બાળ સાહિત્યમાં વ્યાપક યોગદાન આપી શકતા નથી. પરંતુ કવિગુરુ અહીં પણ એક અપવાદરૂપ કિમીયાગાર સર્જક બન્યા છે. ગુરુદેવના ભાભી જ્ઞાનદાનંદનીએ બાળ સામાયિક શરુ કર્યું હતું. તેમાં ગુરુદેવે અનેક બાળવાર્તાઓ લખી. ‘કાબુલીવાલા’ જેવી અમર વાર્તાનું પણ આ રીતે જ સર્જન થયું. ગુરુદેવના જીવનનો એક નવો વળાંક ૬૮ વર્ષની તેમની ઉંમરે આવ્યો. આ ઉંમરે તેમણે ચિત્રો દોરવાનું શરુ કર્યું. જીવનના છેલ્લા દસકામાં તેમણે અનેક ચિત્રોનું સર્જન કર્યું. ગુરુદેવ એક સર્જક તથા એક ચિત્રકાર તરીકે પણ ભારે લોકાદર પામ્યા છે.
વસંત ગઢવી
તા. ૧૫ એપ્રિલ ૨૦૨૪
Leave a comment