વાટે…ઘાટે:સંતવાણી: અલખધણીનીઉપાસનાનુંસબળમાધ્યમ:

  નારાયણ સ્વામીને યાદ કરતા જ એક ભિન્ન તથા પ્રભાવી શૈલીના દિગ્ગજ કલાધરનું દર્શન થાય છે. સંતવાણીના અનેક ધન્યનામ વાહકોમાં નારાયણ બાપુ જુદા તરી આવે છે.  નારાયણસ્વામીએ ભજનની પ્રાચીન પરંપરાની પુન: પ્રતિષ્ઠા સ્વબળે કરી છે. ભજનવાણી કે સંતવાણીના કાર્યક્રમમાં આટલા મોટા વિશાળ લોકસમુદાયની ઉપસ્થિતિ એ નારાયણસ્વામીની મજબૂત પ્રસ્તુતિની તેમજ વ્યાપક લોકપ્રિયતાની પ્રતિતિ કરાવે છે. રજૂઆતનો આવો દોર એ અગાઉ જોવા ન મળ્યો હોય તેવો હતો. નારાયણસ્વામીની શૈલિને દેશ તથા પરદેશમાં લોક સ્વીકૃતિની મહોર લાગી છે.

સંત સાહિત્યની જ્યારે અને જ્યાં વાત થાય ત્યાં આ ઉજળી તથા અડીખમ પ્રથાના અનેક પાસાના સહેજે દર્શન થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો આ ધારાના અનેક ધન્યનામ સર્જકો તેમજ વાહકો થઇ ગયા. ભજનગંગામાં ધર્મ છે પરંતુ તેમાં સંકીર્ણતા નથી. અલખ ધણીની આ ઉપાસનામાં આધ્યાત્મિક્તા સાથેજ ત્યાગ તેમજ પરગજુતાના ઉમદા ગુણોનું દર્શન થાય છે. અઘરું લાગતું વેદાન્તનું તત્વજ્ઞાન અહીં સહેજે સમજાય તેવી શૈલિ તથા શબ્દોમાં રજૂ થાય છે. ‘‘બહુરંગી ચુંદડી”  કે ભાતીગળ મેઘધનુષ્ય જેવી આ ધારા છે. ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ એ પરંપરા જાળવીને ભજન કરો અને ભોજન કરાવો એ પરંપરાને સંતવાણીના સાધકોએ કે સંતોએ જાળવી છે. આ સંદર્ભમાં ગોરખનાથજીનું એક ભજન ખૂબ લોકભોગ્ય થયું છે. 

બસ્તીમેં રહેના અબધૂ

માંગીને ખાના રે જી,

ટૂકડે મેં સે ટૂકડા કરી દેના

મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો

લાગી વેરાગી રામા,

જોયું મેં તો જાગી હો…જી…

સંત સાહિત્ય હોય કે બંગાળના બાઉલોનું સાહિત્ય હોય પરંતુ લોકજીવન પર તેનો વ્યાપક પ્રભાવ જોવા મળેલો છે. ગુરુદેવ ટાગોરની અમુક રચનાઓ પર બાઉલોની વાણીનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. ક્ષિતિમોહનસેને મધ્યયુગી સાધનાઓ તેમજ સાહિત્ય પર પ્રભાવક કામ કરેલું. નાવીકોના ગીતોના જુદાજ ઢાળની અસર સચિનદાની અમુક રચનાઓ પર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. મકરંદ દવે તથા સ્વામી આનંદ વચ્ચેના પત્રવ્યવહારમાં પણ અનેક સંતો – ભજનીકોની વાણીનો પ્રવાહ વણી લેવામાં આવ્યો છે. લગભગ ૧૫૦ થી વધારે સંતકવિઓ તથા સાત હજારથી વધુ ભજનોનું સંશોધન – સંપાદન તથા ધ્વનિમુદ્રણનું નોંધપાત્ર કામ ડૉ. નિરંજન રાજ્યગુરુએ કરેલું છે. આ વિશાળ ક્ષેત્રમાં જેટલું પણ કામ થાય તેટલું ઓછું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નંદસંત કવિઓ ઉપર પણ નજીકના ભૂતકાળમાં માધવપ્રિય સ્વામીએ મહત્વનું કામ કર્યું છે. કંઠસ્થ પરંપરાના બળુકા માધ્યમથી ભજનવાણી અવિરત વહેતી તથા પ્રસરતી રહી છે. જો કે ભજનના મૂળ મર્મને સમજીને તેને અસલી ઢાળમાં રજૂ કરી શકે તેવા ગણ્યાંગાંઠ્યા સાધકો જ રહ્યા છે. સમગ્ર ભજન સાહિત્યમાં    ‘શબદ’ નું મહત્વ તેમજ ‘શબદ’ નો મહીમા અનોખો છે. આ શબદના ઉપાસક નર-નારીઓનું અનુસંધાન નારાયણ સાથે થાય છે તે બાબત તેના મહીમાની પ્રતિતિ કરાવે છે. શબદ (શબ્દ) ક્યાંથી મળતો હશે ? શબદની ગતિ શી હશે ? આવા પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર કબીરસાહેબ જેવા સમર્થ સાધકે કરેલો છે જે સાંભળવા તથા સમજવા જેવો છે. 

શબ્દ કહાં સે ઉઠત હૈ,

કહાં જાત સમાઇ,

હાથ પાંવ જિનકો નહિ

ઉસે કૈસે પકડ્યો જાઇ.

શબ્દ નાભિસે ઉઠત હૈ

શૂન્યમેં જાત સમાઇ,

હાથ – પાંવ વાકો નહિ,

ઉસે સુરતાસે પકડ્યો જાઇ.

મન-વચન અને કર્મના સંયુક્ત બળથી ભજન સાધનાના સંતોએ આ પરંપરાની મશાલ જીવંત તેમજ ઝળહળતી રાખી છે. નારાયણસ્વામી જેવા વર્તમાન કાળના સાધક આ ઉજળી પરંપરાની મજબૂત કડી સમાન છે. 

સંત હરિહરાનંદજી સાથેનો પૂર્વાશ્રમના તરુણ શક્તિદાનનો પરિચય ૧૯૪૯માં થયો હોવાનું નોંધાયું છે. પ્રથમ પરિચયેજ બન્નેને એકબીજા તરફ એક વિશેષ ભાવ થયો. ‘‘આગુની ઓળખાણ”  હોય તેવી પ્રતિતિ થઇ. પ્રથમ દર્શનેજ થતો આદરભાવ એ આપણાં માનસ પર સ્થાયી તથા ઊંડી અસર છોડી જાય છે. આવી અસર ઘણાં કિસ્સાઓમાં જીવન પરિવર્તન પણ કરાવે છે. નરેન્દ્ર નામના તરુણને પહેલીજ મુલાકાતમાં સ્વામી રામકૃષ્ણ દેવ પાસેથી પોતાના ખુબ લાંબા સમયથી અનુત્તર રહેલા પ્રશ્નનો જવાબ મળી રહે છે. ત્યારબાદ આ યુવાન નરેન્દ્રમાંથી વિવેકાનંદ બનીને દેશનું અધ્યાત્મ પંથે માર્ગદર્શન કરે છે. કેટલીક આશંકાઓ તથા પ્રશ્નો સાથે ખાણ-રાજસ્થાનના સમર્થ તથા વિદ્વાન રાજ્યકવિ લાડુદાનજી શ્રીજી મહારાજને મળે છે. પ્રથમ મુલાકાતની જાદુઇ અસરથી તમામ વૈભવ છોડી લાડુદાન બ્રહ્માનંદ સ્વામીનું સ્વરૂપ ધારણ કરે છે. જેઓ આજે પણ તેમના અદ્દભૂત કીર્તનો થકી જીવંત છે. અહીં હરિહરાનંદબાપુના સંપર્કમાં આવતાંજ તરુણ શક્તિદાનને વિશેષ ખેંચાણ થાય છે. ‘‘આ છોકરો ભજન બહુ સારા બોલે છે.’’ કોઇએ બાપુને શક્તિદાનનો પરિચય આપતા કહ્યું. ચારણનું ખોળિયું અને સંતની ચેતનાએ ચમત્કાર કર્યો. ત્રણ ચાર ભજનો તેમણે બાપુને સંભળાવ્યા. બાપુ જ્ઞાની હોવા ઉપરાંત મર્મજ્ઞ પણ છે. તરતજ શક્તિદાનને સરધાર આવવા નિમંત્રણ મળ્યું. આ એક ગેબી આદેશ હતો. કદાચ કુદરતની કોઇ યોજના હતી. સરધારના સન્યાસ આશ્રમમાં શિવને રીઝવવા શક્તિદાન પોતાની તમામ સૂઝ તેમજ શક્તિથી ગાવા લાગ્યા. સાધુ – સંતો તો નારાયણના સ્વરને સાંભળી પ્રસન્ન થયાજ.  જીવનભર શિવ ઉપાસનાના અનેક ભજનો નારાયણના કંઠે જીવંત રહ્યાં અને વિશાળ લોક સમુહને ભક્તિભાવમાં ખેંચતા રહ્યાં. 

કૈલાસ કે નિવાસી નમું

બારબાર હું, આયો શરણ

તીહારે પ્રભુ તારતાર તું. (કવિ દાદ)

સાંસારિક વ્યવહારો વચ્ચે અલખની આરાધનાના આ ભાવતા ઉપક્રમો શક્તિદાને ચાલુ રાખ્યા. ‘‘માહી પડ્યા તે મહાસુખ માણે” જેવી આ સ્થિતિ હતી. તેમાંથી બહાર નીકળવાની ઇચ્છા કે માર્ગ હવે સાંકડા થતા જતા હતા. આજ કુદરતી સંકેત હતો. વિધિ નિર્માણ હતું. હરિહરાનંદજીના આગ્રહથી તેમજ માતાપિતાની ઇચ્છાના પગલે યુવાન શક્તિદાને પ્રભુતામાં પગલા માંડ્યા. જો કે સંતવાણીમાં ઊંડા ઉતરનાર આ સાધક સાંસારિક વ્યવહારોથી વેગળા રહ્યાં.

વસંત ગઢવી

તા. ૧૨ એપ્રિલ ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑