ભાઈ શૈલેષ ગઢવીનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘થોડા ઘણાં કબૂતર’ પ્રગટ થવા જઈ રહ્યો છે ત્યારે તેમને શુભકામનાઓ પાઠવવાનું મન થાય છે. કવિને કાવ્યો લખવાની કે લખીને સત્વરે પ્રસિદ્ધ કરવાની મહેચ્છા નથી. “દહીં રોટલી ખાઈને મોટા થનારાં” કવિ કેટલીક જગાએ સ્વ સાથે સંવાદ કરતા હોય તેવી પ્રતીતિ થાય છે. મેંદરડા તાલુકાના ઐતિહાસિક ગામ દાત્રાણામાં મોસાળમાં રહીને પ્રાથમિક શાળાનો અભ્યાસ કવિએ પૂરો કર્યો છે. મેંદરડા એટલે ગીરની સૌંદર્યવાન ધરતીનો ઓછાયો ઓઢીને ઉભેલો વિસ્તાર છે. ગીરની વનરાઈ અને તેનું પ્રકૃતિ સૌંદર્ય અકવિને પણ કવિકર્મ કરવા પ્રેરણા આપે તેવું છે. ગીરની હિરણ નદીના સૌંદર્ય પર વારી જનારા કવિ દાદ યાદ આવે છે. ગિરનાર તથા તેની ઐતિહાસિક તળેટીને કેન્દ્રમાં રાખી સુંદર રચનાઓ કરનાર કવિ રાજેન્દ્ર શુક્લ તથા મનોજ ખંડેરિયા પણ સ્મૃતિમાં આવે. સૌંદર્ય માણવું એ મહત્વની વાત છે. સૌંદર્ય પામવું એ પણ જીવનને હર્યું ભર્યું કરે છે. પરંતુ સૌંદર્યનું સર્જન કરવું એ થોડા લોકો કરી શકે છે. ભાઈ શૈલેષ પોતાના પ્રથમ સંગ્રહના માધ્યમથી સૌંદર્યનું પાન કાવ્યોના માધ્યમથી સર્જન કરીને કરાવનારા સમૃદ્ધ કવિઓની હરોળમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. કવિ પોતે એક શિક્ષક છે. શિક્ષક એ હંમેશા ઘડતરની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. કુમળા બાળ માનસની ઘડતરની આ પ્રક્રિયા સ્થિર છે. શાંત પણ છે. પરંતુ લાંબાગાળાની અસર ઉભી કરનાર એવી આ પ્રક્રિયા છે. એક શિક્ષકની તેમજ એક રસને માણનારા રસગ્નની કળા કવિની અનેક પંક્તિઓમાં ઝળકી જાય છે.
છે દ્રશ્ય વાંચવાની મને ટેવ એટલે
કોઈ કિતાબનીય જરૂરત નથી મને.
ઓજાર નથી કોઈ હજી હાથ લીધેલું
આંખોથી પ્રણય શિલ્પ કોરી બતાવું.
જો સમંદરમાં સાચ્ચે જ હો જળપરી,
તો પછી ડૂબતા કોઈ સંકટ નથી.
કવિ શૈલેષ ૧૯૧૬થી ગઝલ સર્જનના ક્ષેત્રમાં સક્રિય છે. ગુજરાતી ભાષાના સુવિખ્યાત સામયિકો જેવા કે નવનીત, સમર્પણ, કુમાર, કવિલોક, શબ્દસૃષ્ટિ તથા અખંડઆનંદમાં તેમની ગઝલો પ્રકાશિત થતી રહે છે. ‘નવનીત સમર્પણ’ તરફથી કવિની બે રચનાઓને પારિતોષિક પણ એનાયત થયું છે. સામાન્ય રીતે ગઝલો લખવી તથા તેના છંદોના માળખાની મર્યાદામાં લખવી તે નાની વાત નથી. કવિએ પ્રથમથી જ ગઝલની આ સમૃદ્ધ સૃષ્ટિ ઉપર હાથ અજમાવ્યો છે. ગઝલોમાં એક અભ્યાસુ શિક્ષકના ગુણો અને કવિની કલ્પનાઓના સુંદર તાણાંવાણાં જોડાયેલા છે. આપણે ત્યાં મહાજન પરંપરાનું મહત્વ છે. સમાજ પર આ પરંપરાનું વર્ચસ્વ પણ છે. શાસ્ત્રોના વચનો ગહન છે. અનેક વખત સમજવા દુષ્કર પણ છે. આથી મહાજન જે માર્ગે ચાલે તેને અનુસરવાની સલાહ છે. (મહાજનો યેન ગત: સ પંથા) સમાજની જો આ વિચારધારા હોય તો મહાજનોની એક વિશેષ જવાબદારી બની જાય છે. આથી મહાજનો માટે એક સાવચેતીનો સુર કવિ ઉચ્ચારે છે. આ વાત સમજવા જેવી છે. કવિ લખે છે.
સાવચેતીથી ચાલો મહાજન જરા,
આપની ચાલ પર નાત ચાલી રહી.
આપણે ત્યાં કેટલાક લોકો ધર્મભીરુ હોય છે. તેઓ કોઈક સમયે દાન કરે કે પરોપકારનું કામ તો કરે છે. પરંતુ આમ કરવા પાછળ કોઈ ઉમદા કાર્યો કરવાની વિચારસરણી નથી હોતી. આવું ઉમદા કાર્ય કરવાની મહેચ્છા તેમના દિલમાં ઉગી નથી હોતી. ઈશ્વરનો ખોફ છે. કદાચ આ કુદરતના ખોફથી પોતાનું અનિચ્છ પણ થાય. આવી મનોદશાને કારણે કોઈને મદદ કરનાર માટે કવિ લખે છે કે આવું ડરથી કરેલું કૃત્ય કરવામાં કોઈ અમીરાત નથી. હૈયાની વિશાળતા પણ નથી. કવિ લખે છે:
ઈશ્વરથી ડરી બે’ક ગરીબોને કરે દાન,
એમાંય નથી હોતી અમીરાઈ કોઈવાર.
આ સૃષ્ટિની સમગ્ર ઘટમાળ એક નિશ્ચિત પ્રક્રિયાથી ચાલે છે. સમુદ્રના અગાધ જળરાશી તેના ક્રમ પ્રમાણે ભરતી ઓટમાં સહજ રીતે જોડાયેલા રહે છે. ચંદ્રની વિવિધ કળાઓ પણ અનંત આકાશમાં પોતાના વિવિધ સ્વરૂપોથી રાત્રીઓને શણગારે છે. વધ-ઘટની કે ઉગવા-આથમવાની આ પ્રક્રિયા નિરંતર છે. સાહજિક પણ છે. આ વિશાળ સંદર્ભમાં જોઈએ તો કવિના એક શેરમાં ફૂલોને જો વાચા પ્રગટે તો શું કહેશે તેની સુંદર કલ્પના છે. સ્વાભાવિક છે કે પુષ્પોને ખરવાનો ડર નથી. કુદરતની આ સમગ્ર પરિવર્તનના ચક્રને સમજાવતા કવિ દુલા ભાયા કાગે સુંદર પંક્તિઓ લખી છે. આ કાવ્યની પંક્તિઓ તળાવ કે સરોવરના જળને સંબોધીને લખવામાં આવી છે. કવિ આ જળને કહે છે કે તમારા જીવનની કૃતાર્થતા નવા જળને આવકારવામાં છે. તમે સ્વંય પણ આ ઘટમાળના ભાગ તરીકે સૂર્યના વિશાળ ચૂલે ચડીને ઉદ્યવર્ગમન કરશો. તમારું સ્થાન ખાલી કરશો. પરંતુ અંતે તો તમે ફરી વાદળીનું મનોહર સ્વરૂપ ધારણ કરીને કાળના નિયત ક્રમે મેઘ બનીને વરસી જશો અને પુનઃ તમને પ્રિય એવા સરોવરમાં સ્થાન મેળવશો. કવિ કાગ લખે છે:
નીર નવાને સ્થાન તમારું
સોંપી સાગરને મળજો,
સૂર્ય તણે ચૂલે સળગીને
કાગ ફરીથી આવી જજો.
પ્રકૃતિના આ તમામ તત્વોને જીવન પરિવર્તનના ઉતાર કે ચઢાવનો ભય નથી. ખરીને લુપ્ત થવાનો પણ તેમને ભય નથી. તે બાબત તેમને સાહજિક લાગે છે. ભાઈ શૈલેષનો એક શેર આ વાતને સુંદર રીતે રજુ કરે છે. કવિ લખે છે;
જો ચૂંટાયેલા ફૂલોને ફૂટે વાચા ઘડીભર તો,
એ કહેશે ડાળથી ખરવું બહુ આસાન લાગે છે !
કવિના પ્રથમ ગઝલ સંગ્રહનું નામાભિધાન પણ સુંદર છે. ‘થોડા ઘણાં કબૂતર’ એ થોડામાં ઘણું કહી જાય તેવું શીર્ષક છે. કબૂતર એ નિર્દોષતા તેમજ ભોળપણનું પ્રતીક છે. આજની પ્રમાણમાં વિષમ કહી શકાય તેવી વૈશ્વિક સ્થિતિમાં ફરી ભોળપણ તથા સંવાદના પ્રદેશમાં પગલાં માંડવાની જરુતિયાત છે તથા સામુહિક જવાબદારી પણ છે. આશા રાખીએ કે કવિના આ શબ્દપુષ્પોને સાહિત્ય પ્રેમીઓ ઉમળકાભેર વધાવશે.
વસંત ગઢવી
તા. ૨૬ માર્ચ ૨૦૨૪
Leave a comment