ક્ષણના ચણીબોર:”મજાદર(કાગધામ)માકાગોત્સવનીરજતજયંતીનોગૌરવશાળીપ્રસંગ”

 મજાદરમાં પૂજ્ય ભગતબાપુની પુણ્યતિથિએ યોજાતો પ્રસંગ પૂજ્ય મોરારીબાપુની હૂંફ તથા કાગ પરિવારની ઉજળી મહેમાનગતિને કારણે સ્થાયી તેમજ સંસ્થાગત પ્રયાસ જેવો થયો છે. “કાગના ફળિયે કાગની વાતું” ગુજરાત અને રાજસ્થાનના અનેક સાહિત્ય પ્રેમીઓમાં જાણીતો તથા માનીતો પ્રસંગ થયો છે. મજાદર કે જેને લોકલાગણીના કારણે ‘કાગધામ’ નામ આપવામાં આવ્યું છે તે સમગ્ર ગામનો ઉત્સાહ આ પ્રસંગની ખરી શોભા છે. આ વર્ષે કાગધામનો આ રૂડો પ્રસંગ તા. ૧૩ માર્ચ ૨૦૨૪ના રોજ ઉજવવાનું સુંદર આયોજન થયું છે. છેક ૧૯૯૯થી સળંગ ઉજવાતો આ પ્રસંગ પ્રદેશની શોભા છે. મોરારીબાપુના કાગ પરિવાર પ્રત્યેના સ્નેહનું પણ તેમાં પવિત્ર દર્શન થાય છે. રામભાઈ કાગ ઓચિંતા જ વિદાય થયા. તેમની સ્મૃતિ જરૂર થાય. સંતોષ એ વાતનો છે કે ભગતબાપુ તથા રામભાઈ બંનેની પ્રસન્નતા મળે તેવા સુંદર આયોજન અઢી દાયકાથી થાય છે. બીજી માર્ચ ૧૯૯૮ના દિવસે ભાવનગર જિલ્લાના મહુવામાં ‘કાગઓચ્છવ’ થયો હતો તેની પણ મનમાં પુનઃ સ્મૃતિ થાય છે. વિનુભાઈ મહેતા (મુંબઈ) તથા મનુભાઈ ગઢવી(મુંબઈ)ના સક્રિય પ્રયાસો થકી ૧૯૯૮માં કાગઓચ્છવનું યાદગાર આયોજન થયું હતું. ભજન સમ્રાટ નારાયણ સ્વામી તથા પંકજ ઉધાસ અને કવિ દાદ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. મોરારીબાપુના હસ્તે પ્રતિમાનું અનાવરણ થયું હતું. કવિ દુલા ભાયા કાગને સમાજ ભગતબાપુના નામથી ઓળખે છે. બાપુના પદો આજે પણ દેશ-વિદેશમાં અનેક સ્થળોએ આદરભાવ સાથે ગવાય છે. લોકો આ રચનાઓ માણે છે. ભગતબાપુની પ્રતિમાઓ ઉચિત સ્થળે મુકવામાં સ્થાનિક વહીવટીતંત્રોએ પણ સક્રિયતા દાખવી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં તથા ભાવનગર શહેરમાં બાપુની પ્રતિમાઓ મુકવામાં આવી છે. ભગતબાપુની ૪૭મી પુણ્યતિથિની ઉજવણીના ભાગ તરીકે દરેક વર્ષની જેમ પાંચ વિદ્વાન સાહિત્યકારોને કાગ એવોર્ડ પણ આપવામાં આવશે. આ વખતે પસંદ થયેલા પાંચ ધન્યનામ લોકોમાં મનુભાઈ જોધાણી(મરણોત્તર), દેવરાજભાઇ ગઢવી(ઉપલેટા), રાજુલ દવે(રાજકોટ), ગિરધરદાન રત્નુ(રાજસ્થાન) તથા લાખણશીભાઈ ગઢવી(જૂનાગઢ)નો સમાવેશ થાય છે. કોઈપણ કવિની સ્મૃતિમાં નિયમિત તથા ચોક્કસ સ્વરૂપમાં આવા કાર્યક્રમો થાય તે સમગ્ર સાહિત્ય જગતની શોભા વધારનારા છે. ગુજરાતના અનેક ચારણી સાહિત્યના તેમજ લોકસાહિત્યના કલાધરોને પ્રથમ કાગ એવોર્ડ અપાતા હતા. હવે તેમાં રાજસ્થાનના કલામર્મજ્ઞોનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. પૂજ્ય મોરારીબાપુના હસ્તે કવિ કાગની ભૂમિમાં આવો એવોર્ડ સ્વીકારવો તે એવોર્ડ સ્વીકારનારા માટે પણ જીવનભરની સ્મૃતિ તથા ગૌરવ બની રહે છે. જેમને એવોર્ડ આપવામાં આવે છે તે દરેકનું યોગદાન મહત્વનું હોય છે. આ બાબતની સંપૂર્ણ વિવેક સાથે સ્વીકૃતિ એ આ કાગોત્સવની રળીયામણી શોભા છે. ૨૦૨૪માં પણ જેમને એવોર્ડ આપવામાં આવ્યા છે તે સૌ સુપરિચિત તથા પ્રતિષ્ઠિત નામો છે. આ બધા સાહિત્યકારોનું પ્રદાન મહત્વનું છે.  

              કાગ કહેતા જ એક યુગના સમર્થ સર્જકનું ચિત્ર મનમાં આપોઆપ ઉગે છે. અનેક પ્રકારની રચનાઓ કરી શુભ તત્વના ગુણગાન ગાયા. કવિએ રાજદરબારમાં જવાના બદલે લોકદરબારમાં જવાનું પસંદ કર્યું. ગાંધીજીને આપણી લોકભાષામાં ઉતાર્યા. હરિપુરા કોંગ્રેસના અધિવેશનમાં “મોભીડ઼ો મારો સો સો વાતુંનો જાણનારો” એ રચનાને લોકોએ વધાવી. જે લોકો પ્રવાહ સાથે ચાલે છે તે લોકસ્મૃતિમાં લાબું ટકતા નથી. જે લોકો પ્રવાહ સામે ચાલીને પણ પોતાના મતને વળગી રહે છે તે લોકો ખરા અર્થમાં લોકાદર પામે છે. બ્રિટિશ સત્તાના પ્રભાવનો પ્રવાહ અતિ વેગવાન હતો. દૂર દૂર સુધી પણ દેશને મુક્તિ મળશે તેના અણસાર ન હતા. આવા કપરા સમયમાં પણ ગાંધીજી તથા લોકમાન્ય તિલક જેવા મરજીવાઓએ બ્રિટિશ સત્તા સામે દેશની મુક્તિ માટેનો જંગ છેડ્યો હતો. આ રીતે કવિ દુલા ભાયા કાગ પણ ચીલો ચાતરીને ચાલનારા મોટા ગજાના માનવી હતા. કવિ કાગને લોકો આદરથી ભગતબાપુ કહેતા હતા. ભગતબાપુનું એક મહત્વનું યોગદાન ભૂદાન આંદોલનના પ્રચાર-પ્રસારમાં પણ હતું. રવિશંકર મહારાજના રંગે કવિ રંગાયા હતા.

                     ભગતબાપુના અનેક કાવ્યો, છંદો તેમજ ભજનો પ્રસિદ્ધ થયા છે. ભગતબાપુ કાવ્યો ઉપરાંત ‘બાવન ફૂલડાંનો બાગ’મા સુંદર વિચારો પણ જગતના ખોળામાં મુખ્ય છે. ‘ઉર્મિનવરચના’ના ઓક્ટોબર-નવેમ્બર-૧૯૬૮ના અંકમાં ભગતબાપુએ પ્રગટ કરેલા કેટલાક વિચારો ગદ્યના ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે. લોકસાહિત્ય એટલે શું તેની વાત ઉપરોક્ત લેખમાં સ્પષ્ટ કરવા માટે બાપુએ થોડામાં ઘણું કહ્યું છે. ભગતબાપુએ લખ્યું છે કે લોકસાહિત્ય બાબતમાં ભિન્ન ભિન્ન લોકો જુદા જુદા અભિપ્રાય આપે છે. કોઈ કહે છે લોકસાહિત્ય એટલે રાસ તથા ગરબા. કોઈ વળી ભજન-કીર્તનને લોકસાહિત્ય ગણે છે. અમુક લોકો દોહાને લોકસાહિત્ય કહે છે: પરંતુ આ બધાથી લોકસાહિત્ય અલગ છે. “ભાવ-ભક્તિ તથા વેદનાના કાંટે જેના જીવતર તોળાણાં હોય તે જ સાચો સાહિત્યકાર” લોકસાહિત્યની એક મહત્વની ઓળખ ભગતબાપુની કલમથી પ્રગટ થઇ છે.

                   ભગતબાપુની દ્રષ્ટિ સમાજના દુભાયેલા તથા દુખિયારા વર્ગો તરફ વિશેષ ગઈ છે. માછીમાર તથા ખારવા કોમની જીવનની વિષમતાઓ બાપુએ તથા મેઘાણીભાઇએ સાથે પ્રવાસ કરીને નિહાળી છે. અનુભવી છે. વૈશાખના ધોમધખતા તાપમાં કોઈ કેરી વેચનારો નીકળે છે. ફેરિયો છે. લાંબા તથા ઊંચા અવાજે કેરી લેવા ઝુંપડા કે ઘરોમાં બેઠેલા લોકોને લલચાવે છે. ખારવા કોમની યુવાન પુત્રવધુ ફેરિયાનો અવાજ સાંભળી મનોમન વિચાર કરે છે. આ વિચારમાં એકલતાની વેદના છે.

સખી, વૈશાખે વળિયા વન,

આંખે કેરી આવિયું રે.

સૌ કોઈ ઘોળે આંખલિયાની શાખ,

પણ અમારે ઘોળાવા વિખડાં રે…

                     લગ્ન જીવનને એક વર્ષ પણ પૂરું થાય તે પહેલાં એકલતા ભોગવવાનું આ ખારવણ બહેનના નસીબમાં લખાયેલું છે. એકલતા એ જીવનમાં અકથ્ય એવી વેદનાને જન્મ આપનારી છે.

સખી જેના પરણ્યા ચડ્યા

હોય વહાણે,

નવીન ચીજું ન ચાખીએ રે,

એવી કરીએ ભોંયે પથારી

માથામાં તેલ ન નાખીએ રે.

                આપણા શાસ્ત્રોમાં તથા ઇતિહાસમાં અનેક સતીઓના જીવનના ઉજળા દર્શન કરાવવામાં આવ્યા છે. મહેનત મજૂરી કરીને જીવનની કડવી વાસ્તવિકતાઓને પચાવી જતી આ બહેનોના ચરિત્ર પણ ઊજળાં છે.

વસંત ગઢવી

તા. ૨ માર્ચ ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑