:મઢડામહોત્સવએટલેશતાબ્દીનુંગિરિશૃંગઃ

   મઢડાનો શતાબ્દી મહોત્સવ જે જે કલ્પનાઓ કરી હતી તેનાથી પણ ભવ્ય થયો. જે જે સમસ્યાઓનો વિચાર કર્યો હતો. તે તમામ પ્રશ્નો જાણે કે આપોઆપ ઉકેલાઈ ગયા. સમગ્ર કાર્યક્રમને સૌરાષ્ટ્ર-ગુજરાતના સમાચાર પત્રો તેમ જ ટીવી ચેનલોએ ખુબ સારી રીતે પ્રસિદ્ધ કર્યા હતા. એક સ્વજને કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ મઢડા મહોત્સવ દરમિયાન તાજી કરાવી.

આ અહીં આવ્યા પછી

એટલું સમજાય છે,

કોઈ કંઈ કરતું નથી

આ બધું તો થાય છે.

                   અસંખ્ય યુવાનોની રાતદિવસની મહેનત તેમ જ કોઈ દૈવીતત્વની પ્રેરણાના પ્રતાપે તમામ વ્યવસ્થાઓ સમયસર તથા ધારણા મુજબ થઇ જતી હતી. પદ્મશ્રી ભીખુદાનભાઈએ સરસ વાત કરતાં કહ્યું કે આ ત્રણ દિવસમાં કોઈને ઠેસ પણ આવી નથી ! આઈ સોનલની કેવી અમીદ્રષ્ટિ છે તેનો ભાવ તમામ લોકોના મનમાં સતત રહેતો હતો. ‘કરુણાને ઉજળે કાંઠે’ સ્થિર થઈને મા સોનલના ખમકારા સર્વ સમાજ માટે અંતરના આશીર્વાદ વરસાવતા હતા. ભગતબાપુના શબ્દો સ્મૃતિમાં આવે છે.

માડી ! તું તો કરુણાના

ઉજળે કાંઠે, ઝબૂકી જ્યોત

જોગણી રે…જી…

માડી તારા ખમકારા ગગને

ગાઝયા, પાણીમાં અંજવાળા

પડ્યા રે…જી…

           કાર્યક્રમનો શુભારંભ કરાવતા સંતવર્ય પૂજ્ય મોરારીબાપુએ કહ્યું કે આજે પણ અહીં આઈ સોનલની દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે. બાપુએ ઉમેર્યું કે ભગતબાપુ તથા મેરૂભાની ચેતના પણ આજે અહીં અનુભવી શકાય છે. પૂજ્ય બનુમાની સ્મૃતિ તથા આત્મબળ સૌના પ્રયાસોમાં પ્રાણ ફૂંકતા હોય તેમ લાગે છે. જગદંબાઓની ઉજળી પરંપરામાં આપણી શ્રદ્ધા વિશેષ દ્રઢ બની છે. આ પરંપરાની વિવિધ ચેતનાઓના આશીર્વાદ થકી જ આપણાં સંસ્કાર ટક્યા છે. શિક્ષણનો વ્યાપ થયો છે. પૂજ્ય આઈ સોનલની વિદાય પછી પૂજ્ય બનુમા  મશાલ ધારણ કરીને ઉન્નત મસ્તકે શોભાયમાન રહ્યા. મઢડામાં કેન્દ્રસ્થાને રહીને તેમણે મંદિરનું નિર્માણ કર્યું. પૂજ્ય બનુમાનો બાળસહજ નિર્દોષ તથા સરળ સ્વભાવ આજે પણ સૌની સ્મૃતિમાં અકબંધ છે. 

         પૂજ્ય આઈમાની હયાતીમાં પણ મઢડા એક તીર્થ સમાન હતું. આઈમાની અણધારી વિદાય પછી આ તિર્થસ્થાનનો મહિમા અનેક ગણો વધ્યો છે. પૂ. કંચનમા તથા ગિરીશઆપા તરફથી સમગ્ર અતિથિઓ માટે ભોજન ઈત્યાદિની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ‘દેવી છે દયાળી જેના થાનકે મળે છે થાળી’ એ બળદેવભાઈ નરેલાની કાવ્યપંક્તિઓના શબ્દો અહીં વ્યવહારમાં જોવા મળતા હતા.

                            મઢડાના શતાબ્દી મહોત્સવમાં અનેક સમાજના તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તેઓએ પૂ. આઈમા તરફનો પોતાનો અંતરનો ભાવ પ્રગટ કર્યો. પૂજ્ય મોરારિબાપુનો એક વિશેષ સ્નેહ આપણાં તરફ હંમેશા રહ્યો છે. બાપુએ ઉપસ્થિત રહીને પોતાના શબ્દપુષ્પોથી પૂ. આઈમા તેમજ સમગ્ર આઈ પરંપરાની ભાવવંદના કરી. બાપુએ ભાવથી સૂચન કર્યું કે સમગ્ર મઢડા ગામની સંમતિ હોય તો મઢડાને સોનલધામ નામ આપવા માટે સમાજની સંસ્થાઓએ પ્રયાસ કરવો જોઈએ. હાજર રહેલા સૌએ બાપુનો આ પ્રસ્તાવ ભારે હર્ષોલ્લાસ સાથે આવકાર્યો હતો. હાજર રહેલા તથા કાર્યક્રમને ઓનલાઇન જોનારા સૌ માટે એ ગૌરવની પળ હતી કે જયારે જગતગુરુ શંકરાચાર્યના પ્રતિનિધિ પણ માના મહોત્સવમાં ભાવથી આવ્યા હતા. સમાજ વિશે બોલતા તેમણે મઢડાવાળી માતાના પ્રતાપે થયેલી પ્રગતિ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. ચારણ સમાજના ઉજળા ઇતિહાસ બાબત તેમણે વિગતે વાત કરી હતી. તેમના આવા ઉદ્દબોધનથી આપણા ઉજળા પૂર્વજોનું યથોચિત તર્પણ થયું હતું.

                         વરિષ્ઠ સંત પૂજ્ય સચ્ચિદાનંદજી (દંતાલી)ના સ્નેહથી સમાજના સૌ લોકો ખુબ પ્રભાવિત થયા. જીવનની શતાબ્દીની સફર હવે થોડા વર્ષોમાં જ પુરી થવાની છે ત્યારે જૈફ ઉંમર તથા નાદુરસ્ત તબિયત હોવા છતાં સચ્ચિદાનંદજી હાજર રહ્યા. “મારે મઢડા આવવું જ છે” તે વચન સચ્ચિદાનંદજીએ ગિરીશભાઈને આપ્યું હતું. અનેક શારીરિક કષ્ટ સહન કરીને પણ સ્વામી હાજર રહ્યા તે જગદંબાની કૃપા છે. તેમના પ્રવચનમાં તેમણે ચારણ સમાજના ગૌરવશાળી કાર્યો તેમજ ઉજળી આઈ પરંપરાને અંતરના ભાવ સાથે બિરદાવી. મહારાજનું સમગ્ર પ્રવચન કુટુંબના એક મોભીને છાજે તેવું સ્નેહાળ તથા ધારદાર હતું. ધર્મબંધુજી મહારાજ (પ્રાંસલા) ઘણાં વ્યસ્ત હોવા છતાં આઈમાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા હાજર રહ્યા. જીગ્નેશદાદા અને સતાધારના મહંત સાહેબની હાજરી પણ સંતસભાના સમગ્ર કાર્યક્રમની શોભારૂપ ઘટનાઓ હતી. પાલુભગત તો આપણાં ઘર દીવડા જેવા છે. અસાધારણ સર્જનશક્તિ એ પાલુભગતની ખરી ઓળખ છે. BAPS ના પણ વરિષ્ઠ સંતો ખુબ જ ભાવથી હાજર રહ્યા. તેઓ પણ પૂ. મહંતસ્વામીનો શુભેચ્છા સંદેશ તથા પ્રસાદીનો હાર લઈને આવ્યા હતા. પૂ. આઈમાએ જે સામાજિક સુધારણાના કાર્યો કર્યા તે બાબતનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો. અનેક નાની મોટી પવિત્ર જગાઓના સંતો-મહંતો આવ્યા હતા. સદ્ભાગ્યે એ દરેકના ફરી દર્શન કરી શકાય તથા તેમની વાણીનો પ્રસાદ લઇ શકાય તે માટે સુઆયોજિત ઓડિયો-વિડીયો ડોક્યુમેન્ટેશન થયું છે. આથી આ સમગ્ર ઉપક્રમનો લાભ આપણી ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચી શકે તેમ છે. અનેક પ્રશ્નોનું સમાધાન સમ્મેલન પહેલાની ચર્ચા-વિચારણામાં દેખાતું ન હતું. આયોજકો તથા અનેક સહયોગીઓ પણ થોડી ચિંતામાં હતા. કેમ થાશે? તેવો ભાવ કેટલાકના મનમાં હતો. આ તમામ પ્રશ્નો જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ ઉકેલી આપ્યા હોય તેમ સતત લાગતું રહેતું હતું. અનેક લોકોએ કરેલી મહેનત તથા પ્રયાસોને જાણે કે આઈમાના આશીર્વાદ હતા.

                          રાજકીય તથા સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ હાજર રહ્યા. તેઓ સૌ પૂજ્ય આઈમાનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે તેમજ સમાજના સૌ સભ્યોના મિલન માટે હાજર રહ્યા હતા. કચ્છના લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા છેક કચ્છથી લાંબી મુસાફરી કરીને આવ્યા હતા. માનનીય શ્રી શક્તિસિંહજી ગોહિલ તેમજ માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા પણ પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢીને મઢડા આવ્યા હતા. લગભગ દરેક રાજકીય પક્ષોએ આપણાં સમાજ માટે આદર તેમજ એકત્વનો ભાવ દિલથી વ્યક્ત કર્યો હતો. અહીં તમામ રાજકિય પક્ષો માતાજીની ભાવ-વંદના કરવા આપમેળે હાજર રહ્યા હતા. જિલ્લાના તેમ જ આસપાસના તાલુકાઓના મોટાભાગના હોદ્દેદારો હાજર હતા.

       પૂ. આઈમાના શતાબ્દી મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ આપવા ગીરીશભાઈ તથા સમાજના કેટલાક અગ્રણીઓ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીને મળવા ગાંધીનગર ગયા હતા. સામાન્ય રીતે ગવર્નર હાઉસનું વહીવટી તંત્ર ગવર્નરશ્રીની કોઈ મુલાકાત નક્કી કરે ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ અનેક બાબતોની ચકાસણી કરીને જ માનનીય રાજ્યપાલશ્રીનો કાર્યક્રમ નક્કી કરે છે. મઢડા આવવાના કાર્યક્રમ માટે થોડી પૂછપરછ તથા વિગતો મેળવીને રાજ્યપાલશ્રીએ મઢડા આવવાનું સ્વીકાર્યું એ ઓછી બને તેવી ઘટના છે. સમગ્ર શતાબ્દી વર્ષના આવા અનેક અનુભવો ગીરીશભાઈ તેમજ તેમની કામ કરતી ટીમને થયા છે. અહીં જ જાગતી જ્યોતિ સમાન માની કૃપાનો પુરેપુરો અણસાર મળે છે. સમગ્ર કાર્યક્રમને એક અલગ જ ઉઠાવ આપે તેવું પ્રવચન દેશના પ્રધાનમંત્રીશ્રીએ કર્યું તે તો સમગ્ર આયોજનને એક વિશેષ ગરિમા આપે તેવું હતું. પૂજ્ય સોનલઆઈમાની સામાજિક નિસ્બતની વાત આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે વિસ્તૃત તથા પ્રભાવી શબ્દોમાં કરી હતી. પોતાની વિધ્વતાના બળે પદમશ્રી પ્રાપ્ત કરનાર આપણાં ગૌરવવંતા મહાનુભાવોના અંતરના ઉમળકાથી વધામણાં કરવામાં આવ્યા હતા. ઓમકારસિંહજી લખાવતે જગદંબાની કૃપા તથા તેમના યોગદાન બાબતે વિગતવાર વાતો કરી હતી. સી. પી. દેવલ સાહેબ તેમજ ભીખુદાનભાઈએ માના ગૌરવનો મહિમા કહ્યો હતો. માનનીય ગવર્નરશ્રીએ પોતાના મનનીય પ્રવચનમાં ચારણ આઇઓની ઉજળી પરંપરાને આપણી ઉજળી વિરાસત સમાન ગણાવી હતી.

     સમાજની અલગ અલગ જિલ્લાઓમાં કાર્ય કરતી સંસ્થાઓનો પણ સર્વને પરિચય થયો હતો. આવા વિશાળ સંમેલનમાં બહેનોને અલગ મંચ આપવામાં આવ્યો હતો. બહેનોએ સ્પષ્ટતા તેમજ સ્વસ્થતાથી પોતાની વાતો તથા લાગણી રજુ કરી હતી. બહેનોનો આત્મવિશ્વાસ જોયા પછી લાગે છે કે ભવિષ્યમાં તેમનું યોગદાન સમાજના સર્વાંગી ઉત્થાનમાં મહત્વનું રહેશે. આપણાં લોકસાહિત્યના ખ્યાતનામ કલાકારો પુરા ભાવ સાથે હાજર રહ્યા અને દરેક રાત્રિને પોતાની પ્રસ્તુતિથી શણગારી હતી. આટલા સુવિખ્યાત કલાકારોને એક મંચ પર જોવા તે અસાધારણ ઘટના હતી. 

          સમગ્રપણે જોતા આ શતાબ્દી મહોત્સવ દાયકાઓ સુધી આપણી સ્મૃતિમાં સચવાઈ રહે તેવો ભવ્ય હતો. યુવાન કાર્યકરોની સેવા કદાચ અસાધારણ કહી શકાય તેવી અસરકારક હતી. મઢડા આસપાસના ગામોના લોકોએ આ પ્રસંગને પોતાનો પ્રસંગ ગણીને માણ્યો હતો તેમ જ સહયોગ કર્યો હતો. આપણાં સમાજની જે ઉજળી છાપ બહારના જગતમાં છે તે સાચવવાની આપણી જવાબદારી રહે છે. માતાજીના તેમાં આશીર્વાદ તો છે જ . ભગતબાપુએ પૂ. આઈમા માટે લખેલા શબ્દોની પ્રતીતિ થઇ:

માડી ! તું તો આભથી એવડી ઉંચી

આજ મને ખબર પડી રે જી….

વસંત ગઢવી

તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑