સંસ્કૃતિ:જીઓ તો ઝેર મ થિયો  સક્કર થિયો સેણ: દાદા મેકણની વાણી:

   મેકણદાદા આજે સમાધી લેતા હતા. આ જગતનો સ્વેચ્છાએ ત્યાગ કરીને ભગવાન દત્તના સ્વરૂપમાં સમાઈ જવા આતુર હતા. દ્રઢ નિશ્ચય હતો. જેની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે તેવી આ ઘટના હતી. સમાધિ લેવાનો દિવસ પણ મોટો હતો. આસો માસની વદમાં ચૌદમો દિવસ હતો. કાળી ચૌદસ તરીકે આ દિવસ ઓળખાય છે. ભગવાન રામ અયોધ્યામાં પુનઃ પધાર્યા તેનું સુખદ સંભારણું થાય તે દિવાળીનો આગળનો દિવસ હતો. દાદા મેકણે જાતે નક્કી કરેલો આ દિવસ હતો. ધીમા અવાજે ઢોલક સંભળાતી હતી. થોડા વખતમાં જ  શરણાઈના મીઠા સુર પણ ઢોલકની સંગતમાં સહજ રીતે જ શોભતા હતાં. આ તો મોટા ગામતરાની ધામધૂમે તૈયારી હતી. કોઈ વાંછના  આ કાપડી સાધુનો સ્પર્શ પણ કરી શકી ન હતી. ‘મંગળ મંદિર ખોલો દયામય ! મંગળ મંદિર ખોલો’નો પ્રાર્થનાનો ભાવ હાજર રહેલા સૌના મનમાં ગૂંજતો હતો. મેકણના અનેક શિષ્યો જેમને દાદાની સમાધિ લેવાની વાત સાંભળી હતી તેઓ ધીરે ધીરે ધ્રંગ(કચ્છનું એક નાનું ગામ) તરફ આવતા હતા. જે લોકો આવ્યા હતા તેમના મનમાં ઊંડી ઉદાસીના ભાવ હતા. સૌના પ્રિય દાદા આજે આ નશ્વર જગતમાંથી વિદાય લઈને અક્ષરના પ્રદેશમાં પ્રવેશવાના હતા. જગતમાં કોઈપણ કાળે લોકોને જે પ્રિય હોય તે પાત્રની વિદાય સહેજ પણ ગમતી નથી. 

                            એક સંતની વિદાય સમાજ માટે પણ પચાવવી દોહ્યલી હોય છે. અહી તો ‘કચ્છના કબીર’  લેખાતા સંતની ચીર વિદાયનો પ્રસંગ હતો. તે માટેની વ્યથા અસંખ્ય લોકોમાં હોય તે સ્વાભાવિક છે. અનંત મુક્તિના અજાણ્યા પ્રદેશમાં જતા આ મુક્ત સંત પોતે જે કાંઈ કર્યું તે નિમિત માત્ર છે તેવો સરળ એકરાર કર્યો. દાદાની સમાધિ સાથે આજે બીજી પણ એક ઐતિહાસિક ઘટના બનતી હતી. મેકણ જીવતા સમાધિ લે તે ક્ષણ નજીક આવી છે. મેકણ સાથે જ બીજા ૧૦ શિષ્યો સ્વેચ્છાએ તથા આગ્રહપૂર્વક વિનંતીઓ કરીને સમાધી લેતા આ એક અસાધારણ ઘટના હતી. એમ લાગે છે કે જેમની વાસનાઓ ક્ષીણ થાય છે તેમને મરવાની બીક રહેતી નથી. ભોજા ભગતની આ સંદર્ભમાં કહેવાયેલી બે પંક્તિઓ યાદ આવે છે.

પ્રથમ કટારિયું પહેરીને નિકળ્યા,

મરી મટ્યા એને કોણ મારે ?

                  મેકણ દાદાના બે પ્રાણીઓ લાલીયો તથા મોતિયો પણ માલિકનો સાથ છોડવા માંગતા નહોતા. તેઓની સમાધિ પણ સાથે જ થઇ. ત્રણસો વર્ષ પહેલા એક અનોખા ઇતિહાસ જેવી આ ઘટના હતી. મેકણદાદાએ રણમાં ભૂલા પડેલા લોકોની રાત દિવસ સેવા કરી તે તેમના જીવનના સુવર્ણ પૃષ્ટો સમાન બનાવો હતા. રોટલો અને પાણીની રણના વટેમાર્ગુ માટે વ્યવસ્થા કરવી તેમાં માનવતા તેમજ કરુણાના સર્વશ્રેષ્ઠ તત્વો છે નાની વાત નથી. આ સેવાને ‘પરચા’ તરીકે ગણી લઇએ તો કોઈ અતિશયોક્તિ નથી. ભાઈ હરેશભાઈ ધોળકિયાના ‘જીનામ પુસ્તકમાંથી પસાર થતા ડાડામેકણની જીવન કથા એક જ બેઠકમાં વાચી લેવી પડે તેવી રસ પુર્ણ બની છે. (‘જીનામ”પ્રકાશક: ગુર્જર સાહિત્ય પ્રકાશન) હરેશભાઇ તથા દર્શનાબહેનની નિયમિત સાધનાના અનેક ફળ પુસ્તક સ્વરૂપે આપણા સુધી પહોચ્યા છે.

             કચ્છ એ અનેક વિભૂતિઓની સ્મૃતિને સંઘરીને ઉન્નત મસ્તકે ઊભું છે. એક સુંદર વાત તરફ હરેશભાઈ ધોળકિયાએ ધ્યાન દોર્યું છે. ઈ.સ. ૧૦૦૦ થી ૨૦૦૦ સુધીની સહસ્ત્રશતાબ્દીના ઉજળા પાત્રોની ગણના કરીએ તો તેમાં દાદા મેકણનું નામ અચૂક મુકી શકાય. આવું જ બીજું નામ એ રાવ લખપતજીનું કહી શકાય. દેશની અપ્રતિમ એવી વ્રજભાષા પાઠશાળાનું નિર્માણ એ રાવ લખપતજીની વિચક્ષણતા તથા વિધ્વતાને આભારી છે. “વ્રજભાષા પાઠશાળા લાભાગ બે સદીઓ સુધી ચાલી. આ શાળાના અંતિમ આચાર્ય શંભુદાનજી આયામ હતા. અનેક નામધારી કવિઓનું અહીં નિર્માણ થયું. બ્રહ્માનંદ સ્વામી પણ અહીં જ કાવ્યશાસ્ત્રની દીક્ષા પામ્યા હતા.”

                                   દાદા મેકણના શબ્દોમાં કબીર સાહેબ જેવી સરળતા અને ઉંડાણ છે. થોડા શબ્દોમાં ઘણું કહેવાની આ રીત આપણા સંત સાહિત્યની અનોખી ભાત છે. દાદા લખે છે:

જાં  વિનાં જીરાણમેં,

કરિયા સેણે કે સઢ,

મિટ્ટી ભેરાં વ્યા મિલી

નં હુંકારો ડી હઢ…..

                માણસનું અસ્તિત્વ એ તો ક્ષણભંગુર છે. સ્મશાનભૂમિમાં અનેક પરિચિતો, જગતના કહેવાતા ખેરખાંઓ સૂતા છે પરંતુ સાદ કરો તો કોઈ જવાબ આપતા નથી. માટી સાથે ભળી જવાનો આ ઉપક્રમ સમજી તથા સ્વીકારીને જગતના વ્યવહારોમાં ઉત્તરવા જેવું છે. શૂન્ય સાહેબે એક સુંદર શેર ખલીલ જિબ્રાનના મૂળ શબ્દોના આધારે કહેલો તે યાદ આવે.

અંત જેનો ખાક છે

એવા જીવનમાં ઓ ખુદા,

આ બધો શણગાર શાને?

આટલાં શાને  જતન?

     બીજી એક સુંદર પંક્તિમાં મેકણ જે વાત મુકે છે તે બાબત આપણે સૌએ વિચારવા જેવી છે.

ખેંધલ ખુટા, મેં ડીંધલ મુઠા,

વૈકુંઠજી વાટ મેં ડીંધલ દીઠા.

              સંપત્તિ તો આપબળ તથા ઈશ્વરકૃપાના કારણે હોય પરંતુ જેને તે સંપત્તિ વાપરવા કે વહેચવાનો વિવેક ન  હોય તેનો અવતાર સાર્થક નથી.વૈકુંઠની વાટે તો દાદા કહે છે બધા દેવાવાળા જ જોવા મળે છે.

               જીવન જીવવાની પદ્ધતિના હાર્દને સમજાવતા દાદા મેકણ સૌને ઉજળી તથા પ્રિય લાગે તેવી વાણીના ઉદગાતા થવાનું શીખવે છે. આપણે તો આજે છીએ અને કાલે નથી પરંતુ જો ભલી વાણી બોલવાનો જીવનનો ઉપક્રમ રાખ્યો હશે તો એ ભલાઈના બોલ જગત આપણાં ગયા પછી પણ યાદ કરશે.

જિયો તો ઝેર મ થિયો

સક્કર થિયો સેણ,

મરી વેંધા માડુઆ

રોંધા ભલે જા વેણ.

વસંત ગઢવી

તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑