વાટે…ઘાટે:ઓજ્ઞાનીપંડિતો ! તમારાખોખલાડહાપણનાપોટલાસમેટો:

       સમાજના ન્યાયી વલણની ઘણી વાતો ઇતિહાસમાંથી મળે છે. આ રીતે જ દેખીતા અન્યાયની અનેક વાતો પણ દ્રષ્ટિગોચર થાય છે. શિક્ષિકા તરીકે કાર્ય કરતા સાવિત્રીબાઈ ફુલેની કથા વાંચીએ ત્યારે મનમાં આપણે જેનો ભાગ છીએ તે સમાજની સ્થિતિ વિષે મનમાં પ્રશ્નો ઉઠે છે. આપણાં દેશના પ્રથમ શિક્ષિકા તરીકે માન તથા ખ્યાતિ મેળવનાર સાવિત્રીબાઇને તત્કાલીન સમાજે અકારણ દુભવ્યા છે. શાળાએ બાળકોને વિદ્યાનું દાન આપવા જતા સાવિત્રીબાઇને લોકો પથ્થરો મારતા હતા. અપશબ્દો કહેતા હતા. છાણ જેવી ગંદી ચીજો તેમના પર ફેંકી સમાજના કેટલાક લોકો પોતાની નફરતનો ભાવ પ્રગટ કરતા હતા. આ વાતો પ્રાચીન નથી. કથાકથિત પણ નથી. દેશ આઝાદ થયો તે પહેલાના ૧૦૦ વર્ષની જ આ ઘટનાઓ છે. સમાજ જેમને નીચા કે ઉતરતા માનતો હતો તેવા સમાજના લોકોને પણ સાવિત્રીબાઈ અભ્યાસ કરાવવા માંગતા હતા. આ હેતુને સિદ્ધ કરવા તેમણે ત્રણ શાળાઓ ૧૮૫૧માં શરુ કરી. તમામ જ્ઞાતિઓના બાળકો માટે ભેદભાવ સિવાય અહીં શિક્ષણ પૂરું પાડવાની વ્યવસ્થા હતી. વિધવા બહેનોના પ્રશ્નોના નિરાકરણ માટે તેમણે વિધવાઓ માટેના આશ્રમની સ્થાપના કરી. સાવિત્રીબાઇના જીવનમાં તેમના પતિ જોતિબા ફુલેની મહત્વની અસર હતી. પતિના સતત માર્ગદર્શન તથા ટેકાથી તેઓ ડગ્યા કે હાર્યા સિવાય પોતાનું કાર્ય કરતા હતા.

                સમાજના પોતાના જ કેટલાક ભાંડુઓને નીચા કે ઉતરતા સમજવાની આ દ્રષ્ટિ એ આપણા વિચારોને લાગેલો લૂણો છે. જે સાર્વત્રિક છે. સ્વામી રામતીર્થ સાથે સંકળાયેલો એક વાસ્તવિક પ્રસંગ નોંધાયો છે. સ્વામી રામતીર્થ અમેરિકામાં પ્રવાસ કરી રહ્યા હતા. સ્વામીની વિધ્વતા તેમજ વાકચાતુરીને કારણે અનેક લોકો તેમના વ્યાખ્યાનો સાંભળવા આવતા હતા. તેઓ સ્વામીની વાતો સાંભળીને પ્રભાવિત થતા હતા. આ પ્રવચનો દરમિયાન એક દિવસ તેમને એક મહિલા મળ્યા. મહિલાએ પોતાના મનમાં જે દુઃખોની લાગણી હતી તે સ્વામીજી પાસે વ્યક્ત કરી. પોતાને તે કારણે થતી હતાશાની વાત પણ સમજાવી. મહિલાનું કહેવું હતું કે તેને એક પુત્ર હતો. આ પુત્રનું અવસાન થયું. બહેન પોતે વિધવા હતા. આથી મહિલાએ કહ્યું કે જીવનમાં ખાલીપો આવ્યો છે. કોઈ વાતમાં મન લાગતું નથી. સ્વામીજીએ આ મહિલાને કહ્યું કે તેઓને કોઈ ઉપાય બતાવવામાં આવે તો તેનો સ્વીકાર કરશે કે કેમ? મહિલાએ જવાબ આપ્યો કે તે સ્વામીજી જે ઉપાય સૂચવે તે કરવા માટે તૈયાર છે. આ વાત બની તે  પછીના થોડા દિવસોમાં જ સ્વામી રામતીર્થ એક બાળકને લઈને પેલા મહિલાને ત્યાં જાતે ગયા. મહિલા તો સ્વામીજીને ઘેર આવેલા જોઈને હર્ષોલ્લાસમાં આવી ગયા. સ્વામીજીનો ખુબ આભાર માનવા લાગ્યા. પછી સ્વામીજીએ પોતાની સાથે આવેલા બાળકને બતાવીને મહિલાને કહ્યું કે આ છોકરો તેઓ મહિલાને સોંપી દેવા માંગે છે. સ્વામીજીએ પેલા બેનને સમજાવ્યું કે છોકરાના કારણે મહિલાના ઘરમાં ચહલપહલ રહેશે. ખાલીપો દૂર થશે. આ વાત સાંભળીને મહિલાએ બાળક સામે ધ્યાનથી જોયું. જોયા બાદ તરત જ મહિલા સ્વામીજી માટે થોડા રોષની લાગણી સાથે કહ્યું કે આ તો હબસીનું બાળક છે. એક ગોરી મા કાળા બાળકને કેવી રીતે અપનાવી શકે? સ્વામીજીએ સ્વસ્થતાથી કહ્યું કે મહિલાના મનમાં આવા સંકુચિત વિચારો દ્રઢ થયેલા હોય તો સુખનો માર્ગ મળવો મુશ્કેલ છે. માત્ર અમુક જ્ઞાતિમાં જન્મ થયો છે તે કારણે એક પ્રકારની નફરતનો ભાવ કેટલો ઊંડો ઉતરી ગયો હશે તેનો આ વાત પરથી ખ્યાલ આવે છે. બેરિસ્ટર ગાંધીને ટિકિટ હોવા છતાં પ્રથમ વર્ગના કમ્પાર્ટમેન્ટમાંથી ધક્કો મારીને ફેંકી દેવામાં આવે છે. તેમાં પણ આજ માનસિકતાના દર્શન થાય છે. મનને લાગેલા કાટના આ બધા પરિણામો છે. રામજી વાણીયાએ લખેલી અર્થસભર પંક્તિઓ આ સંદર્ભમાં યાદ આવે છે. 

માનવના મનડાં કટાણાં

સરાણિયા ! માનવના મનડાં કટાણાં

એ પારસ અડયે ન પલટાણાં

સરાણિયા ! માનવના મનડાં કટાણાં

                જોતિબા ફૂલે તથા સાવિત્રીબાઇને બાળક ન હતું. એક સમયે કોઈ કહેવાતા ઉચ્ચ વર્ણની મહિલાએ સામાજિક ત્રાસથી બચવા સતી થવાનું મને કમને નક્કી કર્યું. સતી થવાની પ્રથાને કારણે અનેક મહિલાઓને તેનો ભોગ થવાનું બનતું હતું. સાવિત્રીબાઇએ આ મહિલાને સતી થતાં રોકી. તેને રહેવાની સુવિધા આપી. આ મહિલાના બાળકને જ્યોતિબા તેમજ સાવિત્રીબાઇએ દત્તક લીધો. બાળકનું નામ યશવંતરાવ હતું. દત્તક લીધેલા બાળકને પુરા પ્રેમ તથા કાળજી ફૂલે દંપતીએ આપ્યા તેમજ તેનો નિઃસ્વાર્થભાવે ઉછેર કર્યો. આ રીતે ફૂલે દંપતીનો સ્નેહ એ સર્વ સમાવેશક હતો. તે બાબત પણ તેમના વ્યક્તિત્વનો એક અભિન્ન ભાગ હતો. સાવિત્રીબાઇએ ૧૮૫૮માં ‘મહિલા સેવા મંડળ’ની શરૂઆત કરી અનેક મહિલાઓને ત્યાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી. જોતિબા ફૂલે તથા સાવિત્રીબાઈ માત્ર અન્યાયી સામાજિક વ્યવસ્થા સામે ભાષણો કરીને જ ઇતિશ્રી માનનારા ન હતા. સામાજિક દુષણોના નિવારણ સામે તેમણે પ્રતિકૂળ સંજોગોમાં પણ મક્કમ નિર્ણયો લીધા અને વ્યવસ્થાઓ વિકસાવી. આ એક અસાધારણ હિમ્મત તથા પ્રતિબદ્ધતાના પરિણામનું નક્કર ઉદાહરણ હતું. સમાજમાં પોતાના ઠોસ કાર્યોથી એક સ્થાન મેળવ્યું. સમગ્ર વ્યવસ્થાની ખામીઓને પડકારવાનું નૈતિક બળ એ દરેક કાળમાં જરૂરી છે. આમ છતાં આવા પોલાદી માનસિકતા ધરાવતા જીવો જલ્દી જોવા મળતા નથી. મુક્તાબાઈ જે સાવિત્રીબાઇની શાળામાં ભણતી હતી અને કિશોરી હતી. તેને મનનાં મેલ ધોવા સિવાય જ્ઞાનવિતરણ કરતા લોકોને ‘ખોખલાં ડહાપણના પોટલાં’ સમેટી લેવા પડકાર કર્યો હતો. જ્યોતિબા તથા સાવિત્રીબાઇના ઉજળા જીવન આવનારી અનેક પેઢીઓને પ્રેરણામય બની રહે તેવા છે.

વસંત ગઢવી

૨૩ જાન્યુઆરી ૨૦૨૪

Leave a comment

Blog at WordPress.com.

Up ↑