: ક્ષણના ચણીબોર : : કલ્યાણ માર્ગના યાત્રિ : લીલાધર ગડા :

‘‘ આ કળજગમાં તો સત જાળવવુ એ કપરાં ચઢાણ છે. ચારિત્ર્ય, સંસ્કાર, માણસાઇ તેમજ અસ્મિતાની ધાસની ગંજીમાં અગન પેઠો છે. સળગતી ગંજીને કેમ કરી ઠારવશું. હાલ ઘડી ઉપાય એ કે આપણે સહુ ભેગા મળી ગંજીમાંથી જેટલા ઘાસના પૂળા ખેંચાય એટલા ખેંચી લઇએ અને તેને ઠારતા જઇએ. તેને બચાવી લઇએ. સૌ કોઇના સહીયારા પ્રયાસોથી આ શક્ય બનશે. ’’

સાડાચાર દાયકા જેટલો લોકસેવાનો વ્યાપક અનુભવ ધરાવતા લીલાધરભાઇ ગડા (અધા)એ ઉપરના શબ્દો અંતરના ઊંડાણથી ઉલેચ્યા છે. શબ્દો સમજવા અને વિચારવા જેવા છે. જેની આંતરિક પ્રતિતિ ઊંડી તથા દ્રઢ ન હોય તે આવી વાત કરી શકે નહિ. જયારે આપત્તી મોટી હોય ત્યારે તેને ખાળવાના પ્રયાસ પણ ગંજાવર હોવા જોઇએ. આ વાત મહાત્મા ગાંધી બરાબર સમજી શક્યા હતા. વિશ્વની એક બળવાન સત્તા સામે લડત ચલાવવા તેમણે સમાજના તમામ વર્ગોનો સહયોગ લીધો. તમામ લોકોને આ મહાયુધ્ધમાં જોડ્યા. ગાંધીના આ પ્રયોગના પરિણામો જગતે જોયા અને પ્રમાણ્યા હતા. વર્ષો બાદ ગાંધીના અનુયાઇ નારાયણ દેસાઇના ગાંધીકથાના એક ગીતમાં પણ ‘અધા’ની વાતનો પડઘો દેખાય છે. નારાયણભાઇ કથામાં આ ગીત ભાવપૂર્વક ગાતા અને ગવડાવતા હતાં.

જાગ તરૂણ જાગ !

તારા ઘરમાં લાગી આગ !

હાથવગા હથિયાર ઉપાડી

જટ ઓલવ તુ આગ

છેડ કસુંબલ રાગ

ખેલ કેસરીયા ફાગ

જાગ તરુણ જાગ !

સમાજમાં કોઇ વ્યકિત કે સંસ્થા શુભ નિષ્ઠા તથા સ્પષ્ટ લક્ષ સાથે લોકોપયોગી પ્રવૃત્તિ શરૂ કરે તો સામાન્ય રીતે આવી પ્રવૃત્તિ અટકી પડતી નથી. મોટા ભાગે આવી શુભ પ્રવૃત્તિમાં વૃધ્ધિ થતી જોઇ શકાય છે. સામાન્ય લોકો તેમજ શ્રેષ્ઠીઓ આવું ઉજળું કામ કરતી સંસ્થાઓ સાથે ખભે ખભો મેળવી ઊભા રહે છે. આવા માનવ હીતવર્ધક કાર્યોમાં તેલ – દીવેલ સ્વેચ્છાએ પૂરતા રહે છે. કચ્છનાજ સંદર્ભમાં ઉદાહરણ તરીકે વાત કરીએ તો ‘સારસ્વતમ્’ કે વી.આર.ટી.આઇ. (માંડવી) જેવી સંસ્થાઓ નિરંતર વૃધ્ધિ પામતી રહી છે. પ્રાગપર ચાર રસ્તા (તા.મુંદ્રા) પર ફૂલી ફાલેલી મહાવીર પશુરક્ષા કેન્દ્રની વિશિષ્ટ પ્રવૃત્તિ પણ આવુંજ એક ધ્યાન આકર્ષક ઉદાહરણ છે. લીલાધરભાઇ પણ  કલ્યાણમાર્ગની આવી ઉજળી પરંપરાના અડીખમ પ્રવાસી છે. નિરંતર કલ્યાણ યાત્રા એજ તેમનું જીવન છે.

સમાજમાં કેટલાક એવા વર્ગો છે કે સામાન્ય રીતે એક અથવા બીજા કારણસર ઉપેક્ષિત રહી જતા હોય છે. અધાએ આવા લોકની કાળજી અંતરની ઉષ્માથી કરી છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારનાદિવ્યાંગ બાળકો માટેની નિવાસી શાળાઓ એ મંદિર સમાન પવિત્રતા ધરાવતી જગાઓ છે. અધા પ્રેરીત આવી એક સંસ્થા બિદડાની ‘માનસી’ની ઓચિંતી મુલાકાત લેવાની એક તક મળી અદાણી ફાઉન્ડેશનના બહેન પંકિતબેનની જાણકારી તથા આ પ્રકારની પ્રવૃત્તિમાં તેમની રૂચિને કારણે આ મુલાકાત શકય બની. સંસ્થાને જોતાંજ એ હકીકત સમજાઇ કે અધાની અનુભવી દ્રષ્ટિને કારણે તેઓ આ નિર્દોષ બાલિકાઓની સમસ્યાઓ સારી રીતે સમજી શક્યા. એકવાર દિવ્યાંગોની વ્યથા સમજયા પછી અધા કદી પગ વાળીને બેઠા નથી. અંતરમાં ઊભા થયેલા અજંપાનું મારણ તેમને આવા દિવ્યાંગ બાળકો તથા બાલિકાઓની સુઆયોજિત તાલિમ શાળાઓનું નિર્માણ કરવામાં દેખાયુ. પછી તો આવી શુભ મહેચ્છાઓને જાણેકે પાંખો મળી. દિવ્યાંગો માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ અધાના માર્ગદર્શન હેઠળ વધતી રહી. રણકાંઠે સહજ રીતે ઊભી થતી અને તીવ્ર ગતિએ પ્રસરી જતી પવનની ડમરીને સૌએ જોઇ કે અનુભવી હશે. શુભ પ્રવૃત્તિઓનો વ્યાપ પણ આવી તીવ્ર ગતિથી વધે છે. ‘‘શબાબે’’ લખ્યુ છે :

પગમેં ભમરી !

જેં જેં પગમેં ભમરી વે તી !

ઉનજે પગપગ ડમરી વે તી !

અધાએ સેવાનો ભેખ લીધો એ ગૌરવની વાત છે. આજ રીતે તેમણે પોતાના સેવાકીય ક્ષેત્રના વિવિધ અનુભવો પ્રવાહી તેમજ સરળ ભાષામા લખ્યા તે ખૂબજ આવકારદાયક બાબત છે. આવી અંતરની વાતો એ અનેક પેઢીઓ માટે માર્ગદર્શક બને તેવી છે. બીઆરટીઆઇ જેવી બહુવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાએ આવા દસ્તાવેજી લેખોનું સંકલન કરીને પ્રકાશન કાર્ય કરેલું છે. આવા પ્રકાશનો અનેક   વ્યકિતઓ – સંસ્થાઓને દિશાદર્શક બનતા હોય છે. ‘‘પગમેં ભમરી’’ કોલમ સાતત્યપૂર્ણ નિયમિતતાથી અધાએ ચાર દાયકા સુધી લખી છે. આથી આવુ ઉત્તમ વાચન અનેક લોકો સુધી પહોંચી શક્યું છે. ‘પગમેં ભમરી’ પુસ્તકના ચાર ભાગ પ્રગટ થઇ ચૂકયા છે. પેતાના આગવા આત્મબળ તથા કચ્છની સુવિખ્યાત મહાજન પરંપરાના પ્રતાપે લીલાધરભાઇના કાર્યમાં સતત વધારો થતો રહ્યો છે. આવી કથાઓ જીવનભર સમર્પણ તેમજ સંઘર્ષનું ભાથું લઇને ઝઝૂમતા અનેક અલગારીઓનો સુરેખ પરિચય કરાવે છે. આમાના કેટલાક પાત્રો આપણે નજર સામે જોયેલા છે. આ લોકો નિર્ધારીત અને સરળ રાજમાર્ગ છોડીને પોતાની કેડી કંડારી શક્યા છે તેજ તેમના જીવનની મહત્તા છે. ગાંધીજીએ જે મુકિતનું સ્વપ્ન જોયું હતું તે આવા સર્વસમાવેશક મંગળ જીવનનું જ જોયું હતું. આથી અધાએ વર્ણવેલા પાત્રો ખરા અર્થમાં ગાંધીમાર્ગના યાત્રિકો છે. આવા લોકોએ ઘસાઇને ઉજળા થવાની રવિશંકર મહારાજની જીવનધારા સ્વેચ્છાએ અપનાવી છે. આજના સમયના સંદર્ભમાં સહાનુભૂતિ સાથેના જીવનકાર્યની શૈલિ અપનાવીને તેઓ નરસિંહે ગાયેલા વૈષ્ણવ જનની ભૂમિકા ભજવી રહેલા છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૫/૦૧/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑