લગભગ પાંચ સદી પહેલા બનેલી ઘટનાને ફરી વાગોળવી ગમે તેવી છે. વાત કચ્છની છે. કચ્છના તત્કાલીન રાજવીના ક્રોધને કારણે રાજવીના ભાઈ ઓઢાને દેશવટો મળે છે. ભૂમિથી તરછોડાયેલાઓની એક ઊંડી વેદના હોય છે. કુંવર ઓઢો પણ આવી જ વેદનાનો અનુભવ કરતો હતો. એક વખત જન્મભૂમિના દર્શન કરવા તીવ્ર ઈચ્છા થઇ આવતા પોતાના વહાલા પ્રદેશના એક જાણીતા ગામમાં કુંવર ઓઢો છુપા વેશે પ્રવેશ કરે છે. પોતાને કોઈ યાદ કરે છે કે કેમ તે જાણવાની કુમારની મહેચ્છા છે. ગામમાં થોડો અંધકાર થયા બાદ તે ફરી રહ્યો છે. આપણે સૌ માનવીઓ સ્મૃતિશેષ થવાનું વલણ સામાન્ય રીતે રાખીએ છીએ. તેમાં પણ જેને યાદ કરવાથી શાસનની નારાજગી વહોરવી પડતી હોય તેવા કિસ્સામાં તો સાવ જ સ્મૃતિભ્રંશ થવાનું વલણ સામાન્ય રીતે જોવા મળે છે. આથી કોઈ ઘરમાં કે શેરી અથવા ગામના ચોરામાં થતી વાતચીત કુંવર સાંભળે છે. પોતાના નામનો કોઈ ઉલ્લેખ પણ કરતું નથી તે જોઈને વિશેષ વ્યથા અનુભવે છે. આવા સમયે જ તેને કોઈ શબ્દો સાંભળવા મળે છે. “બાપ ઓઢાણ્ય” “બેટા ઓઢાણ્ય” પોતાના નામનો ઉલ્લેખ સાંભળીને રાજી થઈને કુંવર ઓઢો જે તરફથી આ શબ્દો સંભળાય છે તે દિશામાં જાય છે. ઘરની બહાર ચુપચાપ ઉભા રહીને કુતુહલથી નિરીક્ષણ કરે છે. કુંવરને અંદાજ આવી જાય છે કે આ ઘર ચારણનું છે. ઉપરાંત તેને યાદ આવે છે કે ચારણના સાહિત્યને બિરદાવવા તથા પ્રોત્સાહિત કરવા તેણે એક ભેંસ ચારણને પ્રસન્નતાથી ભેટમાં આપી હતી. પોતાને ભેટ આપનાર રાજવી કુંવરને યાદ કરીને ચારણ પોતાની ભેંસની પાડીને ‘ઓઢાણ્ય” કહીને પ્રેમથી બોલાવે છે. કુંવર ઓઢાની આંખો હર્ષથી છલકાય છે. દેશવટો પામેલા કુંવર પોતાની ઉર્મિઓની અભિવ્યક્તિ માટે એક દુહો કહે છે:
મિતર કીજે ચારણાં,
અવરાં આળપંપાળ,
જીવતડાં જશ ગવાશે
અને મુવાં લડાવણહાર.
ચારણો અને ચારણી સાહિત્ય પર પ્રવચનો કરવા માટે ઝવેરચંદ મેઘાણીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ જાન્યુઆરી-૧૯૪૨માં નિમંત્રણ આપેલું હતું. તેમના પ્રવચનમાં ઝવેરચંદ મેઘાણીએ કુંવર ઓઢાની આ વાત રજુ કરી હતી. આ પ્રવચન ઉપરાંત મેઘાણી પાસે ચારણી સાહિત્ય સંબંધની જે સામગ્રી હતી તેનો પણ ઉમેરો કરીને ‘ચારણો અને ચારણી સાહિત્ય’ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકના કેટલાક ભાગ ‘સૌરાષ્ટ્રની રસધાર’માંથી લેવામાં આવેલા છે. ‘ચારણ’ નામથી ત્રિમાસિક પ્રગટ થતું હતું. તેમાંથી પણ કેટલુંક સાહિત્ય મેઘાણીએ આ પુસ્તકમાં સમાવી લીધું છે. મેઘાણીના કથન પ્રમાણે કેટલીક માહિતી તેમને ભાવનગર ચારણ બોર્ડિંગના તત્કાલીન સંચાલક પિંગળશીભાઇ પાયક તરફથી પુરી પાડવામાં આવી છે. મેઘાણી લખે છે કે આપણી પોતાની સ્વચ્છ દ્રષ્ટિનો દીવો લઈને ઇતિહાસની ગુફામાં ઘૂમી ઘુમીને સાહિત્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. ખરા અર્થમાં મેઘાણીએ આ કાર્ય કર્યું હતું.
ચારણો અને ચારણી સાહિત્યનો સંદર્ભ આજના યુગમાં કેટલો પ્રાસંગિક છે તેની છણાવટ પણ મેઘાણીએ ઉંડાણપૂર્વક કરી છે. કેવળ આ સાહિત્ય પુરાતન છે માટે જ તેનો વર્તમાનમાં એક સંદર્ભ છે તે વાતને મેઘાણી સ્વીકારતા નથી. તેઓ કહે છે કે આ સાહિત્ય વિપુલતા અને પુરાતનતાના ઉપરાંત સંસ્કારધન તથા ઇતિહાસધનનો એક વિશાળ ખજાનો છે. આ રીતે આ સાહિત્ય જે મૂલ્યોને ગાય છે તે મૂલ્યો જીવનના શાશ્વત શણગાર જેવા છે. પ્રભુભક્તિ, ઋતુઓના રળીયામણા રંગોનું ગાન, નેક અને ટેક ખાતર મારી ફીટનાર મરજીવાનોની પ્રશસ્તિ આ સાહિત્યમાં છે. આ બધી બાબતો પુરાતન હોવા છતાં નિત્ય નૂતન છે. આથી આ સાહિત્યનું એક વિશેષ મૂલ્ય છે. ઉપરાંત ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ પણ ચારણી સાહિત્ય ભંડારમાંથી મળી રહે છે. બ્રિટિશ અધિકારી કર્નલ ટોડે પણ ઇતિહાસનું આલેખન કરવામાં ચારણી સાહિત્યના ગ્રંથો તેમજ રચનાઓનો આધાર લીધો છે. ભાવનગરના પ્રતાપી રાજવી વખતસિંહજી પર લખાયેલું પ્રશસ્તિકાવ્ય ‘વખતબલંદ’ પણ આવું જ એક અન્ય ઉદાહરણ છે.
વાણીનો વાહક પોતે જો નેક અને ટેકવાળો ન હોય તો તેની વાણીની ઊંડી તથા સાર્વત્રિક અસરો થતી નથી. વાણીના ઉદગાતા તેમજ વાહકની નિષ્ઠાના પ્રમાણમાં જ વાણીનો પ્રભાવ ઉભો થાય છે. મીરાં-કબીર અને તુલસીદાસ આ કારણોસર આજે પણ લીલાછમ રહીને તેમની વાણી થકી મહેકી રહ્યા છે. ગંગાસતીના પદો આજે પણ લોકજીભે તેમજ લોકહૈયે રમી રહેલા છે. ગંગોત્રીના પ્રવાહ જેવી નિર્મળતા તથા પવિત્રતા આ વાણીમાં છે. ચારણ પણ જાતે નેક-ટેક અને મંગળ દર્શનનો આરાધક ન હોત તો તેની વાણી ઘણી વહેલી લુપ્ત થઇ હોત. ચારણ વીરતાનો પરમ ઉપાસક રહેલો છે. વીરતા તેની વાણીનો મહત્વનો ભાગ છે. રાજપૂતોની લડાઈમાં તે દૂર ઉભા રહીને જોનાર સાહિત્યકાર ન હતો. ચારણ તો અનેક નેક અને ટેક ખાતર લડાયેલા યુધ્ધોમાં સ્વેચ્છાએ હોમાયો હતો. મેઘાણી આ વાતનો નિષ્કર્ષ કરતા કહે છે કે કવિતા એ ચારણનો વ્યવસાય ન હતો પણ તેના જન્મજાત સઁસ્કાર હતા. સાહિત્ય તેના રક્તમાંથી ઉછળતું હતું.
ચારણ ‘દેવીપુત્ર’ કહેવાયો છે. તેના સાહિત્યની સજ્જતા, પ્રભાવકતા તેમજ નિર્મળતાને કારણે સમાજમાં અને રાજ્યમાં તેની ઉંચી પ્રતિષ્ઠા હતી. સત્ય ઉચ્ચારવાની જન્મજાત હિમ્મતને કારણે અનેક રાજવીઓને તે બિહામણો લાગતો હતો. ચારણના સત્યવક્તૃત્વમાં ભારોભાર ચાતુર્ય હતું. કોઈકવાર હળવા શબ્દોમાં પણ તે રાજવીને સ્વાભિમાન અને સ્વઓળખ ટકાવી રાખવા કહેતો હતો. આવું અનેક સુંદર ઉદાહરણ ઈડરના રાવ પ્રતાપસિંહજીનું છે. જેનો ઉલ્લેખ મેઘાણીએ કર્યો છે. રાજવીએ ક્લીનશેવ કરાવ્યું. તે સમયના સંદર્ભમાં આ બાબત રાજવી માટે શોભામાં વૃદ્ધિ કરનારી ન હતી. આથી ઈડરના રાજ્યકવિએ રાજવીના આ ક્લીનશેવ કરવાના નિર્ણય અંગે વ્યંગ કરતો દુહો કહ્યો:
દાઢી મુછ મુંડાય કે
સિર પર ધરિયો ટોપ,
પ્રતાપસી તખતેસરા
થારે બાકી ઘટે લંગોટ.
ચારણી સાહિત્ય આપણી મૂલ્યવાન ધરોહર છે.
વસંત ગઢવી
તા. ૨ જાન્યુઆરી ૨૦૨૪
Leave a comment