વાટે…ઘાટે:ગાંધીજીતથાસરદારનુંજોડાણ: એકવૈચારિકમનોમંથનનોપરિપક્વનિર્ણય:

 ૧૯૧૭ના એપ્રિલ મહિનામાં અમદાવાદની ગુજરાત ક્લબમાં કેટલાક અગ્રગણ્ય વકીલો અને સામાજિક આગેવાનો એક સમાચાર સાંભળીને ઊંડા આશ્ચર્યમાં પડી જાય છે. દૂર બિહારના ચંપારણ જિલ્લાની અદાલતમાં એમ. કે. ગાંધી નામના બેરિસ્ટર બ્રિટિશ સરકારની અન્યાયી પધ્ધતિ સામે સ્પષ્ટ વાત કરે છે જે તે સમયમાં અસામાન્ય ગણાય તેવી બાબત હતી. ચંપારણના જિલ્લા મેજિસ્ટ્રેટ બેરિસ્ટર મોહનદાસ ગાંધીને જિલ્લો છોડી જવા કહ્યું. આમ થવાનું કારણ ખાસ હતું. આ જિલ્લાના ગળીના ખેતરોમાં કામ કરતા મજૂરોને યુરોપિયન માલિકો તરફથી કનડગત થતી હતી. આ કનડગતની ફરિયાદ તેમણે ગાંધીને કરી હતી. આથી આ બાબતનો અભ્યાસ કરવા ગાંધીજી બિહારના ચંપારણ જિલ્લામાં આવ્યા હતા. આ સ્થિતિમાં યુરોપિયન માલિકોએ ગાંધીજીની કામગીરી બાબત ફરિયાદ કરી હતી. ખેડૂતો અને ખેતમજૂરોને ગાંધી બહારથી આવી ઉશ્કેરણી કરે છે તેવો આક્ષેપ હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે ગાંધીજીને જિલ્લો છોડી જવા હુકમ કર્યો. આ હુકમના સંદર્ભમાં ગાંધીજી ખુલ્લી અદાલતમાં કહે છે:

                 “આ જિલ્લો છોડી જવાનું મારા માટે શક્ય નથી….પરંતુ અમલદારોને ઠીક જણાય તો આવો અનાદર કરવા માટે દંડ ભોગવવાની મારી તૈયારી છે….મારે મારા આત્માના અવાજને અનુસરીને માનવજીવનના વધારે ઊંચા કાયદાનું પાલન કરવાનું છે…”

                     આ સંદર્ભમાં આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદમાં એકઠા થયેલા વકીલોએ એક અવાજે કહ્યું: જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનો ખુલ્લો અનાદર કરનાર આ માણસ બહાદુર છે. આથી તેમની ગુજરાત સભાના પ્રમુખ તરીકે પસંદગી કરવી જોઈએ તેવો સૌનો મત હતો. સૌને બેરિસ્ટર વલ્લભભાઈના અભિપ્રાયની રાહ હતી. કારણ કે અગાઉ ‘ઘઉંમાંથી કાંકરા વીણવાનું કામ શીખવનાર’ આ બેરિસ્ટર ગાંધી પ્રત્યેનું વલ્લભભાઈનું ટીકાત્મક વલણ હતું. વ્યંગાત્મક ભાષામાં તેઓ ગાંધી અંગે વાત કરવા માટે મિત્રોના વર્તુળમાં જાણીતા હતા. પરંતુ દેખીતા સત્યનો સ્વીકાર કરનાર વલ્લભભાઈ ગાંધીને નેતૃત્વ આપવા માટે તરત જ સહમત થઇ ગયા. કાળના વહેતા પ્રવાહમાં બે દિગ્ગજ નેતાઓ એકબીજા સાથે જોડાયા હતા. આ એક મહત્વની તથા દેશના ઇતિહાસ પર અસર ઉભી કરે તેવી ઘટના હતી. આ પછી થોડા મહિનાઓ બાદ ગોધરાની રાજકીય પરિષદમાં ગાંધીજી અને સરદાર બંને હાજર હતા. લોકમાન્ય તિલક, વિઠ્ઠલભાઈ પટેલ તેમજ મહમ્મદઅલી ઝીણા જેવા મોટા ગજાના આગેવાનો પણ હાજર હતા.

                આ સમયમાં જે રાજકીય કે સામાજિક મોટા મેળાવડાઓ થાય ત્યાં એક પ્રથા હતી. આમ તો તેમાં કોઈ લોજીક ન હતું પરંતુ આપણામાં ઊંડે સુધી ધરબાઈ ગયેલા ગુલામી માનસનું તેમાં દર્શન થતું હતું. આવા મેળાવડાઓમાં સર્વ પ્રથમ બ્રિટનના સમ્રાટ તરફની વફાદારી જાહેર કરતો ઠરાવ પસાર કરવામાં આવતો હતો. આ બાબતમાં પણ ગાંધીજીએ એક અલગ તથા ઉચિત વલણ લીધું. ગાંધીજીએ કહ્યું કે આવા સમ્રાટ પ્રત્યેની વફાદારી જાહેર કરતા ઠરાવો તો ઈંગ્લેન્ડમાં પણ થતાં નથી. તે બાબતમાં વિશેષ સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે જ્યાં સુધી પ્રજા બળવો ન કરે ત્યાં સુધી સમ્રાટને વફાદાર છે તેમ માની શકાય. યુવાન બેરિસ્ટર વલ્લભભાઈ ગાંધીજીના આવા સ્પષ્ટ તેમજ ભિન્ન વલણથી પ્રભાવિત થયા. ગોધરાની રાજકીય પરિષદમાં ગાંધીજીએ કિસાનના તેમજ શ્રમિકોના હિતની વાત કરી. આ તમામ બાબતોથી વલ્લભભાઈને પ્રતીતિ થઇ કે ગાંધીજીનું નેતૃત્વ સ્વીકારવામાં દેશને લાભ થવાની પુરી સંભાવના છે. પરિષદમાં જે નેતાઓ ભાષણ કરે તે પોતાની માતૃભાષામાં બોલે તેવો ગાંધીજીનો આગ્રહ મહમ્મદઅલી ઝીણાની નારાજગી તેમજ વલ્લભભાઈની પૂર્ણ સંમતિનું કારણ બન્યો. આથી એક એવું વિધાન રાજમોહન ગાંધીના પુસ્તકમાં ટાંકવામાં આવ્યું છે કે જે સમયે ગાંધીજીએ વલ્લભભાઈને મેળવ્યા તે જ સમયે ઝીણાને ગુમાવ્યા. એ હકીકત જાણીતી છે કે ઝીણા પોતાની માતૃભાષા ગુજરાતીમાં બોલવા ટેવાયેલા ન હતા. આમ વલ્લભભાઈનું ગાંધીજી તરફનું વલણ વિશેષ મજબૂત થયું. તેની પાછળ વલ્લભભાઈએ ગાંધીના વ્યક્તિત્વમાં જોયેલી વિશિષ્ટ બાબતો હતી. આથી આ આંધળું અનુકરણ ન હતું પરંતુ વિચારપૂર્વક લેવાયેલો ગણતરીપૂર્વકનો નિર્ણય હતો. થોડા જ સમયમાં મહાત્મા ગાંધીએ લખ્યું કે “વલ્લભભાઈને વધારે ઓળખતો થયો તેમ મને લાગ્યું કે મને તેમની વગર ચાલવાનું નથી.” આ બંનેના વિચારપૂર્વકના જોડાણથી દેશની સ્વાતંત્ર્ય માટેની લડતને બળ મળ્યું તેમજ દિશા મળી જેની ઇતિહાસ સાક્ષી પુરે છે. વલ્લભભાઈ કરતા ઉંમરમાં એકવીસ વર્ષ નાના મહાદેવ દેસાઈ આ બંને મહાનુભાવોના સંબંધની અનેક વખતે પોતાની નોંધો દ્વારા પ્રતીતિ કરાવે છે. મહાદેવભાઈએ નોંધ કરી છે કે ગાંધીજીએ વલ્લભભાઈને દરરોજ પોતાની સાથે જમવાનો આગ્રહ કર્યો. ક્રમશ: વલ્લભભાઈ ગાંધીના પ્રભાવક્ષેત્રમાં જોડાતા ગયા. એક એવો સંબંધ બંધાયો કે જીવનના મહત્વના તબક્કાઓમાં ગાંધીજીએ વલ્લભભાઈની ભૂમિકા માટે કરેલા નિર્ણયો વલ્લભભાઈએ નિઃસંકોચ શિરોધાર્ય ગણ્યા. દુન્વયી દ્રષ્ટિએ જોઈએ તો કેટલાક મહત્વના નિર્ણયોથી વલ્લભભાઈએ મોટો ત્યાગ કરવાના પ્રસંગો થયા. પરંતુ વીર વલ્લભભાઈ એક દ્રઢ શીલાની જેમ દરેક વખતે ગાંધીજીની સૂચના અનુસાર પોતાના જીવનને વળાંક દેતા ગયા. બાળકોને વિદેશમાં ભણાવવાની તેમના મનમાં ઊંડી ઈચ્છા હતી. આ માટે પૂરતું કમાતા પણ હતા. પરંતુ જાણીતો તથા આર્થિક રીતે લાભકારક વ્યવસાય છોડી તેમણે અગાધ અને ઊંડા જળરાશિમાં સ્વેચ્છાએ ભૂસકો માર્યો હતો. સરદાર સાહેબ પોતાના વારસદારો માટે તો કંઈ ન કરી શક્યા પરંતુ સમગ્ર ભારતીય પ્રજાને એક સુદ્રઢ તેમજ સુગ્રથિત રાષ્ટ્રનું માળખું આપીને ગયા. ડિસેમ્બરની પંદરમી તારીખે ફરી તેમનું પુણ્યસ્મરણ થયું. પંદરમી ડિસેમ્બર૨-૨૩ના રોજ સરદાર વલ્લભભાઈની પુણ્યતિથિ નિમિત્તે સરદાર સાહેબ પર એક સંગોષ્ટીનું આયોજન કરવામાં આવે છે. પૂજ્ય મોરારીબાપુ પણ તેમાં ખાસ ઉપસ્થિત રહે છે. બારડોલી તથા આસપાસના અનેક લોકોની મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિતિ રહે છે. આથી એ વાતની પુનઃ પ્રતીતિ થાય છે કે સરદાર સાહેબ આજે પણ દેશના લોકહ્રદયના સિંહાસન પર સ્થાપિત થયેલા છે. વીર વિઠ્ઠલભાઈ અને સરદાર સાહેબ રાષ્ટ્રના અમૂલ્ય આભૂષણ સમાન છે.

વસંત ગઢવી

તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑