ક્ષણના ચણીબોર:આઈસોનલમાનુંશતાબ્દીવર્ષ:

આપણી સંસ્કૃતિમાં દેવી ઉપાસનાનું એક ખાસ મહત્વ છે. માતૃશક્તિની ઉપાસના એ અનેક લોકોના જીવનનો એક અભિન્ન ભાગ છે. નવરાત્રી જેવા તહેવારોમાં શક્તિની ઉપાસનાને એક વ્યાપક સંદર્ભ મળે છે. ગુજરાતના ગરબા એ હવે તો યુનેસ્કોની માન્યતા પછી વિશેષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ તથા ઓળખ પ્રાપ્ત કરે છે. માતૃશક્તિની આ ઉજળી પરંપરામાં સૌરાષ્ટ્રમાં જન્મ લઈને રાજ્યના અનેક ભાગોમાં સેવા, સંસ્કાર તથા શિક્ષણની ધૂણી ધખાવનાર આઈ સોનલમાનું આપણાં સામાજિક જીવનમાં એક વિશેષ સ્થાન છે. કચ્છ તરફ આઈમાની વિશેષ અમીદ્રષ્ટિ રહી છે. તેની એક નજરે જોઈ શકાય તેવી વિધેયાત્મક અસર પણ કચ્છમાં થઇ છે. સોનઆઈમાંનું મહત્વ પ્રગટ કરવા કવિ દુલા ભાયા કાગે સુંદર શબ્દો લખ્યા છે. ‘સોનલમા આભ કપાળી’ એવા શબ્દો લખીને ભગતબાપુએ ગાગરમાં સાગર ભરવા જેવું ચિરંજીવી કાર્ય કર્યું છે. જગદંબાને બીજી શી ઉપમા હોય? આ શબ્દો તો ભગતબાપુની કલમમાંથી પ્રગટી શકે. આભ જેવી વિશાળતા અને ભવ્યતાની પ્રતીતિ માતાજીના દર્શન કરનાર સૌ કોઈને થઇ છે. આભ એ આપણુ સદાકાળ છત્ર છે. મા સોનલના વિચારો પણ આથી જ આ ચિરંજીવી છત્ર જેવા છે. આ છત્રના સંદર્ભમાં સાણંદના દિવંગત ઠાકોર જયવંતસિંહજીની એક વાત યાદ આવે છે. ઠાકોર સાહેબની પ્રતિભા વિષે ભાગ્યે જ કશું કહેવાનુ હોય. સંગીતના આરાધક અને બહુશ્રુત વિદ્વાન આ ઠાકોરસાહેબના પૂજાસ્થાનમાં પૂજ્ય આઈમાનો ફોટોગ્રાફ જોવાની તક મળી છે. મા ઓચિંતા મહાપ્રયાણ કરી ગયા અને થોડા સમયમાં જ તેઓ અમદાવાદમાં સોમનાથભાઈ દવેના બંગલે આવી પહોંચ્યા હતા. આઈમાની સ્મૃતિને વંદન કરીને તેઓ સહજ રીતે બોલી ગયા: “આપણાં માથા પરનું છત્ર આપણે ગુમાવ્યું છે.” ઠાકોર સાહેબના આ ભાવપૂર્ણ શબ્દોમાં સમાજના અસંખ્ય લોકોનો ભાવ પ્રગટ થયો હતો. 

                                   સોનબાઈમાના શતાબ્દી વર્ષમાં અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમો થયા છે. થતાં પણ રહેશે. જાન્યુઆરી૨૦૨૪માં જૂનાગઢ જિલ્લાના મઢડા મુકામે શતાબ્દી વર્ષના એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક રાજકીય-સામાજિક તથા આધ્યાત્મિક ક્ષેત્રોના મહાનુભાવો તેમાં ઉપસ્થિત રહેવાના છે. જેમ જેમ તેમના વિચારો તથા તેમના જીવન થકી ઓળખતા જઈએ તેમ તેમ આપણને પણ આદર-અહોભાવ તથા અચંબો થતાં રહે છે. આઈમાના વ્યવહાર અને વર્તન એવા હતા કે સૌને તેમાં પોતીકાપણું લાગે. આપણો અહોભાવ પણ તેમના માટે હોય એ સ્વાભાવિક છે. પરંતુ આઈમાને પામવા માટે કે પારખવા માટે અનેક વખતે આપણે જ ઉણા ઉતારતા હોઈએ તેવું લાગ્યા કરે છે. મહાભારતના અર્જુનને કૃષ્ણ મિત્ર લાગતા હતા. સહજ સખાભાવ તેના મનમાં વાસુદેવ કૃષ્ણ માટે હતો. પરંતુ સમય આવ્યો અને પોતે મિત્ર માનતો હતો તેવા મુરલીધરનું વિરાટ સ્વરૂપ જોયું ત્યારે અર્જુનને અસાધારણ પ્રતીતિ થઇ. તેનો ભાવ અહોભાવ અને આદરમાં પલટાયો. આવા સંદર્ભમાં જ ભગતબાપુએ આઈમાની સ્મૃતિ કરીને લખ્યું:

માડી તુને પારખશે કોઈ

પુણ્યવાળો, અંતર આંખ

ઉઘડી રે લોલ.

                   જગતજનનીને ઓળખવાની દ્રષ્ટિ જેટલી સ્પષ્ટ તથા નિર્મળ થતી જાય છે તેમ તેમ માના વિશાળ સ્વરૂપનું દર્શન સ્પષ્ટ થતું જાય છે. મા ને ઓળખવાની કમાણીનું સિંચન કર્યું હોય તેને આ દર્શનની પૂર્ણ પ્રતીતિ થાય છે. બાકી તો જિંદગી આખી જાય તો પણ નજીકના જ પવિત્ર અસ્તિત્વની ઝાંખી થઇ શકતી નથી. તેને પામી શકાતી નથી.

              પૂજ્ય આઈમા પણ તેમણે આયોજિત કરેલા મઢડા સંમેલનમાં ઉજળા ગૃહસ્થાશ્રમી ધર્મ વિષે વાત કરે છે. દરેક ગૃહસ્થ પણ જીવનમાં સંસ્કારના સિંચન થકી જીવતરને ઉજ્વળ બનાવી શકે છે. તે બાબત પર અહીં વિશેષ ભાર મુકાયો છે.  મઢડા સંમેલનમાં તેમણે આ વાત વધારે સ્પષ્ટતાથી સમજાવવા રાજકવિ શંકરદાનજી દેથાની અર્થસભર રચનાના અભૂતપૂર્વ શબ્દો ટાંક્યા:

ઉત્તમ વિચારોથી નિરંતર

શુદ્ધ અંતર રાખવું.

બદકર્મથી ડરવું બહુ.

સત્કર્મના સેવક થવું.

રાખી સુ રીતિ, નેક નીતિ

સત્ય બાબતની સમજ,

ભજવા અજર અજ અમર એવા

વૃષભધ્વજ કાં ગરુડધ્વજ.

                   પૂ. સોનબાઈમાનો નિરંતર પ્રવાસ ચાલતો રહેતો હતો. પ્રવાસ સાથે જ સંપર્ક અને સંવાદનો ક્રમ પણ સાતત્યપૂર્ણ હતો. જનમાનસને વ્યસનમુક્ત કરવાનો તેમનો નિરંતર પ્રયાસ હતો. વ્યસનમુક્તિ થકી જ જીવતરને વિશેષ સુખ-સમૃદ્ધિ તરફ લઇ જઈ શકાય તે તેમનો હેતુ હતો. એ જ રીતે અંધશ્રદ્ધા સામે તેમણે સમાજને ચેતવણી આપી હતી. દીકરીઓના શિક્ષણ માટે પણ તેમનો સતત પ્રયાસ રહેતો હતો. યોગ્ય કર્મો કરીને સમાજના તમામ સભ્યો સમૃદ્ધિ પામે તે અંગે તેઓ સતત સમજાવતા હતા.  અનેક લોકો સાથે સ્નેહના કવચને ધારણ કરીને તેમણે આજીવન નિરંતર સંવાદ કર્યો છે. શાસ્ત્રોના કેટલાયે વચનો તથા કબીર-મીરા-ઇસરદાસજી જેવા સંતોની વાણી તેમના વચનોમાં ડોકાયા કરે છે. પોતે સ્વંય સ્નેહના જીવિત સ્વરૂપ હતા. મમતા તથા નિરંતર કરુણાના ભાવ સાથે તેઓએ જનજાગૃતિ અને સમાજ-ઉત્થાનનો આજીવન યજ્ઞ કર્યો હતો. ‘મઢડા આવ્યા છો તો મનનો મેલ ધોઈને જજો’ એવી ભગતબાપુની જૂની શિખામણ યાદ કરીએ. આઈમાની અસીમ કૃપા તથા પુરુષાર્થના બળે આર્થિક સહીત અનેક ક્ષેત્રોમાં નિરંતર ઉન્નતિ થઇ છે. આ ઉન્નતિ સાથે જ સમજ તથા વિવેક ઉમેરાતા રહે તો જીવન હર્યું ભર્યું બની શકે છે. સંસ્કાર અને સુરીતિના ધોરીમાર્ગે ગતિ કરવા પૂજ્ય સોનલબાઈમાએ કહ્યું છે. તેમની આ લાગણી આપણાં જીવનમાં વણી લેવાનો યથાશક્તિ પ્રયાસ કરીએ તો માતાજીનુ આ શતાબ્દી વર્ષ આપણાં જીવનને પણ ઉજાગર કરી શકે તે નિશ્ચિત છે. માતાજીના પ્રાગટ્ય તથા અવતારના પ્રભાવની વાત સમજવા ભગતબાપુના શબ્દો સ્મૃતિમાં લાવીએ. 

માડી ! તું જનમી ન હોત

જગમાં જોગણી, તો માડી હું

કાગ કોના ગુણ ગાત?

મારા પાતક ક્યાંથી જાત?

વસંત ગઢવી

તા. ૧૮ ડિસેમ્બર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑