આફ્રિકાથી બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દેશમાં પાછા આવે છે. ગુજરાતનું એ ૧૯૧૫માં સદ્ભાગ્ય રહ્યું કે તેમણે પોતાનો આશ્રમ અમદાવાદમાં શરુ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો. લોકોમાં બેરિસ્ટર ગાંધીના આફ્રિકાના કાર્યો તથા પરિણામો અંગે ઉત્સુકતાથી ચર્ચા થતી રહેતી હતી. લગભગ બે દાયકા સુધી તેમણે આફ્રિકામાં મોટી સંખ્યામાં રહેતા ભારતીય નાગરિકોને સમાન અધિકારો મળે તે માટે પ્રયાસો કર્યા હતા. જેલવાસ ભોગવ્યો હતો. સત્યાગ્રહના એક ભાગ તરીકે વિશાળ કૂચનું આયોજન કર્યું હતું. આફ્રિકામાં ટોલ્સટોય તથા ફિનિક્સ આશ્રમના પાયા નાખ્યા હતા. આફ્રિકાના પ્રયોગોને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ તેમની પધ્ધતિ મુજબ સત્યાગ્રહનો તથા સંઘર્ષનો માહોલ હિંદમાં પણ ઉભો કરવા માટે એક પછી એક પગલા ભરવા માંડ્યા હતા. ગાંધીજી પોતે એક સમર્થ ટિમ બિલ્ડર હતા. આથી હિન્દુસ્તાનમાં સમર્પિત ટીમની રચના કરવાનું શરુ કર્યું હતું. મહાદેવ દેસાઈ, નરહરિ પરીખ, સ્વામી આનંદ, કિશોરલાલ મશરૂવાલા તથા દત્તાત્રેય કાલેલકર જેવા પ્રતિભાવંત સાથીઓ તેમની સાથે જોડાયા હતા. બ્રિટિશ સરકાર સાથે અહિંસક સંઘર્ષ કરીને દેશને મુક્તિ અપાવવાનું સ્વપ્ન હતું. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સૌને સંપૂર્ણ શ્રદ્ધા હતી. સત્યાગ્રહની લડતોની ત્યારબાદ શરૂઆત થઇ. ભિન્ન ભિન્ન સત્યાગ્રહ કદાચ ઓછા કે વધતા જાણીતા હોય તો પણ તે દરેકનું એક આગવું મૂલ્ય છે. આવા દરેક સત્યાગ્રહની પાછળ રહેલી ભૂમિકા મહત્વની છે. જગજાગૃતિ એ દરેક સત્યાગ્રહનો પ્રાણ છે. કાર્યકર્તાઓના નિર્માણની એક આખી પ્રક્રિયા આ સત્યાગ્રહો થકી થવા પામી છે. ત્યાગ, તપશ્ચર્યા અને વીરતાના ગુણોનું આ દરેક સંઘર્ષમાં દર્શન થયા છે. જન્મભૂમિ મીડિયા ગ્રુપના સ્થાપક અમૃતલાલ શેઠ સાહેબના પ્રયાસોથી સૌરાષ્ટ્ર અને પછી ‘ફૂલછાબ’ થકી જાગૃતિ ઉભી કરીને ચેતનવંતી રાખવાના યાદગાર પ્રયાસ થયા. જેનો મહત્વનો ફાળો પણ રહ્યો. કોઈ પણ લડતને વ્યાપક બનાવવા માટે સ્થાનિક અખબારોનું આગવું મૂલ્ય છે. સત્યાગ્રહની લડતોના સંદર્ભમાં જોઈએ તો અખબારો સિવાય સંદેશ વ્યવહાર માટેનું કોઈ સાધન ઉપલબ્ધ ન હતું. ગાંધીજીએ આ સ્થિતિ પારખીને જ ‘નવજીવન’ તથા ‘યંગઇન્ડિયા’ જેવા સમાચારપત્રો શરુ કર્યા. અહીં સૌરાષ્ટ્રમાં અમૃતલાલ શેઠ પોતાની માન-મોભાદાર નોકરી છોડીને પત્રકારત્વમાં સ્વેચ્છાએ દાખલ થયા. ‘સૌરાષ્ટ્ર’ની રાણપુરથી શરુ થયેલી યાત્રા ઐતિહાસિક બની રહી. આજે પણ ‘જન્મભૂમિ’ જૂથના અખબારો આ ઉજળા વારસાને જાળવીને જીવંત તથા ધબકતા રહ્યા છે.
સૌરાષ્ટ્રની આ સ્વાતંત્ર્ય માટેની લડતોમાં એક મહત્વની લડત એ ‘લીંબડીની લડત’ તરીકે જાણીતી થયેલી છે. પ્રમાણમાં નાના ગણી શકાય એવા સ્થળે પણ શાસન અને લોક વચ્ચેનો સંઘર્ષ ખુબ રસપ્રદ રહ્યો છે. આ લડતનું એ પણ મહત્વ છે કે કેટલાક રાષ્ટ્રીય નેતાઓ પણ આ લડતના એક ભાગ તરીકે નાના-મોટા કાર્યમાં જોડાયા હતા. લીંબડીના સત્યાગ્રહની વાત હોય એટલે સ્વાભાવિક રીતે જ રસિકભાઈ પરીખનું તેમાં મહત્વનું યોગદાન રહ્યું. કેટલાક રાજવીઓના વહીવટમાં જે આપખુદતાનું વલણ વધતું જતું હતું તે રાજ્યોમાં જ જગજાગૃતિના બળે આવા આપખુદ વલણ સામે લડવાની તૈયારી થઇ હતી. બીજી તરફ કેટલાક રાજવીઓ પોતાના લોકકલ્યાણના વલણને કારણે પોતાની પ્રજામાં લોકપ્રિય હતા. તેથી ત્યાં રાજવી તથા પ્રજા વચ્ચે કોઈ સંઘર્ષને સ્થાન ન હતું. લીંબડીની લડતનો ગાળો ૧૯૩૮થી ૧૯૪૦ વચ્ચેનો રહ્યો છે. લીંબડીના તે સમયના ઠાકોર સાહેબ દોલતસિંહજી ઉંમર થવાના કારણે દૈનિક રાજ્યવહીવટમાં પૂરતું ધ્યાન આપી શકતા ન હતા. રાજવીના બંને યુવરાજો વહીવટના અનુભવી ન હતા. પ્રજાની નાડ પારખવાની પણ તેમની શક્તિ મર્યાદિત હતી. કેટલાક રાજવીઓ ઝડપથી બદલાતા કાળના પ્રભાવને પારખી શક્યા ન હતા. લોકોની ધીરજનો અંત હવે નજીકમાં છે તે સ્પષ્ટ હકીકત પણ રાજવીના પુત્રો સત્તાના મદના કારણે સમજી કે સ્વીકારી શકતા ન હતા. લોકોને ભારે કરવેરા તથા રાજ્યમાં કાયદાની ડામાડોળ સ્થિતિને કારણે ભારે અસંતોષ રહેતો હતો. આખરે સ્થાનિક આગેવાનોએ ડિસેમ્બર-૧૯૩૮માં જાહેરસભા ભરીં પ્રજામંડળની સ્થાપના કરી. અહીં એ બાબત નોંધપાત્ર છે કે લીંબડી જેવા નાના નગરમાં પણ ૭૦૦૦ લોકો આ સભામાં રાજ્યના ડરની પરવા કર્યા સિવાય હાજર રહ્યા. એકઠા થયેલા આ સમૂહમાં લગભગ ૧૦૦૦ બહેનો હતી. જયારે મહિલાઓ સામાન્ય રીતે ઘરની બહાર નીકળવાનું પણ ટાળતી હતી તેવા સમયે બહેનોની આટલી મોટી હાજરી એ નોંધપાત્ર છે. લીંબડીની લડતમાં ગોપાલદાસ દેસાઈ-દરબાર સાહેબ તથા ઢેબરભાઈ સહીત મહત્વના લોકોનું યોગદાન રહ્યું. સૌરાષ્ટ્રની લગભગ દરેક લડતમાં મહાત્મા ગાંધી તથા સરદાર સાહેબનું માર્ગદર્શન રહ્યું છે. આ લીંબડીની લડતમાં પણ બાપુએ આગેવાનોને સલાહ આપી. ગાંધીજીએ કહ્યું કે રાજવી સામેની લડત માટે પુરી સજ્જતા હોય અને સમય આવ્યે કદાચ હિજરત કરવી પડે તેમ હોય તો તેની માનસિક તૈયારી સાથે લડત શરુ કરવાનો વિચાર કરવો જોઈએ. પ્રજા પરિષદની બેઠક બોલાવવાની પણ બાપુની સલાહ હતી. બાપુના માર્ગદર્શન પ્રમાણે શરુ થયેલી આ લડત વ્યાપક જનસમૂહના સમર્થનને કારણે દિવસે દિવસે મજબૂત બનતી ગઈ. રાજ્ય તરફથી સામ-દામ-દંડ-ભેદના તમામ પ્રયોગ થયા પરંતુ લોકો મક્કમ રહ્યા. પ્રજા પરિષદની બેઠક બોલાવવામાં આવી. મુંબઈથી લીલાવતી મુનશી તથા બેરિસ્ટર શાંતિલાલ શાહ પણ બેઠકમાં હાજર રહ્યા. રાજ્ય તરફથી આચરવામાં આવતી સામુદાયિક હિંસાને વખોડવામાં આવી. અનેક લોકો રાજ્યના ત્રાસના કારણે હિજરત કરી ગયા. અસંખ્ય લોકો આ સંઘર્ષમાં દેખાવો કરતા ઘાયલ થયા. અનેક લોકોની મિલકતો જપ્ત થઇ. લોકોને ભારે દંડ ભરવાનું કહેવામાં આવ્યું. અંતે લોકબળની સાતત્યપૂર્ણ શક્તિને કારણે લડતનો અંત આવ્યો. શાસનમાં ફેરફાર થયો. પ્રજાબળનો વિજય થયો. આ સમગ્ર લડતમાં સ્થાનિક આગેવાનોનું યોગદાન અને પ્રજાની જાગૃત શક્તિ એ મહત્વના પરિબળો રહ્યા.
જનજાગૃતિ, સ્થાનિક નેતૃત્વ તેમજ ગાંધીજીના માર્ગદર્શનથી અહિંસક ધોરણોને જાળવીને આ સત્યાગ્રહ સફળ થયો. નૂતનયુગના પ્રારંભનો આ સમય હતો. બ્રિટિશ સત્તાધીશોને પણ આવા સ્થાનિક સત્યાગ્રહોથી પરાધીન દેશમાં ઉભા થયેલા લોકજુવાળનું દર્શન થયું હતું.
વસંત ગઢવી
તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૩
Leave a comment