સંસ્કૃતિ:સોનલમાઆભકપાળી:

    ‘સોનલમા આભ કપાળી’ એવા શબ્દો લખીને ભગતબાપુએ ગાગરમાં સાગર ભરવા જેવું ચિરંજીવી કાર્ય કર્યું છે. જગદંબાને બીજી શી ઉપમા હોય? આ શબ્દો તો ભગતબાપુની કલમમાંથી પ્રગટી શકે. આભ જેવી વિશાળતા અને ભવ્યતાની પ્રતીતિ માતાજીના દર્શન કરનાર સૌ કોઈને થઇ છે. આભ એ આપણુ સદાકાળ છત્ર છે. મા સોનલના વિચારો પણ આથી જ આ ચિરંજીવી છત્ર જેવા છે. આ છત્રના સંદર્ભમાં સાણંદના દિવંગત ઠાકોર જયવંતસિંહજીની એક વાત યાદ આવે છે. ઠાકોર સાહેબની પ્રતિભા વિષે ભાગ્યે જ કશું કહેવાનુ હોય. સંગીતના આરાધક અને બહુશ્રુત વિદ્વાન આ ઠાકોરસાહેબના પૂજાસ્થાનમાં પૂજ્ય આઈમાનો ફોટોગ્રાફ જોવાની તક મળી છે. મા ઓચિંતા મહાપ્રયાણ કરી ગયા અને થોડા સમયમાં જ તેઓ અમદાવાદમાં સોમનાથભાઈ દવે સાહેબના બંગલે આવી પહોંચ્યા હતા. આઈમાની સ્મૃતિને વંદન કરીને તેઓ સહજ રીતે બોલી ગયા: “આપણાં માથા પરનું છત્ર આપણે ગુમાવ્યું છે.” ઠાકોર સાહેબના આ ભાવપૂર્ણ શબ્દોમાં ચારણ તથા ચારણેતર એવા અનેક સમાજના અસંખ્ય લોકોનો ભાવ પ્રગટ થયો હતો. 

                                   સોનબાઈમાના શતાબ્દી વર્ષમાં અનેક કાર્યક્રમો થયા છે. થતાં પણ રહેશે. આઈમાને જેમ જેમ તેમના વિચારો તથા તેમના જીવન થકી ઓળખતા જઈએ તેમ તેમ આપણને પણ આદર-અહોભાવ તથા અચંબો થતાં રહે છે. આઈમાના વ્યવહાર અને વર્તન એવા હતા કે સૌને તેમાં પોતીકાપણું લાગે. આપણી જ મા આપણને ગમે. આપણો અહોભાવ પણ તેમના માટે હોય એ સ્વાભાવિક છે. પરંતુ આઈમાને પામવા માટે કે પારખવા માટે અનેક વખતે આપણે જ ઉણા ઉતારતા હોઈએ તેવું લાગ્યા કરે છે. મહાભારતના અર્જુનને કૃષ્ણ મિત્ર લાગતા હતા. સહજ સખાભાવ તેના મનમાં વાસુદેવ કૃષ્ણ માટે હતો. પરંતુ સમય આવ્યો અને પોતે મિત્ર માનતો હતો તેવા મુરલીધરનું વિરાટ સ્વરૂપ જોયું ત્યારે અર્જુનને અસાધારણ પ્રતીતિ થઇ. તેનો ભાવ અહોભાવ અને આદરમાં પલટાયો. આવા સંદર્ભમાં જ ભગતબાપુએ આઈમાની સ્મૃતિ કરીને લખ્યું:

માડી તુને પારખશે કોઈ

પુણ્યવાળો, અંતર આંખ

ઉઘડી રે લોલ.

                   જગતજનનીને ઓળખવાની દ્રષ્ટિ જેટલી સ્પષ્ટ તથા નિર્મળ થતી જાય છે તેમ તેમ માના વિશાળ સ્વરૂપનું દર્શન સ્પષ્ટ થતું જાય છે. મા ને ઓળખવાની કમાણીનું સિંચન કર્યું હોય તેને આ દર્શનની પૂર્ણ પ્રતીતિ થાય છે. બાકી તો જિંદગી આખી જાય તો પણ નજીકના જ પવિત્ર અસ્તિત્વની ઝાંખી થઇ શકતી નથી. તેને પામી શકાતી નથી. આથી આ સંદર્ભમાં કાગ બાપુના શબ્દો યાદ આવે:

આખો જાય અવતાર

આઉમા ઈતડીયો તણો,

પણ ધોળા પયની ધાર

એણે કદી ન ભાળી કાગડા.

             “આવી મહાન વિભૂતિઓને ઓળખવાની દ્રષ્ટિ જોઈએ….ઈતડીઓની પેઢીઓ ગાયના આઉમા વીતી જાય તો પણ તે કદી દૂધ પી શકતી નથી.” (ભગતબાપુના શબ્દો: તા. ૦૫-૦૫-૫૪. ગઢડા સંમેલન) ભગતબાપુએ આ પ્રવચનમાં જ ટકોર કરી કે આ તિર્થસ્થાનમાંથી ખાલી હાથે પાછા જઈ શકાય નહિ. ભગતબાપુના મનનીય પ્રવચનની ગરિમા જાળવે અને વધારી શકે તેવી આ રચના આ સમયે મેરૂભાબાપુએ રજુ કરી. ખુબ જાણીતી રચનાના શબ્દો હતા: “પ્રેમી તળાવ તણાં હે પાણી !” આજે પણ આ રચનાની અર્થસભર પંક્તિઓના પડઘા વાગ્યા કરે છે. આપણાં દ્રષ્ટિકોણને બદલી શકે તેવું બળ અને સત્વ ભગતબાપુની આ અમર રચનામાં છે. પૂજ્ય આઈમા પણ મઢડા સંમેલનમાં ઉજળા ગૃહસ્થાશ્રમી ધર્મ વિષે વાત કરે છે. મઢડા સંમેલનમાં તેમણે આ વાત વધારે સ્પષ્ટતાથી સમજાવવા રાજકવિ શંકરદાનજી દેથાની અર્થસભર રચનાના અભૂતપૂર્વ શબ્દો ટાંક્યા:

ઉત્તમ વિચારોથી નિરંતર

શુદ્ધ અંતર રાખવું.

બદકર્મથી ડરવું બહુ.

સત્કર્મના સેવક થવું.

રાખી સુ રીતિ, નેક નીતિ

સત્ય બાબતની સમજ,

ભજવા અજર અજ અમર એવા

વૃષભધ્વજ કાં ગરુડધ્વજ.

                   પૂ. આઇનો નિરંતર પ્રવાસ ચાલતો રહેતો હતો. પ્રવાસ સાથે જ સંપર્ક અને સંવાદનો ક્રમ પણ સાતત્યપૂર્ણ હતો. એક વાર સહજ રીતે પિંગળશીબાપુને વાતવાતમાં કહ્યું: “મન એ સિંહ જેવું બળવાન છે. સિહસ્વરૂપ છે. એ મનરૂપી સિંહને વશ કરી તેની સવારી કરી શકે તે જ જગદંબા છે.” (માતૃદર્શન) ભગવતગીતાના સુપ્રસિદ્ધ શ્લોક ‘મન એવું મનુષ્યાણાં કારણ બંધ મોક્ષયો’ એ યોગેશ્વર કૃષ્ણે કહ્યું હતું. આજ વાતનો પડઘો આબેહૂબ રીતે પૂ. આઈમાના પિંગળશીબાપુ સાથેના ઉપરના સંવાદમાં સાંભળવા મળે છે. અનેક લોકો સાથે સ્નેહના કવચને ધારણ કરીને તેમણે આજીવન નિરંતર સંવાદ કર્યો છે. શાસ્ત્રોના કેટલાયે વચનો તથા કબીર-મીરા-ઇસરદાસજી જેવા સંતોની વાણી તેમના વચનોમાં ડોકાયા કરે છે. પોતે સ્વંય સ્નેહના જીવિત સ્વરૂપ હતા. મમતા તથા નિરંતર કરુણાના ભાવ સાથે તેઓએ જનજાગૃતિ અને સમાજ-ઉત્થાનનો આજીવન યજ્ઞ કર્યો હતો. ‘મઢડા આવ્યા છો તો મનનો મેલ ધોઈને જજો’ એવી ભગતબાપુની જૂની શિખામણ યાદ કરીએ. આઈમાની અસીમ કૃપા તથા પુરુષાર્થના બળે આર્થિક સહીત અનેક ક્ષેત્રોમાં નિરંતર ઉન્નતિ થઇ છે. આ ઉન્નતિ સાથે જ સમજ તથા વિવેક ઉમેરાતા રહે તો જીવન હર્યું ભર્યું બની શકે છે. સંસ્કાર અને સુરીતિના ધોરીમાર્ગે ગતિ કરવા પૂજ્ય સોનલબાઈમાએ કહ્યું છે. તેમની આ લાગણી આપણાં જીવનમાં વણી લેવાનો યથાશક્તિ પ્રયાસ કરીએ તો માતાજીનુ આ શતાબ્દી વર્ષ આપણાં જીવનને પણ ઉજાગર કરી શકે તે નિશ્ચિત છે. માતાજીના પ્રાગટ્ય તથા અવતારના પ્રભાવની વાત સમજવા ભગતબાપુના શબ્દો સ્મૃતિમાં લાવીએ. 

માડી ! તું જનમી ન હોત

જગમાં જોગણી, તો માડી હું

કાગ કોના ગુણ ગાત?

મારા પાતક ક્યાંથી જાત?

વસંત ગઢવી

તા. ૯ ડિસેમ્બર ૨૦૨૩ 

મોં.:-૯૦૯૯૯૯૧૦૬૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑