અમદાવાદના તે સમયના જાણીતા તથા સફળ બેરિસ્ટર વલ્લભભાઈ પટેલને કોઈકે કહ્યું: મોહનદાસ કરમચંદ ગાંધી નામના કોઈ બેરિસ્ટર આફ્રિકાથી આવ્યા છે. તેમને લોકોએ મહાત્માનું બિરુદ આપેલું છે. વલ્લભભાઈનો ત્વરિત પ્રતિભાવ હતો: “આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે.” એ સ્પષ્ટ છે કે આ વાત મહાત્મા ગાંધીના સંદર્ભમાં હતી. ગુજરાત અને દેશ તેમને બેરિસ્ટર ગાંધી તરીકે ઓળખતો હતો. લોકો સાંભળતા કે તેઓ આફ્રિકામાં વીસ વરસ ગાળ્યા પછી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં સ્થાયી થવા માગતા હતા. ગાંધી નામના આ યુવાન બેરિસ્ટરે દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ તથા ભારતવાસીઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા ‘કાળા લોકો’ને કુદરતી ન્યાય અપાવવા પણ મોટું કાર્ય કર્યું હતું. ૧૯૧૫ના વર્ષમાં તેઓ અમદાવાદ આવ્યા પછી અનેક લોકો કુતુહલ તેમજ આદરથી ગાંધી સામે જોતા હતા. થોડા સમયમાં જ બેરિસ્ટર ગાંધીને મહાત્મા ગાંધીનું બિરુદ લોકોએ આપ્યું. આ બેરિસ્ટરના સંદર્ભમાં સરદાર તથા ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર વચ્ચેનો આ સંવાદ હતો. માળવંકરે સંવાદ સાંભળ્યો. આસપાસ ઉભેલા લોકો હસ્યા પણ ખરા. મહાત્મા ગાંધીએ કોચરબમાં(અમદાવાદ) આશ્રમ શરુ કરેલો છે. તેવી વાતો થતી રહેતી હતી. આફ્રિકાથી આવેલા આ બેરિસ્ટરને સત્યાગ્રહ તથા અહિંસા જેવા સાધનોથી બ્રિટિશ સત્તા સામે લડત ઉપાડવી છે તેવી વાતો પણ લોકો ઉત્સુકતાથી સાંભળતા તેમજ ચર્ચા કરતા જોવા મળતા હતા. આ વાતો વલ્લભભાઈને પણ કોઈકે કહી. પરંતુ વલ્લભભાઈ ગાંધીની આ વાતો પર કટાક્ષો કરતા. જાતજાતના વ્યંગ કરીને હસતા અને આસપાસના લોકોને હસાવતા રહેતા હતા. વલ્લભભાઈનો ગુજરાત કલબમાં જવાનો નિત્યક્રમ હતો. આ કલબમાં જ એક દિવસ કલબના સભ્યોને મળવા ગાંધી ગુજરાત કલબમાં આવ્યા. ગાંધી કંઈક કહે તેને સાંભળવા કલબના સભ્યો ગાંધી તરફ ગયા. વલ્લભભાઈ તો કાર્ડ રમતા હતા. લોકો આ રીતે અજાણ્યા બેરિસ્ટર ગાંધીને મળવા જાય તે તેમને ગમતું ન હતું. ગણેશ વાસુદેવ માળવંકર પણ વલ્લભભાઈની સાથે જ બેઠા હતા. માળવંકરે પણ ગાંધીને જોયા એટલે તેમની તરફ ડગલા ભરવા માંડ્યા. આ જોઈને વલ્લભભાઈ કહે છે: “માળવંકર તમે કેમ ઉઠ્યાં?” માળવંકર જવાબ આપતા સ્પષ્ટતા કરે છે: ” ગાંધીને મળીને તેમની વાત સાંભળવા માંગુ છુ. તેથી જઈ રહ્યો છુ.” માળવંકરે આ સ્પષ્ટતા કરી. વલ્લભભાઈએ માળવંકરની આ વાત સાંભળીને કહ્યું. “ગાંધી આવ્યા તેથી શું થયું? કંઈક જાણવું હોય તો અમારી રમત જુઓ, તેમાં તમને જાણવાનું મળશે. ગાંધી તમને શું કહેશે તે તમને હું અત્યારથી જ કહી શકું. તમને ઘઉંમાંથી કાંકરા વીણતાં આવડે છે કે નહિ તે બાબત ગાંધી તમને પૂછશે. એટલું જ નહિ આવી બધી પ્રવૃત્તિઓ કરવાથી આઝાદી મળી જશે તેમ પણ ઠસાવવાનો ગાંધી પ્રયાસ કરશે.” આ સાંભળી થોડા લોકો જે ઉભા હતા તેઓ હસી પડ્યા. જો કે પોતાના સાથી માળવંકર ગાંધી વિશેની કટાક્ષમય વાત સાંભળ્યા પછી પણ ઉતાવળે ગાંધીને મળવા ગયા તે વાત આ ચતુર બેરિસ્ટરના ધ્યાનમાં રહી. ઉપરાંત મહાદેવ દેસાઈ તથા નરહરિ પરીખ જેવા બાહોશ એડવોકેટ્સ પણ ગાંધી તરફ આકર્ષિત થયા છે તે વાત પર પણ તેઓ મનમાં વિચારતા થયા. જો કે હજુ આ વિચાર પ્રક્રિયા કોઈ ખાસ તારણ પર પહોંચી ન હતી. ગાંધી માટે ઉપરછલ્લી મજાક મશ્કરી કરતા આ યુવાન વકીલના મનમાં આસપાસના વર્તુળમાં થતી ગાંધીની વાતો પડઘાવા લાગી હતી. ગાંધીનું આકર્ષણ હવે દેખાવ લાગ્યું હતું. વિનોબા અને મહાદેવ દેસાઈ જેવા લોકો સામાન્ય રીતે કોઈની શેહમાં આવે તેવા ન હતા. આવા લોકો પણ એક પછી એક મહાત્મા ગાંધીને સમર્પિત થતા હતા. છતાં પણ ચરોતરના આ કુશાગ્ર બુદ્ધિના બેરિસ્ટર સરદારને હજુ ગાંધી પરત્વે ખાસ લગાવ કે આકર્ષણ થયા ન હતા. આ સંદર્ભમાં કલબમાં તેમણે જે વાતચીત કરી તે સ્વાભાવિક હતી.
સમય સતત પસાર થતો હતો. ૧૯૧૭માં રમણભાઈ નીલકંઠના આગ્રહથી વલ્લભભાઈ જાહેર સેવાના ક્ષેત્રમાં આવ્યા. રમણભાઈએ તેમને આગ્રહથી અમદાવાદની મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડવા કહ્યું. રમણભાઈએ સમજાવ્યું કે જ્હોન શિલિડી નામના અંગ્રેજ અમલદાર મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમાયા છે. ચૂંટાયેલા સભ્યોને તેઓ કોઈ કામ કરવા દેતા નથી તેમ પણ સમજાવ્યું. આ અધિકારી ઘમંડી છે. તે વાત પણ રમણભાઈ નીલકંઠે બેરિસ્ટર પટેલને સમજાવી. આથી ન્યાયના હિતમાં વલ્લભભાઈને આ પડકાર લેવા રમણભાઈએ વિગતો કહીને સમજાવ્યા. વિધિનું એક મહાનિર્માણનું કાર્ય જાણે શરુ થયું. સંઘર્ષમાં ન્યાયના હેતુસર ઝંપલાવવાની વાત વલ્લભભાઈ જેવા સ્વમાની વ્યક્તિને સમજાય તે સહજ હતું. વલ્લભભાઈ મ્યુનિસિપલ બોર્ડના સભ્યની ચૂંટણી લડ્યા. ચૂંટણીમાં જીત્યા. કોઈએ તેમની ચૂંટણી કેટલાક કારણો આપીને રદ કરાવવા માટે અરજી કરી. કમિશનરે અરજી મંજુર રાખી. ફરી ચૂંટણી યોજવાની જાહેરાત થઇ. વલ્લભભાઈએ પુરા જોશથી ઉમેદવરી નોંધાવી. વલ્લભભાઈ સામે આ બીજી ચૂંટણીમાં કોઈ લડવા તૈયાર ન થયું. તેઓ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા. સેનેટરી સમિતિના અધ્યક્ષ પણ બન્યા. હવે વલ્લભભાઈએ કમિશનરના વહીવટી નિર્ણયો જોઈને ચકાસવાનું શરુ કર્યું. મ્યુનિસિપાલિટીની માલિકી હતી તેવી એક મોકાની જગા પર કોઈનું દબાણ હતું. આ જમીન ખાલી કરાવવા કોર્ટનો પણ હુકમ હતો. પરંતુ કમિશનર શિલિડી આ દબાણ કરનાર વ્યક્તિ પર મહેરબાન હોવાથી દબાણ દૂર કરાવવામાં સક્રિયતા દાખવતા ન હતા. ૧૯૧૭માં જ વલ્લભભાઈએ સ્પષ્ટ તેમજ આકરા શબ્દોમાં ચૂંટાયેલા સભ્યોનો એક ઠરાવ પસાર કરાવી સરકારને મોકલ્યો. સરકાર માટે પણ શિલિડીનો બચાવ કરવાનું શક્ય ન હતું. સરકારે શિલિડી નામના આ વરિષ્ઠ અમલદારની બદલી કરવી પડી. તે સમયમાં આ બાબત એક અસાધારણ ઘટના હતી. સરદાર નામથી જે સૂર્ય તપવાનો હતો તેના પ્રથમ કિરણોનું અનેક લોકોએ આશ્ચર્ય તથા અહોભાવથી દર્શન કર્યું. સરદાર સાહેબનું સ્મરણ મનમાં એક નવા આત્મવિશ્વાસને જન્મ આપે છે.
વસંત ગઢવી
તા. ૭ ડિસેમ્બર ૨૦૨૩
Leave a comment