વાટે…ઘાટે:”સિંધૂડોઅનેસૌરાષ્ટ્રનોસત્યાગ્રહ:”

   એવું કહેવાય છે કે વિજેતાઓ ઇતિહાસ લખે છે. આવો ઇતિહાસ લખાય ત્યારે તેમાં એક ચોક્કસ દ્રષ્ટિકોણ પણ રહે છે. કેટલીક વાર મૂળ તથ્યોની સાથે સગવડતાયુક્ત છૂટછાટો પણ લેવામાં આવે છે. ૧૮૫૭નો સંઘર્ષ એ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો તેવું સાવરકરજીનું તથ્ય આધારિત મંતવ્ય હતું. સામા પક્ષે અંગ્રેજ અધિકારીઓ-ઇતિહાસકારીઓ માટે  આ એક સિપાઈઓના બળવા સમાન ઘટના હતી. આથી હકીકતોને કેન્દ્રમાં રાખી તેમજ જન સમાજની તે સમયની લાગણીઓને ધ્યાનમાં રાખી ઇતિહાસની કડીબદ્ધ વિગતો લખવામાં આવે તે મહત્વનું છે. સૌરાષ્ટ્ર(કાઠિયાવાડ)ની સ્વાતંત્ર્ય લડતોનો તથ્ય આધારિત ઇતિહાસ સદ્ભાગ્યે જયાબેન શાહે લખ્યો તેનો ઋણસ્વીકાર કરવો જોઈએ. આ લડતની કડીબદ્ધ વિગતો જયાબેનના લખાણોમાંથી મળે છે.  આપણા દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ અનેક રીતે વિશ્વના સ્વાતંત્ર્ય સંગ્રામોમાં અલગ પડે તેવો છે. સંગ્રામના જુદા જુદા સ્વરૂપ તેમજ પદ્ધતિ પણ જોવા મળે છે. દીર્ઘકાળ માટે સતત ચાલતી રહી તેવી આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. છેક ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનો સંઘર્ષયુગનો વિચાર કરીએ તો આ ભાતીગળ સંગ્રામના અનેક જુદા જુદા ચિત્રો સામે આવ્યા કરે છે. વિપરીત સંજોગોમાં સમર્પણનો શ્રેષ્ઠ ભાવ મનમાં ધરીને અનેક નામી-અનામી લોકોએ આ સંગ્રામમાં કફન બાંધીને ઝંપલાવ્યું હતું. તેમના હૈયામાં સ્વતંત્રતા માટેનું અનોખું ખેંચાણ હતું. ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું તેમ સ્વંતત્રતાની મીઠી સુગંધ અનેક વીરોનાં આત્મસમર્પણનું કારણ બની હતી.

તારા નામમાં ઓ સ્વતંત્રતા !

મીઠી આ શી વત્સલતા ભરી.

મુરદા મસાણેથી જાગતાં

એવી શબ્દમાં શી સુધા ભરી.

             દેશના મુખ્ય સ્વાતંત્ર્ય સંગ્રામની જયારે વાત કરીએ ત્યારે તેની સાથે જોડાયેલા અનેક નાના કે મોટા પ્રાદેશિક સંઘર્ષો પણ સહેજે સ્મૃતિમાં આવે છે. એ સંઘર્ષોનું સ્વરૂપ પ્રાદેશિક હોય તો પણ આ લડતોની અસર સમગ્ર દેશ પર થઇ હતી. આ લડતોનું જે લોકો નેતૃત્વ કરતા હતા તેમાના મોટા ભાગના રાષ્ટ્રીય કક્ષાએ પણ સંગ્રામને દોરવણી આપનારા હતા. ગાંધીજીના આગમન પછી કિસાનોને ગળીના ઉત્પાદન માટે ફરજ પાડતો ધારો તેમજ તે સામેનો સંગ્રામ બિહારમાં લડવામાં આવ્યો. આમ છતાં આ લડતની અસર સમગ્ર દેશ પર થઇ હતી. ડો. રાજેન્દ્રપ્રસાદ તથા આચાર્ય ક્રિપલાની જેવા લોકોએ આ લડતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ બધા નેતાઓ જ રાષ્ટ્રીય ફલક પર પણ મોટી પ્રતિભાઓ તરીકે પછીથી ઉભરી આવ્યા હતા. બારડોલી સત્યાગ્રહના સરદાર સમગ્ર દેશના સરદાર તરીકે પ્રસ્થાપિત થયા હતા. આ રીતે જુદા જુદા રાજ્યોના આવા સ્વાતંત્ર્ય સંગ્રામ થકી રાષ્ટ્રીય ચળવળનું  એક મજબૂત માળખું બન્યું હતું. પદ્ધતિઓમાં ફેરફાર હોઈ શકે પરંતુ મૂળ ભાવનાનું બળ સૌને એક તાંતણે બાંધતું હતું. શુદ્ધ ભાવે થયેલા સત્યાગ્રહ એળે ગયા નથી તેની ઇતિહાસ સાક્ષી પુરે છે. સામાજિક જાગૃતિના આ સમયમાં કેટલીક પ્રાદેશિક લડતોએ મહત્વનો રંગ પૂર્યો હતો. સૌરાષ્ટ્રમાં થયેલી સ્વાતંત્ર્ય માટેની લડતોનું મૂલ્યાંકન પણ આ સંદર્ભમાં કરવું જોઈએ. 

                    સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને સૌરાષ્ટ્રમાં થયેલી લડતો એ દેશના સ્વાતંત્ર્ય ઇતિહાસની એક મહત્વની કડી છે. સૌરાષ્ટ્રની એક ખાસ પરિસ્થિતિ હતી. બ્રિટિશ હકુમત ઉપરાંત બસ્સોથી વધારે દેશી રજવાડાઓ અહીં વંશપરંપરાગત રીતે શાસન કરતા હતા. તેમાંથી કેટલાક આપખુદ દેશી રાજ્યોના નિરંકુશ નિર્ણયો લોકોને પરેશાન કરતા રહેતા હતા. અમુક રાજ્યોમાં ન્યાયિક પ્રક્રિયાનું કોઈ ખાસ માળખું ન હતું અથવા તો નામમાત્રનું હતું. આથી સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓને હિસ્સે કપરું કામ આવેલું હતું. આવી કપરી સ્થિતિમાં દમનના કોરડા સામે ટકી રહીને સૌરાષ્ટ્રના જે સ્વાતંત્ર્ય સંગ્રામ લડાયા તેની કડીબદ્ધ વિગતો જોવી અને જાણવી રસપ્રદ છે. વિદુષી જયાબહેન શાહે આ બાબતમાં સારી એવી જહેમત લઈને વિગતો પ્રકાશિત કરી છે(સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો. પ્રકાશન: સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટ). સૌરાષ્ટ્રની આ લડતોનો ઇતિહાસ લખવામાં બીજા અનેક લેખકો-ઇતિહાસવિદોએ પણ મહત્વનું યોગદાન આપેલું છે. સરકારે જયારે સ્વાતંત્ર્ય સૈનિકો માટે તામ્રપત્ર તથા પુરસ્કાર આપવાની યોજના કરી ત્યારે પણ એક યાદી તૈયાર થઇ. પરંતુ પુરસ્કાર લેવા માટે ન આવનાર સત્યાગ્રહીઓની પણ સારી એવી સંખ્યા છે. આથી ઇતિહાસવિદોના કામનું એક આગવું મહત્વ છે. આમ હોવા છતાં એટલું ચોક્કસ કહી શકાય કે આ સત્યાગ્રહો લોકોને કટિબદ્ધ કરવામાં તથા શાસન પાસેથી ન્યાયની અપેક્ષા રાખીને તે માટે અવાજ ઉઠાવવાની નિર્ભયતા પ્રજા માનસમાં ઉભી કરી હતી. દબાયેલા કે કચડાયેલા વર્ગના અસંખ્ય લોકોનો અસરકારક અવાજ આવી લડતોના માધ્યમથી પ્રગટ્યો હતો. આ ઉપરાંત ભવિષ્યમાં સ્વાધીન ભારતના વહીવટમાં ઉપયોગી થઇ શકે તેવા આગેવાનોનું નિર્માણ આ લડતો થકી થઇ શક્યું હતું. સર્વ શ્રી ફૂલચંદભાઈ શાહ, બળવંતભાઈ મહેતા, નારણદાસભાઈ ગાંધી, નાનાભાઈ ભટ્ટ, દર્શક, રતુભાઇ અદાણી, ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી, દરબાર ગોપાલદાસ, ઇસ્માઇલભાઈ નાગોરી, જોરસિંહ કવિ, પુર્ણિમાબહેન પકવાસા, મણિલાલ કોઠારી જયમલ્લ પરમાર તેમજ નિરંજન (નાનભા) વર્મા જેવા અનેક ધન્યનામ લોકોએ આ સત્યાગ્રહી સંઘર્ષોની ધુરા સાંભળી હતી. જે જે સ્થળોએ આ લડતો ચાલી ત્યાં વ્યાપક જનજુવાળ ઉભો કરવામાં તેને સફળતા મળી હતી. સામાન્ય રીતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં તે સમયે બહેનો ઘરની બહાર નીકળે તેવી પણ સામાજિક સ્થિતિ કે પ્રથા ન હતી. આવા સામાજિક સંદર્ભમાં બહેનો પણ મોટી સંખ્યામાં લડતોમાં જોડાય અથવા લડતોને બળ અને પ્રોત્સાહન મળે તેવી વ્યવસ્થા સ્વેચ્છાએ કરે તે અસાધારણ ઘટના હતી. ઝવેરચંદ મેઘાણીની સંગ્રામ ગીતોની નાની પુસ્તિકા ‘સિંધૂડો’ પ્રકાશિત થઇ અને તેના ગીતો ગામડે-ગામડે ગુંજવા લાગ્યા. બ્રિટિશ સરકારે આ પુસ્તિકા પર પ્રતિબંધ મુક્યો. પરંતુ સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેની અસંખ્ય નકલો તૈયાર કરીને ગામેગામ પહોંચાડી. સરકારનો પ્રતિબંધ નિરર્થક બની રહ્યો. જુસ્સાને જાગૃત કરનારા ‘સિંધૂડો’ના કાવ્યો લોકભોગ્ય બન્યા હતા. અહીં નિર્ભયતા તથા સમર્પણનો જુસ્સો હતો. ભયને અહીં સ્થાન ન હતું. મેઘાણીએ લલકાર્યું:

બીક કોની? બીક કોની?

બીક કોની? માં તને,

ત્રીસ કોટી બાળકોની

ઓ કરાડી મા તને.

વસંત ગઢવી

તા. ૨ ડિસેમ્બર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑