સંસ્કૃતિ:ધૂણીધખાવીનેબેઠેલાસુયોગ્યશ્રોતા: છેલભાઈવ્યાસ.

મનરૂપી મૃગલાને મારો,

મામદ કે મનરૂપી મૃગલાને મારો રે…

               સમજવામાં થોડી મુશ્કેલ બને તેમ છતાં શાસ્ત્રોની ખુબ જ ઉપયોગી વાત થોડા જ શબ્દોમાં ઉપરની પંક્તિઓમાં જોવા મળે છે. ભગવત ગીતાનો શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદ આ સંતવાણીની વાતના સંદર્ભમાં તાજો થાય છે. કુરુક્ષ્રેત્રની યુદ્ધભૂમિમાં બાળ-સહજ જિજ્ઞાસા ધરાવતા મિત્ર અને ભક્ત અર્જુનને “મન એવ મનુષ્યાણાં કારણ  બંધ મોક્ષયો” માં કૃષ્ણ જે વાત કરે છે તે જ વાતને આપણી સંતવાણીનો સાધક મામદ કેવી સરળતાથી ઉપરની પંકિતઓમાં કહી જાય છે ! લાઠીમાં વર્ષો પહેલા તાલુકા વિકાસ અધિકારી(TDO) તરીકે ફરજ બજાવતા ગુણવંત શ્રીધરાણી તાલુકાની ભજનમંડળીઓનો મેળો કરે એટલે જાણે કે અંધારી રાત્રિઓ પણ ઘરેણાં પહેરીને ઉભી હોય તેવી દિવ્ય અને પ્રકાશિત લાગે. “આજ અંધાર ખુશ્બો ભયો લાગતો” એવા પ્રહલાદ પારેખનો કવિતામય ભાવ મનમાં ઉગે. આવી માર્મિક વાતો સાંભળવી અને માણવી ગમે પરંતુ આવી બધી વાતો કોણ કરે? કરે તો કોણ સાંભળે?

વાતડિયું વગતાળિયું વધીને

વડ થયું, ચંગા માડુએ

ન પૂછિયું તેથી દલજી દલ મેં રીયું.

                   આજની આ કપરી સ્થિતિમાં શ્રવણ-સંપદાના ગિરી શિખર જેવા છેલભાઈની સ્મૃતિ મનમાં થતાં જ મનમાં પ્રસન્નતાનો ભાવ jage છે. તેમ થવાનું કારણ પણ છે. પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં બેસીને લગભગ ચાર દાયકાથી સાહિત્ય શ્રવણ કરનાર છેલભાઈ દરેક વક્તા અને કવિ તથા કથાકારને ‘પ્રસન્ન અને પ્રશાંત’ ચિત્તે સાંભળે છે. છેલભાઈ પોતાના શ્રવણ વિજ્ઞાન અંગે કંઈક લખે તેવા મોરારીબાપુ અને રૂપાલા સાહેબના સ્નેહાગ્રહથી “શ્રવણ-સંપદા”નું સર્જન થયું અને પ્રવીણ પ્રકાશને આ પુસ્તકનું સુંદર પ્રકાશન ૨૦૨૨માં કર્યું. બાપુએ પુસ્તકના વધામણાં કર્યા અને અનેક સાહિત્યરસિકોના હાથમાં આ પુસ્તક આવ્યું. સુખદ સંભારણાના અનેક પ્રસંગો તથા વાતો પ્રવાહી ભાષામાં વાંચવા મળ્યા. પીઝા અને પાસ્તાના યુગમાં લાપસીનાં આંધણ મુકાયા અને પીરસાયા. બહુશ્રુત છેલભાઈ મળવા જેવા અને મળીને માણવા જેવા મર્મી છે. સ્નેહાળ છે. સ્નેહ બાંધીને તેને જતનથી જાળવનારા છે. કાગધામ(મજાદર)ના વાર્ષિક કાર્યક્રમમાં પણ સૌ કાગડોળે છેલભાઈની રાહ જુએ છે. હું પણ તેમાંનો એક ખરો. કાગચોથે ડાલામથ્થા સર્જક કવિ કાગની સ્મૃતિમાં યોજાતો આ કાર્યક્રમ મોરારીબાપુની અચૂક ઉપસ્થિતિને કારણે વિશેષ ગરિમાપૂર્ણ બને છે. દર વર્ષે નિરંતર કાગ સાહિત્યના પ્રેમીઓ અહીં ભેગા થાય છે. કાગના વેશમાં આવેલા માનસરોવરના હંસને ભાવથી યાદ કરે છે.

                   છેલભાઈના મોટાભાઈ રાજ્ય સરકારની સેવામાં મુખ્યત્વે મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા હતા. સાધુચરિત અધિકારી પ્રીતમભાઇ વ્યાસ તેમની નિષ્ઠા તથા વિધ્વતાના કારણે સરકારના તંત્રમાં હોય તેવા અનેક લોકો તેમજ બૃહદ સમાજમાં જાણીતા હતા. પ્રેરણાના સ્ત્રોત સમાન પ્રીતમભાઈની બદલી એક સ્થળેથી બીજા સ્થળે થાય એટલે છેલભાઈને પણ સૌરાષ્ટ્રના જુદા જુદા સ્થળોએ અભ્યાસ કરવાની તક મળી. છેલભાઈના પિતા કથાકાર હતા. આસપાસના વિસ્તારમાં તેમની વિધ્વતા તથા સૌજન્યને કારણે જાણીતા અને માનીતા હતા. શાંત-સૌમ્યપણે કથાપ્રવાહ વહેતો રહે. સાંભળનારા સતત ભીંજાતા રહે. આપણા ગામડાઓની આ પેઢીઓ જૂની પ્રથા હતી. સંસ્કારની આ નાની નાની પરબો સમાન પધ્ધતિએ પ્રજાનું કાઠું ઘડવામાં મોટી મદદ કરી છે. આ કથાકારોએ કોઈ મોટા ડેમની કેનાલ જેવું કામ કર્યું છે. શાસ્ત્રોના અગાધ જલરાશિ જેવા ડેમ કે સરોવરનું મીઠું અને સ્વસ્થ પાણી તેમણે લોકદ્વારે પહોચાડ્યું છે. છેલભાઈની શ્રવણગાથાનું આ ઉજળું મંગલાચરણ છે. સંતસાહિત્ય તથા સંતવાણી એ પણ આ પરંપરાના જ ઉજળા આયુધો સમાન છે. મેરુ ડગે તો પણ વિચલિત ન થાય તેવા દિગ્ગ્જ લોકોનો અહીં મહિમા છે. ગંગા સતીએ ગાયું છે:

મેરુ તો ડગે પણ જેના મન ના ડગે

મરને ભાંગી પડે ભરમાંડ રે

વિપત પડે પણ વણસે નહિ

એ તો હરિના જનના પ્રમાણ રે.

                  લોકોનું સ્વસ્થ મનોરંજન કરવા માટેનું એક મહત્વનું માધ્યમ લોકનાટ્ય કે ભવાઈ હતું. કેટલાક ગામોમાં તો ગામના જ યુવાનો એ અવેતન અને સ્વૈચ્છીક કલાકારો હતા. નવરાત્રીના શુભ પર્વોમાં ગામના ચોકમાં વિવિધ ખેલ કરતા. આપણે સૌએ આવા ભવાઇના વેશની કાવ્યપંક્તિઓ તથા સંવાદો સાંભળ્યા છે. 

આવ્યો વેશ ધરીને વિચિત્ર

તમે હુકમ ફરમાવો મારા મિત્ર.

વહાલી વીજળીને કેમ લાગી વાર?

સ્વામી સજવા રહ્યાતા શણગાર.

                   આપણી જૂની ફિલ્મોમાં ગીતોનું એક આગવું મહત્વ અને સ્થાન હતા. આ ફિલ્મોમાં ગીતોનું પ્રાધાન્ય હતું. ભવાઈમાં પણ ગીતોનું પ્રાધાન્ય રહે. ગીતોને દાદ દેનાર લોકોનો પણ એક મોટો ઉત્સાહી વર્ગ છે.

સાયબો મારો ગુલાબનો છોડ

હું તો લીલી લવિંગડી.

                          ફરમાઈશનો દોર અહીં ચાલે. એક ફરમાઈશ ચાલતી હોય ત્યાં બીજી ફરમાઈશ આવે. રૂમાલમાં થોડા સિક્કા બાંધીને ભવાઇના પટમાં ઘા કરવામાં આવે. આવી તથા બીજી અનેક સુખદ સ્મૃતિઓને તાજી કરવામાં છેલભાઈના લખાણોએ મહત્વનું પ્રદાન કર્યું છે.

                     ગુજરાત રાજ્યની સ્થાપનાના વર્ષમાં-૧૯૬૦-જૂનાગઢ અને ત્યાંની સુપ્રસિદ્ધ સંસ્થા બહાઉદ્દીન કોલેજની છેલભાઈએ લખેલી સ્વાનુભવની વાતો માણવી ગમે તેવી છે. તખ્તસિંહજી પરમાર-ગુરુજી તેમજ કવિ રાજેન્દ્ર શુક્લ તથા કવિ મનોજ ખંડેરિયા જેવા સ્વનામધન્ય લોકોના કામની તથા તેમની અમાપ શક્તિની અહીં ઝાંખી થાય છે. આ બંને કવિઓ ઉપરાંત ઇમામુદ્દીનખાન ‘રુસ્વા’ તેમજ સરોદ જેવા મોટા ગજાના સર્જકો પણ અહીં વાતોના વહેતા પ્રવાહમાં વણાયા છે. આજ રીતે જૂનાગઢના લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના એ સૌરાષ્ટ્રની સરકારનું એક મહત્વનું પગલું હતું. તે વાતનો સુખદ સંદર્ભ છેલભાઈની વાતમાં મળે છે. રતુભાઇ અદાણી અને જયમલ્લ પરમાર જેવા લોકસાહિત્યના મર્મીઓ થકી સંસ્થાનું નિર્માણ થયું હતું. વિદ્યાલયના પ્રાણ સમાન કવિ દુલા ભાયા કાગ અને મેરૂભાની સમયાંતરે હાજરીથી વિદ્યાલયની શોભા વધતી હતી. આ લોકસાહિત્ય વિદ્યાલયે લોકસાહિત્યના કલાકારોનું ઘડતર કરવામાં અનોખી ભૂમિકા ભજવી છે. છેલભાઈએ આવી માણવા જેવી વાતો કાળજીથી લખીને આપણાં ઉપર ઋણ ચઢાવ્યું છે.

વસંત ગઢવી

તા. ૨૯ નવેમ્બર ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑