:જીવદયાનાઆજીવનઉપાસકો:

  સર્વ ભૂત હિતે રતા: એવું શાસ્ત્રોનું વિધાન છે. જીવમાત્ર તરફ સમભાવ અને મમભાવનો એક અનોખો મહિમા છે. પરંતુ આજના કપરા કાળમાં પણ કોઈ આપણી નજર સામે આવું કામ સહજપણે જ કરે તો મનમાં આદર તથા પ્રસન્નતાના અનોખા ભાવ પ્રગટ થાય છે. જીવદયાના આવા એક કાર્યની પ્રતીતિ પૂજ્ય આઈ શ્રી હાંસલબાઈમાના આશીર્વાદથી થતી જોઈ. રતડીયા (તા. મંડાવી-કચ્છ) ગામની તથા સમગ્ર કચ્છની શોભા સમાન હાંસલબાઈમાએ દયા તથા મમતાના સઁસ્કાર વહાવ્યા છે. માના બે સમર્પિત સેવિકાઓ-ખીમશ્રીમા તથા ધનબાઈમા-આજે પણ હાંસલબાઈમાની ઉજળી જ્યોતને ઉન્નત રાખીને બેઠા છે. કોઈ પ્રચાર નહિ. પ્રસિદ્ધિનો કોઈ મોહ નહિ. ભજન કરવું અને ભોજન કરાવવું એ જ આ બંને માતાજીઓનો જીવનમન્ત્ર છે. હાંસલબાઈમાની એ જ શિક્ષા તથા દીક્ષા છે. અમારા ફાઉન્ડેશનના સાથી તથા આઈ હાંસલબાઈમાના આજીવન સેવક ભાઈ માવજીભાઈ બારૈયા એ એક સરસ વાત કરી. આ વાત સતત મનમાં રહી અને તેની ખુશીનો પણ એક કેફ રહ્યો. માવજીભાઈએ કહ્યું કે માતાજીની સાત એકર જમીન જે રતડીયાથી ચારેક કિલોમીટર દૂર છે ત્યાં ગૌચર માટે ઘાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઘાસ તૈયાર થયું. કચ્છમાં પશુઓ માટેનો ઘાસચારો મેળવવો તે મોંઘુ તથા મુશ્કેલ કાર્ય ગણાય છે. હાંસલબાઈમાના સંસ્કારથી ઘડાયેલા બંને માતાજીઓએ આ સાત એકર જમીનમાં થયેલો ઘાસચારો મૂંગા પ્રાણીઓ માટે કોઈ અપેક્ષા સિવાય ઉપયોગ કરવાનો નીર્ધાર કર્યો. નવરાત્રી પહેલાની આ ઘટના છે. આજે અનેક સમાચાર મનમાં નિરાશા કે ઉદાસીનતાનો ભાવ પ્રગટાવે તેવા મળતા હોય છે. આવા કપરા માહોલમાં આ સમાચાર મનમાં એક શ્રદ્ધા તથા નિષ્ઠાનો ભાવ પ્રગટાવે છે. આઈ શ્રી સોનલ શતાબ્દી મહોત્સવની ભવ્યતામાં વૃદ્ધિ કરે તેવો આ બનાવ છે. નજર સામે છે. કોઈ કથા કથિત ઘટના નથી. રતડીયા આસપાસના ડોણ તથા રાજડા ગામના અનેક પશુઓએ આ ઘાસનો ઉપયોગ કર્યો અને મૂંગા જીવોની અમૂલ્ય આશિષ પણ મળી. ખીમશ્રીમા અને ધનામા  હાંસબાઈ માતાજીના સંસ્કારનો કિલ્લો સાચવીને બેઠા છે. સ્વયં ઘસાઈને થયેલી આ પરોપજીવી ઘટનાના સંદર્ભમાં ભગતબાપુના ઉજળા શબ્દો સ્મૃતિમાં આવે છે.

આપ બળે પર ઓલવે

લેતા લડથડિયા,

એવા ઘડનારે ઘડિયા,

કોક કોક માનવ કાગડા.

               પૂજ્ય આઈ શ્રી સોનલબાઈમાની શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે. માતાજી તરફના અનોખા ભાવનું તેમાં દર્શન થાય છે. રતડીયાની આ ઘટના આ ઉજવણીની ઉજળી સાંકળનો એક ભાગ છે. બ્રહ્માર્પણ કરવાના આ જોગમાયાઓના સઁસ્કાર થકી જ સમગ્ર સમાજે આ માતાજીઓને આદરના ઊંચા સિંહાસને બેસાડ્યા છે. આઈ હાંસલબાઈમાના ગોખલે ટમટમતા આ તેજસ્વી દીવડાઓ ગાઢ અંધકારને પણ પડકારી શકે તેવા શક્તિશાળી છે. આત્માના તેજે પૃથ્વીને શણગારે તેવા આ તેજલિસોટા છે. બળદેવભાઈ નરેલાના સુંદર શબ્દો માતાજીઓની ઉજળી પરંપરાને અર્પણ કરીએ.

દેવી છે દયાળુ એના

થાન કે મળે છે થાળી,

આત્માના તેજે પૃથ્વી ઉજાળી…

રે માતાજી તારી મૂર્તિ.

મઢડામાં ભાળી મેં મર્માળી

રે માતાજી તારી મૂરતિ.

વસંત ગઢવી

તા. ૨૧ નવેમ્બર ૨૦૨૩      

Leave a comment

Blog at WordPress.com.

Up ↑